You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જન્મ સમયે અદલાબદલી : બે મહિલાઓનાં જીવનની કહાણી બદલાઈ ગઈ
- લેેખક, જોની ક્લીમૅન
- પદ, પ્રેઝન્ટેટર, ધ ગિફ્ટ
બ્રિટનમાં પશ્ચિમી મિડલૅન્ડ્સના બે પરિવારો વળતરની રાહ જોઈ રહ્યા છે. આ જન્મ સમયે શિશુઓની અદલાબદલી થવા સાથે સંકળાયેલો કેસ છે. એનએચએસના ઇતિહાસમાં આ આવા પ્રકારનો પ્રથમ કેસ છે, જે દસ્તાવેજ તરીકે નોંધાયો છે.
હકીકતમાં, ડીએનએ ટેસ્ટ બાદ જે પરિણામ જાણવા મળ્યું તેણે બંને મહિલાઓ અને તેમના પરિવારોને ચોંકાવી દીધા હતા.
કેમ કે, અત્યાર સુધી તે પોતાના વિશે જે કંઈ જાણતી હતી તેની ફરી એક વાર તપાસ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.
2021ના વર્ષની આ વાત છે. ટોનીના મિત્રોએ ક્રિસમસ પર તેના માટે ડીએનએ હોમ ટેસ્ટિંગ કિટ ખરીદી હતી. ત્યારે તો ટોનીએ આ કિટને કિચનમાં જ કોઈ જગ્યાએ મૂકી દીધી હતી.
પછી બે મહિના સુધી તે આ કિટને ભૂલી ગયો હતો, પરંતુ, એક દિવસ ટોનીની નજર આ કિટ પર પડી.
એક દિવસ ટોની ઘરે હતો અને ખૂબ કંટાળો આવતો હતો. કેમ કે, વરસાદના કારણે ગોલ્ફ રમવાની તક જતી રહી હતી.
પછી ટોનીએ સૅમ્પલ ટ્યૂબને એક નાનકડા ગંદા કપડાથી ઢાંકી અને કિટને લૅબ ટેસ્ટિંગ માટે મોકલી દીધી. ત્યાર બાદ અઠવાડિયાં સુધી તેણે આ કિટ વિશે કશું જ વિચાર્યું નહીં.
રવિવારે સાંજે તે પોતાની માતા સાથે વાત કરી રહ્યા હતા. એ સમયે તેમને એક ઈ-મેલ મળ્યો, જેમાં પરિણામ આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં તો, તેમણે જેવી આશા રાખી હતી તેવું જ એ રિપોર્ટમાં તેમને દેખાયું. તેમાં આયર્લૅન્ડના એ સ્થળ વિશે ઇશારો કરાયો હતો જેની સાથે તેની માતાના પરિવારને સંબંધ હતો.
ત્યાં તેમના પરિવારમાં તેમના એક પિતરાઈ ભાઈ અને બહેન હતાં. પરંતુ, જ્યારે તેમણે આ રિપોર્ટમાં પોતાની બહેનનું નામ જોયું તો, તે તો ખોટું હતું.
હકીકતમાં, ત્યાં જેસિકા (ટોનીની બહેન)ના બદલે તેની બહેન તરીકે ક્લેયર નામ લખેલું હતું.
(જેસિકા અને ક્લયર મૂળ નામ નથી. બંને નામ બદલી નાખવામાં આવ્યાં છે. તેનો હેતુ મહિલાઓની ઓળખ છુપાવવાનો છે.)
- બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
ટોનીનો પરિવાર કેવો છે?
ટોનીની માતા જોનને ચાર બાળકો છે. તેમાં સૌથી મોટા ટોની છે. ત્રણ બાળકોનાં જન્મ પછી તેમની માતા એક દીકરી ઇચ્છતાં હતાં.
1967માં તેમના ઘરે જેસિકાનો જન્મ થયો ત્યારે તેમની આ ઇચ્છા પૂરી થઈ હતી.
જોને મને કહ્યું, “આખરે એક દીકરીની માતા બનવું તે અદ્ભુત અનુભવ હતો.”
જોકે, જ્યારે તેમણે સાંભળ્યું કે ટોનીના ડીએનએમાં કશીક અનપેક્ષિત બાબત જોવા મળી છે, તો તેઓ ગભરાઈ ગયાં હતાં.
જોકે, ટોની પણ એ વાતે પરેશાન થઈ ગયેલા, પરંતુ તેમણે કોશિશ કરી કે આ વાત તેમના પૂરતી ખાનગી રહે.
ટોનીનાં માતા 80 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં. દશ વર્ષ પહેલાં ટોનીના પિતાનું મૃત્યુ થયા પછી તેઓ એકલાં રહેતાં હતાં. તેને ધ્યાનમાં રાખીને ટોની પોતાની માતાને વધારે ચિંતા કરાવવા નહોતા માગતા.
બીજા દિવસની સવારે ટોનીએ ક્લેયરનો સંપર્ક કરવા માટે ડીએનએ ટેસ્ટિંગ કંપનીની પર્સનલ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કર્યો, કેમ કે, ડીએનએ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ક્લેયર જ ટોનીની બહેન છે.
તેમણે લખ્યું, “હાય… મારું નામ ટોની છે. મેં આ ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તમે મારી બહેન છો. મને લાગે છે કે આ એક ભૂલ છે. શું તમે આ વિશે કશું જણાવી શકો છો?”
‘મને એક બહુરૂપિયા જેવી અનુભૂતિ થઈ’
હકીકતમાં, ક્લેયરે બે વર્ષ પહેલાં તેમના પુત્રના જન્મદિવસની ગિફ્ટરૂપે એ જ બ્રાન્ડનો ડીએનએ ટેસ્ટ આપેલો. અને એનું પરિણામ પણ ચોંકાવનારું હતું.
કેમ કે, તેમાં તેમનાં માતાપિતાએ તેમને જ્યાં જન્મ આપ્યો હતો તે જગ્યા સાથે તેનો કશો સંબંધ નહોતો.
તેમનો જૈવિક સંબંધ તેમના પ્રથમ પિતરાઈ ભાઈ સાથે જણાવાયો હતો, જેને તેઓ જાણતાં નહોતાં કે તેમના વિશે તેઓ કશુંયે જણાવી શકે તેમ નહોતાં.
ત્યાર પછી, 2022માં તેમને એક માહિતી મળી. તે તેમની પારિવારિક માહિતી સંબંધી હતી. તેમાં તેમનાં બધાં ભાઈ-બહેનોની માહિતી હતી.
ચોક્કસ, આ ચોંકાવનારું હતું, પરંતુ, એક રીતે તે યોગ્ય પણ હતું. કેમ કે, મોટાં થઈને ક્લેયરને ક્યારેય અનુભૂતિ નહોતી થઈ કે તેઓ આની સાથે સંબંધ ધરાવે છે.
ક્લેયરે કહ્યું, “મને બહુરૂપિયા જેવી અનુભૂતિ થઈ. ત્યાં કોઈ સમાનતા નહોતી—ન તો જોવામાં અને ન તો કોઈ પ્રકારના લક્ષણમાં. મને લાગેલું કે કદાચ મને દત્તક લેવામાં આવી છે.”
ધ ગિફ્ટઃ સ્વિચ્ડ
ધ ગિફ્ટની પહેલી સિરીઝમાં જેની ક્લીમૅને એવાં અસામાન્ય સત્યો જોયાં જે ત્યારે જ બહાર આવી શકે જ્યારે લોકો ઘરે ડીએનએ ટેસ્ટ જેવી ઍનસેસ્ટ્રી અને 23 એન્ડ પણ લે છે.
બીજી સિરીઝ માટે જેની વધારે અનપેક્ષિત પરિણામોથી લાગનારા ઝટકાની ગર્તમાં જઈ રહી હતી. આની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે લોકો વૈશ્વિક ડીએનએ ડેટા બેઝ સાથે જોડાય છે.
હકીકતમાં, ક્લેયર અને ટોનીએ જ્યારે એકબીજાંને પોતાની જૈવિક માહિતી જણાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે ક્લેયરનો જન્મ એ જ હૉસ્પિટલમાં એ સમયે જ થયો હતો જ્યારે જેસિકાનો જન્મ થયો હતો; એ જેસિકા, જેની સાથે ટોનીનો ઉછેર થયો હતો.
આ એક એવી વાત ઉજાગર થઈ ચૂકી હતી, જેનું સ્પષ્ટીકરણ ટાળી શકાય તેમ નહોતું.
કેમ કે, તેના અનુસાર 55 વર્ષ પહેલાં બંને બહેનોના જન્મ દરમિયાન તેમની અદલાબદલી થઈ ગઈ હતી. બંનેનું પાલનપોષણ અલગ-અલગ પરિવારોમાં થયું હતું.
જોકે, બ્રિટનમાં, જન્મ દરમિયાન બાળકોની અદલાબદલી થઈ જવાના કેસ લગભગ સાંભળવા નથી મળતા.
2017માં માહિતીની સ્વતંત્રતા (ફ્રીડમ ઑફ ઇન્ફર્મેશન)ની અરજીના જવાબમાં એનએચએસએ કહેલું કે તેમના રેકૉર્ડ્સ અનુસાર, બાળકોને ખોટાં માતાપિતા સાથે ઘરે મોકલી દેવાયાંની કશી માહિતી દસ્તાવેજોમાં નોંધાયેલી નથી.
1980ના દાયકાથી લંડનમાં શિશુઓના જન્મની સાથે જ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિટી ટૅગ્સ આપી દેવામાં આવે છે, જેથી તેમના લોકેશનની જાણકારી મેળવી શકાય.
આની પહેલાં પ્રસૂતિ વૉર્ડમાં હાથે લખેલી ટૅગ્સ અને કાર્ડ્સ શિશુઓની સાથે બાંધી દેવાતાં હતાં.
હવે આ માહિતીને ક્લેયર અને ટોનીએ સ્વીકારવાનું શરૂ કર્યું તો આગળ જતાં તેમણે એ નક્કી કરવું પડ્યું કે હવે, ભવિષ્યમાં શું કરવું છે.
ટોનીએ ક્લેયરને લખ્યું, “આ બનાવથી ઊઠનારા તરંગો ખૂબ મોટા હશે. જો તમે તેને અહીં જ છોડી દેવા માગતાં હો તો હું તેમાં સંમત થઈશ અને આપણે આ મામલાને આગળ નહીં વધારીએ.”
પરંતુ, ક્લેયર જાણતાં હતાં કે તેઓ કશાયે કચવાટ વગર ટોની અને તેમનાં માતાને મળવા માગતાં હતાં.
તેમણે કહ્યું, “હું માત્ર એ લોકોને જોવા, મળવા, વાત કરવા અને તેમને ભેટવા માગતી હતી.”
છેવટે, ટોનીએ જ્યારે જોનને જણાવ્યું કે ડીએનએ ટેસ્ટમાં શું નીકળ્યું તો તેઓ એ જાણવા માટે ઉત્સુક હતાં કે આખરે આવું કઈ રીતે બની શકે?
1967ની એ બર્ફીલી રાત
જોનને આજે પણ ઠંડીની એ રાત યાદ છે, જ્યારે તેની દીકરીનો જન્મ થયો હતો. તેઓ ઘરે જ દીકરીને જન્મ આપવાનાં હતાં, પરંતુ હાઈ બ્લડપ્રેશરના કારણે તેમની ડિલિવરી વેસ્ટ હૉસ્પિટલમાં કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું, “તેઓ રવિવારે મને સાથે લઈ ગયા હતા, ત્યારે બરફવર્ષા થઈ હતી.”
દીકરીનો જન્મ રાતના દસ ને વીસ મિનિટે થયો હતો. જોને થોડી વાર માટે પોતાની દીકરીને પોતાની પાસે રાખી હતી. એ સમયનો દીકરીનો લાલ ચહેરો અને વીખરાયેલા વાળ તેમને આજે પણ યાદ છે.
જન્મ પછી બાળકીને નર્સરીમાંથી લઈ જવામાં આવી હતી, જેથી તેની માતા થોડો આરામ કરી શકે. 1960ના દાયકામાં આ સામાન્ય પ્રક્રિયા હતી.
થોડાક કલાક પછી, મધરાત બાદ તે જ હૉસ્પિટલમાં જેસિકાનો પણ જન્મ થયો હતો.
બીજી સવારે જોનને તેમની જૈવિક દીકરી ક્લેયરની જગ્યાએ જેસિકા સોંપી દેવામાં આવી હતી.
આ બાળકીના વાળ ભૂરા હતા, જ્યારે આખા પરિવારના વાળ કાળા હતા. પરંતુ, જોને એ બાબતમાં વધુ કશું નહોતું વિચાર્યું. તેની એક જેવાં રંગરૂપવાળી કાકી અને પિતરાઈ બહેનો પણ હતી.
જ્યારે તેમના પતિ નવી જન્મેલી બાળકી જેસિકાને મળવા હૉસ્પિટલ પહોંચ્યા તો તેમને પણ કશી શંકા ન થઈ. તેઓ પણ દીકરીના જન્મથી ખુશ હતા.
55 વર્ષ પછી, જોન એ જાણવા માટે આતુર હતાં કે ક્લેયર કેવું જીવન જીવ્યાં? શું તેનો ઉછેર સારી રીતે કરવામાં આવ્યો હતો?
પરંતુ, તેમને આ બધાના જવાબ મળે તે પહેલાં, તેમણે અને ટોનીએ જેસિકાને એ વાત જણાવવી પડી જે પોતાનું આખું જીવન તેમની સાથે એમ વિચારીને વિતાવી ચૂકી હતી કે જોન એની માતા અને ટોની તેનો ભાઈ છે.
ટોની અને જોન, બંને, જેસિકાના ઘરે ગયાં અને તેમને આ વાત જણાવી. જોને કહ્યું કે તેમણે જેસિકાને આશ્વાસન આપ્યું હતું કે તેઓ બંને હંમેશાં મા-દીકરી રહેશે, પરંતુ, તે બંનેનો સંબંધ ફરીથી પહેલાં જેવો ન રહ્યો.
જેસિકા, આ કહાની વિશે ઇન્ટરવ્યૂ આપવા નહોતાં માગતાં.
નવી ઓળખ
એક દિવસ પછી, અને ટોનીના ડીએનએનું પરિણામ મળ્યાના ફક્ત પાંચ દિવસ પછી, ક્લેયરે પોતાના અને જોનના ઘર વચ્ચે થોડું અંતર રાખવાનું નક્કી કર્યું.
તેઓ ઘણાં વર્ષોથી જોનના ગામમાંથી ગાડી ચલાવીને પોતાના કામ પર જતાં હતાં, પરંતુ તેમને ખબર નહોતી કે અહીં તેમને જન્મ આપનાર માતા રહેતાં હતાં.
ટોની રસ્તામાં તેમની રાહ જોતા હતા. તેમણે કહ્યું, “હેલો, બહેન. આવો અને માને મળો.”
ક્લેયરે જણાવ્યું કે તેમણે જોનને જોયાં તે પળે જ તેમને અનુભૂતિ થઈ કે તે બંને એકબીજાંને પહેલાંથી જ ઓળખે છે.
તેમણે કહ્યું, “મેં તેમને જોયાં અને કહ્યું, હે ભગવાન, મને તમારી આંખો મળી છે. આપણી આંખો એક જેવી છે. હે ભગવાન. હું તેમના જેવી જ દેખાઉં છું.”
જોને કહ્યું, “એ બિલકુલ સાચું લાગ્યું. મેં વિચાર્યું, મારી યુવાવસ્થામાં હું જેવી દેખાતી હતી, તે બિલકુલ એવી જ દેખાય છે.”
તે લોકોએ આખી બપોર પરિવારના ફોટા જોઈને પસાર કરી. ક્લેયરે ટોની અને જોનને પોતાના પતિ, પોતાનાં બાળકો અને પૌત્ર-દોહિત્ર વિશે જણાવ્યું.
ટોની અને જોને ક્લેયરને તેના દિવંગત બાયૉલૉજિકલ પિતા વિશે જણાવ્યું, જેને તે ક્યારેય નહીં મળી શકે.
પરંતુ જ્યારે એ પ્રશ્ન આવ્યો કે શું ક્લેયરનું બાળપણ ખુશીઓ ભરેલું હતું? તો ક્લેયર વાતને ટાળવા લાગી.
તેમણે કહ્યું, “હું સાચું નહીં બોલી શકું. જ્યારે હું યુવાન હતી, ત્યારે મારાં માતાપિતા અલગ થઈ ગયાં હતાં. મને તેમનો સાથ યાદ પણ નથી. હું ગરીબીમાં ઊછરી ને મોટી થઈ. રહેવા માટે ઘર નહોતું. ક્યારેક ક્યારેક ભૂખ પણ પરેશાન કરતી. મારું બાળપણ ખૂબ જ મુશ્કેલીભર્યું હતું.”
ક્લેયરે કહ્યું કે, જે માતાએ તેને ઉછેરીને મોટી કરી તેમને આ હકીકત જણાવવી એ તેના માટે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ હતું.
તેમણે કહ્યું કે, તેમણે બંને માતાપિતાને એવું આશ્વાસન આપવાની પૂરી કોશિશ કરી કે તેમના સંબંધમાં કશો ફરક નહીં આવે. તેમની માતાનું અવસાન ચાલુ વર્ષની શરૂઆતમાં થયું હતું.
ક્લેયર માટે નવી આનુવંશિક ઓળખની સાથે સાથે અમુક વ્યાવહારિક સમસ્યા પણ જોડાયેલી હતી.
કેમ કે, તેમનો જન્મ મધરાત પહેલાં થયો હતો. પરંતુ, હવે તેમને ખબર પડી હતી કે તેમણે પહેલાં જે વિચારેલું તે હિસાબે હકીકતમાં હવે તે એક દિવસ મોટાં હતાં.
ક્લેયરે કહ્યું, “મારો જન્મનો દાખલો ખોટો છે. મારો પાસપૉર્ટ, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ – બધું જ ખોટું છે.”
એક ભયંકર ભૂલ
આ વાતની જાણ થયાનાં થોડાં અઠવાડિયાં પછી ટોનીએ એનએચએસ ટ્રસ્ટને એક પત્ર લખ્યો.
આ ટ્રસ્ટ એ દવાખાનાની દેખરેખ રાખે છે જ્યાં ક્લેયર અને જેસિકાની અદલાબદલી થઈ ગઈ હતી. ટોનીએ પોતાના પત્રમાં ટ્રસ્ટને જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટમાં શું આવ્યું હતું.
ટ્રસ્ટે આ બાબતની જવાબદારી સ્વીકારી. જોકે, અઢી વર્ષ વીતી ગયાં પછી પણ વળતરને મુદ્દે કશું નક્કર નથી થઈ શક્યું.
ટોની અને જોન કહે છે કે તેમને કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે તેને આખરી ઓપ આપી દેવાશે.
અમે એનએચએસ રિસૉલ્યૂશનનો સંપર્ક કર્યો, જે એનએચએસ વિરુદ્ધ મળેલી ફરિયાદો સંભાળે છે. તેમણે કહ્યું કે આ એક ભયંકર ભૂલ હતી. તે માટે તેમણે કાયદાકીય ઉત્તરદાયિતા સ્વીકારી છે.
જોકે, એમ પણ કહેવામાં આવ્યું કે આ એક ‘અનોખો અને ગૂંચવણ ભરેલો મામલો’ હતો. તેથી વળતરની રકમ બાબતે સહમતી સાધવાના પ્રયત્ન કરાઈ રહ્યા હતા.
આ બધાની વચ્ચે, ક્લેયર અને જોન એ બાબત શોધવા લાગ્યાં કે તેમની વચ્ચે શી શી સમાનતાઓ છે. જેમ કે, કપડાંની પસંદગી, ભોજન અને તેઓ ચા કેવી પીએ છે.
પોતાનાં આનુવંશિક મૂળને શોધવાના ઇરાદે તે બંને રજા લઈને આયર્લૅન્ડ ગયાં. ગયા વર્ષની ક્રિસમસ તેમણે સાથે વિતાવી.
ક્લેયરે પોતાના નવા પરિવાર વિશે કહ્યું, “અમે બહુ નિકટ છીએ. હું તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવવા માગું છું. પરંતુ એ સમય તો જતો રહ્યો છે. તેને દૂર કરી દેવાયો છે.”
હવે જ્યારે ક્લેયર જોનને માતા કહીને બોલાવે છે તો જોન કહે છે કે જેસિકા હવે એવું નથી કરતી. પરંતુ જોન માને છે કે, તેમને એક દીકરી મળી છે.
તેઓ કહે છે, “મને એનાથી કશો ફરક નથી પડ્યો કે જેસિકા મારી બાયૉલૉજિકલ દીકરી નથી. તે આજે પણ મારી દીકરી જ છે, અને હંમેશાં રહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન