You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વનાં સૌથી કદરૂપાં મહિલાની કહાણી, જેમને મોત બાદ 153 વર્ષે દફનાવાયાં હતાં
19મી સદીના યુરોપમાં એક મહિલા ‘વિશ્વની સૌથી કદરૂપી મહિલા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યાં હતાં.
જુલિયા પાસ્ટ્રાના નામના આ મહિલા એક આનુવાંશિક બીમારીથી પીડાતાં હતાં અને તેના કારણે તેમનો ચહેરો વાળથી ઢંકાઈ ગયો હતો.
તેમણે સર્કસમાં ‘ફ્રીક ઑફ નેચર’ એટલે કે કુદરતની વિચિત્રતા તરીકે પર્ફૉર્મ કર્યું હતું.
જુલિયાનું વર્ષ 1860માં અવસાન થયું હતું. એ પછી તેમના પતિએ તેનો મૃતદેહ લઈને પ્રવાસ કર્યો હતો, જે અંતે નૉર્વેમાં સમાપ્ત થયો હતો.
પરંતુ તેમના મૃત્યુનાં લગભગ 150 વર્ષ પછી તેમને વતન મૅક્સિકોમાં દફનાવવામાં આવ્યાં હતાં.
આ લાંબા પ્રવાસ પછી જુલિયાના અવશેષો યોગ્ય દફનવિધિ માટે 2013માં પરત લાવવામાં આવ્યા હતા.
જુલિયાને કઈ બીમારી હતી?
જુલિયાનો જન્મ 1834માં થયો હતો. તેઓ હાઇપરટ્રિકૉસિસથી પીડાતા હતાં. એ કારણે તેમનો ચહેરો વાળથી ઢંકાઈ ગયો હતો અને તેમનું જડબું અસામાન્ય હતું.
આવા દેખાવને કારણે જુલિયાને ‘રીંછ સ્ત્રી’ અથવા ‘વાનર સ્ત્રી’ કહેવામાં આવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1850ના દાયકામાં તેમની મુલાકાત મનોરંજન કાર્યક્રમોના અમેરિકન આયોજક થિયોડોર લૅન્ટ સાથે થઈ હતી. જુલિયાએ થિયોડોર સાથે લગ્ન કર્યાં હતાં. થિયોડોરે જુલિયાના ગાયન અને નૃત્યના કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
1860માં એક પુત્રને જન્મ આપ્યા બાદ જુલિયા મૃત્યુ પામ્યાં હતાં. તેમનો પુત્ર પણ સમાન બીમારીથી પીડાતો હતો અને થોડા દિવસ જ જીવતો રહ્યો હતો.
જોકે, જુલિયાની આ કરુણ કથાનો ત્યાં અંત આવ્યો નહોતો. કારણ કે તેમનાં પતિ થિયોડોર લેન્ટે જુલિયાના મૃતદેહ સાથે પ્રવાસ કરવાનું ચાલુ રાખ્યું હતું.
આખરે તેઓ નૉર્વે પહોંચ્યા હતા. 1976માં જુલિયાના અવશેષોને ચોરીને ફેંકી દેવાયા હતા, જેને પોલીસે શોધી કાઢ્યા હતા.
આખરે જુલિયાના અવશેષો ઑસ્લો યુનિવર્સિટીમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.
જુલિયાના મૃતદેહને સ્વદેશ પરત લાવવા માટે મૅક્સિકન કલાકાર લૉરા ઍન્ડરસન બાર્બટાએ 2005માં ઝુંબેશ શરૂ કરી હતી. એ પછી મૅક્સિકન અધિકારીઓએ તેમની વિનંતીને આદર આપ્યો હતો.
લૉરા બાર્બટાએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ અખબારને કહ્યું હતું, “મને લાગે છે કે જુલિયાને તેની પ્રતિષ્ઠા પાછી મેળવવાનો અને ઇતિહાસ તથા વિશ્વની સ્મૃતિમાં સ્થાન મેળવવાનો અધિકાર છે.”
તેને જોવા માટે સિનાલોઆ ડી લેવા શહેરમાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં જુલિયા પાસ્ટ્રાનાને શ્વેત ગુલાબથી શણગારેલી શબપેટીમાં દફનાવવામાં આવ્યાં હતાં.
ત્યારે સિનાલોઆના ગવર્નર મારિયો લૉપેઝે કહ્યું હતું, “જુલિયાએ માનવજાતની આક્રમકતા અને ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. એ બધાનો જુલિયાએ જે રીતે સામનો કર્યો હતો, તે ખૂબ જ ગૌરવપૂર્ણ કથા છે.”
શોક વ્યક્ત કરનારા લોકોને ફાધર જેમ રેયેસ રેટાનાએ કહ્યું હતું, “માણસ કોઈની વસ્તુ ન હોવો જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન