You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ખુલા' હેઠળ મુસલમાન મહિલાઓ તેના પતિને તલાક આપી શકે?
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ઇસ્લામિક કાયદા ‘ખુલા’ હેઠળ મુસલમાન મહિલાઓને તેના પતિને તલાક આપવાનો અધિકાર છે?
કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતાં જણાવ્યું હતું કે ઇસ્લામિક કાયદો મુસલમાન મહિલાઓને તેના પતિને તલાક આપવાની પરવાનગી આપે છે.
વાસ્તવમાં અદાલતે એક મુસલમાન મહિલાને તેના પતિથી તલાક લેવાની મંજૂરી આપી હતી અને અદાલતના એ આદેશ બાબતે મહિલાના પતિએ પુર્નવિચાર અરજી દાખલ કરી હતી.
તે અરજીને ફગાવી દેતાં કેરળ હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિની ખંડપીઠે મહિલાઓ દ્વારા 'ખુલા' હેઠળ આપવામાં આવેલા તલાકના અધિકારને માન્ય રાખ્યો હતો.
અદાલતે કહ્યું હતું કે “પતિની સહમતિ વિના કોઈ મહિલા પોતાની ઇચ્છાથી તલાક લઈ શકે કે નહીં એ વિશે દેશમાં કોઈ વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિમાં અદાલત માને છે કે પતિની સહમતિ વિના પણ કોઈ મહિલા 'ખુલા'નો ઉપયોગ કરી શકે છે.”
ચુકાદા સામે વાંધો
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે (એઆઈએમપીએલબી) આ ચુકાદાને અસ્વીકાર્ય ગણાવ્યો છે.
એઆઈએમપીએલબી મુસલમાનોની ધાર્મિક સંસ્થા છે. તે ધાર્મિક બાબતોમાં મુસલમાનોને સલાહ આપે છે અને તેમના ધાર્મિક હિતના રક્ષણનો દાવો કરે છે.
એઆઈએમપીએલબીએ પ્રસ્તુત ચુકાદા સામે વાંધો લેતાં જણાવ્યું હતું કે મુસલમાન મહિલાઓ 'ખુલા' હેઠળ તેના પતિની સહમતિથી જ તલાક લઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એઆઈએમપીએલબીના મહામંત્રી મૌલાના ખાલીદ સૈફુલ્લા રહમાની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અદાલતે જે ચુકાદો આપ્યો છે તે કુરાન અને હદીસ અનુસારનો નથી. તે ધાર્મિક ઉલેમાઓની ઇસ્લામિક વ્યાખ્યા મુજબનો પણ નથી.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 'ખુલા' હેઠળ પત્ની એકતરફી રીતે તલાક આપી શકે નહીં. તે માટે પતિની સહમતિ જરૂરી છે. કેરળ હાઈકોર્ટના ચુકાદાને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.
એઆઈએમપીએલબીની આ ટિપ્પણી સામે મહિલાઓના અધિકાર માટે કામ કરતી કેટલીક સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
વરિષ્ઠ પત્રકાર અને લેખક ઝિયા-ઉલ-સલામે કહ્યું હતું કે “કુરાન મહિલાઓને 'ખુલા'નો અધિકાર આપે છે અને કેરળ હાઈકોર્ટે તેનો આદર કરીને પ્રસ્તુત ચુકાદો આપ્યો છે.”
મહિલા અધિકારો સંબંધી અનેક સંસ્થાઓએ પ્રસ્તુત ચુકાદાને શરીયત અનુસારનો ગણાવ્યો છે.
ચુકાદા વિશેના પ્રતિભાવ
દિલ્હીમાં રહેતાં આયશા (નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી પતિથી અલગ રહે છે.
બે સંતાનનાં માતા આયશાએ કહ્યું હતું કે “મને બે પત્ર મોકલવામાં આવ્યા હતા, તેમાં મારા પતિએ મારા પર આક્ષેપ કર્યા હતા અને 'ખુલા' માગ્યા હતા. ત્રીજો પત્ર આવ્યો ત્યારે મેં તેનો અસ્વીકાર કર્યો હતો. તેમ છતાં મારા પતિ દાવો કરે છે કે મુસ્લિમ કાયદા અનુસાર અમારા તલાક થઈ ચૂક્યા છે.”
તેમણે સવાલ કર્યો હતો કે મને ખુલા આપવામાં આવ્યો હોય તો એ પહેલાં મારી સાથે કોઈ વાતચીત પણ થઈ ન હતી, જે પ્રક્રિયા થવી જોઈતી હતી તે ક્યાં થઈ છે?
આયશાએ ઉમેર્યું હતું કે કોર્ટે મુસલમાન મહિલાઓને તલાકની મંજૂરી આપવી જોઈએ. મોદી સરકાર ટ્રિપલ તલાક કાયદો લાવી છે તેવી જ રીતે આવા તલાક ખતમ થવા જોઈએ.
મુસલમાનોમાં તલાક-એ-બિદ્દત એટલે કે ઈન્સ્ટન્ટ તલાકને ગેરકાયદે ગણાવતો મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) કાયદો – 2019 બનાવવામાં આવ્યો છે.
ઈકરા ઇન્ટરનેશનલ વીમેન અલાયન્સ નામની સંસ્થાનાં કર્મશીલ અને મુસલમાન મહિલાઓના સશક્તીકરણ માટે કામ કરતાં ઉઝ્મા નાહિદનું કહેવું છે કે તલાક આપવાનો અધિકાર પુરુષનો છે, જ્યારે ખુલા લેવાનો અધિકાર મહિલાનો છે.
તેમણે જણાવ્યું હતું કે તેમની સમક્ષ એવા 500 મામલા છે, જેમાં મહિલાઓને 'ખુલા' હેઠળ તલાક મળી રહ્યા નથી અથવા તો તલાકનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઇસ્લામનો યોગ્ય ઉપયોગ ન થતો હોય એવું લાગે છે.
તેમણે કહ્યું હતું કે “કેરળ હાઈકોર્ટમાં જે કેસ આવ્યો હતો તે શરીયત વિરુદ્ધનો નથી અને તે ઇસ્લામિક શરિયાને પડકારતો પણ નથી.”
મુસલમાન મહિલાઓના સશક્તીકરણ માટે કામ કરતી આવાઝ-એઃ ખવાતીન નામની સંસ્થાના ડિરેક્ટર રત્ના શુક્લ આનંદે જણાવ્યું હતું કે મહિલાઓને સમાન અધિકારો મળવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે “મહિલાની સહમતિ વિના કોઈ પુરુષ તલાક લેવાની પહેલ કરી શકે તો મહિલાઓને પણ તેમના પતિ સાથેનો સંબંધ તોડવાનો અધિકાર હોવો જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું કે “મહિલાઓનું સન્માન તથા ગૌરવ જાળવવા માટે એ જરૂરી છે કે ઇસ્લામમાં આપવામાં આવતા દરેક પ્રકારના તલાક પર પ્રતિબંધ મૂકવામાં આવે અને તલાક માત્ર અદાલત મારફત જ થશે તેવો કાયદો બનાવવામાં આવે. ઇસ્લામનો દરેક જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો હોવાથી પણ આમ કરવું જરૂરી છે.”
તેમના જણાવ્યા મુજબ, એઆઈએમપીએલબી તમામ મુસલમાનોનું નહીં, પણ માત્ર પુરુષો પૂરતું મર્યાદિત થઈ ગયું છે. બોર્ડ દરેક બાબત એ રીતે દર્શાવે છે કે ઇસ્લામ માત્ર પુરુષો માટે છે અને તેમને જ તમામ અધિકાર છે.
બધી જવાબદારી મહિલાઓ પર છે, જે યોગ્ય નથી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે “પુરુષની સહમતિ વિના ખુલા શક્ય નથી એ વાત સાચી, પણ પુરુષને તેમાં ના પાડવાનો અધિકાર નથી એ વાત પણ એટલી જ સાચી છે.”
તેમણે કહ્યું હતું કે “કુરાનમાં સૂરહ અલ-બકરામાં લખવામાં આવ્યું છે કે કોઈ મહિલા તેના પતિને અલગ થવા માટે કંઈક આપીને, મેહર આપવામાં આવી હોય તો તે પાછી આપીને અને મેહર ન મળી હોય તો તેના પરનો પોતાનો દાવો જતો કરીને ખુલાની માગણી કરી શકે છે, કારણ કે પતિ મહિલાને લગ્નના બંધનમાંથી મુક્ત કરતો નથી, પણ મહિલા આઝાદી ઇચ્છે છે. આ તલાક મહિલાની પહેલને લીધે થઈ રહ્યા છે.”
તલાક બાબતે શું કહેવામાં આવ્યું છે?
આ વાત સમજવા માટે અમે ઝિયા-ઉસ-સલામ સાથે વાત કરી હતી. તેમણે ઇસ્લામમાં મહિલાઓના અધિકારો વિશે અનેક પુસ્તકો લખ્યાં છે.
તેમણે સમજાવ્યું હતું કે કુરાનમાં તીન તલાકની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે તલાક-એ-અહસનમાં પતિ એક જ વારમાં જ તલાક આપી દે છે.
એ દરમિયાન પતિ-પત્ની ત્રણ મહિના સાથે રહે છે. તેને ઈદ્દતનો સમય કહેવામાં આવે છે. ત્રણ મહિનાના સહવાસ દરમિયાન તેમની વચ્ચેનો સંબંધ સામાન્ય થઈ જાય તો પતિ તેણે આપેલા તલાક પાછા લઈ લે છે અને તલાક ખતમ થઈ જાય છે.
તલાક આપ્યા પછી ઈદ્દત દરમિયાન પતિ-પત્નીને પોતાની ભૂલ સમજાય જાય અને બન્ને સાથે જીવન પસાર કરવાનું નક્કી કરે તો તેઓ ફરીથી નિકાહ કરી શકે છે. એવું ન થાય તો તલાક કાયમી રહે છે.
આ બે સિવાય તલાકનો ત્રીજો પ્રકાર ખુલા છે, જેમાં પત્નીને તલાક આપવાનો અધિકાર હોય છે.
સુપ્રીમ કોર્ટમાં તલાક-એ-અહસન હેઠળના એક કેસની સુનાવણી ચાલી રહી છે. તેમાં ત્રણ મહિનાના ગાળામાં ત્રણ વખત તલાક આપવામાં આવે છે.
ઝિયા-ઉસ-સલામે કહ્યું હતું કે “મહિલાઓને માસિક આવ્યું હોય ત્યારે તેને તલાક આપી શકાય નહીં, એવું કુરાનમાં પણ જણાવવામાં આવ્યું છે, કારણ કે એ સમયગાળામાં મહિલા શારીરિક તથા માનસિક રીતે થાકેલી હોય છે. તેથી એ સમયગાળામાં તેમને તકલીફ આપવી ન જોઈએ, એવું માનવામાં આવે છે.”
જાણકારોનું કહેવું છે કે મહિલાઓમાં તેમના અધિકાર બાબતે છેલ્લાં 15 વર્ષમાં જાગૃતિ આવી છે, પરંતુ પિતૃસત્તાત્મક વિચારધારા કોઈ મહિલા છોકરી હોય ત્યારથી જ તેના દિમાગમાં ઠોકી બેસાડવામાં આવે છે. છોકરીઓને તેમનાં કર્તવ્ય બાબતે જણાવવામાં આવે છે, પરંતુ તેમને તેમના અધિકારોથી વાકેફ કરવામાં આવતી નથી.
જોકે, તાજા કેસને ડિસોલ્યુશન ઑફ મુસ્લિમ મૅરેજ ઍક્ટ, 1939 હેઠળ પડકારવામાં આવ્યો છે.
આ મામલે અદાલતે કહ્યું હતું કે “આ એક એવી પુનર્વિચાર અરજી છે, જેમાં મહિલાની ઇચ્છાને પુરુષની ઇચ્છાથી ઊતરતી પ્રસ્તુત કરવામાં આવી છે. પુનર્વિચારની આ અરજી, કોઈ નિર્ણયથી પ્રભાવિત અરજદારની અરજીને બદલે મુલ્લા-મૌલવીઓ અને મુસ્લિમ સમાજની પુરુષવાદી વિચારસરણી હોય તેવું લાગે છે. મુસ્લિમ સમાજનો આ વર્ગ મુસ્લિમ મહિલાઓ દ્વારા કાયદાના દાયરાની બહાર ખુલાની પ્રથાના એકતરફી ઉપયોગને પચાવી શકતો નથી.”