ભારતનાં અતિપ્રાચીન અને વામન ઘરોમાં શું રહસ્ય છુપાયેલું છે અને કોણે બનાવ્યાં હશે?

    • લેેખક, બંસરી કામદાર
    • પદ, .

દક્ષિણ ભારતમાં આવેલા "વામનોના ટેકરા" પર 1,000 જેટલા ટોલ્કિન શૈલીના મહાપાષાણ ઓરડા આવેલા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આનું નિર્માણ "નાના લોકો"ની અલૌકિક જાતિએ કર્યું છે.

પહેલી નજરે હીરે બેનકલ કર્ણાટકના લીલાછમ અંર્તયાળ ભાગમાં વસેલું કોઈ પણ ગામ જેવું જ લાગે છે. ખડકાળ ટેકરીઓ, કેરીના બગીચાઓ, નાના ઈંટના ભઠ્ઠા અને નહેરના પાણીથી સિંચાતા ખેતરોથી ઘેરાયેલું આ ગામ દક્ષિણ ભારતના ગ્રામીણ વિસ્તારની શાંત અને સુંદર લાક્ષણિકતા દર્શાવે છે.

જોકે, ગામની બાજુમાં આવેલી ટેકરીઓ પર 90 મિનિટના ચઢાણ બાદ હું (સ્થાનિક ભાષામાં જેને મોર્યાર ગુડ્ડા એટલે કે "વામનોના ટેકરા" નામે ઓળખાય છે તે જગ્યા)એ પહોંચી ગઈ. અહીં ગ્રેનાઇટથી છવાયેલા ઉપરના સપાટ જગ્યાએ લગભગ 1,000 પ્રાગૈતિહાસિક મહાપાષાણ પ્રકારનાં માળખાં પથરાયેલાં હતાં જે લગભગ 2,500 વર્ષથી વધુ સમયથી અહીં ઊભાં છે.

આ એક આશ્ચર્યજનક દૃશ્ય છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી, ઘર જેવા વિશાળ પથ્થરના ઓરડાઓ અને પથ્થરનાં વર્તુળોની હરોળ સમગ્ર પરિદૃશ્યમાં ફેલાયેલી છે. આ ભારતનાં સૌથી જૂનાં અને સૌથી મોટાં કબ્રસ્તાનોમાંનું એક છે.

આ સફર ટોલ્કિનની વાર્તામાં વિહરવા જેવી લાગી. વિશાળ પથ્થરો એકબીજાની ટોચ પર અનિશ્ચિત રીતે ટકી રહ્યા હતા. આ પથ્થરો કોઈ પણ ક્ષણે પલટી જવાની ધાર પર હોય તેવા લાગતા હતા, પરંતુ કોઈક રીતે તે આમ જ સહસ્ત્રાબ્દીઓથી મજબૂત રીતે ઊભા છે.

કેટલીક રચનામાં 700-500 બીસીઈના લાલ ગેરુથી દોરેલાં ચિત્રો સાથે ખડકનાં આશ્રયસ્થાનો પણ હતાં. જેમાં હજુ પણ પશુઓ અને ડુક્કર જેવાં પ્રાણીઓનાં દૃશ્યો જોઈ શકાય છે, જેનો અર્થ સમય સાથે રહસ્ય બની ગયો છે.

વામન કદના ઓરડાનું રહસ્ય શું છે?

ઇતિહાસકારો માને છે કે આ રચનાઓ એક પ્રાચીન સમયનું દફનસ્થળ અથવા તો સ્મારકસ્થળ તરીકે બનાવાઈ હશે. જોકે, આનો ચોક્કસ હેતુ આજે પણ એક રહસ્ય છે.

સ્ટોનહેંજ વિશ્વનું સૌથી પ્રખ્યાત મહાપાષાણ સ્મારક હોઈ શકે છે, પરંતુ આવાં હજારો અન્ય સ્થળો દુનિયામાં પથરાયેલાં છે.

યુરોપમાં આવાં 35,000 પ્રાગૈતિહાસિક બાંધકામો ગણતરીમાં લેવાયાં છે જ્યારે ભારતમાં ફક્ત 3,000 અથવા તેનાથી વધુનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ હીરે બેનકલની પ્રાચીન, રહસ્યમય રચનાઓ અને યુદ્ધમાં કુહાડી ચલાવતા ઘોડેસવારો, ભાલા પકડેલા શિકારીઓ અને દેવતા બનેલાં હરણ, મોર અને અન્ય પ્રાણીઓનાં ચિત્રો જોઈને સાહસિક પ્રવાસી સમજી શકે કે પ્રારંભિક ભારતીય સમાજ કેવી રીતે જીવતો હતો, કેવી રીતે પૂજા કરતો હતો અને તેમને કેવી રીતે દફનાવાતા હતા.

હીરે બેનકલ પુરાતત્ત્વીય સ્થળ આશરે 20 હેક્ટરમાં ફેલાયેલું છે, જે પૂર્વ-પશ્ચિમ દિશાને ધ્યાનમાં રાખીને બનાવેલું છે જે તેનું ખગોળશાસ્ત્રીય મહત્ત્વ સૂચવે છે. અહીંયાં તમે વિશાળ લંબચોરસ મહાપાષાણ કબરો આવેલી છે. ઘણા મોટા મહાપાષાણ ટેકરીની ટોચ પર પહોળા, છીછરા પાણીના કુંડની આસપાસ આવેલા છે.

આ ઐતિહાસિક સ્થળોનું નિર્માણ કેવી રીતે થયું હશે?

નિષ્ણાતો માને છે કે આની શરૂઆત ખડકના કુદરતી કુંડ તરીકે થઈ હશે અને સમય જતાં તેનો વિસ્તાર થયો હશે, કારણ કે પ્રાચીન ભારતીયો વધારાના આવા કુંડનાં નિર્માણ માટે ખોદકામ કરતા હતા.

સવારે નાનાં તળાવમાં સફેદ અને ગુલાબી રંગની કમુદિની ખીલી હતી. જે મોનેટના ચિત્રની નાજુક સુંદરતાને ઉજાગર કરતી હતી.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સાયન્સના આર્કિટેક્ટ અને ઍસોસિયેટ પ્રોફેસર શ્રીકુમાર મેનને દેશભરમાં હિરે બેનકલ અને અન્ય ઘણા મહાપાષાણનો અભ્યાસ કર્યો છે.

તેઓ કહે છે, "આ ઘણી સદીઓથી સુધી મહત્વપૂર્ણ સ્થળ રહ્યું હશે, કારણ કે આ બધું એક જ સમયમાં બનાવી શકાય એમ નથી."

સ્થાનિક દંતકથા અનુસાર, આ સ્થળનું નિર્માણ માણસો દ્વારા નહીં, પરંતુ "મોરિયાર્સ" તરીકે ઓળખાતા લુપ્ત થઈ ગયેલા વામન પ્રજાતિ દ્વારા બનાવાયું હતું. આ અલૌકિક પ્રજાતિ પાસે અપાર શક્તિ અને ઇજનેરી કૌશલ્ય હતું એવું કહેવાય છે. જેમ કે અમારા ટ્રેકનું નેતૃત્વ કરનાર સ્થાનિક પ્રકૃતિશાસ્ત્રી ચંદ્રશેખર અનેગુન્ડીએ સમજાવ્યું: કેટલાક ડોલ્મેનની ઉપર સંપૂર્ણ રીતે કાપેલા ગોળાકાર છિદ્રોએ નજીકના ગ્રામજનોને આ દંતકથાઓ પર વિશ્વાસ કરવા પ્રેર્યા છે, કારણ કે આકાર એટલા ચોક્કસ છે કે તેઓ પ્રારંભિક શિલ્પકારો માટે ખૂબ આમ કંડારવું ખૂબ જ જટિલ હતું.

માન્યતા છે કે "અહીંના ગ્રામજનો માને છે કે મોરિયાર્સ ખૂબ જ ઠીંગણા હતા અને તેઓ આગના વરસાદમાં નાશ પામ્યા હતા." જોકે અનેગુન્ડીએ કહ્યું કે, આ વાત શંકાસ્પદ છે. "જો તેઓ એટલા ઠીંગણા હતા તો તેઓ આટલા મોટા પથ્થરો કેવી રીતે ઉપાડી શક્યા?"

પ્રાચીન જાતિનો ઉલ્લેખ કરતી વિવિધ દંતકથા

સંશોધન દરમિયાન મેનને "નાના લોકો"ની પ્રાચીન જાતિનો ઉલ્લેખ કરતી વિવિધ દંતકથાનો સાંભળી. જેમણે દક્ષિણ ભારતમાં મહાપાષાણ સ્થળોનું નિર્માણ કર્યું હતું. જેમ કે કર્ણાટકમાં નજીકના મોરીબેટ્ટા અને મોરીકલ્લુ, તેલંગણામાં સન્ના મોરિયારા થટ્ટે અને તામિલનાડુમાં મોરલ પરાઈ.

તેમનું અનુમાન છે કે આવી લોકકથાઓ પ્રાચીન ભારતીયોની સામૂહિક સાંસ્કૃતિક સ્મૃતિ હોઈ શકે છે જે લુપ્ત થઈ ગયેલી માનવ જેવી પ્રજાતિને યાદ કરે છે. જે હોમો ફ્લોરેસિએન્સિસ જેવી છે, જેને તથાકથિત રીતે "હોબિટ" કહેવાય છે. ઇન્ડોનેશિયામાં 60,000થી 100,000 વર્ષ પહેલાં શોધાયેલી આ પ્રજાતિઓ કદાચ હોમો સેપિયન્સ સાથે રહેતી હતી.

મેનને કહ્યું, "આપણે જાણીએ છીએ કે મહાપાષાણના નિર્માતાઓ આપણા જેવા જ માણસો હતા, પરંતુ આ ઠીંગણા લોકોની વાર્તાઓ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી રહે છે."

તેનાં પુરાતત્ત્વીય મહત્ત્વ અને ઐતિહાસિક રહસ્ય છતાં બેનકલ દક્ષિણ ભારતની બહાર મોટા ભાગે અજાણ છે. તેની નજીક આવેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ-સૂચિબદ્ધ હમ્પીનાં સ્મારકો દુનિયામાં છવાયેલાં છે.

વિજયનગર સામ્રાજ્યની ભૂતપૂર્વ મધ્યયુગીન રાજધાની આ મહાપાષાણલિથિક સ્થળથી માત્ર 42 કિમી દક્ષિણમાં આવેલી છે અને તેના અદભુત ખંડેર અને ભવ્ય મંદિરો માટે પ્રખ્યાત છે. આ સ્થળ હજારો પ્રવાસીઓ અને ભક્તોને આકર્ષે છે.

દરમિયાન સ્થાનિક માર્ગદર્શકો જણાવે છે કે કોઈક વાર મહિનામાં ફક્ત 20થી 30 સાહસિક પ્રવાસીઓ હિરે બેનકલ જાય છે. જ્યારે ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ઠંડી અને પર્યટનની મોસમ હોવાથી આશરે 100 પ્રવાસીઓ આવે છે. આની તુલનામાં સ્ટોનહેંજના 83 ઊભા પથ્થરો વાર્ષિક દસ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે.

'પ્રાચીન સ્થળોનેદસ્તાવેજીકૃત કરવાની જરૂર'

એમએસયુ બરોડાના પુરાતત્વવિદ્ અને સંશોધક દિશા આહલુવાલિયા કહે છે, "આ સ્થળનો ક્યારેય પ્રચાર થયો નથી, બૅંગલુરુ જેવાં નજીકનાં શહેરોના લોકોમાં પણ નહીં."

"આમ છતાં, તે ખૂબ જ વધુ ધ્યાનને પાત્ર પાત્ર છે... પ્રાચીન માનવીઓ આને બનાવવા માટે ઘણી મહેનત કરી છે. આપણે તેને સાચવવા માટે બમણા પ્રયત્નો કરવાની જરૂર છે. સૌથી પહેલા આપણે તેમને દસ્તાવેજીકૃત કરવાની જરૂર છે."

મોરિયાઓની દંતકથા અંગે આહલુવાલિયાએ કહ્યું કે 1835માં બ્રિટિશ વસાહતી અધિકારીઓ દ્વારા આ સ્થળની શોધ અને પ્રાચીન અને ગ્રામીણ ભારતીય સમુદાયોની તકનીકી કુશળતા પ્રત્યેની તેમની અવગણાનાં વલણથી પણ આવી દંતકથામાં વધારો થયો હશે.

તેમણે કહ્યું, "અધિકારીઓ સંસ્કૃતિ જાણ્યા વિના આ સ્થળોએ જતા હતા. જો મહાપાષાણ મળી આવ્યા હોય તો પણ તે ખૂબ જાણીતા ન હતા. બસ તેઓ ફક્ત પથ્થરની શિલાઓનાં રૂપમાં જ જોવામાં આવ્યા."

તાજેતરનાં વર્ષોમાં હીર બેનકલનાં કેટલાંક મહાપાષાણ બાંધકામો તોડફોડનો શિકાર બન્યાં. પશુપાલકો અને ખજાનાની શોધ કરનારાઓએ સંપત્તિની અફવામાં મહાપાષાણ નીચે ખોદકામ કરી નાંખ્યું. આસપાસ છોડની અતિશય વૃદ્ધિ, સમયનો માર અને જાળવણીના અભાવે આ પ્રાચીન કબ્રસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે.

ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચરલ હેરિટેજ બૅંગલુરુના કન્વીનર મીરા ઐયર હિરે બેનકલને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "આ એક નાજુક સ્થળ છે... લોકો ઘણી વાર સમજતા ન હોય તેવી વસ્તુઓની તોડફોડ કરે છે."

આપણા પૂર્વજોએ આ ઓરડાઓ કેમ બનાવ્યા એ રહસ્ય

સફળ નામાંકન આ સ્થળને આંતરરાષ્ટ્રીય માન્યતા, સરકારી ભંડોળ અને તેના સંરક્ષણનાં ઉપાયોને પ્રોત્સાહન આપી શકે છે. સ્થાનિક સમુદાયોને પણ વધુ મુલાકાતીઓથી લાભ મળી શકે છે.

ઐયરે ચેતવણી આપી હતી કે "પરંતુ પર્યટન એક બેધારી તલવાર છે. યોગ્ય રક્ષણ વિના તેનો વધુ પડતો ઉપયોગ સ્થળને વધુ ક્ષીણ બનાવી શકે છે. શિક્ષણ અને વધુ સારા નિયમનની જરૂર છે."

જ્યારે હિરે બેનકલનું ભવિષ્ય અસ્પષ્ટ રહે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે તે એક બેહદ સુંદર સ્થળ છે. જ્યારે આ ઉચ્ચપ્રદેશ પર વરસાદી વાદળો એકઠાં થાય ત્યારે જમીન જીવનથી છલકાતી હોય તેવું લાગવા માંડે.

ઉપર ચઢતી વખતે શરમાળ પક્ષીઓ ઝાડીઓમાંથી ઊડતાં હતાં. મોર સંપૂર્ણ ઠાઠમાં સજ્જ હતાં, તેમની મેઘધનુષી પૂંછડીઓ જાણે ચોમાસાના સંવનનની કાળની ઘોષણા કરતા કરતા ફેલાઈ હતી. જ્યારે બકરીઓનાં ટોળાં ઝાડીઓમાંથી ફરતાં હતાં. અનેગુંડીએ ઊબડખાબડ ચટ્ટાનોની વચ્ચે ખીલેલાં સોનેરી અમલતાસનાં વૃક્ષો તરફ ધ્યાન દોર્યું.

"આ સ્વર્ગ છે, પક્ષીઓ માટે અને આપણા માટે પણ," તેમણે વૃક્ષોમાંથી થોડાં બીજ એકત્રિત કરતા કહ્યું.

હિરે બેનકલમાં કુદરત અને અલૌકિકતા બંનેનું મિશ્રણ થાય છે. શિખર પર ઊભા રહીને, ખડકાળ પર્વત પર વ્યવસ્થિત હરોળમાં મહાપાષાણ ફેલાયેલા હતા, ભુલાઈ ગયેલા લોકોનાં રહસ્યો અકબંધ રાખતા પથ્થરનાં ખોખાં.

આપણે ક્યારેય બરાબર જાણી નહીં શકીએ કે આપણા પૂર્વજોએ આ ઓરડાઓ કેમ બનાવ્યા હતા. એક વાત તો સ્પષ્ટ છે કે આ સ્થળ અહીં રહેતા લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. હાલમાં તે ભારતનાં સૌથી રસપ્રદ રહસ્યોમાંનું એક છે. એક પ્રાગૈતિહાસિક સ્મારક જેને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન