ચીન-જાપાન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ભારતના રસ્તેથી ચીનને મદદ કરી ત્યારે શું થયું હતું?

    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના આત્મસમર્પણને 80 વર્ષ પૂરાં થવા પર ચીને ભવ્ય વિક્ટ્રી ડે પરેડનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન તેણે પોતાનાં અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન કર્યું, જેને પશ્ચિમના દેશો, ખાસ કરીને અમેરિકા વિરુદ્ધ 'ડેટરેંટ' (હતોત્સાહિત કરવા માટેની કાર્યવાહી) સ્વરૂપે જોવાઈ રહ્યું છે.

આ પરેડમાં ઘણા દેશોના પ્રમુખો સામેલ થયા, પરંતુ સૌથી વધુ ચર્ચા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની રહી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિમિત્તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ચીનને અપાયેલી 'અમેરિકન મદદ અને અમેરિકન સૈન્યના બલિદાન'ની યાદ અપાવી.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, "સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી એ વાતનો ઉલ્લેખ કરશે કે નહીં કે અમેરિકાએ ચીનને તેની સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટે કેટલું મોટું સમર્થન અને લોહી આપ્યાં હતાં."

તેમણે લખ્યું, "ચીનની જીત માટે ઘણા અમેરિકનો મૃત્યુ પામ્યા. મને આશા છે કે તેમની બહાદુરી અને બલિદાન માટે તેમને યોગ્ય રીતે સન્માનિત અને અને યાદ કરાશે!"

એ બાદ તેમણે કટાક્ષ કર્યો, "કૃપા કરીને મારા વતી વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને પણ શુભકામના પાઠવો, જ્યાર તમે અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છો."

ખરેખર ટ્રમ્પે અમેરિકન સૈનિકોના જે સાહસની વાત કરી, તેનો ઉલ્લેખ કરવાથી ચીનની કૉમ્યુનિસ્ટ સરકાર ઘણાં કારણોથી બચે છે.

ઇતિહાસના જાણકાર જણાવે છે કે ચીન-જાપાન યુદ્ધમાં અમેરિકાએ સૈન્ય પુરવઠા સ્વરૂપે મહત્ત્વપૂર્ણ મદદ કરી હતી.

ચીન અને જાપાનનું યુદ્ધ

1931માં જાપાને ચીનના મંચૂરિયામાં આક્રમણ કર્યું અને ઘણા ચીની વિસ્તારો પર કબજો કરી લીધો.

જાપાન ચીન પર પોતાની પકડ મજબૂત કરતું ગયું, જ્યારે એ સમયે ચીન કૉમ્યુનિસ્ટો અને રાષ્ટ્રવાદીઓના ગૃહયુદ્ધમાં ફસાયેલું હતું.

પરંતુ 1937માં નાનજિંગમાં જાપાની સૈનિકોએ જે ખૂનામરકી કરી એ બાદ વ્યાપક યુદ્ધ શરૂ થઈ ગયું.

ચીનના રાષ્ટ્રવાદી નેતા ચ્યાંગ કાઈ-શેકે નાનજિંગને રાષ્ટ્રીય પાટનગર જાહેર કરી દીધું હતું. જાપાની આક્રમણ વિરુદ્ધ પ્રતિસ્પર્ધી કૉમ્યુનિસ્ટ પાર્ટી અને કોમિંતાંગે હાથ મિલાવી લીધા.

જાપાની સૈનિકોએ નાનજિંગ શહેરને પોતાના કબજામાં લઈ લીધું. અને ત્યાં હત્યા, રેપ અને લૂંટનું વ્યાપક અભિયાન ચલાવ્યું. આ ખૂનામરકી 1937ના ડિસેમ્બર માસમાં શરૂ થઈ અને 1938માં માર્ચ માસ સુધી ચાલી હતી.

નાનજિંગમાં એ સમયે ઇતિહાસકારો અને ચેરિટી સંગઠનોના અનુમાન મુજબ, અઢીથી ત્રણ લાખ લોકોની હત્યા કરાઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રેપ પણ કરાયા હતા.

જાપાને ક્યારેય પોતાના કબજા હેઠળના ચીનમાં કરાયેલા આ અત્યાચારોને સંપૂર્ણપણે ન સ્વીકાર્યા, જેમાં માત્ર ચીન જ નહીં, બલકે કોરિયા જે એ સમયનું મલાયા હતું, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા પણ હતું.

દ્વિતીય વિશ્વયુદ્ધ વર્ષ 1939માં શરૂ થયું. એક્સિસ કે ધરી જૂથ કહેવાતા જર્મનીનું નાઝી સૈન્ય, ઇટાલી અને જાપાનનું ગઠબંધન એક તરફ હતું અને ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, અમેરિકા, સોવિયેત યુનિયન અને ચીન સહિતના મિત્ર દેશનું ગઠબંધન બીજી તરફ હતું.

કોમિંતાંગના નેતા ચ્યાંગ કાઈ-શેક મિત્ર દેશો સાથે હતા.

બીજી તરફ, અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલા એક દ્વીપસમૂહ પર્લ હાર્બરમાં એક અમેરિકન નૅવી ઠેકાણા પર ભારે બૉમ્બમારો કર્યા.

સવા કલાકના આ બૉમ્બમારામાં અમેરિકાએ 2400 સૈનિકો, આઠ કૉમ્બેટ જહાજ સહિત 19 યુદ્ધપોત ગુમાવ્યાં અને 328 અમેરિકન વિમાન કાં તો નષ્ટ થયાં કાં ક્ષતિગ્રસ્ત.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધથી દૂર રહેનાર અમેરિકા આ ઘટના બાદ જંગમાં પ્રત્યક્ષપણે સામેલ થઈ ગયું.

આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર કમર આગા જણાવે છે કે, "હિંદ પ્રશાંત ક્ષેત્ર વ્યૂહરચનાત્મક રીતે અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ હતું અને જાપાન એના માટે મોટો ખતરો બની ગયો હતો."

તેઓ કહે છે કે, "અમેરિકાએ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં જાપાનને હરાવવા માટે એ તમામ શક્તિઓનો સાથ આપ્યો જે જાપાન વિરુદ્ધ લડી રહી હતી."

600 અમેરિકન ટ્રાન્સપૉર્ટ વિમાન નષ્ટ થયાં

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લૉજિસ્ટિક સહાય પહોંચાડતી વખતે હિમાલય ક્ષેત્રોમાં ઘણી વાર અમેરિકન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં.

બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસે બે વર્ષ પહેલાં આવાં મુશ્કેલી અને જોખમી અમેરિકન હવાઈ ઑપરેશનોની માહિતી ભેગી કરી હતી.

તેમના રિપોર્ટ અનુસાર, એક અનુમાન છે કે સામગ્રી પહોંચાડતાં અમેરિકાનાં લગભગ 600 માલવાહક વિમાન હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં ક્રૅશ થયાં હતાં. અમેરિકા અને ભારતીય ટીમોએ મળીને 2009માં આ દુર્ગમ વિસ્તારોમાં તપાસ શરૂ કરી અને મળેલા કાટમાળનું સંગ્રહાલય 2023માં અરુણાચલ પ્રદેશમાં બનાવાયું.

આ અકસ્માતોમાં લગભગ 1500 વાયુ સૈનિકો અને મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.

આ અભિયાન ભારતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લગભગ 42 મહિના સુધી ચાલ્યું હતું. આ અકસ્માતના હતાહતોમાં અમેરિકન અને ચાઇનીઝ પાઇલટ, રેડિયો ઑપરેટર અને સૈનિક સામેલ હતા.

આ ઑપરેશને કુનમિંગ અને ચંકિંગ (જેને હવે ચોંગકિંગ કહેવામાં આવે છે)માં ચાઇનીઝ સૈન્યનું સમર્થન કરવા માટે ભારતીય રાજ્ય આસામ અને બંગાળના એક મહત્ત્વપૂર્ણ હવાઈ પરિવહન માર્ગને જાળવી રાખ્યો.

એપ્રિલ 1942માં શરૂ થયેલા અમેરિકન સૈન્ય અભિયાને આખા રસ્તામાં 6,50,000 ટન યુદ્ધ સામગ્રી સફળતાપૂર્વક પહોંચાડી.

આ અભિયાનોમાં ચાઇનીઝ સૈનિકોને પૅરાશૂટ વડે ડ્રૉપ કરવાની કામગીરી પણ સામેલ હતી.

ચીન-જાપાન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા

અમેરિકન વિદેશવિભાગની વેબસાઇટ પર બ્રેક્સટન ઇસેલના પુસ્તક, 'ધ ફ્લાઇંગ ટાઇગર્સ : શેનૉલ્ટ્સ અમેરિકન વૉલંટિયર ગ્રૂપ ઇન ચાઇના' પુસ્તક ઉપલબ્ધ છે.

બ્રેક્સટન લખે છે કે વર્ષ 1941માં લગભગ 300 અમેરિકન સૈનિક અને કેટલાંક મહિલા નર્સોને સમગ્ર દેશનાં સૈન્ય ઠેકાણાંથી ભરતી કરાયાં, જેમને અમેરિકન વૉલંટિયર ગ્રૂપ (એવીજી) કે ફ્લાઇંગ ટાઇગર્સનું નામ મળ્યું અને તેમને મોરચા પર મોકલવામાં આવ્યાં.

એવીજીએ સમયની એક રીત હતી જેની મદદથી અમેરિકા આ ભીષણ યુદ્ધનો અનુભવ મેળવી શકતું હતું અને ધરી રાષ્ટ્રો વિરુદ્ધ લડી રહેલા મિત્ર દેશોના સમર્થનને મજબૂત કરી શકતું હતું.

બ્રેક્સટન પ્રમાણે 1932માં પણ અમેરિકાએ કર્નલ જેક જોએટના નેતૃત્વમાં પહેલા ઍરફોર્સ ફ્લાઇંગ મિશનની શરૂઆત કરી હતી.

એ સમયની ચ્યાંગ કાઈ-શેક સરકારે અમેરિકાને સ્થાનિક વિદ્રોહીઓને નિશાન બનાવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ આદેશ ન મળ્યા છતાં કર્નલ જેકે મદદ કરી અને આ જ વાત આ મિશન ઠપ થવાનું કારણ બની.

એ બાદ 1937માં અમેરિકાને ફરીથી આમંત્રિત કરાયું, એ સમયે નાનજિંગમાં તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો. અમેરિકાએ કૅપ્ટન ક્લેયર શેનૉલ્ટને તહેનાત કર્યા, જેમણે આખા ચીનમાં ઘણાં હવાઈ મથકોનાં નિર્માણ, પાઇલટ ટ્રેનિંગ, લૉજિસ્ટિક્સ, કમાન્ડ માળખું બનાવવામાં મદદ કરી અને ચીનની ઍરફોર્સ ઊભી કરી.

આ એ જ સમય હતો જ્યારે સોવિયેત સંઘે ચીનની મદદ માટે ઘણા સ્ક્વાડ્રન મોકલ્યા હતા, પરંતુ 1941માં નાઝી જર્મનીના આક્રમણ બાદ તેમણે આ મદદ બંધ કરી દીધી.

આવી સ્થિતિમાં એવીજીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ફાઇટર પ્લેનોને બર્માના રંગૂન અને ભારતથી થઈને ચીન સુધી ઉડાડવામાં આવતાં હતાં. હિમાલય ક્ષેત્ર અને ચીનના મેદાની વિસ્તારોમાં ઘણાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં અને ઘણા પાઇલટનાં મૃત્યુ થયાં.

આ દ્વિતીય વિશ્વયુદ્ધનું ચીન બર્મા ઇન્ડિયા (સીબીઆઇ) યુદ્ધ ક્ષેત્ર હતું, અને અહીં તીવ્ર લડાઈ ચાલી રહી હતી, જાપાન બર્માથી થઈને ભારત તરફ હજુ વધુ આગળ વધી રહ્યું હતું.

બ્રેક્સટને શેનૉલ્ટની આત્મકથાના હવાલાથી જણાવ્યું છે કે આ અભિયાનમાં એવીજીના 12પી-40 વિમાન યુદ્ધમાં નષ્ટ થયાં અને 61 જમીન પર નષ્ટ કરાયાં હતાં. એવીજીએ 299 જાપાની ફાઇટર પ્લેન નષ્ટ કર્યાં, જ્યારે સંભવિતપણે 153 વધુ નષ્ટ થયાં.

ચીન ઉલ્લેખ કેમ નથી કરતું?

કમર આગા અનુસાર, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ નહોતું અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ મોડેથી સામેલ થયું. એ પોતાની ઔદ્યોગિક શક્તિ વિકસિત કરવા પર વધુ ભાર આપી રહ્યું હતું.

તેઓ કહે છે કે, "જાપાને ચીન પર કબજો કરી લીધો હતો અને ચીન તેની સામે લડી રહ્યું હતું. અમેરિકાએ જાપાની સૈન્ય વિરુદ્ધ ચીનને સૈન્ય સામગ્રી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."

ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી અને સરકાર ચીન-જાપાન યુદ્ધમાં અમેરિકાની હકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ નથી કરતી.

ખરેખર, 1949 પહેલાં ચીનમાં રાષ્ટ્રવાદી કોમિંતાંગ પાર્ટી (કેએમટી)ની સરકાર હતી અને તેના નેતા ચ્યાંગ-કાઈ શેકે મિત્ર દેશોને મદદની અપીલ કરી હતી અને કાહિરામાં તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલ અને અમેરિકન રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ સાથે મુલાકાત કરી હતી.

કમર આગા કહે છે કે, "પરંતુ ઇતિહાસને ખોટો ન પાડી શકાય, અમેરિકાએ ચીનની ઘણી મદદ કરી હતી. આ ઐતિહાસિક તથ્ય છે."

જાપાનના કબજા વિરુદ્ધ ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી અને કોમિંતાંગ એક સાથે આવી ગયા હતા, પરંતુ 1945માં જાપાનના આત્મસમર્પણ બાદ બંને વચ્ચે ફરીથી લડાઈની શરૂઆત થઈ ગઈ.

આ ગૃહયુદ્ધમાં કોમિંતાંગની હાર થઈ અને તેના સમર્થકોએ પીછેહઠ કરી અને તાઇવાનમાં શરણ લીધી.

તાઇવાન અને ચીન વચ્ચે તણાવનાં મૂળ એ ગૃહયુદ્ધ સાથે જોડાયેલાં છે. સાથે જ અમેરિકા સાથેની હરીફાઈનાં મૂળ પણ ત્યાં મળે છે.

કમર આગા કહે છે કે, "કૉમ્યુનિસ્ટ પાર્ટી શરૂઆતથી જ અમેરિકાવિરોધી રહી હતી. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે કૉમ્યુનિસ્ટ સરકાર બન્યા બાદ અમેરિકા સાથે ચીનના કઠોર અને નરમ બંને પ્રકારના સંબંધો છે."

ચીને જાપાન સામે આઠ વર્ષ સુધી યુદ્ધ કર્યું, ઉત્તર-પૂર્વ મંચૂરિયાથી માંડીને દક્ષિણ-પશ્ચિમમાં ચોંગકિંગ સુધી, અનુમાન છે કે આ દરમિયાન એકથી બે કરોડ ચાઇનીઝ નાગરિકોનાં મોત થયા. જાપાની સરકારનું કહેવું છે કે એ સમયે તેમના લગભગ 4.8 લાખ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

રસપ્રદ વાત તો એ છે કે ચીનને માન્યતા આપનાર પ્રારંભિક દેશોમાં જાપાનનું નામ સામેલ છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રાષ્ટ્રવાદને પોતાની ઘરેલુ નીતિનું પ્રમુખ અંગ બનાવી લીધું છે. જાપાનના યુદ્ધ અપરાધો વિરુદ્ધ આક્રોશ, રાષ્ટ્રીય એકતાનું એક તત્ત્વ બની ગયું છે.

શી જિનપિંગે જાપાન સાથે યુદ્ધની શરૂઆતની તારીખ પણ બદલી નાખી છે, જેથી હવે આ યુદ્ધ આઠ નહીં, પરંતુ 14 વર્ષ લાંબું હોવાનું ગણાય છે.

સવાલ એ છે કે ચીન દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન યોગદાનને પણ ક્યારેય જગ્યા આપશે કે કેમ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન