એ સોવિયેત કલાકૃતિ કે જેણે વર્ષો સુધી અમેરિકા પર જાસૂસી કરી અને કોઈને ખબર ન પડી

    • લેેખક, મેટ વિલ્સન

1945માં કલાકૃતિમાં છુપાવેલું શ્રવણ ઉપકરણ સાત વર્ષ સુધી યુએસ સુરક્ષા એજન્સી શોધી નહોતી શકી. આ એકમાત્ર ઉદાહરણ નથી કે જ્યારે કલાનો ઉપયોગ છળ-કપટ માટે કરવામાં આવ્યો હોય.

80 વર્ષ પહેલાં બીજા વિશ્વયુદ્ધના અંતિમ અઠવાડિયા દરમિયાન રશિયન બૉય સ્કાઉટ્સની એક ટુકડીએ મૉસ્કોમાં યુએસ રાજદૂતને તેમના સત્તાવાર નિવાસસ્થાને હાથથી કોતરેલી અમેરિકાની મહાન મહોર ભેટ આપી હતી. આ ભેટ યુદ્ધ દરમિયાન રશિયા અને યુએસ વચ્ચેના સહયોગનું પ્રતીક હતી. યુએસ રાજદૂત ડબલ્યુ એવરેલ હેરિમને 1952 સુધી તેને ગર્વથી તેને તેમના ઘરમાં લટકાવી હતી.

પરંતુ રાજદૂત અને તેમની સુરક્ષા ટીમને ખબર ન હતી કે આ મહોરમાં એક ગુપ્ત શ્રવણ ઉપકરણ લગાડવામાં આવ્યું હતું.

પાછળથી યુએસની ટેકનિકલ સુરક્ષા ટીમો આને "ધ થિંગ" તરીકે ઓળખતા હતા. આ ઉપકરણ રાજદ્વારી વાતચીતો પર જાસૂસી કરતું હતું.

જે બાબત સાત વર્ષ સુધી સંપૂર્ણપણે અજાણ રહી હતી. વિરોધી છાવણીમાં ઘૂસણખોરી કરવા અને તેનો વ્યૂહાત્મક લાભ મેળવવા માટે દેખીતી રીતે નિર્દોષ કલાકૃતિનો ઉપયોગ કરીને સોવિયેતે ઓડીસિયસના ટ્રોજન હોર્સ પછીનો સૌથી કુશળ કરતબ કર્યો હતો.

જાસૂસી કાલ્પનિક વાર્તા જેવી લાગતી આ સત્યઘટના છે.

યુએસ ટેકનિશિયનોને સમજાયું કે હાથથી કોતરેલી મહાન મહોર એક અદૃશ્ય કાન હતા. જે પડદા પાછળની રાજદૂતોની ચર્ચાઓ સાંભળી રહ્યા હતા.

ધ થિંગ કેવી રીતે કામ કરતી હતી? કાઉન્ટર-સર્વેલન્સના 79 વર્ષીય નિષ્ણાત જૉન લિટલ લાંબા સમયથી આ ઉપકરણથી આકર્ષાયા હતા અને તેમણે તેની એક પ્રતિકૃતિ પણ બનાવી છે. લિટલના અદ્ભુત કાર્ય વિશેની એક દસ્તાવેજી ફિલ્મ આ વર્ષે રિલીઝ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેના પ્રથમ જીવંત પ્રસારણ પછી 27 સપ્ટેમ્બરના રોજ બકિંગહામશાયરના બ્લેચલી પાર્ક ખાતે આવેલા નૅશનલ મ્યુઝિયમ ઑફ કમ્પ્યુટિંગમાં પ્રદર્શિત થવાની છે.

તેઓ ધ થિંગની ટેકનૉલૉજીનું સંગીતમય ભાષામાં વર્ણન કરે છે - તે ઑર્ગન પાઇપ જેવી નળીઓ અને "ઢોલની ચામડી જેવી, જે માનવ અવાજ પર કંપન કરતા" એક પટલથી બનેલી છે. પરંતુ તેને હેટ પિન જેવી દેખાતી એક નાની વસ્તુમાં ફીટ કરવામાં આવી હતી - અને કાઉન્ટર-સર્વેલન્સ સ્ક્રીનિંગ દ્વારા ધ્યાન બહાર જવાના ફાયદો હતો કારણ કે તેમાં "કોઈ ઇલેક્ટ્રૉનિક્સ કે કોઈ બૅટરી ન હતી. અને તે ગરમ પણ થતું નથી".

આ સાધનનું ઍન્જિનિયરિંગ પણ ખૂબ જ સચોટ અને ચોક્કસ હતું જેમ કે "સ્વિસ ઘડિયાળ અને માઇક્રોમીટર વચ્ચેનું મિશ્રણ". ઇતિહાસકાર એચ. કીથ મેલ્ટને દાવો કર્યો છે કે તેમના સમયમાં ધ થિંગે "ઑડિયો મૉનિટરિંગના વિજ્ઞાનને એવા સ્તરે પહોંચાડ્યું હતું કે જે અગાઉ અશક્ય માનવામાં આવતું હતું."

અમેરિકાના રાજદૂતના નિવાસસ્થાનમાં ધ થિંગ ફક્ત ત્યારે જ સક્રિય થતું હતું જ્યારે નજીકના મકાનમાં સ્થિત રિમોટ ટ્રાન્સીવર ચાલુ કરવામાં આવતું હતું. આના દ્વારા એક ઉચ્ચ આવર્તન સિગ્નલ મોકલવામાં આવતો હતો જે આ જાસૂસી ઉપકરણના ઍન્ટેનામાંથી આવતા તમામ સ્પંદનોને પ્રતિબિંબિત કરતો હતો.

1951માં મૉસ્કોમાં કામ કરતા એક બ્રિટિશ લશ્કરી રેડિયો ઑપરેટરે આકસ્મિક રીતે ધ થિંગ દ્વારા ઉપયોગમાં લેવાતી ચોક્કસ તરંગલંબાઈમાં ટ્યુન કર્યું અને દૂરના રૂમમાંથી વાતચીત સાંભળી ત્યારે તેને શોધી કાઢવામાં આવ્યું.

બીજા વર્ષે યુએસ ટેકનિશિયનોએ રાજદૂત નિવાસસ્થાનની તપાસ કરી અને - ઓછામાં ઓછા ત્રણ દિવસની શોધખોળ પછી - સમજાયું કે હાથથી કોતરેલી મહાન મહોર એક અદૃશ્ય કાન જેવી હતી, જે પડદા પાછળની રાજદૂત ચર્ચાઓ સાંભળી રહી હતી.

જાસૂસી તરીકે કલા

ધ થિંગની સફળતા પર વાત કરતા તેનું સંચાલન કરનારા રશિયન ટેકનિશિયનોમાંના એક વાદિમ ગોંચારોવે કહ્યું કે, "લાંબા સમય સુધી આપણો દેશ ચોક્કસ અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવામાં સક્ષમ હતો જેણે અમને ચોક્કસ ફાયદા આપ્યા... શીત યુદ્ધમાં". અને આજ સુધી સોવિયેત ગુપ્તચર માહિતીની બહાર કોઈને ખબર નથી કે તે સમયે પશ્ચિમ પર જાસૂસી કરવા માટે યુએસએસઆર દ્વારા આવાં કેટલાં જાસૂસી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.

પરંતુ જાસૂસી ઉપકરણ તરીકે તેની સફળતા તેની તકનીકી મૌલિકતાને કારણે જ હતી.

તે અસરકારક હતું કારણ કે તે સુંદર વસ્તુઓ પ્રત્યેના સાંસ્કૃતિક દૃષ્ટિકોણનો તેમણે ઉપયોગ કર્યો હતો.

આપણે કલાકૃતિઓ અને સુશોભન વસ્તુઓને હેસિયત, રુચિ અને સાંસ્કૃતિક ગમા-અણગમાના નિષ્ક્રિય પ્રતીકના રૂપમાં તેને પર ભરોસો કરીએ છીએ.

રશિયન ગુપ્તચરોએ તેમના શિલ્પ કારીગરીવાળા લાકડાની મહાન મહોર દ્વારા આ ધારણાને હથિયાર બનાવી હતી.

અને ઇતિહાસમાં જાસૂસી, છળકપટ અને લશ્કરી વ્યૂહરચના માટે કલાનો ઉપયોગ કરીને ચાલાકી કરવામાં આવી હોય તેવું આ એકમાત્ર ઉદાહરણ નથી.

મોના લિસાને દોરવાની સાથે સાથે લિયોનાર્ડો દા વિન્સીએ ટૅન્ક અને ઘેરાબંધીનાં શસ્ત્રો પણ ડિઝાઇન કર્યાં હતાં, અને પીટર પૉલ રુબેન્સે ત્રીસ વર્ષના યુદ્ધ દરમિયાન જાસૂસ તરીકે કામ કર્યું હતું.

પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ રાષ્ટ્રોના કલાકારોએ છદ્માવરણ અને છેતરપિંડીની કામગીરી ઘડી હતી, અને બ્રિટિશ કલા ઇતિહાસકાર (અને રૉયલ આર્ટ કલેક્શનના સર્વેયર) ઍન્થોની બ્લન્ટ બીજા વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધની શરૂઆતમાં સોવિયેત જાસૂસ હતા.

ઇતિહાસકારોને કર્યા મોહિત

ધ થિંગના વિચિત્ર કિસ્સામાં સંગીતનો ઇતિહાસ પણ સંબંધિત છે. તેના બુદ્ધિશાળી શોધક લેવ સેર્ગેયેવિચ ટર્મેન, જેમને સામાન્ય રીતે લિયોન થેરેમિન તરીકે ઓળખવામાં આવે છે, તે રશિયન મૂળના શોધક અને પ્રતિભાશાળી સંગીતકાર હતા.

તેમણે વિશ્વનું પહેલું ઇલેક્ટ્રૉનિક વાદ્ય બનાવ્યું - જે તેના સર્જકના નામ પરથી થેરેમિન તરીકે જાણીતું છે.

તેને સ્પર્શ કર્યા વિના વગાડી શકાય છે - તેના ઍન્ટેનાની આસપાસ હવામાં હાથની ગતિવિધિઓ નોંધીને નિયંત્રિત કરે છે.

થેરેમિનનો ભૂતિયા ધ્વનિ 1950 ના દાયકામાં અમેરિકન સાયન્સ ફિક્શન ફિલ્મના સંગીતનો પર્યાય બની ગયો - કદાચ સૌથી નોંધપાત્ર રીતે ધ ડે ધ અર્થ સ્ટુડ સ્ટિલ (1951), જેને યોગ્ય રીતે ઘણીવાર શીત યુદ્ધની ગભરામણનાં દૃષ્ટાંત તરીકે ટાંકવામાં આવે છે.

તેની શોધ પછી ધ થિંગને યુએસ એજન્સીઓ દ્વારા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પરંતુ મે 1960 માં, પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાની ચરમસીમાએ રશિયા ઉપર એક અમેરિકન યુ-2 જાસૂસી વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યાર બાદ થયેલા રાજદ્વારી હોબાળામાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં મહાન મહોરનો જાહેરમાં પર્દાફાશ કર્યો હતો જેથી સાબિત કરી શકાય કે શીત યુદ્ધની જાસૂસી એકતરફી નહોતી.

રાજદૂતના નિવાસસ્થાનમાં ઘૂસણખોરી એ સુરક્ષાનો એટલો શરમજનક ભંગ હતો, જૉન લિટલ માને છે કે, "ધ થિંગને સાર્વજનિક કરવા માટે જાસૂસી વિમાનને ગોળી મારીને તોડી પાડવાની જરૂર પડી".

પરંતુ ધ થિંગની સાચી તકનીકી નિપુણતા ક્યારેય સામાન્ય લોકો સમક્ષ જાહેર કરવામાં આવી ન હતી.

બંધ દરવાજા પાછળ બ્રિટિશ કાઉન્ટર-ઇન્ટેલિજન્સ દ્વારા ઉપકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમણે તેને SATYR નામ આપ્યું હતું. અને તેની વિગતો 1987 માં ભૂતપૂર્વ સુરક્ષા અધિકારી પીટર રાઇટે તેમનાં સંસ્મરણો સ્પાયકેચરમાં બધું જાહેર ન કર્યું ત્યાં સુધી સત્તાવાર રાજ્ય રહસ્ય રહી હતી.

ધ થિંગે ઇતિહાસકારોને એ બાબતે મોહિત કર્યા કે આ તેના સમયના હિસાબે તકનીકી રીતે કેટલું આધુનિક હતું અને તેણે શીત યુદ્ધની જાસૂસી રમતને કેવો આકાર આપ્યો.

પરંતુ તે ઉચ્ચ સંસ્કૃતિના એક વિચિત્ર અને ઘેરા ઇતિહાસને પણ ઉજાગર કરે છે, જે ઑપેરા હાઉસ અને આર્ટ ગેલેરીઓના વિશાળ વૈભવની બહાર બની છે, જ્યાં શાસ્ત્રીય સંગીતકારો જાસૂસી ઉપકરણો બનાવે છે અને હાથથી કોતરેલી કલાકૃતિઓ લશ્કરી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટેનાં સાધનો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન