માત્ર છ વર્ષની ઉંમરે બાળકીઓને માસિક આવવાનું કેમ શરૂ થઈ જાય છે?

    • લેેખક, દિપાલી જગતાપ અને સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારી છ વર્ષની દીકરીમાં ઘણું શારીરિક પરિવર્તન થઈ રહ્યું છે. આટલી નાની વયે આ બધું જોઈને હું ગભરાઈ ગઈ હતી. એ વાતે-વાતે ગુસ્સે થઈ જતી હતી. એ પરિવર્તનથી હું ચિંતિત હતી."

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં રહેતાં અર્ચના (નામ બદલ્યું છે) કહે છે.

અર્ચનાના પતિ ખેડૂત છે. તેઓ તેમના ખેતરમાં બનાવવામાં આવેલા એક નાના મકાનમાં રહે છે. તેમને બે સંતાન છે. એક દીકરો અને એક દીકરી.

પરિવારમાં દીકરી મોટી છે. અર્ચનાની છ વર્ષની દીકરી તેની વય કરતાં વધુ મોટી દેખાવા લાગી ત્યારે તેમણે ડૉક્ટરની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હીમાં રહેતાં રાશિ પણ તેમની દીકરીના શરીરમાં અનેક પરિવર્તન જોઈ રહ્યાં હતાં, પરંતુ તેઓ તેને સામાન્ય માનતાં હતાં.

‘અમારા માટે એ સ્વીકારવું મુશ્કેલ હતું’

રાશિ કહે છે, "અમારા માટે એ સ્વીકારવું બહુ મુશ્કેલ હતું. પોતાની સાથે શું થઈ રહ્યું છે એ મારી દીકરીને તો જરાય સમજાતું ન હતું."

બીજી તરફ અર્ચનાને કોઈ સ્ત્રી રોગ નિષ્ણાતનો સંપર્ક સાધવાની સલાહ સ્થાનિક ડૉક્ટરે આપી હતી.

પૂણેની મધરહૂડ હૉસ્પિટલના ડૉ. સુશીલ ગરુડ (વિંગ કમાન્ડર) કહે છે, "અર્ચના તેમની દીકરીને લઈને અમારી પાસે આવ્યાં ત્યારે તપાસ કરી તો દીકરીમાં કૌમાર્યવસ્થાનાં તમામ લક્ષણો હતાં. તેના શરીરનો ઘાટ 14-15 વર્ષની કિશોરી જેવો હતો અને તેને ગમે ત્યારે માસિક શરૂ થવાની શક્યતા હતી."

ડૉ. સુશીલ ગરુડના જણાવ્યા મુજબ, બાળકીમાં હૉર્મોનનું સ્તર તેની વય કરતાં ત્રણ ગણું વધારે હતું અને તેના ઘણા કારણો હોઈ શકે છે.

ડૉ. ગરુડે કહે છે, "અર્ચનાએ મને જણાવ્યું હતું કે તેમના ઘરમાં જંતુનાશકોના પાંચ-પાંચ કિલોના બે ડબ્બા પડ્યા રહે છે અને તેમની દીકરી એ ડબ્બાઓની આસપાસ રમતી હોય છે. તેથી બાળકના હૉર્મોન્સમાં ફેરફારનું મુખ્ય કારણ એ હોઈ શકે છે."

ડૉક્ટરના જણાવ્યા મુજબ, બાળકોના શરીરમાં સમય પહેલાં થતા આવા પરિવર્તનને મેડિકલ ભાષામાં પ્રીકોશિયસ પ્યૂબર્ટી અથવા અર્લી પ્યૂબર્ટી કહેવામાં આવે છે.

પ્યૂબર્ટી કે કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં ફેરફાર થતા હોય છે અને તેમાં તેઓ બાળઅવસ્થામાંથી નીકળીને કિશોરાવસ્થામાં પહોંચતા હોય છે.

નેશનલ સેન્ટર ફૉર બાયોટેકનૉલૉજી ઇન્ફોર્મેશન(એનસીબીઆઈ)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પ્યૂબર્ટી એક એવી પ્રક્રિયા છે, જેમાં છોકરા કે છોકરીના શરીરમાં ફેરફાર થાય છે. તેમના યૌન અંગોનો વિકાસ થાય છે અને તેઓ પ્રજનન માટે સક્ષમ થાય છે.

વેબસાઇટ પર જણાવ્યા મુજબ, છોકરીઓમાં પ્યૂબર્ટી આઠથી 13 વર્ષ દરમિયાન અને છોકરાઓમાં નવથી 14 વર્ષ દરમિયાન શરૂ થતી હોય છે.

સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. એસ એન બસુના જણાવ્યા મુજબ, છોકરાઓની સરખામણીએ છોકરીઓમાં વહેલી પ્યૂબર્ટી આવતી હોય છે, પરંતુ મેડિકલ પુસ્તકોમાં જણાવવામાં આવેલી વય પહેલાં પ્યૂબર્ટી આવી જાય તો તેને પ્રીકોશિયસ પ્યૂબર્ટી કહેવામાં આવે છે.

બાળ રોગ નિષ્ણાત અને કિશોર વયનાં બાળકોમાં હૉર્મોન સંબંધી બીમારીનો ઇલાજ કરતા (ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ) ડૉ. વૈશાખી રુસ્તેગી કહે છે, "થોડાં વર્ષો પહેલાં સુધી અમે જોતાં હતાં કે છોકરીઓમાં શારીરિક ફેરફારનો પહેલો સંકેત દેખાયાના 18 મહિના કે ત્રણ વર્ષ પછી તેને પીરિયડ્સ શરૂ થતા હતા. હવે છોકરીઓમાં ત્રણથી ચાર મહિનામાં પીરિયડ્સ શરૂ થઈ જાય છે."

તેમના જણાવ્યા મુજબ, છોકરાઓમાં પ્યૂબર્ટી શરૂ થયાના એકથી દોઢ વર્ષમાં દાઢી-મૂંછ આવવાનું શરૂ થાય છે. અગાઉ ચારેક વર્ષ થતાં હતાં.

હાલ અર્ચના અને રાશિ બન્નેની દીકરીઓની સારવાર ચાલી રહી છે.

શું છે કારણો?

એનસીબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પ્યૂબર્ટીને કારણે બાળકોમાં શારીરિક ફેરફારોની સાથે-સાથે માનસિક પરિવર્તન પણ થાય છે અને શરીરમાં થતા ફેરફારથી તેઓ તણાવ પણ અનુભવે છે.

મહારાષ્ટ્ર સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ચાઇલ્ડ હેલ્થ વિભાગમાં કાર્યરત ડૉ. સુચિત્રા બર્વે જણાવે છે કે સમય પહેલાં આવતી પ્યૂબર્ટીના કિસ્સામાં વધારો થયો હોવાનું તેમને અભ્યાસમાં જાણવા મળ્યું છે.

આઈસીએમઆર-એનઆઈઆરઆરસીએચ દ્વારા કરવામાં આવેલા 2,000 બાળકીઓને આવરી લેતા અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે માતાઓ પ્યૂબર્ટીના સંકેતોને મોટાભાગે સમજી શકતી નથી.

નવ વર્ષથી ઓછી વયની બાળકીઓમાં સમય પહેલાં આવતી પ્યૂબર્ટીના કારણો અને એ સંબંધી જોખમો વિશે હાલ ઉપરોક્ત સંસ્થા અભ્યાસ કરી રહી છે.

ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, છોકરીઓમાં સમય પહેલાં પ્યૂબર્ટી આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે.

મુંબઈમાં બાળકીઓ સંબંધી આ વિષય પર કામ કરતા ડૉ. પ્રશાંત પાટિલના કહેવા મુજબ, અર્ચનાની છ વર્ષની દીકરીના શરીરમાં ફેરફારનું કારણ જંતુનાશકો હોઈ શકે છે.

જોકે, તે એક દુર્લભ કારણ હોઈ શકે છે, પરંતુ ઝેરીલા જંતુનાશકોને કારણે પ્રીકોશિયસ પ્યૂબર્ટી આવી શકે છે, કારણ કે તેનાથી હૉર્મોન્સમાં ફેરફાર થઈ શકે છે.

મુંબઈમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. અવિનાશ ભોંડવે જણાવે છે કે પાકને બચાવવા માટે અનેક પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે.

એ જંતુનાશકો નાક અને મોં વાટે આપણા શરીરમાં પ્રવેશે છે. ઘણા જંતુનાશકો ભોજન મારફતે પણ શરીરમાં પ્રવેશે છે અને તેનો પ્રભાવ આપણા મસ્તકમાંની હૉર્મોનને નિયંત્રિત કરતી ગ્રંથીઓ પર પડતો હોય છે.

એ સિવાય શાકભાજીને ઝડપથી મોટા કરવા માટે કે પછી ગાય-ભેંસ વધારે દૂધ આપે એ માટે પણ હૉર્મોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેની પણ શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે.

એક નહીં, અનેક કારણ

ડૉક્ટર્સનું કહેવું છે કે પ્રીકોશિયસ પ્યૂબર્ટીના ઘણાં કારણો હોઈ શકે છે. કોઈ એકને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે આ વિશેનો અભ્યાસ હજુ ચાલી રહ્યો છે.

મુંબઈની બી જે વાડિયા હૉસ્પિટલે આઈસીએમઆર સાથે મળીને 2020માં એક અર્લી પ્યૂબર્ટી કૅમ્પનું આયોજન કર્યું હતું. તે કૅમ્પ છથી નવ વર્ષની છોકરીઓ માટે યોજવામાં આવ્યો હતો.

હૉસ્પિટલના બાળ ચિકિત્સા વિભાગમાં કાર્યરત ડૉ. સુધા રાઉ કહે છે, "છથી નવ વર્ષની 60 છોકરીઓને અર્લી પ્યૂબર્ટી આવી ગઈ હતી અને કેટલીકને ગમે ત્યારે માસિક આવવાનું શરૂ થાય તેમ હતું."

તેમના જણાવ્યા મુજબ, સ્થૂળ છોકરીઓમાં પ્રીકોશિયસ પ્યૂબર્ટી જોવા મળે છે અને કોરોના દરમિયાન બાળકોમાં સ્થૂળતા વધવાને કારણે આ સમસ્યા વધી છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે સ્થૂળતા ઉપરાંત મોબાઇલ, ટીવી કે સ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ, કસરતનો અભાવ વગેરે જેવાં કારણો પણ હોઈ શકે છે.

ડૉ. એસ એન બસુના જણાવ્યા મુજબ, સમય પહેલાં પ્યૂબર્ટીનાં કારણો સમજવાં માટે વ્યાપક રિસર્ચ ચાલી રહ્યું છે.

જંતુનાશકો, આહારમાં ઉપયોગમાં લેવાતા પ્રિઝર્વેટિવ્સ, પ્રદૂષણ અને સ્થૂળતા વગેરે બહારી કારણો હોઈ શકે છે. તેની સાથે શરીરમાં ટ્યૂમર હોય કે જેનેટિક ડિસઑર્ડર હોય તો પણ શરીરની સર્કેડિયન રિધમ બગડી શકે છે, જે તેનું કારણ બની રહ્યાં છે.

ડૉ. વૈશાખી જણાવે છે કે બાળકીઓમાં પિરિયડ્સ શરૂ થઈ જવાના પાંચથી છ કેસ તેમના આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી રોજ આવી રહ્યા છે.

તેઓ કહે છે, "મારી પાસે એવા કેસ પણ આવે છે, જેમાં માતા કહે છે કે એપ્રિલમાં તેમને ફેરફાર દેખાયા હતા અને જૂન-જુલાઈમાં તો બાળકીને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું હતું. હવે છોકરાઓમાં પણ આવા કેસ જોવા મળતા થયા છે."

તેમના જણાવ્યા મુજબ, સમય પહેલાં પ્યૂબર્ટી પર સ્ક્રીન ટાઇમની પણ પરોક્ષ રીતે અસર થાય છે.

તેઓ કહે છે, "મગજમાંથી નીકળતું મેલાટોનિન નામનું હૉર્મોન આપણને ઊંઘમાં મદદ કરે છે, પરંતુ સ્ક્રીન ટાઇમ વધવાથી ઊંઘનું ચક્ર એટલે કે સર્કેડિયન રિધમ બગડી જાય છે, કારણ સ્ક્રીનનો પ્રકાશ એ સંતુલન ખોરવી નાખે છે. એ હૉર્મોન આપણે સેક્સુઅલ હૉર્મોનને દબાવવામાં મદદ કરે છે, પરંતુ મેલાટોનિનનું સંતુલન બગડવાથી સેક્સુઅલ હૉર્મોન વહેલાં રિલીઝ થઈ જાય છે."

સેનેટાઇઝરમાંનાં કેમિકલ્સ પણ ચામડી મારફત લોહીમાં ભળી જાય છે અને તેની પણ હૉર્મોન પર અસર થાય છે.

ડૉ. એસ.એન. બસુ જણાવે છે કે આપણા શરીરમાં કિસપેપ્ટિન નામનું હૉર્મોન હોય છે અને તે સમય પહેલાં પ્યૂબર્ટી ડેવલપ કરવામાં મદદ કરે છે.

બીજાં કારણો પણ હૉર્મોનનું સંતુલન ખોરવી નાખે છે અને તે અર્લી પ્યૂબર્ટીનું કારણ બને છે, પરંતુ આ બધાં કારણો વિશે હાલ અધ્યયન ચાલી રહ્યું છે અને આ કારણોને પાંચ ટકા જ જવાબદાર ગણાવી શકાય.

અર્ચના તથા રાશિની દીકરીઓને દવાઓની સાથે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે, જેથી એક ચોક્કસ વય સુધી તેમને માસિક આવતું અટકાવી શકાય.

ડૉક્ટર્સનું કહેવું છે કે પિરિયડ્સમાં જાતને કેવી રીતે સંભાળવી અને સ્વચ્છતા કેવી રીતે રાખવી તેનો ખ્યાલ આટલી નાની બાળકીઓને હોતો નથી.

બીજી તરફ મનોવૈજ્ઞાનિક રીતે અર્લી પ્યૂબર્ટીની નકારાત્મક અસર જોવા મળે છે, કારણ કે આવી છોકરીઓની આસપાસની છોકરીઓ તેમને અલગ સમજવા માંડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.