વાઘનો શિકાર કરનારાં ભારતનાં એ 'બળવાખોર' મુસ્લિમ રાજકુમારી જે નિરાશ થઈને પાકિસ્તાન જતાં રહ્યાં

    • લેેખક, ચેરીલાન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ

આબિદા સુલતાન કોઈ સામાન્ય રાજકુમારી ન હતાં. તેઓ ટૂંકા વાળ રાખતાં, વાઘનો શિકાર કરતાં અને પોલો રમતાં. તેઓ વિમાન ઉડાડતાં અને નવ વર્ષની ઉંમરથી જાતે રોલ્સ-રૉયસ કાર પણ ચલાવતાં હતાં.

આબિદાનો જન્મ 1913માં બહાદુર 'બેગમો' (ભદ્ર વર્ગની મુસ્લિમ મહિલા)ના પરિવારમાં થયો હતો, જે પરિવારે બ્રિટિશ ભારતના ઉત્તરીય રજવાડા ભોપાલ પર એક સદી કરતાં વધુ સમય સુધી રાજ કર્યું હતું. સામાન્ય રીતે મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને લઈને જે પ્રચલિત માન્યતા હોય છે, તેને તોડવાનું કામ આબિદા સુલતાને કર્યું હતું.

તેમણે પરદામાં રહેવાનો ઇનકાર કર્યો હતો. મુસ્લિમો અને કેટલીક હિંદુ મહિલાઓ પરદાપ્રથા પાળે છે જેમાં મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકે છે અને પોતાને પુરુષથી અલગ રાખે છે. આબિદા માત્ર 15 વર્ષની ઉંમરે ગાદીનાં વારસદાર બન્યાં હતાં.

આબિદાએ એક દાયકાથી વધુ સમય સુધી પોતાના પિતાનું મંત્રીમંડળ ચલાવ્યું. તેમણે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું, અને આખરે 1947માં પાકિસ્તાનની રચના કરવા માટે દેશનું વિભાજન થયા ત્યારે તેમણે દેશમાં ફેલાયેલી નફરત અને હિંસા જોઈ.

તેમનાં દાદી સુલતાન જહાં ભોપાલનાં શાસક હતાં અને ચુસ્તપણે શિસ્તમાં માનતાં હતાં. તેમની પાસેથી જ આબિદાને નાનપણથી જ ઘણું માર્ગદર્શન મળ્યું અને શાસનની જવાબદારી સંભાળવા તેમનાં હાથ નીચે જ તૈયાર થયાં.

પર્દામાં રહેવા દબાણ કર્યું તો બળવો કરી દીધો

2004માં લખાયેલી પોતાની આત્મકથા 'મેમૉયર્સ ઑફ એ રેબેલ પ્રિન્સેસ'માં આબિદા લખે છે કે તેમણે સવારે ચાર વાગ્યે ઉઠીને કુરાન વાંચવું પડતું હતું. ત્યાર પછી આખો દિવસ પ્રવૃત્તિઓમાં વીતતો હતો, જેમાં રમતગમત, સંગીત અને ઘોડેસવારી સામેલ હતા. આ ઉપરાંત તેમણે ઝાડુ મારવાની અને બાથરૂમ સાફ કરવાની કામગીરી પણ કરવી પડતી હતી.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળપણ વિશે કહ્યું હતું, "અમે છોકરી હોવા છતાં અમને કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિ અનુભવવાની છૂટ ન હતી. બધું એક સરખું હતં. છોકરાઓને મળતી બધી છૂટછાટ અમને પણ મળતી હતી. અમે ઘોડેસવારી કરી શકતાં, ઝાડ પર ચઢી શકતાં, જે રમત ગમે તે રમી શકતાં. કોઈ પાબંદીઓ ન હતી."

એક છોકરી તરીકે આબિદા ઉગ્ર અને સ્વતંત્ર મિજાજ ધરાવતાં હતાં. 13 વર્ષની ઉંમરે તેમનાં દાદીએ તેમના પર પરદામાં રહેવા દબાણ કર્યું તો તેમણે બળવો કરી દીધો. તેમની આ હિંમત અને તેમનાં પિતાના ખુલ્લા વિચારોના કારણે તેઓ આખી જિંદગી પરદાપ્રથામાંથી બચી ગયાં.

આબિદા પહેલેથી ભોપાલની રાજગાદીનાં વારસદાર તો હતાં જ, પરંતુ 12 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન પડોશના રજવાડા કુરવાઈના શાસક અને તેમનાં બાળપણના મિત્ર સરવાર અલી ખાન સાથે થઈ ગયાં. તેથી તેમને કુરવાઈના શાહી પરિવારનો હિસ્સો બનવાની પણ તક મળી. પોતાનાં સંસ્મરણોમાં તેમણે એ વાતને રમૂજી રીતે વર્ણવી છે કે તેમના નિકાહ વિશે તેમને પણ કોઈ ખબર ન હતી.

તેઓ લખે છે કે એક દિવસ તેઓ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે ઓશીકાંથી લડતાં હતાં, ત્યારે તેમનાં દાદી રૂમમાં આવ્યાં અને તેમને નિકાહ માટે તૈયાર થવા કહ્યું. કોઈએ તેમને કહ્યું પણ નહીં કે તેઓ દુલહન છે.

તેઓ લખે છે, "કોઈએ મને આ વિશે નિર્દેશ નહોતા આપ્યા કે મારે કેવું વર્તન કરવાનું છે. પરિણામ એ આવ્યું કે હું સુધી નિકાહ ખંડમાં જતી રહી, ત્યાં એકઠી થયેલી મહિલાઓને મારા રસ્તામાંથી ધક્કો મારીને ખસેડી, મારો ચહેરો પણ ખુલ્લો હતો. હંમેશાંની જેમ મને એક નવા પ્રયોગ માટે પસંદ કરવામાં આવી તેનાથી હું નારાજ હતી."

લગ્નજીવન તૂટી ગયું, પતિ સાથે શારીરિક સંઘર્ષ થયો

આબિદાના લગ્નપ્રસંગની જેમ તેમનું લગ્નજીવન પણ એક દાયકા કરતા ઓછો સમય ચાલ્યું.

આબિદાનું લગ્નજીવન મુશ્કેર હતું. માત્ર તેમની નાની ઉંમરના કારણે નહીં, પરંતુ તેમના સખત અને રૂઢિચુસ્ત ઉછેરના કારણે પણ.

જાતીય જીવન વિશે માહિતીના અભાવ અને સેક્સ પ્રત્યે અસુવિધાના કારણે તેમના લગ્ન પર કેવી અસર પડી તે વિશે તેઓ ખુલીને જણાવે છે.

તેઓ લખે છે, "મારાં લગ્ન પછી તરત હું વૈવાહિક આઘાતની દુનિયામાં પ્રવેશી. મને એ વાતની ખબર ન હતી કે લગ્ન પછી જે જાતીય સંબંધ બંધાયા તે મને આટલી હદે ભયભીત, સ્તબ્ધ અને અપવિત્ર અનુભવ કરાવશે." તેમણે આગળ જણાવ્યું કે તેઓ ક્યારેય પોતાની જાતને "પતિ અને પત્ની વચ્ચે વૈવાહિક સંબંધોને સ્વીકારવા" માટે તૈયાર કરી ન શક્યા્. તેના કારણે તેમનાં લગ્ન તૂટી ગયાં.

દક્ષિણ એશિયામાં મુસ્લિમ મહિલાઓના આત્મકથાત્મક લેખનમાં ગાઢ નિકટતા અને કામુકતા પર પોતાના સંશોધનમાં ઇતિહાસકાર સિયોભાન લેમ્બર્ટ-હર્લીએ જણાવ્યું છે કે કઈ રીતે આબિદાએ જાતીય સંબંધો પર પોતાના પ્રામાણિક વિચારો રજૂ કરીને એ માન્યતા તોડી છે કે મુસ્લિમ મહિલાઓ સેક્સ વિશે નથી લખતી. તેમણે આ વિષય પર પોતાના સ્પષ્ટ વિચાર રજૂ કર્યા છે.

પોતાના લગ્નજીવનના ભંગાણ પછી આબિદાએ કુરવાઈમાં પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું અને ભોપાલ જતાં રહ્યાં. પરંતુ દંપતીના એકમાત્ર પુત્ર શહરયાર મોહમ્મદ ખાનની કસ્ટડી માટે ગંદો વિવાદ ચાલ્યો. લાંબી લડાઈથી નિરાશ થઈને અને પોતાના પુત્રથી અલગ ન થવાની ઇચ્છાના કારણે આબિદાએ એક એવું પગલું લીધું જેના કારણે તેમના પતિએ પીછેહઠ કરવી પડી.

માર્ચ 1935ની એક રાતે આબિદા ત્રણ કલાક કાર ચલાવીને પોતાના પતિના ઘરે કુરવાઈ પહોંચ્યાં. તેઓ પતિના શયનખંડમાં દાખલ થયાં, એક રિવૉલ્વર કાઢી અને પતિના ખોળામાં ફેંકીને કહ્યું, "મને ગોળી મારો અથવા હું તમને ગોળી મારી દઈશ."

આ ઘટનાની સાથે પતિ-પત્ની વચ્ચે શારીરિક સંઘર્ષ પણ થયો જેમાં આબિદા વિજયી થયાં, જેના કારણે કસ્ટડીના વિવાદનો અંત આવી ગયો. રાજગાદીના વારસદાર તરીકે પોતાની ફરજ નિભાવતાં, એકલી માતા તરીકે તેમણે પુત્રનું પાલનપોષણ કર્યું. 1935થી 1949 દરમિયાન તેમણે પોતાના રાજ્યમાં મંત્રીમંડળ ચલાવ્યું. 1949માં ભોપાલના રજવાડાનું ભારતમાં વિલય થઈ ગયું.

આઝાદી પછી પાકિસ્તાન ગયાં

આબિદાએ ગોળમેજી પરિષદમાં પણ હાજરી આપી હતી, જે બ્રિટિશ સરકાર દ્વારા ભારતની ભાવિ સરકાર નક્કી કરવા માટે બોલાવવામાં આવેલી પરિષદ હતી. આ દરમિયાન તેઓ મહાત્મા ગાંધી, મોતીલાલ નહેરુ અને તેમના પુત્ર જવાહરલાલ નહેરુ જેવા પ્રભાવશાળી નેતાઓને મળ્યાં.

તેમણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેના બગડતા સંબંધો અને 1947માં ભારતના ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાનો પણ પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

આબિદાએ પોતાનાં સંસ્મરણોમાં ભોપાલમાં તેઓ જે ભેદભાવ અનુભવવા લાગ્યાં તેનું વર્ણન કર્યું છે.

પેઢીઓથી ત્યાં શાંતિથી રહેતા તેમના પરિવારને કેવી રીતે "બહારના" લોકો તરીકે ગણવામાં આવ્યા તે અનુભવ્યું. પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેમણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલી હિંસાની વ્યથિત કરતી ઘટનાઓ વિશે વાત કરી.

ભારત સરકારે એક દિવસ તેમને જાણ કરી કે મુસ્લિમ શરણાર્થીઓથી ભરેલી એક ટ્રેન ભોપાલ આવશે. તેમના આગમનની નિગરાણી કરવા તેઓ રેલ્વે સ્ટેશને પહોંચ્યાં.

તેમણે કહ્યું, "ડબ્બા ખોલવામાં આવ્યા, તો તેમાં બધા મરી ગયા હતા." તેમણે કહ્યું કે હિંસા અને અવિશ્વાસના કારણે જ તેઓ 1950માં પાકિસ્તાન જવાં પ્રેરાયાં.

આબિદા માત્ર પોતાના પુત્રને લઈને, ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે પાકિસ્તાન જતાં રહ્યાં.

પાકિસ્તાનમાં તેમણે પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન લોકશાહી અને મહિલાઓના અધિકારોની હિમાયત કરી. 2002માં કરાચીમાં આબિદા સુલતાનનું મૃત્યુ થયું.

તેઓ પાકિસ્તાન ગયાં ત્યાર પછી, ભારત સરકારે તેમની બહેનને રાજગાદીના વારસદાર બનાવ્યાં હતાં.

પરંતુ આબિદા હજુ પણ ભોપાલમાં જાણીતાં છે, જ્યાં લોકો તેમને તેના ઉપનામ 'બિયા હુઝૂર'થી ઓળખે છે.

ભોપાલની મહિલા શાસકો પર સંશોધન કરતા પત્રકાર શમ્સ ઉર રહેમાન અલાવી કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધાર્મિક રાજકારણે તેમના વારસાને ખતમ કરી દીધો છે અને હવે તેના વિશે વધુ બોલવામાં આવતું નથી."

"પરંતુ તેમનું નામ એટલી જલ્દી ભૂલાઈ જવાની શક્યતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.