પિતા દારૂ પીતા હોય તો આવનાર બાળકને કેવી બીમારી થઈ શકે?

    • લેેખક, અમાન્ડા રુગેરી
    • પદ, બીબીસી ફ્યુચર

અત્યાર સુધી ગર્ભવતી માતા શું પીવે છે કે શું ખાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાથી પિતાના આલ્કોહોલ સેવન પર લાંબા સમયથી કોઈનું ધ્યાન ગયું નથી, પરંતુ નવા સંશોધન હવે બાદ તેમાં ફેરફાર થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન દારૂ પીવાનાં જોખમો વિશે વિજ્ઞાનીઓ 50થી વધુ વર્ષોથી ચેતવણી આપતા રહ્યા છે.

તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે માતા સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત ડ્રિંક કરે તો પણ તેના બાળકના મગજના વિકાસ, જ્ઞાનાત્મક કાર્ય તથા વર્તન અને ચહેરાના આકાર પર માઠી અસર થઈ શકે છે. જાહેર આરોગ્યની ઝુંબેશોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી માતાઓ માટે આલ્કોહોલના સેવનની કોઈ જ માત્રા સલામત નથી.

વૈજ્ઞાનિક સર્વસંમતિ એકદમ સ્પષ્ટ છે કે પ્રિનેટલ આલ્કોહોલ એક્સપોઝર વિવિધ સમસ્યાનું કારણ બની શકે છે. (જોકે, મોટા પ્રમાણમાં દારૂ પીવાનાં ચોક્કસ જોખમો બાબતે કેટલાક સવાલો હજુ પણ અનુત્તર છે).

ગર્ભાવસ્થા દરમિયાન દારૂના સેવનથી થતા સંભવિત નુકસાનમાં ન્યૂરોડેવલપમેન્ટલ ક્ષતિઓ તેમજ ફીટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસૉર્ડર (એફએએસડી) સાથે સંકળાયેલા ચહેરાનાં ખાસ લક્ષણોનો સમાવેશ થાય છે. તેમાં વર્તણૂક, જ્ઞાનાત્મક અને શીખવાની સમસ્યાઓ પણ સમાવિષ્ટ છે. આ અસરોનું સ્પેક્ટ્રમ વ્યાપક છે. તેથી જ એફએએસડીના એક હિસ્સાને હવે ફીટલ આલ્કોહોલ સિન્ડ્રોમ અથવા એફએએસ તરીકે ઓળખવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી દ્વારા આલ્કોહોલના સેવનનાં જોખમોનું સારી રીતે દસ્તાવેજીકરણ થયું છે, પરંતુ એફએએસડીમાં યોગદાન આપતા બીજા એક પરિબળની, પિતા દ્વારા કરવામાં આવતા દારૂના સેવનની અત્યાર સુધી અવગણના કરવામાં આવી છે.

પુરુષો વિશે પહેલેથી જ ઓછું સંશોધન

ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટીના ડેવલપમૅન્ટલ ફિઝિયોલૉજિસ્ટ માઇકલ ગોલ્ડિંગ દારૂના સેવન અને ગર્ભના વિકાસ વિશે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે, “પ્રજનનક્ષમતા અને પ્રજનન સંબંધી સંશોધન વ્યાપક રીતે સ્ત્રીકેન્દ્રી છે. પુરુષો વિશે યોગ્ય મહેનત કરવામાં આવી જ નથી.”

ગોલ્ડિંગ જેવા સંશોધકોને પિતાની ભૂમિકા વિશે લાંબા સમયથી શંકા હતી. તેઓ કહે છે, “અમે વર્ષોથી એવી સ્ત્રીઓની વાતો સાંભળી રહ્યા છીએ, જેમણે કહ્યું હતું કે તેમનો પુરુષ પાર્ટનર ચિક્કાર દારૂ પીતો હતો, પરંતુ તેમણે ગર્ભાવસ્થા દરમિયાન દારૂ પીધો જ ન હતો, છતાં તેમનું એક સંતાન એફએએસથી ગ્રસ્ત છે.”

જોકે, આવી કથાઓને ઘણી વાર એવું કહીને ફગાવી દેવામાં આવે છે કે માતાઓ ભલે સદંતર ખોટું ન બોલતી હોય, પરંતુ ભુલકણી હોય છે.

અલબત્ત, તાજેતરનું સંશોધન એક રસપ્રદ અને સંભવતઃ ગેમ ચેન્જર શક્યતાનો નિર્દેશ કરે છે કે એ માતાઓ કાયમ સાચી હતી.

ગર્ભાધાન પહેલાં પિતા દ્વારા આલ્કોહોલ સેવનથી તેના સંતાન પર અસર થાય છે એ વિચાર થોડો વધારે પડતો લાગે, પરંતુ તાજેતરના જનસંખ્યા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દારૂનું સેવન કરતા પિતાઓનાં સંતાનો પર વિવિધ આરોગ્ય સંબંધી સમસ્યાઓનું જોખમ હોય છે.

દાખલા તરીકે, ચીનમાં પાંચ લાખથી વધુ યુગલોના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ગર્ભાધાન પહેલાં માતા દારૂ પીતી ન હોય, પરંતુ પિતા દારૂનું સેવન કરતા હોય તો તેમના સંતાનમાં જન્મજાત ખોડખાંપણનું જોખમ વધારે હોય છે.

એ ખોડખાંપણમાં ફાટેલાં તાળવાં, જન્મજાત હૃદયરોગ અને પાચનમાર્ગની વિસંગતતાનો સમાવેશ થાય છે.

ચીનના એક અન્ય જનસંખ્યા અભ્યાસમાં હૃદયની જન્મજાત ખામી ધરાવતા 5,000 બાળકોની સરખામણી તેવી કોઈ ખામી ન ધરાવતાં અન્ય 5,000 બાળકો સાથે કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે જે બાળકોના પિતા, માતા ગર્ભવતી થયાના ત્રણ મહિના પહેલાં રોજ 50 મિલિલીટરથી વધારે દારૂનું સેવન કરતા હતા, તે બાળકોને હૃદયની જન્મજાત ખામીની શક્યતા લગભગ ત્રણ ગણી વધારે હતી.

જન્મજાત કેવી ખામીઓ થઈ શકે?

અહીં નોંધવું મહત્ત્વનું છે કે જન્મજાત ખામીઓનું એકંદર જોખમ હજુ પ્રમાણમાં ઓછું રહ્યું છે.

દાખલા તરીકે, ચીનમાં વિવિધ જન્મજાત ખામીઓ સંબંધી 2021ના એક અભ્યાસમાં ક્લેફ્ટ પેલેટ એટલે કે ફાટેલા તાળવાની ખામી દારૂનું નિયમિત સેવન કરતા પિતાઓનાં 1,64,151 સંતાનો પૈકીના 105માં જ જોવા મળી હતી, પરંતુ દારૂનું સેવન ન કરતા પિતાઓની સરખામણીએ રોજ દારૂ પીતા પિતાનાં સંતાનોમાં ક્લેફ્ટ પેલેટની સમસ્યાની શક્યતા દોઢ ગણી વધારે હોય છે.

સંશોધકોએ નોંધ્યું હતું, “અમારું તારણ સૂચવે છે કે બાળક પરના જોખમને ઘટાડવા માટે ભાવિ પિતાઓને તેમના આલ્કોહોલના સેવનમાં ઘટાડો કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ, કારણ કે પુરુષોમાં દારૂ પીવાનું પ્રમાણ 31 ટકા હોવાથી બાળક પર જન્મજાત ખામીનું જોખમ બહુ વધી જાય છે.”

જુલાઈ, 2024માં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માતા ગર્ભવતી થાય એ પહેલાં પિતા આલ્કોહોલનું સેવન કરતા હોય તો તેની ગર્ભના વિકાસ પર અસર થાય છે.

તેમ છતાં પિતા દ્વારા આલ્કોહોલનું સેવન ખરેખર આ સમસ્યાનું કારણ બને છે કે કેમ તે નિર્ધારિત કરવું મુશ્કેલ છે. બન્ને અભ્યાસમાં સંશોધકોએ, પિતા દ્વારા દારૂ ઉપરાંત ધૂમ્રપાન કરવા જેવા ગૂંચવણભર્યાં પરિબળોને નિયંત્રિત કર્યાં હતાં તો પણ બાળકની ખામીમાં યોગદાન આપતા પ્રત્યેક સંભવિત પરિબળને ધ્યાનમાં લેવું શક્ય નથી.

સંશોધનોમાં શું જાણવા મળ્યું?

ગોલ્ડિંગ કહે છે, “માનવો પરના અભ્યાસો અત્યંત અવ્યવસ્થિત છે. તેમાં ઘણાં મૂંઝવણભર્યાં પરિબળો છે. વ્યક્તિ કેવો આહાર લે છે, તે કસરત કરે છે કે નહીં વગેરે જેવી ઘણી બાબતો છે, જે તેને અત્યંત મુશ્કેલ બનાવે છે.”

આલ્કોહોલના સેવન અને ગર્ભાવસ્થાના સંદર્ભમાં રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સ (આરસીટી) બનાવવી એ કોઈ વિકલ્પ નથી. દારૂ પીવાથી બાળક પર નકારાત્મક અસર થાય છે તે જાણવા છતાં પત્ની ગર્ભધારણ કરે તે પહેલાં દારૂ પીવાનું શરૂ કરવા પતિને કહેવું અનૈતિક હોય તો પણ ક્યારેય નશો ન કરતા પુરુષો દારૂ પીવાનું શરૂ કરે અથવા નિયંત્રિત જૂથમાંના રોજ મદ્યપાન કરતા પુરુષો દારૂ પીવાનું બંધ કરી તે અસંભવ છે.

આ પ્રકારની આરસીટી પ્રાણીઓ માટે, ખાસ કરીને ઉંદર માટે સેટ કરી શકાય. ગોલ્ડિંગે આવું કર્યું હતું. તેમની ટીમે સૌપ્રથમ મનુષ્યોમાં એફએએસડી સાથે સંકળાયેલી નાની આંખો અને માથાના ઘટેલા કદ જેવી શારીરિક ખામીઓનું માઉસ મૉડલ પર મેપિંગ કર્યું હતું. એ પછી ઉંદરડાંને જૂથોમાં વિભાજિત કર્યાં હતાં. તેમાં સગર્ભા ઉંદરડીઓને દારૂ આપવામાં આવતો હતો. તેમણે તેનાં બચ્ચાંના ફીચર્સની તુલના કરી ત્યારે તેમને એક સ્પષ્ટ થીમ મળી હતી.

જે ઉંદરડીએ ગર્ભાવસ્થા દરમિયાન દારૂનું સેવન કર્યું હતું તેનાં બચ્ચાંમાં એફએએસડીનાં કેટલાંક લક્ષણો જોવાં મળ્યાં હતાં, પરંતુ ઉંદર અને ઉંદરડી બન્ને દારૂ પીતાં હતાં તેવા કિસ્સામાં તેમનાં બચ્ચાંમાં ક્રેનિયલ ફેસિયલ પેટર્નિંગ અને એકદંર વૃદ્ધિ વકરેલી જોવા મળી હતી. વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે ઉંદરડીને બદલે ઉંદર દારૂ પીતો હોય તો તેનાં બચ્ચાંમાં માનવોમાં જોવાં મળતાં એફએએસડીનાં લક્ષણો જેવાં જ લક્ષણો જોવાં મળ્યાં હતાં. તેમનાં જડબાંમાં કેટલીક ખામી, દાંતના અંતર, આંખનાં કદ અને બે આંખ વચ્ચેના અંતરમાં ખામી જોવા મળી હતી.

ગોલ્ડિંગ દિગ્મૂઢ થઈ ગયા હતા. તેઓ સ્મિત કરતાં કહે છે, “મેં મારા વિદ્યાર્થીઓને ફરી પ્રયોગ કરવા કહ્યું હતું.” તેમણે ફરી પ્રયોગ કર્યો હતો અને ફરી સમાન પરિણામ જોવા મળ્યું હતું.

જુલાઈ 2024માં તેમની ટીમે બે વધુ અભ્યાસ પ્રકાશિત કર્યા હતા. તેમાં ઉંદરનાં બચ્ચાં પર પિતા દ્વારા આલ્કોહોલના સેવનની અસરને રેખાંકિત કરવામાં આવી હતી.

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે ઉંદર બચ્ચાંનાં માતા-પિતા બન્ને આલ્કોહોલના સંપર્કમાં આવ્યાં હતાં તેમના મગજ અને યકૃતમાં સેલ્યુલર એજિંગમાં વધારાનાં ચિહ્નો જોવાં મળ્યાં હતાં. તેમને કંઈક બીજું પણ જોવા મળ્યું હતું, જે તેનું સંભવિત પરિણામ હતું. તે મેટોકોન્ડ્રીયલ ડિસફંક્શનના માર્કર્સ હતા.

આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરતા ઑર્ગેનેલ્સ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે ત્યારે તે થાય છે. ઉંદર કે ઉંદરડી આલ્કોહોલના સંપર્કમાં આવ્યાં હોય તો પણ આ સાચું હતું, પરંતુ ઉંદર અને ઉંદરડી બન્ને આલ્કોહોલના સંપર્કમાં આવ્યાં હોય તેવા કિસ્સામાં આ સ્થિતિ વધુ નાટકીય હતી.

તે મનુષ્યો પરના અવલોકનાત્મક અભ્યાસોના એવા પરિણામને સમજાવવામાં મદદરૂપ થઈ શકે, જેમાં એફએએસડીના નિદાન બાદ હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકો કરતાં એફએએસડી વગરના લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને તેમનું આયુષ્ય સામાન્ય વસ્તી કરતાં 42 ટકા જેટલું છે.

નર ઉંદરોએ જેટલા પ્રમાણમાં દારૂ પીધો હતો તેટલા જ પ્રમાણમાં તેનાં બચ્ચાંના ચહેરાનો આકાર બદલાઈ ગયો હોવાનું પણ ગોલ્ડિંગની ટીમને જાણવા મળ્યું હતું. ગોલ્ડિંગ કહે છે, “સંદેશો સ્પષ્ટ છેઃ પિતા દ્વારા આલ્કોહોલના સેવનની અસર તેના સંતાન પર થાય છે કે નહીં. તેની અસર ગ્રેડેડ હશે. પુરુષ જેટલો વધારે દારૂ પીશે તેટલું જ ખરાબ તેનું પરિણામ હશે.”

ગોલ્ડિંગ, પિતા દ્વારા આલ્કોહોલના સેવન અને ઉંદરડાંમાં એફએએસડી જેવા પરિણામ વચ્ચેની કડી શોધનાર એકમાત્ર સંશોધક નથી. અન્ય અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે ઉંદરોને આલ્કોહોલ આપવામાં ન આવ્યો હતો એવા નર ઉંદરોની સરખામણીએ આલ્કોહોલ આપવામાં આવ્યો હતો તેવા નર ઉંદરોનાં બચ્ચાંની ગર્ભવૃદ્ધિમાં મર્યાદા, ચયાપચયની ખામીઓ અને વિવિધ આનુવંશિક સમસ્યાઓ જોવા મળે છે.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા રિવરસાઈડ ખાતેના વિકાસલક્ષી ન્યૂરોસાયન્સનું બૅકગ્રાઉન્ડ ધરાવતા મનોવિજ્ઞાનના પ્રોફેસર કેલી હોફમેન આવા પ્રયોગ કરી રહ્યા છે. તેમાં જાણવા મળ્યું હતું કે આલ્કોહોલનો સંસર્ગ ધરાવતા નર ઉંદરનાં બચ્ચાંમાં ચોક્કસ ખામીઓ જોવા મળે છે.

માતા દારૂનું સેવન કરે તો શું થાય?

ગર્ભધારણ પછી માતાઓને આલ્કોહોલ આપવામાં આવે ત્યારે તેની અસર એટલી મજબૂત હોતી નથી. “તે અર્થપૂર્ણ છે. આ બેબીઝ આલ્કોહોલના સીધા સંપર્કમાં ક્યારેય આવી નથી,” તેમ કહેતાં હફમેન સ્ક્રીન પર માઉસ વડે બાળકના નિયોકોર્ટેક્સની ઇમેજ બનાવીને કહે છે, “આ જુઓ. મગજનો જે હિસ્સો છે તે ઉચ્ચ કાર્યોમાં સંકળાયેલો છે. જેનાં માતા-પિતા આલ્કોહોલના સંપર્કમાં ન હતાં તેવા કન્ટ્રોલ્ડ ઉંદરોમાં પ્રાઇમરી સોમેટોસેન્સરી કોર્ટેક્સ (મગજનો એ હિસ્સો, જે ઉંદરની મૂછોમાંથી ઈનપુટ મેળવે છે અને પ્રતિક્રિયા આપે છે) પ્રાઇમરી વિઝ્યુઅલ કોર્ટેક્સ (જે દૃશ્ય સંકેતોનું અર્થઘટન કરે છે)થી અલગ વિસ્તારમાં હતો. તેમની વચ્ચે સ્પષ્ટ સીમા હતી. કોઈ ઓવરલેપ નથી.”

જે ઉંદર બચ્ચાંના પિતા આલ્કોહોલના સંપર્કમાં આવ્યાં હતાં તેમનામાં આ પ્રદેશ બહુ અલગ દેખાય છે. હફમેન કહે છે, “એ બધા મિશ્રિત છે.”

ઉંદરનાં મગજ અલગ-અલગ રીતે ગોઠવાયેલાં હતાં એટલું જ નહીં, પરંતુ તેમની વર્તણૂક અને મોટર સ્કીલ્સ પણ અલગ હતી. આલ્કોહોલના સંપર્કમાં આવેલા ઉંદર પિતાના બચ્ચાં પડી જાય અને ખોટાં પગલાં ભરે તેવી શક્યતા વધુ હતી.

તેઓ આગળ વધતાં અચકાતાં હતાં અને સ્પિનિંગ બાર પર કેવી રીતે ટકી રહેવું એ શીખવામાં તેમને વધુ સમય લાગ્યો હતો.

હફમેન કહે છે, “બધામાં સમાન દરે સુધારો થતો નથી. તેમની શીખવાની ગતિ થોડી ધીમી છે. અમને લાગે છે કે તેનું કારણ કદાચ થોડી હાઈપર ઍક્ટિવિટી અને સેન્સરી મોટર ઇન્ટિગ્રેશન સંબંધી સમસ્યાઓ છે.”

પુરુષ માટે કેટલા પ્રમાણમાં દારૂ પીવો “સલામત” છે?

બચ્ચાં ગર્ભાશયમાં સીધા જ આલ્કોહોલના સંપર્કમાં આવતાં નથી તો આવું કઈ રીતે થઈ શકે? સૌથી સામાન્ય કારણ આનુવાંશિક ફેરફારોની પદ્ધતિ છે, જેને એપિજેનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જીનોમના બિટ્સ ડીએનએ ક્રમમાં કોઈ પણ ભૌતિક ફેરફારો વિના ચાલુ અથવા બંધ થાય છે.

તેઓ પ્રક્રિયાઓ દ્વારા કાર્ય કરે છે, જે સેલ્યુલર મશીનરી સંકલિત ડીએનએ ક્ષમતામાં ફેરફાર કરે છે, ડીએનએ મેથિલેશન જેવી પ્રક્રિયાઓ દ્વારા ફેરફાર કરે છે, જેમાં કેમિકલ ગ્રૂપ્સ ડીએનએ મોલેક્યુલ્સના બિટ્સ સાથે જોડાયેલા હોય છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે આલ્કોહોલ શુક્રાણુના નૉર્મલ ડીએનએ મેથિલેશનમાં વિક્ષેપ સર્જે છે. તેના પરિણામે ગર્ભમાં જીન્સની અભિવ્યક્તિ બદલાઈ શકે છે.

ગોલ્ડિંગને ઉંદરમાં એવા પુરાવા પણ મળ્યા છે કે નર ઉંદર પિતા દ્વારા આલ્કોહોલના ઉપયોગને કારણે, ગર્ભના વિકાસને અસર કરતા વીર્યમાં ફેરફાર પણ થાય છે. ગોલ્ડિંગ અને તેમના સાથીઓએ શોધી કાઢ્યું છે કે આલ્કોહોલનો ક્રોનિક ઉપયોગ શુક્રાણુમાં આરએનએ નામની આનુવંશિક સામગ્રીના વારસાગત ટુકડાઓના ગુણોત્તરમાં પણ ફેરફાર કરે છે.

પિતા દ્વારા આલ્કોહોલના સેવનની એપિજેનેટિક અસરો વિશેના સંશોધનનું ક્ષેત્ર પ્રમાણમાં નવું છે ત્યારે અન્ય પૈતૃક સ્વરૂપોના એક્સપોઝરનાં પરિણામોનું વધુ સારી રીતે દસ્તાવેજીકરણ થયું છે. મનુષ્યો અને ઉંદરો બન્નેમાં ધૂમ્રપાન તથા વારસાગત આનુવંશિક સામગ્રી તેની અસર વિશે સારા પુરાવા છે. ધૂમ્રપાન કરતા પિતાનાં સંતાનોમાં જન્મજાત ખામીઓની, તેમને લ્યુકેમિયા થવાની અને શરીર પર વધુ પડતી ચરબીની શક્યતા હોય છે. તેનું કારણ એપિજેનેટિક પ્રોસેસ પણ હોઈ શકે છે.

પુરુષ દ્વારા મદ્યપાન ગર્ભમાંના બાળકના વિકાસમાં જે ભૂમિકા ભજવે છે તેના કરતાં વધુ મોટી ભૂમિકા માતા દ્વારા આલ્કોહોલનું સેવન ભજવે છે, એ વાતે મોટા ભાગના સંશોધકો સહમત છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ સિડનીમાં બાળરોગ નિષ્ણાત અને બાળ તથા કિશોર આરોગ્યના પ્રોફેસર એલિઝાબેથ ઇલિયટ કહે છે, “સ્ત્રીના શરીરમાંનો આલ્કોહોલ પ્લેસેન્ટામાંથી સીધો ગર્ભમાં પહોંચે છે. તેથી અંદરના બાળકના વિકાસ પર તેની અત્યંત સીધી અસર થાય છે.”

પ્રોફેસર ઇલિયટ એફએએસડી પર લાંબા સમયથી સંશોધન કરી રહ્યા છે અને તેઓ એફએએસડી વિશેની તાજેતરની શૈક્ષણિક સમીક્ષાના વરિષ્ઠ સહ-લેખક પણ છે.

તેઓ કહે છે, “તેની અસર મગજ અને ચહેરાના વિકાસને નિર્ધારિત કરતા મગજના હિસ્સા પર થાય છે. તે આ તમામ અંગ પ્રણાલીઓ, ફેફસાં, હૃદય તથા આંખો વગેરેના વિકાસને અસર કરે છે.”

એ પણ નોંધવું જોઈએ કે મનુષ્યો ઉંદરડાં નથી. માઉસ મૉડલ આપણને માનવ-પ્રક્રિયાઓના સંદર્ભમાં શું થઈ રહ્યું છે તેના કેટલાક ચોક્કસ આઇડિયા પ્રદાન કરી શકે અને ઘણી વાર કરે પણ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એવું જ વાસ્તવમાં થઈ રહ્યું છે. મનુષ્યોમાં પિતા દ્વારા આલ્કોહોલના સેવનના યોગદાનને નિર્ધારિત કરતાં પહેલાં વધુ સંશોધન જરૂરી છે.

તેમ છતાં, ઇલિયટ અને અન્ય લોકો જણાવે છે કે પિતાના મદ્યપાનની ભૂમિકાને અવગણી શકાય નહીં.

સંશોધન ચાલુ છે ત્યારે ઇલિયટ માને છે કે જાહેર આરોગ્ય ઝુંબેશોમાં આ મુદ્દે સીધું ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. તેનું કારણ એટલું જ નથી કે પિતા દ્વારા આલ્કોહોલના સેવનથી તેના સંતાનને નુકસાન થઈ શકે છે.

ઇલિયટ કહે છે, “તેના વાસ્તવિક લાભ પણ હશે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મદ્યપાનના મુખ્ય નિર્ણાયકોમાં સ્ત્રી એક નિર્ણાયક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પોતે કે પોતાના પુરુષ પાર્ટનરે મદ્યપાન ચાલુ રાખવું જોઈએ કે કેમ, તેનો નિર્ણય સ્ત્રી કરી શકે.”

પોતાની પાર્ટનર ગર્ભવતી થાય તેવી શક્યતા હોવાનું જાણતા પુરુષ માટે કેટલા પ્રમાણમાં દારૂ પીવો “સલામત” છે? અત્યાર સુધીનું સંશોધન આ બાબતે શું કહે છે?

આ વિશેના કોઈ ડેટા નથી, પરંતુ ગોલ્ડિંગ માને છે કે ખાસ કરીને સંતાનના આરોગ્યમાં સુધારો કરી શકે તેવા કસરત અને સારા આહાર જેવાં અન્ય પરિબળોના સંયોજન સાથે પિતા દારૂ પીવાનું ઓછું કરે તો ક્યારેક, પ્રસંગોપાત મદ્યપાન કરવું ઠીક છે.

તેઓ ઉમેરે છે, “જો તે મારા દીકરાઓ હોય તો હું તેમને દારૂ પીવાનું સદંતર બંધ કરી દેવાનું કહીશ.”

પુરુષ દ્વારા મદ્યપાનની તેનાં સંતાનો પર થતી ચોક્કસ અસરનો તાગ મેળવવાનો બાકી છે, પરંતુ સંશોધકો એક વાતે સહમત છે.

ગોલ્ડિંગ કહે છે, “મહિલાઓ પર મોટો બોજ હોય છે, પરંતુ ભ્રૂણના વિકાસ માટે પુરુષનું સ્વાસ્થ્ય પણ મહત્ત્વનું છે. બાળકના સ્વાસ્થ્યને ટેકો આપવાની અને તેની સુરક્ષાની જવાબદારી અહીં બન્ને પક્ષે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.