You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં હિજાબનો વિરોધ : 50 દિવસમાં લોકોના મનમાંથી નીકળી ગયો સરકારનો ડર
પોલીસ કસ્ટડીમાં એક મહિલાના થયેલા મૃત્યુથી ઈરાનમાં 50 દિવસ પહેલાં વિરોધપ્રદર્શન શરૂ થયું હતું, 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અહીંની સરકાર માટે આ સૌથી મોટો પડકાર બન્યો છે.
ઈરાનમાં 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુ સામે પ્રતિક્રિયા રૂપે પ્રદર્શન શરૂ થયું હતું. તેહરાનની મોરાલિટી પોલીસે કથિત રીતે ‘હિજાબ’ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં મહસા અમીનીની અટકાયત કરી હતી અને પછી તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
ઈરાનના કડક કાયદા પ્રમાણે મહિલાઓએ ફરજિયાતપણે હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવો પડે છે.
ત્યાર પછી પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોની કડક કાર્યવાહીને અવગણીને વિરોધ ચાલુ રાખ્યો છે.
હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ)એ તેમની વેબસાઇટ પર દાવો કર્યો છે કે, 129 શહેરમાં શરૂ થયેલા પ્રદર્શનમાં સુરક્ષાદળોની કાર્યવાહીથી અત્યારસુધીમાં 298 લોકોનાં મૃત્યુ થયાં છે અને 14 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આંકડા બે નવેમ્બર સુધીના છે.
વિરોધ ક્યાં સુધી ચાલુ રહેશે, તે અંગે સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે. પરંતુ ઈરાનમાં રહેતા લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે આ પ્રદર્શનથી અત્યાર સુધીમાં અહીંના લોકોના જીવનમાં પાંચ મોટા પરિવર્તન આવ્યા છે.
હિજાબથી છુટકારો
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ઈરાનની ઘણી મહિલાઓ નિયમિત રીતે માથું ઢાંકવા અંગેના દેશના કડક નિયમો તોડતી જોવા મળી હતી. ગાડીઓ પર ચઢીને મહિલાઓએ પોતાનો હિજાબ હવામાં લહેરાવ્યો હોય, એવી પણ તસવીરો જોવા મળી. સોશિયલ મીડિયામાં પણ હિજાબનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. ઈરાનનાં જાણીતાં અભિનેત્રી ફતેમહ-મોતામેદ આર્ય પણ એમાં સામેલ છે. આ ઇસ્લામિક ગણરાજ્યે તેમના ઇતિહાસમાં આટલા મોટાપાયે વિરોધ થતો જોયો નથી. કેટલીક તસવીરોમાં મહિલાઓ સુરક્ષાકર્મીઓની સામે માથું ઢાંક્યા વગર ઊભેલી જોવા મળી હતી. જોકે અધિકારીઓ હજુ પણ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે હિજાબને લઈને નિયમોમાં કોઈ બદલાવ આવ્યો નથી. ઈરાનની મોરાલિટી પોલીસના પ્રવક્તા અલીખાન મોહમ્મદીએ 30 ઑક્ટોબરે એક સમાચાર વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હિજાબ ન પહેરવું એ હજુ પણ કાયદાની વિરુદ્ધ છે.” જોકે આ પ્રતિબંધ ઈરાનની મહિલાઓને ડરાવવામાં સફળ રહ્યો નથી. એક 69 વર્ષીય મહિલાએ બીબીસીને જણાવ્યું કે, “જ્યારથી પ્રદર્શન શરૂ થયાં છે, તેઓ હંમેશાં હિજાબ વગર જ ઘરેથી નીકળે છે.” ઓળખ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું હતું કે, “એક દિવસ હું રસ્તા પર ચાલી રહી હતી અને ત્યારે મેં પાછળથી ગાડીના હૉર્નનો અવાજ સાંભળ્યો. મેં પાછળ વળીને જોયું ત્યારે એક નાની ઉંમરની મહિલા ગાડીમાં હિજાબ વગર ફરી રહી હતી.” “તેમણે મને દૂરથી ચુંબન કર્યું અને જીતનો ઇશારો કર્યો. મેં પણ એજ કર્યું. છેલ્લાં 40 વર્ષની સરખામણીમાં આ દેશ માત્ર 40 દિવસમાં ઘણો બદલાઈ ગયો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રંગાઈ ગયા રસ્તા અને દિવાલો
ઈરાનમાં દરેક જગ્યાએ દીવાલો પર સૂત્રો લખાઈ રહ્યા છે. લોકો દીવાલો પર લખતા વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શૅર પણ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ દીવાલોને ફરી રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જંગમાં તેઓ પ્રદર્શનકારીઓ સામે હારતા જોવા મળ્યા છે. મોટા ભાગનાં સૂત્રો દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈને નિશાન બનાવી રહ્યા છે. ઈરાનમાં પોતાના નેતા વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ભાગ્યે જ ઉપયોગ થયો છે, અને અહીંની ઇસ્લામિક સરકાર પર આટલા હુમલા પણ ક્યારેય નથી થયા. અહીં અસલી લડાઈ તો રસ્તા પર જ જોવા મળી રહી છે. પ્રદર્શન પર લાગેલા પ્રતિબંધને લોકો નજરઅંદાજ કરી રહ્યા છે, સરકારી જાહેરાતોને ફાડી રહ્યા છે અથવા તેની જગ્યાએ પોતાની તસવીર લગાવી રહ્યા છે. ઈરાની લેખક અને ઍક્ટિવિસ્ટ ઍલેક્સ શમ્સે બીબીસીને કહ્યું કે, “લોકોએ પોતાનો એક અસ્થાયી ખૂણો બનાવી લીધો છે, જ્યાં મહિલાઓ ડાન્સ કરી રહી છે અને ભીડ તેમનો જુસ્સો વધારી રહી છે. લોકો નારા લગાવી રહ્યા છે અને આ દમનનો અંત લાવવાની માગ કરી રહ્યા છે. અહીં લોકો તેમના આંદોલનની આગળની દિશા અંગે ચર્ચા કરી રહ્યા છે.” “આ પ્રદર્શન પોતે જ ઈરાની લોકો માટે સંપૂર્ણપણે એક અલગ ભવિષ્યની કલ્પના કરવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે.”
યુવાનોની તાકાત
ઈરાનનાં પ્રદર્શનોમાં વધુ સક્રિય સ્કૂલની વિદ્યાર્થિનીઓ દેખાય છે અને એચઆરએએનએનો દાવો છે કે અત્યાર સુધી આંદોલનમાં 47 બાળકોનાં મૃત્યુ થયાં છે.
જીવ ગુમાવનાર આ તરુણો હવે પ્રદર્શનનું મહત્ત્વનું પ્રતીક બની ગયા છે. નાઇકા શકરામી અને સરીના ઇસ્માઇઝદેહ સૌથી ચર્ચિત હૅશટેગ બન્યા અને અલગ-અલગ જગ્યાએ તેમની જ તસવીરો બનાવવામાં આવી રહી છે.
આ પ્રથમ વખત છે જ્યારે ઈરાનનો યુવાવર્ગ કોઈ પ્રદર્શન દરમિયાન આવી ભૂમિકા સંભાળી રહ્યો હોય.
સોશિયલ મીડિયા પર સ્કૂલના વિદ્યાર્થીઓ, ખાસ કરીને યુવતીઓના એવા કેટલાક વીડિયો છે, જેમાં તેઓ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે, સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈની તસવીરો ફાડવામાં આવી રહી છે અને સ્કૂલનાં પુસ્તકોમાં તેમની તસવીરની જગ્યાએ સુરક્ષાદળોની કાર્યવાહીમાં મૃત્યુ થનાર લોકોના ફોટા લગાવાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ શૅર થઈ રહેલા એક વીડિયોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સુરક્ષાદળના એક સભ્ય પર બૂમો પાડતા જોવા મળી રહ્યા છે. આ સુરક્ષાકર્મી સ્કૂલના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ તેમને પાછા જવા માટે કહી રહી છે.
વિરોધ સામે પાછળ રહી ગયો ડર
ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ હુસૈન સલામીએ 29 ઑક્ટોબરે પ્રદર્શનકારીઓને અલ્ટિમેટમ આપ્યું હતું.
બીબીસી ફારસી કેટલાય લોકોની આવી કહાણીઓનું સાક્ષી બન્યું, જે લોકો અમાનવીય કાર્યવાહી સામે નીડર ઊભેલા જોવા મળ્યા.
એક યુવતીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, “તેઓ તેમનાં બાળકોને બાળકોનાં નાની પાસે છોડીને આવ્યાં છે, જેથી પ્રદર્શનનો ભાગ બની શકે.”
“હું ઘણી ડરેલી હતી, પરંતુ મારાં બાળકોના સારા ભવિષ્ય માટે મારે આ કરવું જોઈએ.”
જર્મનીમાં રહેતાં ઈરાની ગાયિકા અને ઍક્ટિવિસ્ટ ફરાવઝ ફવારદિની પણ માને છે કે “લોકોનાં મનમાં પહેલાંથી જ ભરાયેલા ગુસ્સાએ ઈરાનના સમાજની હાલની પરિસ્થિતિ સાથે મળીને પ્રદર્શનને બળ આપ્યું છે.”
ફવારદિની કહે છે કે, “દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે, અહીં ઘણી રોક-ટોક પણ છે. મહાસા અમીની સાથે જે થયું એ બાદ લોકોએ અનુભવ્યું કે રાજનીતિમાં સામેલ ન થનારા લોકોને પણ કોઈ કારણ વગર મારી નાખવામાં આવે છે. મને લાગે છે કે આને ઘણા લોકોને લડવા માટે પ્રેરિત કર્યા છે.”
એકતા
આ વિરોધપ્રદર્શને ઈરાનના અલગ-અલગ ભાગમાં રહેતા લોકોમાં જે જુસ્સો ભર્યો હતો, એ અનોખો છે અને પહેલાંના આંદોલનોથી વિપરીત છે.
વર્ષ 2009માં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો પછી શરૂ થયેલા પ્રદર્શનનું નેતૃત્વ મધ્યમ વર્ગના લોકો કરી રહ્યા હતા. એ જ રીતે વર્ષ 2019ની ક્રાંતિમાં મુખ્યત્વે દેશના આર્થિક રૂપે પછાત લોકોનું યોગદાન હતું, જેમણે ઈંધણના વધતા ભાવો વિરુદ્ધ રેલી કાઢી હતી.
પરંતુ આ આંદોલન ઈરાનના અલગ-અલગ વર્ગોને એકજૂથ કરવામાં સફળ રહ્યું છે અને આ પરિવર્તન તેમનાં સૂત્રોમાં પણ જોવા મળે છે.