કૅન્સર, હૃદયરોગ અને ફેફસાંની બીમારીમાં ગીત ગાવાથી કેવો લાભ થાય?

    • લેેખક, ડેવિડ કોક્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

વર્ષનો એ સમય હાલમાં જ ગયો જ્યારે વાતાવરણમાં ચારેકોર મધુર અવાજો ગુંજી રહ્યા હતા. 'કેરોલ'નું ગાન કરનારા ગાયકો ઉત્સવની ખુશીની લહેર પ્રસરાવી રહ્યા હતા અને ચારેકોર તહેવારનો માહોલ જામ્યો હતો.

ચમકદાર વસ્ત્રોમાં સજ્જ આ ગાયકો એક ખાસ પ્રવૃત્તિમાં મગ્ન હતા. તેમને જાણ હોય કે ન હોય, પણ શૉપિંગ સેન્ટર્સ, ટ્રેન સ્ટેશનો, નર્સિંગ હોમ્સ અને લોકોના ઘરના દરવાજે જઈને આનંદમયી ગીતો રેલાવતી વખતે તેઓ માત્ર વાતાવરણને જ નહીં, પણ પોતાના સ્વાસ્થ્યને પણ જોશથી ભરી રહ્યા હોય છે.

ગીત ગાવાથી ગાયકને મસ્તિષ્કથી લઈને હૃદય સુધી અનેક ફાયદા થાય છે, ખાસ કરીને જો તે સમૂહ ગાન હોય તો. સમૂહ ગાનથી લોકો એકબીજાની નિકટ આવે છે, શરીરમાં બીમારીઓનો સામનો કરવાની સજ્જતા કેળવાય છે અને શારીરિક પીડામાં પણ રાહત મળે છે.

મસ્તિષ્કની ઈજાઓમાંથી સાજા થવામાં સંગીતની ભૂમિકાનો અભ્યાસ કરી રહેલા અને કૅમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મ્યુઝિક થૅરેપી રિસર્ચના એલેક્સ સ્ટ્રીટના જણાવ્યાનુસાર: "સંગીત એક જ્ઞાનાત્મક, શારીરિક અને ભાવનાત્મક પ્રવૃત્તિ છે."

નિકટતાની ભાવના અને સામાજિક એકતા સમૂહ ગાન કરનારા લોકોમાં સામાજિક એકતાની મજબૂત ભાવના કેવી રીતે વિકસે છે, તે સવાલ મનોવિજ્ઞાનીઓ માટે હંમેશાં જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. સંશોધન દર્શાવે છે કે, તદ્દન અજાણ્યા લોકો પણ જો એક કલાક સુધી સાથે ગીત ગાય, તો તેમનામાં નિકટતાની ભાવના પાંગરતી હોય છે.

તે ઉપરાંત, ગાવાથી ફેફસાં અને શ્વસનતંત્રને ઘણો લાભ થાય છે. કેટલાક સંશોધકો તો ફેફસાંની બીમારી ધરાવતા દર્દીઓની સારવારમાં પણ ગાયનની મદદ લે છે.

હકારાત્મક પ્રભાવ

ગીત ગાવાથી માપી શકાય એવી અન્ય શારીરિક અસરો પણ થાય છે. ગાવાથી વ્યક્તિના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે. સમૂહ ગાન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે માત્ર સંગીત સાંભળવાથી એટલી વધી શકતી નથી.

તેની પાછળ એક જૈવિક કારણ પણ છે. ગાવાથી ગળાના પાછળના સ્નાયુઓ અને સ્વર તંતુ (વૉકલ કોર્ડ્ઝ) સાથે સીધી જોડાયેલી 'વેગસ નસ' (Vagus Nerve) સક્રિય થાય છે. ગીત ગાતી વખતે લાંબા અને નિયંત્રિત શ્વાસ છોડવાથી શરીરમાં 'એન્ડોર્ફિન્સ' મુક્ત થાય છે, જે આનંદ અને સુખાકારીની લાગણી જન્માવે છે તથા દર્દમાં રાહત આપે છે.

વળી, ગાવાથી મસ્તિષ્કની બંને બાજુએ ન્યૂરોન્સનું એક વ્યાપક નેટવર્ક સક્રિય થાય છે, જે ભાષા, હલનચલન અને સંવેદનાઓ સાથે સંબંધિત ભાગોને કાર્યરત કરે છે.

ગાતી વખતે શ્વાસ પર ધ્યાન આપવાનું હોવાથી આ સમગ્ર પ્રક્રિયા તણાવમુક્તિ માટે અત્યંત અસરકારક સાબિત થાય છે. ઍલેક્સ સ્ટ્રીટ કહે છે કે, "'ફીલ ગુડ' પ્રતિભાવો ગાયકોના હાવભાવ અને શારીરિક મુદ્રામાં સ્પષ્ટ જોઈ શકાય છે."

કેટલાક માનવશાસ્ત્રીઓનું માનવું છે કે આપણા પૂર્વજો બોલતા શીખ્યા તે પહેલાં ગાતા હતા. ભાવનાઓ વ્યક્ત કરવા કે પ્રકૃતિના અવાજોની નકલ કરવા તેઓ સ્વરોનો ઉપયોગ કરતા.

સમૂહનું મહત્ત્વ

ગીત ગાવું એ માનવજીવનનો અભિન્ન ભાગ છે. આપણું શરીર અને મસ્તિષ્ક જન્મથી જ સંગીત પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ આપવા કેળવાયેલાં હોય છે. બાળકો માટે ગવાતાં હાલરડાંથી માંડીને અંતિમ વિધિનાં ગીતો સુધી, સંગીત આપણા જીવનના દરેક તબક્કે વણાયેલું છે.

એકલા ગાવા કરતા સમૂહમાં ગાવું માનસિક સુખાકારી માટે વધુ ફાયદાકારક છે. શૈક્ષણિક સંશોધકો બાળકોમાં સહકાર અને ભાષાકીય વિકાસ માટે ગાયનનો ઉપયોગ કરે છે.

ગાયનનો સૌથી મોટો લાભ એ છે કે તે મસ્તિષ્કને ઈજા કે ક્ષતિમાંથી બહાર આવવામાં મદદ કરે છે. કૅન્સર, સ્ટ્રોક, ચિત્તભ્રમ અને પાર્કિન્સન્સ જેવી બીમારીઓ સામે લડતા લોકો માટે સામુદાયિક ગાયન મંડળીઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પાર્કિન્સન્સના દર્દીઓમાં ગાવાથી બોલવાની ક્ષમતામાં સુધારો જોવા મળ્યો છે.

શ્વાસ સાથે સીધો સંબંધ

પ્રોફેસર ઍડમ લ્યૂઈસના જણાવ્યા મુજબ, "ગીત ગાવું એ એક શારીરિક પ્રવૃત્તિ છે અને તેનાથી કસરત જેટલા જ લાભ થાય છે." તાલીમબદ્ધ ગાયકોની વોકલ ઍક્સરસાઇઝ હૃદય અને ફેફસાં માટે ટ્રેડમિલ પર ચાલવા સમાન વ્યાયામ પૂરો પાડે છે.

શ્વાસ સાથેનો સંબંધ દીર્ઘકાલીન શ્વસન રોગ ધરાવતા લોકો માટે ગાયન અત્યંત લાભદાયી છે. કીર ફિલિપ જણાવે છે કે, શ્વાસ ચઢવાની તકલીફ હોય તેવા લોકો માટે ગાયન સ્નાયુઓ અને લયબદ્ધ શ્વાસ લેવાની પદ્ધતિમાં સુધારો કરે છે. 'ઇંગ્લિશ નૅશનલ ઓપેરા' સાથે મળીને વિકસાવવામાં આવેલા બ્રિધિંગ પ્રોગ્રામ દ્વારા લાંબા સમયના કોવિડ દર્દીઓની જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

મસ્તિષ્કની પુનઃરચના 2011માં અમેરિકાના પૂર્વ કૉંગ્રેસવુમન ગેબ્રિએલ ગિફોર્ડ્ઝને માથામાં ગોળી વાગી હતી. થૅરેપિસ્ટ્સે તેમને ફરીથી બોલતા અને લખતા શીખવવા માટે બાળપણનાં ગીતોની મદદ લીધી હતી. ગાવાથી મસ્તિષ્કની 'ન્યૂરોપ્લાસ્ટિસિટી' વધે છે, જે નવા ન્યૂરોલૉજિકલ નેટવર્ક્સ બનાવવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા જ્ઞાનાત્મક ઘટાડા સામે રક્ષણ આપે છે.

ઍલેક્સ સ્ટ્રીટ અંતમાં જણાવે છે કે, આધુનિક ટૅક્નૉલૉજીના યુગમાં લોકો એકબીજા સાથે સમય પસાર કરવાને બદલે સ્ક્રીન પાછળ વધુ સમય વીતાવે છે, જેના કારણે ગાયન જેવી સામુદાયિક પ્રવૃત્તિના લાભોથી તેઓ વંચિત રહી જાય છે.

સમુદાયોને જોડવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં ગાયને હંમેશાં મોટી ભૂમિકા ભજવી છે, જે તહેવારોની મોસમમાં ગીતો ગાવા માટેનું સૌથી સચોટ કારણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન