You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજેન્દ્ર ચોલ : ભારતના એ રાજા જેમનું સામ્રાજ્ય માલદીવ્ઝ અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલું હતું
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ 850માં દક્ષિણમાં પાંડ્યો અને પલ્લવો વચ્ચેના સંઘર્ષનો લાભ લઈને એક અજાણ્યા રાજા વિજયાલયે તંજાવુર પર કબજો કરી લીધો.
આ રીતે ચોલ રાજવંશનો પાયો નંખાયો.
907માં ચોલ રાજવંશના રાજા પરંતક પહેલા ગાદી પર બેઠા અને તેમણે 48 વર્ષ સુધી શાસન કર્યું. ત્યાર બાદના નબળા ચોલ રાજાઓને કારણે ચોલ રાજવંશનું પતન શરૂ થયું.
જ્યારે 985માં રાજરાજા ચોલ પહેલા સિંહાસન પર બેઠા ત્યારે ચોલ રાજવંશની ફરીથી ઉદય થયો.
રાજરાજા ચોલ પહેલા અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલના નેતૃત્વ હેઠળ ચોલ સામ્રાજ્ય એશિયામાં એક મુખ્ય લશ્કરી, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિનું કેન્દ્ર બન્યું.
એક સમય એવો આવ્યો જ્યારે તેમનું સામ્રાજ્ય દક્ષિણમાં માલદીવથી લઇને ઉત્તરમાં આવેલા બંગાળના ગંગા કિનારા સુધી ફેલાયું.
રિચાર્ડ ઇટન તેમના પુસ્તક 'ઇન્ડિયા ઇન ધ પર્શિયનેટ એજ' માં લખે છે, "ચોલાઓ 'ધ ગ્રેટ ચોલ ઑફ તંજાવુર' તરીકે જાણીતા બન્યા. દક્ષિણના સમગ્ર દરિયાકાંઠા પર તેમનું નિયંત્રણ આજ સુધી 'કોરોમંડલ' તરીકે યાદ કરવામાં આવે છે. 'કોરોમંડલ' શબ્દ એ 'ચોલામંડલ' શબ્દનો અપભ્રંશ છે. જેનો અર્થ ચોલ સામ્રાજ્યનો વિસ્તાર એમ થાય છે."
શ્રીવિજય રાજ્ય સાથે દુશ્મનાવટ
11મી સદી સુધીમાં ખમેર અને ચોલ વેપારીઓએ બંગાળના અખાતને અડીને આવેલાં રાજ્યોના અર્થતંત્ર પર નિયંત્રણ મેળવી લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોલ અને ખમેર બંનેને સમજાયું કે તેમનાં હિતો એકબીજા સાથે જોડાયેલાં છે.
આ સમયગાળા દરમિયાન ખમેર સામ્રાજ્ય પણ ખૂબ મોટું અને પ્રભાવશાળી હતું.
તેઓએ હાલના કંબોડિયા, થાઇલૅન્ડ અને વિયેતનામના ઘણા ભાગો પર શાસન કર્યું. કંબોડિયાનું પ્રખ્યાત અંગકોર વાટ મંદિર ખમેર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
વાય. સુબ્બાયરાલુ તેમના પુસ્તક 'સાઉથ ઇન્ડિયા અંડર ધ ચોલાસ' માં લખે છે, "ઘણા શિલાલેખોમાં ચોલ અને ખમેર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને 1020માં બંને વચ્ચે રત્નો અને સુવર્ણ રથોના વિનિમયનો ઉલ્લેખ છે. ચીનની વધતી વસ્તી અને વૈભવી વસ્તુઓમાં તેમના રસથી આ બંને રાજ્યોને ઘણો ફાયદો થયો."
આ બંનેનો હરીફ હતું શ્રીવિજય રાજ્ય. શ્રીવિજયના રાજાઓ બૌદ્ધ હતા અને તેઓ દક્ષિણ-પૂર્વ એશિયામાં ઘણા બંદરોને નિયંત્રિત કરતા હતા.
તેઓએ ચીન તરફ જતા તમામ જહાજો પર કર લાદી દીધો. શ્રીવિજય રાજ્યનું નૌકાદળ કર ન ચૂકવનારા જહાજો પર હુમલો કરીને તેનો નાશ કરવા લાગ્યું.
શ્રીવિજયનો પરાજય
શ્રીવિજય રાજાઓની આવી નીતિઓથી ચોલ રાજાઓ ગુસ્સે ભરાયા.
શ્રીવિજય રાજાઓએ ચોલ રાજાઓને મૈત્રીપૂર્ણ સંદેશા મોકલતા હતા. આ ઉપરાંત હાલના તામિલનાડુમાં આવેલા નાગપટ્ટીનમ બંદર પર બૌદ્ધ મઠ બનાવવા માટે પૈસા પણ મોકલતા હતા.
બીજી બાજુ તેઓ ચીની રાજાઓને કહી રહ્યા હતા કે ચોલ નાનો રાજા છે અને તે એમારા કાબુમાં છે.
ચોલ રાજા રાજેન્દ્ર ચોલે 1015માં ચીન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા અને જ્યારે તેમને શ્રીવિજયની નીતિ વિશે ખબર પડી, ત્યારે તેમણે રાજા વિજયતુંગવર્મનને પોતાની લશ્કરી તાકાત બતાવવાનું નક્કી કર્યું.
1017ના યુદ્ધમાં રાજેન્દ્ર ચોલ જીત્યા અને વિજયતુંગવર્મનને કેદી બનાવવામાં આવ્યા.
બાદમાં તેમણે તેની પુત્રીનાં લગ્ન રાજેન્દ્ર ચોલ સાથે કરાવી તેમની તાબેદારી સ્વીકારી.
વિજય દરમિયાન હિંસાનો આશરો
રાજેન્દ્ર ચોલ સમગ્ર એશિયામાં એક મોટી હસ્તી બની ગયા. તેઓ લશ્કરી વિજય દરમિયાન હિંસાનો આશરો લેવા માટે કુખ્યાત હતા.
તેમના દુશ્મનોએ તેમના પર યુદ્ધના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો.
ચાલુક્યોનું કહેવું હતુ કે તેમણે યુદ્ધ દરમિયાન સમગ્ર રાજ્યનો નાશ કર્યો હતો અને "બ્રાહ્મણો અને સ્ત્રીઓની હત્યા કરતા પણ તેઓ અચકાયા નહીં".
"શ્રીલંકાના ઇતિહાસમાં પણ રાજેન્દ્ર ચોલના સૈનિકો તેમની સાથે અત્યંત ક્રૂરતાથી વર્ત્યા હોવાનું નોંધાયું છે," અનિરુદ્ધ કનિસેટ્ટી તેમના પુસ્તક 'લૉર્ડ્સ ઑફ ધ ડેક્કન, સધર્ન ઇન્ડિયા ફ્રૉમ ચાલુક્યસ ટૂ ચોલસ' માં લખે છે.
"તેમણે રાજવી પરિવારની મહિલાઓનું અપહરણ કર્યું અને અનુરાધાપુરમના શાહી ખજાનાને લૂંટી લીધો. તેઓએ બૌદ્ધ મઠોમાં જઇ સ્તૂપો પણ તોડી નાખ્યા અને ત્યાં રાખેલાં ઝવેરાત કબજે કર્યાં."
શ્રીલંકા અને માલદીવ્સ પર કબજો
1014માં રાજરાજાના મૃત્યુ પછી રાજેન્દ્ર ચોલા ગાદી પર બેઠા.
સૌ પ્રથમ તેના પડોશીઓ પાંડ્યો અને ચેરાઓનો ખાત્મો બોલાવ્યા બાદ તેણે 1017માં શ્રીલંકા પર હુમલો કર્યો.
તે સમયગાળાના શિલાલેખો દર્શાવે છે કે હુમલાનો હેતુ ત્યાં સત્તા કબજે કરવાનો ન હતો પરંતુ શક્ય તેટલું સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ લાવવાનો હતો.
જોકે, પરિણામ એ આવ્યું કે પહેલી વાર ચોલાઓએ શ્રીલંકાના સમગ્ર ટાપુ પર નિયંત્રણ મેળવ્યું.
એક વર્ષ પછી 1018માં રાજેન્દ્ર ચોલે માલદીવ્સ અને લક્ષદ્વીપ પર નૌકાદળ અભિયાનનું નેતૃત્વ કર્યું અને બંને પ્રદેશોને ચોલ વસાહતો બનાવી.
1019માં તેણે ઉત્તરી કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રમાં લશ્કરી અભિયાનો મોકલ્યાં. 1021માં તેમણે ચાલુક્યો અને કલ્યાણ પર વિજય મેળવ્યો, જેમનું સમગ્ર દક્ષિણ ભારતનું નિયંત્રણ હતું.
તેઓ ગંગાનું પાણી દક્ષિણમાં લઈ ગયા.
1022માં તેમણે સામ્રાજ્યને 1000 માઇલ દૂર ગંગાના કિનારે અને તેનાથી આગળ પોતાનું સામ્રાજ્ય વિસ્તર્યું.
રસ્તામાં તેમણે ઓડિશા અને બંગાળના શક્તિશાળી પાલ વંશના રાજા મહિપાલને તેમનું આધિપત્ય સ્વીકારવા મજબૂર કર્યા.
રિચાર્ડ ઇટન લખે છે, "રાજેન્દ્ર બંગાળથી ખૂબ જ કિંમતી રત્નો, પવિત્ર દેવતાઓની મૂર્તિઓ અને પીપડામાં ગંગાના પવિત્ર પાણી સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. આ સિદ્ધિની યાદમાં તેમણે 'ગંગાઇકોંડા'નું બિરુદ પણ ધારણ કર્યું. તેમણે 'ગંગાઇકોંડા ચોલાપુરમ' ને પોતાની નવી રાજધાની બનાવી. ગંગાઇકોંડાનો અર્થ ગંગાનો વિજેતા થાય".
જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપર તેમનાં પુસ્તક 'અર્લી ઇન્ડિયા' માં લખે છે, "વિજય બાદ ગંગાનું પાણી દક્ષિણ તરફ લઈ જવું એ ઉત્તર પર દક્ષિણના વિજયનું પ્રતીક હતું."
સુમાત્રામાં નૌકા અભિયાન
રાજેન્દ્રએ રાજધાનીમાં શિવને સમર્પિત એક ભવ્ય મંદિર બનાવ્યું. જે 250થી વધુ વર્ષ સુધી શૈવ ભક્તિ અને ચોલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યું.
રાજેન્દ્ર ચોલાએ પોતાની રાજધાનીમાં એક વિશાળ કૃત્રિમ તળાવ બનાવ્યું. જે 16 માઇલ લાંબું અને ત્રણ માઇલ પહોળું હતું.
બંગાળથી લાવવામાં આવેલું ગંગાનું પાણી આ તળાવમાં રેડવામાં આવતું હતું, પરંતુ રાજેન્દ્ર ઉત્તર પર લાંબા સમય સુધી પોતાનું નિયંત્રણ જાળવી શક્યા નહીં.
માલદીવ્ઝ અને શ્રીલંકામાં વિજય પછી રાજેન્દ્ર ખૂબ જ ઉત્સાહિત હતા અને તેણે બીજી મોટી વિદેશી ઝુંબેશની યોજના બનાવવાનું શરૂ કર્યું.
આ વખતે તેણે ઇન્ડોનેશિયાના સુમાત્રામાં પોતાનું નૌકાદળ મોકલવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો.
શ્રીવિજય પર નૌકાદળનો બીજો વિજય
1017ની શરૂઆતમાં રાજેન્દ્ર ચોલ અને શ્રીવિજયના રાજા વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રાજેન્દ્રના નૌકાદળનો વિજય થયો હતો.
મલેશિયાના કટાહ શહેરના શિલાલેખમાં આનો ઉલ્લેખ છે, જેમાં રાજેન્દ્રને 'કટાહના વિજેતા' તરીકે વર્ણવવામાં આવ્યા છે.
1025માં રાજેન્દ્ર ચોલે શ્રીવિજય સામે લડવા માટે પોતાનું આખું નૌકાદળ મોકલ્યું હતું.
પોલ મુનોઝે તેમના પુસ્તક 'અર્લી કિંગ્ડમ' માં લખ્યું છે, "આ અભિયાનમાં વિજય બાદ થયેલા કરાર હેઠળ અંગકોરના રાજા સૂર્યવર્મને રાજેન્દ્ર ચોલને કિંમતી ભેટો આપી હતી. રાજેન્દ્ર ચોલે આ અભિયાન માટે ખૂબ મોટું નૌકાદળ મોકલ્યું હતું. જે કદાચ ચોલના મુખ્ય બંદર નાગપટ્ટીનમ ખાતે એકત્ર કરવામાં આવ્યું હતું."
વિલિયમ ડેલરીમ્પલ તેમના પુસ્તક 'ધ ગોલ્ડન રોડ' માં લખે છે, "આ અભિયાન માટે સૈનિકો અને હાથીઓને પણ જહાજો પર લાદવામાં આવ્યા હતા. ચોલ લોકોએ રસ્તામાં શ્રીલંકાના એક બંદર જઇને પોતાનું અભિયાન શરૂ કર્યું હતું."
"ઘણા દિવસોની દરિયાઈ મુસાફરી પછી તેણે અચાનક સુમાત્રા, થાઈ બંદર તાકુઆ પાહ અને મલેશિયામાં કેદાહ પર હુમલો કર્યો. આ કોઈપણ દક્ષિણ એશિયાઈ રાજ્ય દ્વારા દેશની બહાર કરાયેલી સૌથી લાંબાં અંતરની લશ્કરી કાર્યવાહી હતી."
આ અત્યંત મહત્ત્વાકાંક્ષી અને સફળ અભિયાન પછી રાજેન્દ્રનું વર્ચસ્વ દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાઈ ગયું.
આ વિજયથી ગર્વ અનુભવતા રાજેન્દ્ર ચોલે 1027માં તંજાવુરના એક મંદિરની દિવાલ પર તેનું સંપૂર્ણ વર્ણન લખાવી દીધું.
વિજય અને સંગીતા સખુજા તેમના પુસ્તક 'રાજેન્દ્ર ચોલા, ફર્સ્ટ નૅવલ ઍક્સપિડેશન ટુ સાઉથ ઇસ્ટ એશિયા' માં લખે છે, "આ શિલાલેખોમાં ઉલ્લેખિત છ સ્થળોમાંથી ચાર સુમાત્રામાં, એક મલય દ્વીપકલ્પમાં અને એક નિકોબાર ટાપુઓમાં આવેલાં છે."
"શક્ય છે કે રાજેન્દ્ર પણ આ સ્થળેથી પસાર થયા હોય જેને આજે સિંગાપોર કહેવાય છે. તેનું કારણ એ છે કે ત્યાં એક શિલાલેખ પણ મળી આવ્યો છે, જેમાં રાજેન્દ્ર ચોલાના ઘણાં શીર્ષકોમાંથી એકનો ઉલ્લેખ છે."
ચીન સાથે ગાઢ સંબંધો
ઈતિહાસકારો માને છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં રાજેન્દ્ર ચોલના નૌકાદળના પ્રવેશનો હેતુ વિજય મેળવવાનો નહોતો, પરંતુ વેપાર યુદ્ધમાં લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાનો હતો. જેનાથી શ્રીવિજયની દરિયાઈ માર્ગો પરની પકડ નબળી પડી શકે.
કેનેથ હૉલ તેમના પુસ્તક 'ખમેર કૉમર્શિયલ ડેવલપમેન્ટ ઍન્ડ ફોરેન કોન્ટેક્ટ્સ અંડર સૂર્યવર્મન ફર્સ્ટ' માં લખે છે, "આ અભિયાનોનો મુખ્ય હેતુ ચીન સાથે વધુ નફાકારક વેપાર માર્ગ ખોલવાનો હતો. તે સમયે ચીનમાં મરી, મસાલા, વન ઉત્પાદનો અને કપાસની માંગ વધુ હતી અને ચોલાઓને આ માલ ચીનમાં નિકાસ કરીને મોટો નફો મેળવવાની આશા હતી."
રાજેન્દ્ર ચોલાએ પોતાના દૂત ચીન મોકલ્યા.
તેઓ ચીની સમ્રાટ માટે હાથીદાંત, મોતી, ગુલાબજળ, ગેંડાના શિંગડા અને રેશમી કપડાં જેવી ઘણી કિંમતી ભેટો પોતાની સાથે લઈ ગયાં.
થોડા દિવસો પછી ચીનના ગુઆંગઝુ શહેરમાં એક મંદિર બનાવવામાં આવ્યું. જેનો એક ભાગ હજુ પણ અકબંધ છે.
"એક ચીની શિલાલેખમાં ઉલ્લેખ છે કે ચોલ રાજકુમાર દિવાકર 1067-69 દરમિયાન ચીનમાં આ મંદિરની જાળવણી માટે ભંડોળ પૂરું પાડતા હતા," જૉન ગાય તેમના પુસ્તક તામિલ મર્ચન્ટ્સ ઍન્ડ ધ હિંદુ-બૌદ્ધ ડાયસ્પોરામાં લખે છે.
તામિલ વેપારીઓ ચીનથી કોરોમંડલ બંદરો પર સુગંધિત લાકડા, ધૂપ, કપૂર, મોતી, પોર્સેલેઇન અને સોનાથી ભરેલાં જહાજો લાવતાં હતાં.
ખમેર સામ્રાજ્ય સાથેના સંબંધો
રાજેન્દ્રના સમયમાં ચોલ અને ખમેર રાજવંશો વચ્ચેનો સહયોગ અંગકોર વાટ ખાતે વિશ્વના સૌથી મોટા મંદિરના નિર્માણ દ્વારા સાબિત થયો હતો.
આ મંદિર આજે પણ ઊભું છે અને લગભગ 500 એકર વિસ્તારને આવરી લે છે.
ભગવાન વિષ્ણુનું મંદિર સંકુલ એટલું મોટું છે કે તેને અવકાશમાંથી જોઈ શકાય છે.
મંદિર તે જ સમયે બનાવવામાં આવ્યું હતું જ્યારે તંજાવુર અને ચિદમ્બરમ ખાતે ચોલ મંદિરો હતાં અને હિંદ મહાસાગરની બે મુખ્ય શક્તિઓ ગાઢ મિત્રો હતી.
એક સારા યોદ્ધા હોવા ઉપરાંત રાજેન્દ્ર ચોલ એક સારા પ્રશાસક પણ હતા. તેમણે ઘણાં ગામડાંમાં ઉચ્ચ કક્ષાનાં ગુરુકુળોની સ્થાપના કરી હતી. જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃત અને તામિલ ભાષા શીખવવામાં આવતી હતી.
તંજાવુર ઉપરાંત તેમણે શ્રીરંગમ, મદુરાઈ અને રામેશ્વરમમાં ઘણાં ભવ્ય મંદિરો બનાવ્યાં હતાં. જેને આજે પણ સ્થાપત્યનાં ઉદાહરણો માનવામાં આવે છે.
રાજેન્દ્ર ચોલ વિશે એવું કહેવાય છે કે તેમણે માત્ર સમુદ્ર જ નહીં પરંતુ લોકોના હૃદય પર પણ રાજ કર્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન