પાકિસ્તાનના ધનાઢ્ય શહેરને મહારાજા રણજિતસિંહે 'એક તોપની મદદથી' કેવી રીતે જીત્યું હતું?

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેર મુલતાનમાં બહાઉદ્દીન ઝકારિયાની મજારના અંદરના દરવાજાની બહાર આવેલી કેટલીક કબરોમાં એક કબર મુઝફ્ફરખાન સદોઝઈની પણ છે, જેઓ ઈ.સ. 1757થી 1818 સુધી મુલતાનના રાજા હતા.

પૉલ ઓલ્ડફીલ્ડે 'વિક્ટોરિયા ક્રૉસેઝ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'માં લખ્યું છે કે પાંચ હજાર વર્ષ જૂનું મુલતાન શહેર મધ્યકાલીન ઇસ્લામી હિન્દુસ્તાનમાં એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું.

ઐતિહાસિક વિવરણો અનુસાર, 11મી અને 12મી સદીમાં મુલતાનમાં ઘણા સૂફી બુઝુર્ગ આવ્યા અને એ કારણે જ તે 'ઓલિયાનું શહેર' કહેવાયું.

આજે પણ અહીં ઘણા સૂફીઓની મજાર આવેલી છે. તેમાંની એક હઝરત બહાઉદ્દીન ઝકારિયાની મજાર પણ છે.

મુઘલોએ ઈ.સ. 1557માં મુલતાન શહેર પર કબજો કર્યો હતો. ત્યાર પછી 200 વર્ષ સુધી આ શહેરમાં ખુશહાલી અને શાંતિ રહી.

મુલતાનની સંપત્તિ માટે તેના પર હુમલો

આ દરમિયાન તે ખેતી અને વેપારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું.

પોતાના પુસ્તક 'અ બ્રીફ હિસ્ટરી ઑફ ધ શીખ્સ'માં દેવિંદરસિંહ માંગટ જણાવે છે કે સિંધુ, ચિનાબ, રાવી અને સતલજ નદીઓથી સિંચાતી રહેતી મુલતાનની જમીન ખૂબ ઉપજાઉ હતી, જેમાંથી વાર્ષિક 13 લાખ રૂપિયા કરતાં વધુ કમાણી થતી હતી.

તેમાં લખ્યું છે, "એ ઉપરાંત આ શહેર ઘણા દેશની વસ્તુઓ અને ઘોડાના વેપારનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. મુલતાનનો રેશમ ઉદ્યોગ પોતાની કારીગરી અને સારી ક્વૉલિટી માટે પ્રખ્યાત હતો. બુખારાથી રેશમી દોરા અહીં વેચાણ માટે લાવવામાં આવતા હતા, તેમાંથી અહીં કપડાં તૈયાર થતાં હતાં અને આખા ભારતમાં તેને વેચવામાં આવતાં હતાં. મુલતાનમાં દર વર્ષે 40 હજાર મીટર રેશમનું કાપડ તૈયાર થતું હતું."

અને આ જ અપાર સંપત્તિના લીધે તે લૂંટારુઓને આકર્ષતું હતું.

ફકીર સૈયદ અઝાઝ ઉદ્દીન એક પુસ્તક 'જુબ્દતુલ અખબાર'ની સમીક્ષા કરતાં લખે છે કે, ઈ.સ. 1759માં મરાઠાઓએ મુલતાનને ખૂબ જ લૂંટ્યું, તેમ છતાં અહીં એટલી સંપત્તિ બાકી બચી હતી કે તેણે શીખોને આકર્ષિત કર્યા.

તેઓ લખે છે, "ઈદના દિવસે 27 ડિસેમ્બર, 1772માં શીખોએ એવા સમયે મુલતાનનો કિલ્લો જીતી લીધો, જ્યારે તેના ગવર્નર અને તેના સિપાહીઓ ઈદની નમાજ અદા કરતા હતા. 1780 સુધી મુલતાન તેમના કબજામાં રહ્યું. ત્યાર પછી અફઘાન આક્રમણખોર તૈમૂરશાહ દુર્રાનીએ એક લશ્કર સાથે કિલ્લા પર હુમલો કર્યો અને યુવા અફઘાન નવાબ મુઝફ્ફરખાન સદોઝઈની મદદથી ત્યાંની સેનાને હરાવી."

"ત્યાર પછીનાં 38 વર્ષો સુધી મુઝફ્ફરખાને મુલતાનને ખૂબ કુનેહથી ચલાવ્યું."

19મી સદીની શરૂઆતમાં લાહૌરમાં શાસન કરતા મહારાજા રણજિતસિંહની નજર મુલતાન પર મંડાયેલી હતી.

જેએસ ગ્રેવાલ પોતાના પુસ્તક 'ધ શીખ્સ ઑફ ધ પંજાબ'માં લખે છે કે, રણજિતસિંહે જે વિસ્તારો પર કબજો કર્યો હતો, તે પહેલાં તેમના અધીન હતા અને ટૅક્સ આપતા હતા; પછી ભલે તે શીખ હોય કે બિન-શીખ, મેદાની હોય કે પહાડી.

ઉદાહરણ તરીકે, ખુશાબ, સાહીવાલ, ઝંગ અને મનકેરાના શાસકો પોતાના વિસ્તાર પર રણજિતસિંહના કબજા પહેલાં ઘણાં વર્ષો સુધી ટૅક્સ આપતા હતા.

ઘણી વાર તો એવું થયું કે રણજિતસિંહ ટૅક્સની રકમ વધારતા જતા અને ટૅક્સની આ રકમ એટલી થઈ જતી કે તેઓ આપવાની સ્થિતિમાં ન હોય અથવા ઇનકાર કરી દે. ત્યાર પછી એવી સ્થિતિ ઊભી થઈ જતી જેના બહાને એ વિસ્તાર પર કબજો કરવાની તક મળી જતી.

"મુલતાનના ગવર્નરે પણ લગભગ એક દાયકા સુધી તેમને ટૅક્સ આપ્યો હતો."

'ધ હિસ્ટરી ઑફ ધ શીખ્સ'માં તેના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. મહારાજા રણજિતસિંહે મુલતાન પર સાત હુમલા કર્યા હતા.

"પહેલો હુમલો 1802માં થયો, જેના લીધે નવાબ મુઝફ્ફર ખાને તેમના અધીન થવા અને ટૅક્સ આપવાનો વાયદો કર્યો. 1805માં બીજા હુમલા વખતે પણ ભેટસોગાદો અને 17 હજાર‌ રૂપિયા આપ્યા. ત્રીજો હુમલો 1807માં ઝંગના શાસક અહમદખાન સયાલની ઉશ્કેરણીથી થયો હતો, પરંતુ ટૅક્સ અને ઘોડા આપીને ઘેરાબંધી ખતમ કરાવવામાં આવી."

"1810માં ચોથા હુમલા સમયે જોરદાર લડાઈ પછી નવાબે 1 લાખ 80 હજાર રૂપિયા અને 20 ઘોડા આપ્યા અને વાર્ષિક ટૅક્સ આપવાના વાયદે સંધિ કરી. પાંચમો હુમલો 1812માં ટૅક્સ આપવાના વાયદાથી સમાપ્ત થયો. છઠ્ઠો હુમલો 1815માં ટૅક્સમાં વિલંબના કારણે થયો, જેમાં નવાબે 2 લાખ રૂપિયા અલગથી આપવા પડ્યા. 1816 અને 1817માં ટૅક્સની ચુકવણી ચાલુ રહી, પરંતુ સતત આર્થિક દબાણના લીધે નવાબે આખરે સૈન્ય પ્રતિકારની તૈયારી શરૂ કરી દીધી."

મુલતાન પર શીખ સૈન્યનો હુમલો

ઈ.સ. 1818ની શરૂઆતમાં રણજિતસિંહે મુલતાન પર છેલ્લો હુમલો કર્યો.

ગુલશનલાલ ચોપડાએ પોતાના પુસ્તક 'ધ પંજાબ એઝ ધ સૉવરેન સ્ટેટ'માં લખ્યું છે કે જાન્યુઆરી 1818 સુધી શીખ સલ્તનતે લાહોરથી મુલતાન સુધી આવશ્યક વસ્તુઓના પુરવઠાની વ્યાપક વ્યવસ્થા કરી લીધી, જેના હેઠળ ઝેલમ, ચિનાબ અને રાવી નદીઓના માર્ગે હોડીઓ દ્વારા સામાન લઈ જવાતો હતો.

"રાણી રાજકોર (જે માઈ નિકાઇન નામે જાણીતાં છે)ને ભોજન અને હથિયાર પહોંચાડવાની જવાબદારી સોંપાઈ હતી. તેમણે પોતે ઘોડા, અનાજ અને દારૂગોળાની સતત ખેપ કોટ કમાલિયા મોકલી, જે લાહોર અને મુલતાનની વચ્ચે આવેલું છે."

કિલ્લાની દીવાલો તોડવા જ્યારે 'ઝમઝમા' તોપ લવાઈ

હેનરી થોબી પ્રિન્સેપ પોતાના પુસ્તક 'ઑરિજિન્સ ઑફ ધ શીખ પાવર ઇન ધ પંજાબ'માં લખે છે કે મુલતાનનાં સંસાધનો દર વર્ષે જબરજસ્તી લેવાતા ટૅક્સ, લૂંટફાટ અને વિનાશના લીધે ઓછાં થતાં જતાં હતાં.

મહારાજા રણજિતસિંહને આશા હતી કે મુઝફ્ફર ખાનનાં સુરક્ષા તૈયારીનાં સાધનો હવે એટલાં ઓછાં થઈ ગયાં છે કે શહેર અને કિલ્લો સરળતાથી જીતી શકાય તેમ છે.

પુસ્તકમાં લખ્યું છે, "પરંતુ આ અભિયાન પહેલાં રણજિતસિંહે ઝંગના પૂર્વશાસક અહમદખાન સયાલને છોડી મૂક્યા, જે નવ મહિનાથી તેમની કેદમાં હતા. તેમના જીવનયાપન માટે એક નાની જાગીર પણ આપવામાં આવી."

તેમણે લખ્યું છે, "રણજિતસિંહના ઉત્તરાધિકારી રાજકુમાર ખડકસિંહને ઉપરી તરીકે આ અભિયાનની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે દીવાનચંદને વ્યાવહારિક જવાબદારી સોંપવામાં આવી. તેઓ પોતાની યોગ્યતા અને મહેનતથી એક સામાન્ય પદેથી બઢતી મેળવીને તોપખાનાના કમાન્ડર બની ચૂક્યા હતા."

"પરંતુ જાગીરદાર 'કાલે આવેલો માણસ' કહીને તેમના હાથ નીચે કામ કરવામાં સંકોચાતા હતા, તેથી રણજિતસિંહે રાજકુમારને ઔપચારિકતા ખાતર સેનાપતિ બનાવીને બધાના નેતૃત્વનું નિવારણ કર્યું. રાવી અને ચિનાબમાં રહેલી બધી હોડી લશ્કરી સામગ્રી અને પુરવઠો લઈ જવા માટે લેવામાં આવી અને જાન્યુઆરી 1818માં સેનાએ કૂચ કરી."

તેમણે લખ્યું, "મુઝફ્ફરખાન પાસે ખૂબ મોટી રોકડ રકમની માગ કરવામાં આવી હતી અને તેમના પાંચ ખૂબ જ સારા ઘોડા માગવામાં આવ્યા. જ્યારે આ માગ તાત્કાલિક પૂરી ન થઈ ત્યારે મુઝફ્ફરગઢ અને ખાગઢના કિલ્લા પર હુમલો કરીને કબજો કરી લેવાયો. ફેબ્રુઆરીમાં મુલતાન શહેર પર પણ કબજો કરી લેવામાં આવ્યો અને વધુ કશા નુકસાન વગર શહેરના કિલ્લાને ઘેરી લેવામાં આવ્યો."

"શીખ સેનાએ કશી નક્કર રણનીતિ વગર જ આ ઘેરાબંધી કરી હતી. કિલ્લાની દરેક બાજુથી તોપ અને બંદૂકોથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યાં હતાં, પરંતુ કિલ્લાની અંદર સંસાધનોની એટલી અછત હતી કે આ અવ્યવસ્થિત હુમલા છતાં સતત ગોળાબારથી કિલ્લો અનેક જગ્યાએથી તૂટી ગયો અને તેનો ઉપરનો ભાગ લગભગ નષ્ટ થઈ ગયો."

'શીખ એન્સાઇક્લોપીડિયા'માં આના વિશે લખવામાં આવ્યું છે કે કિલ્લો લાહોર દરબારની સેના દ્વારા ઘેરાયેલો હતો. જનરલ ઇલાહી બખ્શની તોપો કિલ્લાની દીવાલો પર એક મહિનાથી વધુ સમય સુધી ગોળાબાર કરતી રહી, પરંતુ તે દીવાલ તોડી શકી નહીં. પછી એપ્રિલમાં 'ઝમઝમા' તોપ લાવવામાં આવી.

તેમાં લખ્યું છે, "આ તોપ દર વખતે 80 પાઉન્ડ વજનનો લોખંડનો ગોળો ફેંકતી હતી અને તેનાથી મોટી તિરાડો પડવા લાગી. જ્યારે દુશ્મન બીજી તિરાડો ભરવામાં વ્યસ્ત હતા ત્યારે નિહંગ શીખોની એક ટુકડીએ ચુપચાપ કિલ્લાની દીવાલની પાસે તોપ પહોંચાડી દીધી."

"તોપે દીવાલમાં કાણું તો કરી નાખ્યું, પરંતુ તેનું એક પૈડું તૂટી ગયું. તેથી આધાર વગર તે યોગ્ય દિશામાં ફાયર કરી શકતી નહોતી. જોકે, સતત ફાયરિંગથી કાણાને મોટું કરવું જરૂરી હતું, તેથી શીખ સિપાહીઓ તોપનો આધાર બનવાનું 'સૌભાગ્ય' પ્રાપ્ત કરવા માટે અંદરોઅંદર ઝઘડવા લાગ્યા."

"ઘણા લોકો તોપના ધક્કાથી મૃત્યુ પામ્યા, પરંતુ તોપ સતત ફાયરિંગ કરતી રહી અને તેણે કિલ્લાની દીવાલમાં મોટું કાણું પાડી દીધું."

શીખ સિપાહીઓનો અચાનક હુમલો

પ્રિન્સેપ અનુસાર, "મે મહિનામાં શીખ સેના સુરક્ષા દીવાલની આગળ આવેલી ખીણ સુધી પહોંચી ગઈ અને સેના હુમલો કરવા માટે થનગની રહી હતી, પરંતુ રણજિતસિંહે (જેઓ સ્થળ પર હાજર નહોતા) કોઈ પ્રકારનું જોખમ ન લેવાનો આદેશ આપ્યો. તેઓ ઘેરાબંધી અંગેના દરેક નિર્ણયો પોતે કરતા હતા. તેમણે નવાબ મુઝફ્ફર ખાનને વારંવાર પ્રસ્તાવ મોકલ્યો કે જો તેઓ હથિયાર મૂકી દે તો તેમને જાગીર આપવામાં આવશે, પરંતુ મુઝફ્ફર ખાન છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર જોવા મળ્યા."

પ્રિન્સેપે લખ્યું, "આ દરમિયાન 2 જૂને એક અકાલી સિપાહી સાધુસિંહ, કોઈ પણ આદેશ વગર, કેટલાક સાથીઓ સાથે આક્રમક થયા અને તલવાર લઈને ખીણમાં અફઘાનો પર તૂટી પડ્યા, જેઓ તે સમયે ઊંઘમાં હતા અથવા તૈયાર નહોતા. ખીણમાં રહેલા સિપાહીઓની આ હાલત જોઈને શીખ સૈનિકો કશા આદેશ વગર હુમલામાં સાથ આપવા આગળ વધ્યા અને બહારની સંપૂર્ણ સુરક્ષા પટ્ટી પર કબજો કરી લીધો, જેમાં મોટી સંખ્યામાં અફઘાન માર્યા ગયા."

પ્રિન્સેપ અનુસાર, કોઈ પ્રકારની આશા વગર મળેલી આ સફળતાથી ઉત્સાહિત થઈને શીખ સૈનિકોએ કિલ્લા પર હુમલો કર્યો. જોકે, ઘણી જગ્યાએ દીવાલો પહેલાંથી તૂટી ગઈ હતી, તેથી તેમના માટે અંદર જવું સરળ થઈ ગયું.

કિલ્લાના રક્ષણમાં તહેનાત સિપાહીઓએ આવી અપેક્ષા નહોતી રાખી અને ન તો તેઓ યોગ્ય પ્રતિકાર કરી શક્યા. તેથી કિલ્લો અચાનક જીતી લેવામાં આવ્યો.

"નવાબ મુઝફ્ફર ખાન પોતાના ચાર પુત્રો અને પરિવાર સાથે પોતાના ઘરના દરવાજે લડાઈ કરતાં જખમી થયા અને મૃત્યુ પામ્યા."

