સેંકડો વર્ષ પહેલાં પર્વત પર ખોવાયેલાં શહેરો જ્યારે મળ્યાં તો વૈજ્ઞાનિકોને ત્યાં શું જોવા મળ્યું?

    • લેેખક, કેલ્લી એન જી
    • પદ, બીબીસી ન્યૂઝ

પૂર્વ ઉઝબેકિસ્તાનના ઘાસના પહાડોમાં પુરાતત્ત્વવિદોને બે મધ્યયુગી શહેરોના અવશેષ મળી આવ્યા છે. આ એક એવી શોધ છે જે વિખ્યાત સિલ્ક રોડ વિશે આપણી ધારણાને બદલી શકે છે.

આ વ્યાપાર માર્ગો પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ચીજવસ્તુઓ અને વિચારોના આદાનપ્રદાન માટે જાણીતા હતા. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે આ માર્ગ નીચાણમાં આવેલાં શહેરોને જોડતા હતા.

પરંતુ રિમોટ સેન્સિંગ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને પુરાતત્ત્વવિદોએ ઉચ્ચ ભૂમિ પર આવેલા ઓછાંમાં ઓછાં બે શહેરનાં અવશેષ શોધી કાઢ્યાં છે, જે વ્યાપાર માર્ગમાં એક મહત્ત્વના ક્રૉસરોડ પર આવેલાં હતાં.

આ બેમાંથી એક તુગુનબુલક શહેર ઓછામાં ઓછા 120 હેક્ટરમાં ફેલાયેલું એક મહાનગર હતું, જે સમુદ્રની સપાટીથી 2000 મીટર કરતા વધારે ઊંચાઈએ સ્થિત હતું.

2011માં પહાડોમાં ટ્રૅકિંગ કરતી વખતે નાનું શહેર તાશબુલક શોધી કાઢ્યું હતું

પુરાતત્ત્વશાસ્ત્રી ફરહોદ મક્સુદોવે કહ્યું કે, "આ શોધ થયા પછી મધ્ય એશિયાનો ઇતિહાસ પણ હવે બદલાઈ રહ્યો છે."

ટીમનું માનવું છે કે મધ્યયુગમાં 8મી અને 11મી સદી દરમિયાન તુગુનબુલક અને એક નાનકડા શહેર તાશબુલકમાં મોટી સંખ્યામાં લોકો વસતા હશે. તે સમયે આ પ્રદેશ પર એક શક્તિશાળી તુર્કી રાજવંશનું નિયંત્રણ હતું.

આજે દુનિયાની માત્ર ત્રણ ટકા વસતી આના કરતા વધારે ઊંચી જગ્યા પર રહે છે. તિબેટનું લ્હાસા અને પેરુનું કુસ્કો તેના દુર્લભ ઉદાહરણ છે.

ઉઝબેકિસ્તાનના નૅશનલ સેન્ટર ઑફ આર્કિયોલૉજીના ડાયરેક્ટર મક્સુદોવ અને સેન્ટ લુઇસ ખાતે વૉશિંગ્ટન યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ માઇકલ ફ્રેચેટીની આગેવાની હેઠળ આ શોધ કરવામાં આવી હતી. ડ્રોન કૅમેરા તથા લાઇડર તરીકે ઓળખાતા રિમોટ-સેન્સિંગ ટૂલ દ્વારા આ શોધખોળ શક્ય બની હતી.

લાઇડરમાં જગ્યાનું ત્રિપરિમાણિય મૅપિંગ કરવા માટે પરાવર્તિત પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે.

આ અઠવાડિયે વૈજ્ઞાનિક જર્નલ નેચરમાં તેમનું સંશોધન પ્રકાશિત થયું હતું. તેમાં સામેલ ન હોય તેવા નિષ્ણાતોએ પણ વિચરતા સમુદાયોની જીવનશૈલી પર પ્રકાશ પાડવા બદલ આ સંશોધનના મહત્ત્વની પ્રશંસા કરી છે.

ટીમે સૌપ્રથમ 2011માં પહાડોમાં ટ્રૅકિંગ કરતી વખતે નાનું શહેર તાશબુલક શોધી કાઢ્યું હતું. તેમણે દફનવિધિ માટેનાં સ્થળો, માટીકામના હજારો ટુકડા અને અન્ય ચિહ્નો પણ શોધી કાઢ્યાં, જેના પરથી કહી શકાય કે આ પ્રદેશમાં સારી એવી વસતી હતી.

તેમણે કહ્યું કે ઐતિહાસિક રેકૉર્ડ એવા સંકેત આપે છે કે આ જગ્યા પર એક શહેર હતું. પરંતુ સમુદ્રની સપાટીથી લગભગ 2200 મીટરની ઊંચાઈએ 12 હેક્ટરમાં મધ્યયુગનું શહેર મળી આવવાની અપેક્ષા ન હતી.

ફ્રેચેટીએ બીબીસીને જણાવ્યું કે "અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા."

તેમણે જણાવ્યું કે "ત્યાં સુધી ટ્રેકિંગ કરવું પણ મુશ્કેલ હતું, કારણ કે તેમણે ભારે પવન, તોફાન અને લૉજિસ્ટિકલ પડકારોનો સામનો કરવો પડ્યો હતો."

"ચાર વર્ષ પછી વન વિભાગના એક અધિકારીએ ટીમને તાશબુલકની નજીકની અન્ય સાઇટનો અભ્યાસ કરવાની સૂચના આપી."

"અધિકારીએ કહ્યું, 'મને લાગે છે કે મારા ઘરની નજીકમાં આ પ્રકારના કેટલાક સિરામિક્સ હાજર છે'."

ફ્રેચેટીએ કહ્યું, "તેથી અમે તેના ઘરે ગયા... અને જોયું કે તેમનું ઘર મધ્યયુગીન કોટ અથવા રાજગઢ પર બાંધવામાં આવ્યું હતું. તેઓ જાણે એક વિશાળ શહેરમાં રહેતા હતા."

આ શોધખોળમાં સૌથી મુશ્કેલ કામ શૈક્ષણિક સમુદાયને એ ખાતરી અપાવવાનો હતો કે આ શહેરો ખરેખર અસ્તિત્વમાં છે.

ફ્રેચેટીએ કહ્યું, "અમે લોકોને કહેતા કે અમને આ અદ્ભુત સાઇટ મળી છે, અને અમને શંકા જતી કે કદાચ તે એટલું મોટું નહીં હોય, અથવા તે માત્ર એક ટેકરો અથવા કિલ્લો હશે... આ ખરેખર શું હતું તે સમજાવવા માટે શહેરનું વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કેવી રીતે કરવું તે એક મોટો પડકાર હતો."

2022માં લાઇડર સેન્સરથી સજ્જ ડ્રોન લઈને ટીમ પાછી આવી. આ ડ્રોને તુગુનબુલકમાં દીવાલો, ગાર્ડ ટાવર, સ્થાપત્યના જટિલ ફીચર્સ અને અન્ય કિલ્લેબંધીને ઉજાગર કરવામાં ટીમને મદદ કરી.

"મધ્યયુગમાં તો જેની પાસે લોખંડ હોય તે ખૂબ જ શક્તિશાળી ગણાતા"

સંશોધકો સૂચવે છે કે તે વખતના સમુદાયોએ આયર્ન ઓરની ભઠ્ઠી ચલાવવા માટે જરૂરી પવન મળી રહે તે માટે તુગુનબુલાક અને તાશબુલકમાં સ્થાયી થવાનું પસંદ કર્યું હશે. આ પ્રદેશ આયર્ન ઓરથી સમૃદ્ધ હતો અને પ્રારંભિક ખોદકામમાં તેની ઉત્પાદન ભઠ્ઠીઓ મળી આવી છે.

મક્સુદોવે કહ્યું કે "મધ્યયુગમાં તો જેની પાસે લોખંડ હોય તે ખૂબ જ શક્તિશાળી ગણાતા."

પરંતુ તેનાં કારણો સમુદાયોનું પતન થયું હોય તે પણ શક્ય છે એમ તેમણે જણાવ્યું હતું. આ વિસ્તાર એક ગાઢ જંગલની વચ્ચે આવેલો હતો, પરંતુ લોખંડ કાઢવા માટે જંગલ કાપી નખાયા હોય તે શક્ય છે. જંગલ ન હોવાથી પ્રચંડ પૂર આવ્યું હશે ત્યારે જમીન ધોવાઈ ગઈ હશે અને પર્યાવરણીય રીતે તે અસ્થિર પ્રદેશ બની ગયો હશે."

સામાન્ય રીતે નિષ્ણાતોને ખીણમાં નીચેના ભાગમાં વસાહતોના પુરાવા મળવાની અપેક્ષા હોય છે. "તેથી આ શોધ નોંધપાત્ર છે", એમ ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈશ્વિક ઇતિહાસના પ્રોફેસર પીટર ફ્રૅન્કોપને જણાવ્યું હતું.

તેમણે કહ્યું, "કેટલો અદ્ભુત ખજાનો છે... જે સમગ્ર એશિયાના ઊંડા આંતરસંબંધો સાથે સાથે એક હજાર વર્ષ કરતાં પણ વધુ સમય અગાઉ કુદરતી સંસાધનોના ઉપયોગ વચ્ચેની કડીઓ દર્શાવે છે."

બ્રાઉન યુનિવર્સિટીના પુરાતત્વવિદ્ ઝાચેરી સિલ્વિયાએ જણાવ્યું કે, પુરાતત્ત્વીય રેકૉર્ડમાં અત્યંત ઊંચાઈએ આવેલા શહેરી વિસ્તારો "અસાધારણ રીતે દુર્લભ" હોય છે કારણ કે સમુદાયોને ત્યાં સ્થાયી થવામાં ભારે પડકારો નડે છે.

તેમણે નેચર પર ટિપ્પણીમાં લખ્યું કે, ટીમનું કાર્ય "મધ્ય એશિયામાં મધ્યયુગી શહેરીકરણના અભ્યાસ માટે પુષ્કળ યોગદાન" આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.