નવજાત બાળકોને કેમ પીળિયો થઈ જાય છે, તેનાથી બચવા માટે શું કરવું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આપણી આસપાસ કોઈના ઘરે બાળક જન્મે તો ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે બાળકને પીળિયો થઈ ગયો છે.

નવા જન્મેલા બાળકોમાં પીળિયો થવો એ દુનિયાભરના નવજાત શિશુઓમાં જોવા મળતી સામાન્ય બાબત છે અને મોટેભાગે તે બિનહાનિકારક હોય છે.

ભારત સરકારના ઇન્ડિયન સાયન્સ ટૅકનૉલૉજી ઍન્ડ ઇનોવેશનલ પૉર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં જન્મેલા 85% બાળકોમાં પીળિયો થતો જોવા મળે છે.

સામાન્ય રીતે આ કમળો પાંચ દિવસની સારવારમાં મટી જતો હોય છે. પરંતુ તેને હળવાશથી ન લેવો જોઈએ.

નિષ્ણાંતોના મતે નવજાત બાળકોને થતા પીળિયાની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે ક્યારેક જોખમી સાબિત થાય છે. ભવિષ્યમાં બાળકનો માનસિક વિકાસ અટકી જવાની તેમજ તેને બહેરાશ આવવાની પણ શક્યતા હોય છે. ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.

કઈ પરિસ્થિતિમાં પીળિયો ગંભીર ગણવો જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ?

પીળિયાના પ્રકારો

બાળરોગ નિષ્ણાતોના કહ્યા અનુસાર નવજાત બાળકોમાં સામાન્ય રીતે બે પ્રકારનો પીળિયો થાય છે. ફિઝિયૉલૉજિકલ પીળિયો અને પૅથૉલૉજિકલ પીળિયો. ફિઝિયૉલૉજિકલ પીળિયાની સરખામણીમાં પૅથૉલૉજિકલ પીળિયો ગંભીર હોય છે.

બાળરોગ નિષ્ણાત ડૉ. ઉન્મેષ ઉપાધ્યાયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “ફિઝિયૉલૉજિકલ પીળિયો એ સામાન્ય રીતે બાળકોમાં જન્મના બીજા કે ત્રીજા દિવસથી શરૂ થાય છે અને પાંચથી છ દિવસમાં તેનું પ્રમાણ વધી જાય છે અને બે થી ત્રણ અઠવાડિયામાં તે મટી જાય છે.”

આ પીળિયો થવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું, “બાળકોમાં લિવર પૂર્ણરૂપે પરિપક્વ ન થયું હોવાને કારણે તે યોગ્ય રીતે કામ કરતું નથી. જેને કારણે બાળકોમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય છે. જો બાળકમાં બિલિરુબિનનું પ્રમાણ 15mmથી નીચું હોય તો તેને નૉર્મલ ગણવામાં આવે છે. આવા બાળકોને માતા દ્વારા રેગ્યુલર દર બે કલાકે ધાવણ આપવામાં આવે તો તે મટી જાય છે.”

બાળરોગ નિષ્ણાંત ડૉ.ખ્યાતિ કક્કડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે. “ફિઝિયૉલૉજિકલ પીળિયો સામાન્ય રીતે દરેક નવજાત બાળકમાં હોય છે. શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય એટલે શરીર પીળું દેખાય છે.”

પુખ્તવયના લોકોમાં પણ લિવરમાં ઇન્ફેક્શન થવાથી શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય છે. નવજાત શિશુમાં થતો પીળિયો એ પુખ્ત લોકોમાં થતાં પીળિયા કરતાં અલગ હોય છે.

પણ શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ કેવી રીતે વધે છે?

તે અંગે વાત કરતાં ડૉ. ખ્યાતિ જણાવે છે, “રક્તકણો તૂટવાથી હિમોગ્લૉબિન એ બિલિરુબિનમાં પરિવર્તિત થઈ જાય છે. લિવર વૉટર સૉલ્યુબલ બનાવે અને બાદમાં તે આંતરડામાં જાય છે. બાળકોમાં લિવર અપરિપક્વ હોય છે. જેને કારણે તે ધીમું કામ કરે છે. આથી લિવર પર ભાર આવે છે. બાળકોમાં માતાનું ધાવણ લીધા બાદ આંતરડાંમાં ફાયદાકારક બૅક્ટેરિયા બને છે. આ ‘ગુડ બૅક્ટેરિયા' બિલિરુબિનને પેશાબ અને ઝાડા મારફતે શરીરની બહાર કાઢે છે. પરંતુ નવજાત બાળકોમાં આંતરડાં પણ ઓછું કામ કરતાં હોય છે. જેના કારણે બિલિરુબિન બહાર નીકળવાની પ્રક્રિયા ધીમી હોય છે.”

પીળિયો ક્યારે થાય છે?

ડૉ. ઉન્મેષ જણાવે છે, “જે બાળકની માતાનું બ્લડ ગૃપ નૅગેટિવ હોય અને જન્મેલા બાળકનું બ્લડગૃપ પૉઝિટિવ હોય તેવાં બાળકોને પૅથૉલોજિકલ પીળીયો થાય છે. ફિઝિયૉલૉજિકલ પીળિયાની સરખામણીમાં પૅથૉલૉજિકલ પીળિયો વધારે ગંભીર હોય છે. પૅથૉલૉજિકલ પીળિયો બાળકના જન્મના 24 કલાકમાં જ દેખાવાનો શરૂ થઈ જાય છે. આ પીળિયામાં બાળકના શરીરમાં બિલિરુબિન ઝડપથી વધવા લાગે છે.”

ડૉ. ખ્યાતિ જણાવે છે કે, “માતાનું બ્લડગૃપ નૅગેટિવ અને પૉઝિટિવ હોય અથવા માતાનું બ્લડગૃપ 'ઓ' પૉઝિટિવ અને બાળકનું બ્લડ ગૃપ 'એ' પૉઝિટિવ કે 'બી' પૉઝિટિવ હોય તેવા કિસ્સામાં પૅથૉલૉજિકલ પીળિયો થાય છે.”

ડૉ. હાર્દિક કહે, “પૅથૉલૉજિકલ પીળિયામાં બાળકના શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ ઝડપથી વધે છે. તેમજ સારવાર આપવાથી પણ તરત જ ઘટતું નથી. જેના કારણે તે જોખમી છે.”

સારવારની જરૂર ક્યારે પડી શકે?

નવજાત બાળકોમાં થતા પીળિયાની સમયસર સારવાર કરવામાં ન આવે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડે છે.

ડૉ. ઉન્મેષ જણાવે છે કે “બાળકોમાં બિલિરુબિનનું પ્રમાણ 15mm કરતાં વધારે હોય તો તેને ફોટોથૅરપી આપવામાં આવે છે. બાળકોને સારવાર ન મળે તો તેમનામાં બિલિરુબિનનું પ્રમાણ વધતું જાય છે. જો બિલિરુબિનનું પ્રમાણ 20mm કરતાં વધી જાય તો તે મગજમાં કે કાનમાં પહોંચી જાય છે. જો બિલિરુબિન મગજમાં પહોંચી જાય તો બાળકોને ખેંચ પણ આવી શકે અથવા તો તેનાથી વધારે ગંભીર ન્યુરોલૉજિકલ સમસ્યા થઈ શકે છે. તેમજ જો કાન સુધી પહોંચી જાય તો બાળકોમાં બહેરાશ પણ આવી શકે છે.”

ડૉ. ખ્યાતિ જણાવે છે કે, “બાળકનો જન્મ પૂરા મહિને થયો હોય, બાળકનું વજન બરાબર હોય, બાળક ધાવણ લેતું હોય તેમજ બાળકને અન્ય કોઈ પૅથૉલૉજિકલ સમસ્યા ન હોય તેવા કિસ્સાઓમાં ફિઝિયૉલૉજિકલ પીળિયામાં સારવાર જરૂર પડતી નથી અને મટી જતો હોય છે.”

તેઓ જણાવે છે કે, “પરંતુ જો બાળકનો જન્મ અધૂરા મહિને થયો હોય, વજન ઓછું હોય કે ધાવણ ન લેતું હોય કે ઓછું લેતું હોય આવા કોઈપણ કિસ્સામાં સારવારની જરૂર પડી શકે છે. આ ઉપરાંત બાળકના જન્મના પાંચમા દિવસે બિલિરુબિનનું પ્રમાણ 12 થી15 કરતાં વધુ હોય તેવા કિસ્સામાં બાળકને સારવારની જરૂર પડે છે. જો બાળકને અન્ય કોઈ શારીરિક તકલીફ હોય તેવા કિસ્સાઓમાં બિલિરુબિનનું પ્રમાણ 12 કરતાં ઓછું હોય તો પણ તેને સારવારની જરૂર પડી શકે છે.”

પીળિયો ગંભીર ક્યારે બની જાય અને સારવાર શું છે?

બાળરોગ નિષ્ણાંત ડૉ.હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “નવજાત બાળકના શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય તો તે બાળકના મગજમાં પહોંચી જાય છે. આ સ્થિતિને કૅર્નિક્ટેરસ કંડિશન કહે છે. આ અવસ્થામાં બાળક અર્ધબેભાન અવસ્થામાં રહે, તેને ખેંચ આવે અથવા તો તેઓ કોમામાં સરી શકે છે. આ બાળકોને ભવિષ્યમાં માનસિક વિકાસ ઓછો થાય તેમજ બહેરાશ આવવાની શક્યતા પણ રહે છે. તેમજ જે બાળકો સાંભળી ન શકે તેમને બોલવામાં પણ તકલીફ હોય છે.”

ડૉ. ઉમેશના જણાવ્યા અનુસાર, “માતાનું ધાવણ એ સૌથી વધુ અસરકારક સારવાર છે. જો બાળકોનું બિલિરુબિન 15 કરતાં ઓછું હોય તો બાળકોને દિવસમાં દર બે કલાકે માતાનું ધાવણ આપવામાં આવે તો બિલીરુબિનનું પ્રમાણ ઘટી જાય છે.”

“ફોટોથૅરપીમાં બાળકોને ભૂખરી લાઇટ અને સફેદ લાઇટ ચામડી પર આપવામાં આવે છે. આ થૅરપીથી બિલિરુબિન બાળકોના પેશાબ વાટે શરીરની બહાર નીકળી જાય છે.”

પૅથૉલૉજિકલ પીળિયામાં પણ શરૂઆતમાં બાળકોને ફોટોથૅરપી આપવામાં આવે છે. પરંતુ જો તેનાથી બાળકની સ્થિતિમાં સુધારો ન દેખાય તો બ્લડ ટ્રાન્સફ્યુઝનની સારવાર કરવામાં આવે છે.

ડૉ.ખ્યાતિનું કહેવું છે, “જે બાળકમાં પૅથૉલૉજિકલ પીળિયો હોય તેવાં બાળકોને ફરજિયાત સારવારની જરૂર પડે જ છે.”

માતાપિતાએ શું ધ્યાન રાખવું જોઈએ?

ડૉ. ઉન્મેષ જણાવે છે, “ફિઝિયૉલૉજિકલ પીળિયોમાં જો બાળકની ત્વચા પીળી દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બાળકના મોઢાના ભાગથી પેટ સુધી પીળિયો હોય તો સામાન્ય રીતે માતાના ધાવણથી તે મટી જાય છે. પરંતુ પેટના ભાગથી પગ સુધી પહોંચી જાય તો સારવાર કરવી પડે છે. જે માતાનું બ્લડગૃપ નૅગેટિવ હોય અને તેમના બાળકનું શરીર પીળું દેખાય તો તેમણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને દવા શરૂ કરવી જોઈએ.”

ડૉ. ખ્યાતિ કહે છે, “કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે જો માતા પોતાના ખોરાકમાં ઘીનો ઉપયોગ કરે તો બાળકને પીળિયો થાય છે. આ સાવ ખોટી માન્યતા છે. નવજાત બાળકોમાં પીળિયો મગજમાં જઈને એક ભાગમાં ડિપોઝીટ થઈ જતો હોય છે. તેના કારણે ન્યુરોલૉજિકલ સમસ્યા સર્જાઈ શકે છે. તેમજ ક્યારેક તો તેનાથી જીવનું જોખમ પણ હોય છે. નવજાત બાળકો માટે માતાનું ધાવણ અમૃત સમાન છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.