નવજાત બાળકોના મળના અભ્યાસથી આંતરડાં વિશે કયા પ્રકારનાં રહસ્યો જાણવાં મળ્યાં

    • લેેખક, સ્મિતા મુંડાસાદ
    • પદ, હૅલ્થ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

બ્રિટનના વૈજ્ઞાનિકોએ નવજાત શિશુઓના મળના બે હજાર નમૂનાઓ એકત્રિત કરીને તેનો અભ્યાસ કર્યો છે.

તેમણે આ નમૂનાના માધ્યમથી એ સમજવાની કોશિશ કરી હતી કે ખરેખર કેવા પ્રકારના બૅક્ટેરિયા નવજાત શિશુના મળમાં સૌથી પહેલા ઉદ્ભવે છે.

સંશોધકોનું કહેવું છે કે તેઓ એ જાણીને નવાઈ પામ્યાં કે શિશુઓનો મળ ત્રણ અલગ-અલગ માઇક્રોબાયોલૉજિકલ પ્રોફાઇલ હેઠળ આવે છે.

દરેકમાં અલગ-અલગ ‘પાયોનિયર બૅક્ટેરિયા’ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

પાયોનિયર બૅક્ટેરિયા એ હોય છે કે જે કોઈપણ વાતાવરણમાં પહેલા વસી શકે છે અને ત્યાં વાતાવરણ સાથે અનુકૂળ થઈને વૃદ્ધિ પણ પામી શકે છે.

1288 શિશુઓના મળ

શરૂઆતનાં પરીક્ષણો એ દર્શાવે છે કે તેમાં એક વિશેષ બેક્ટેરિયા છે, જેને બી. બ્રેવ (બિફિડોબેક્ટેરિયમ બ્રેવ) કહેવાય છે.

તે બાળકોને દૂધમાં હાજર પોષકતત્ત્વોને પચાવવામાં મદદ કરી શકે છે અને સ્તનપાન દરમિયાન તેમને જીવાણુઓથી બચાવે છે.

નેચર માઇક્રોબાયૉલૉજી જર્નલમાં પ્રકાશિત થયેલ પ્રારંભિક અહેવાલ સૂચવે છે કે આ બૅક્ટેરિયાનો બીજો પ્રકાર હાનિકારક હોઈ શકે છે અને તેનાથી શિશુઓને ચેપનું જોખમ વધારે છે.

એવા ઘણા પુરાવા છે કે વ્યક્તિનાં માઇક્રોબાયૉમ એટલે કે તેના આંતરડાંમાં રહેતા લાખો વિવિધ સૂક્ષ્મજીવો તેના સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે.

પરંતુ નવજાત શિશુનાં માઇક્રોબાયૉમ્સની બનાવટ પર બહુ ઓછું કામ કરવામાં આવ્યું છે, કારણ કે તે જન્મ્યા પછીના શરૂઆતના દિવસોમાં તે વિકસે છે.

વૅલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી કૉલેજ, લંડન અને યુનિવર્સિટી ઑફ બર્મિંગહામના વૈજ્ઞાનિકોએ 1288 સ્વસ્થ શિશુઓના મળના નમૂનાઓની તપાસ કરી હતી.

આ તમામ બાળકો બ્રિટનની હૉસ્પિટલોમાં જન્મ્યાં હતાં અને તેમની ઉંમર એક મહિના કરતાં ઓછી હતી.

આ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે મોટાભાગના નમૂનાઓ ત્રણ વ્યાપક સમૂહોમાં વહેંચી શકાય તેમ છે. તે વહેંચણી બૅક્ટેરિયાને આધારે થાય છે.

બી. બ્રેવ અને બી. લોંગમ બૅક્ટેરિયા સમૂહો લાભદાયક માનવામાં આવે છે.

તેમની આનુવંશિક પ્રોફાઇલથી ખ્યાલ આવે છે કે તેઓ નવજાત શિશુઓને માતાના દૂધમાં હાજર રહેલાં પોષકતત્ત્વોનો ઉપયોગ કરવામાં તેની મદદ કરી શકે છે.

જ્યારે પ્રારંભિક પરીક્ષણોથી ખ્યાલ આવે છે કે ઈ.ફેકેલિસથી ક્યારેક બાળકોને પણ સંક્રમણ થવાનો ખતરો રહેલો છે.

અનેક પરિબળો કામ કરે છે

વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં જે બાળકોનો સમાવેશ કર્યો છે તેમને જન્મના પ્રથમ અમુક અઠવાડિયામાં સંપૂર્ણ અથવા આંશિક રીતે સ્તનપાન કરાવવામાં આવતું હતું.

પરંતુ સંશોધકોનું એમ પણ કહેવું છે કે બાળકને સ્તનપાન કરાવવાથી કે ફૉર્મ્યુલા મિલ્ક આપવાથી તેનાં આંતરડાંમાં રહેતા પહેલવાન બૅક્ટેરિયા પર કોઈ અસર થતી નથી.

આ સમય દરમિયાન, એવું પણ જોવામાં આવ્યું હતું કે જે બાળકોની માતાઓને ડિલિવરી દરમિયાન ઍન્ટિબાયૉટિક્સ આપવામાં આવી હતી તેમને ઈ.ફેકેલિસ થવાની સંભાવના વધુ હતી.

હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેની સ્વાસ્થ્ય પર કોઈ લાંબાગાળાની કોઈ અસર પડે છે કે નહીં.

એ સિવાય અન્ય પરિબળો જેવા કે માતાની ઉંમર, વંશ અને માતાએ કેટલી વખત જન્મ આપ્યો છે એ પણ માઇક્રોબાયૉમના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બાળકોના લાંબાગાળાના સ્વાસ્થ્ય પર આ માઇક્રોબાયૉમ્સની ચોક્કસ અસર જાણવા માટે વધુ કામ કરવામાં આવી રહ્યું છે.

વૅલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટના ડૉ. યાન શાઓ કહે છે, "અમે 1200થી વધુ શિશુઓ પાસેથી હાઈ-રિઝોલ્યુશન જનીનીય માહિતીનું વિશ્લેષણ કર્યું અને ત્રણ પાયોનિયર બૅક્ટેરિયાને ઓળખ્યા. આ એવા બૅક્ટેરિયા છે જે આંતરડાંનાં માઇક્રોબાયૉમના વિકાસનું સંચાલન કરે છે અને તેથી જ આપણે તેમને શિશુઓનાં માઇક્રોબાયૉમ્સમાં વર્ગીકૃત કરી શકીએ છીએ."

"આ ઇકૉસિસ્ટમ્સની રચના અને આંતરક્રિયાને વિઝ્યુઅલાઈઝ કરવામાં અને સમજવામાં સક્ષમ બનવું એ તંદુરસ્ત માઇક્રોબાયૉમને ટેકો આપવા માટે અસરકારક વ્યક્તિગત ઉપચાર વિકસાવવા તરફનું પ્રથમ પગલું છે."

જાણકારો શું કહે છે?

સી બીચ ક્વીન મૅરી યુનિવર્સિટી ઑફ લંડનમાં માઇક્રોબાયૉમ સાયન્સના લેક્ચરર ડૉ. રુઆરી રૉબર્ટ્સને કહ્યું છે કે, “આ અભ્યાસ જીવનના પહેલા મહિનામાં આંતરડાંનાં માઇક્રોબાયૉમ્સના નિર્માણ વિશે હાલમાં આપણી પાસે રહેલી જાણકારીમાં ઘણો વધારો કરે છે.”

જોકે, તેઓ આ શોધમાં સામેલ ન હતા.

તેઓ કહે છે, “આપણે તાજેતરનાં વર્ષોમાં આંતરડાનાં માઇક્રોબાયૉમ્સનાં સંયોજનો પર, અને અસ્થમા તથા ઍલર્જી જેવા સામાન્ય બાળવિકારો પર બાળકનો જન્મ થવાની પદ્ધતિ અને સ્તનપાનના પ્રભાવ અંગેની બહુ મોટી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે.”

પરંતુ તેઓ કહે છે કે આપણે તેને હજુ સુધી પ્રભાવી માઇક્રોબાયૉમ કેન્દ્રિત ઉપચારોમાં બદલી શક્યા નથી.

યુનિવર્સિટી ઓફ લિવરપૂલના પ્રોફેસર લુઇસ કેની કહે છે કે, “બાળજન્મ અને સ્તનપાન અંગેના નિર્ણયો જટિલ હોય છે અને તે દરેક બાળક માટે સમાન હોતા નથી. જ્યારે શ્રેષ્ઠ વિકલ્પોની વાત આવે ત્યારે બધા માટે આપણે એક જ દૃષ્ટિકોણ વાપરીને ન ચાલી શકીએ.”

તેમણે કહ્યું, "આપણી પાસે હજુ પણ અધૂરી માહિતી છે કે કેવી રીતે જન્મની પદ્ધતિ અને વિવિધ ખોરાક આપવાની પદ્ધતિઓ માઇક્રોબાયૉમના વિકાસને અસર કરે છે અને તે પછીથી તેમના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે. તેથી આ સંશોધન મહત્ત્વપૂર્ણ છે."

આ સંશોધન યુકે બેબી બાયૉમ પર ચાલી રહેલા અભ્યાસનો એક ભાગ છે અને તેને વૅલકમ સેંગર સંસ્થા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ સંશોધનના લેખકોમાંના એક એવા ડૉ. ટ્રેવર લૉલી, પુખ્ત લોકોના પ્રોબાયોટિક્સ પર કામ કરતી કંપનીના સહ-સ્થાપક અને વૅલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટના સંશોધક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.