"તેમના બે પુત્રો શાહનવાઝ ખાન અને હકનવાઝ સ્થળ પર જ માર્યા ગયા, જ્યારે એક બીજા પુત્ર ગંભીર ઘાયલ થયા. ચોથા પુત્ર સરફરાઝ ખાનને, જેમને નવાબે પોતાના પછી સરકારની જવાબદારી સોંપવા પસંદ કર્યા હતા, એક ભોંયરામાંથી જીવિત પકડવામાં આવ્યા."

પ્રિન્સેપ લખે છે કે પછી કિલ્લાને લૂંટી લેવામાં આવ્યો અને હુમલામાં સામેલ શીખ સિપાહીઓના હાથમાં પુષ્કળ સંપત્તિ આવી.

તેઓ લખે છે, "પરંતુ રણજિતસિંહે તરત આદેશ જાહેર કર્યો કે આખી સેના લાહોર પાછી જાય, સિવાય કે એક ટુકડી. તેનું નેતૃત્વ જોધસિંહ કલસિયાને સોંપવામાં આવ્યું, જેથી તેઓ કિલ્લાની વ્યવસ્થા સંભાળે."

તેમના અનુસાર, "સેના લાહોર પહોંચતાં જ એલાન કરવામાં આવ્યું કે મુલતાનની લૂંટફાટમાં મળેલી બધી સંપત્તિ શીખ સલ્તનતની છે અને એવા દરેક સિપાહી, અધિકારી કે જાગીરદાર જેમની પાસે લૂંટેલો કોઈ પણ માલ હોય તો તેઓ ખજાનામાં જમા કરાવી દે. આવું નહીં કરનાર માટે સખત સજાની જાહેરાત કરવામાં આવી."

તેમના અનુસાર, "મોટા ભાગની સંપત્તિની જાણકારી મેળવીને તેને ખજાનામાં જમા કરાવવામાં આવી, જોકે આ કાર્ય કોઈને ગમ્યું નહીં અને છુપાવવાના ઘણા પ્રયત્નો પછી પૂરું થયું. એવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી જેમણે સંપત્તિ છુપાવી હતી અને સાથીઓની ઈર્ષાથી પણ તેની માહિતી મળી. ત્યાર પછી લાહોરના સરકારી ખજાનાને આ લૂંટફાટના કારણે અઢળક સંપત્તિ મળી."

દેવિંદરસિંહ માંગટ લખે છે કે મહારાજા રણજિતસિંહે મુલતાન જીતી લીધા પછી પોતાના દરબારીઓ અને દરબારમાં આવતા મહેમાનોને સન્માન તરીકે મુલતાની રેશમી વસ્ત્ર આપ્યાં.

મુલતાન જીતનાર દીવાનચંદને 'ઝફર જંગબહાદુર'નો ખિતાબ મળ્યો, એક જાગીર મળી, જેની કિંમત પચીસ હજાર રૂપિયા હતી અને એક ખિલઅત (શાહી પોશાક) ઇનામ તરીકે આપવામાં આવ્યો, જેની કિંમત એક લાખ રૂપિયા હતી.

"નવાબ મુઝફ્ફર ખાનના પુત્રો સરફરાઝ ખાન અને ઘાયલ ઝુલ્ફીકાર ખાનને લાહૌર લઈ અવાયા, જ્યાં રણજિતસિંહે તેમના ભરણપોષણ માટે એક રકમ નક્કી કરી."

અફઘાનના પ્રભાવનો ખાતમો

માંગટ લખે છે કે મુલતાન સિંધુ નદી અને ખૈબર પાસની વચ્ચે અફઘાન વર્ચસ્વનું કેન્દ્ર ગણાતું હતું.

તેઓ લખે છે, "લાહૌર દરબારમાં મુલતાનના વિલયે પંજાબ અને દક્ષિણના વિસ્તારોમાં અફઘાન વર્ચસ્વ ખતમ થયાનો સંકેત આપી દીધો. આ જીતે બહાવલપુર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઈલખાન અને મનકેરાના સરદારોને અધીન કરવા અને સિંધ તરફ આગળ વધવાનો માર્ગ સરળ કર્યો."

અવતારસિંહ સિંધુ પોતાના પુસ્તક 'જનરલ હરીસિંહ નલવા'માં લખે છે કે મુલતાનની ઘેરાબંધી પૂરી થવા સાથે જ અફઘાનોનો પંજાબ પરનો પ્રભાવ સંપૂર્ણ ખતમ થઈ ગયો અને શીખોએ થોડા સમયમાં જ પેશાવર પર પણ કબજો કરી લીધો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન