'ભારતની જમીન પર અમે ટી-20 વર્લ્ડકપ નહીં રમીએ' – બાંગ્લાદેશનું એલાન

બાંગ્લાદેશની વચ ગાળાની સરકારના ખેલ સલાહકાર આસિફ નઝરુલની સાથે આજે થયેલી બેઠક પછી બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું છે કે બાંગ્લાદેશ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારત નહીં જાય.

ખેલ સલાહકાર આસિફ નઝરુલે પત્રકારોને કહ્યું છે કે સરકારનો નિર્ણય સ્પષ્ટ છે - બાંગ્લાદેશની ટીમ ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં રમવા નહીં જાય.

તેમણે કહ્યું, "અમને આઇસીસી તરફથી ન્યાય મળ્યો નથી. અમને આશા છે કે આઇસીસી અમારી સુરક્ષા અંગેની ચિંતાઓ પર વિચાર કરશે અને શ્રીલંકામાં રમવાની અમારી વિનંતી સ્વીકારશે."

આસિફ નઝરુલે કહ્યું હતું કે, "દેશના લોકોની સુરક્ષાને જોખમમાં નાખવા તથા માથું ઝુકાવવાનાં પરિણામો અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.'

નઝરુલે કહ્યું હતું કે તેમણે આ અંગે ક્રિકેટરો સાથે પણ વાત કરી છે.

બીસીબીના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું, "અમે ફરીથી આઇસીસીનો સંપર્ક કરીશું. અમે ભારતમાં નહીં, શ્રીલંકામાં રમવા માગીએ છીએ."

અગાઉ, બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે આઇસીસી તરફથી કોઈ 'ચમત્કાર' થશે આશા વ્યક્ત કરી હતી.

ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે બાંગ્લાદેશે સુરક્ષા કારણોનો હવાલો આપીને વર્લ્ડકપની પોતાની મૅચ ભારતની જગ્યાએ શ્રીલંકામાં શિફ્ટ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ અંગે, આઇસીસીએ કહ્યું કે તેમણે તમામ સુરક્ષા મૂલ્યાંકન હાથ ધર્યાં છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આટલી જલદી ફેરફારો કરવાનું શક્ય નથી.

બાંગ્લાદેશને શું આશા હતી?

બુધવારે આઇસીસીની બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કહેવામાં આવ્યું હતું કે જો તેમની ટીમ ભારત નહીં જાય, તો તેમનું સ્થાન બીજી ટીમ લેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમીનુલ ઇસ્લામે બાંગ્લાદેશ સરકાર સાથે આ બાબતે ચર્ચા કરવા માટે આઇસીસી પાસે સમય માગ્યો હતો.

ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના ભારતમાં ન રમવાના નિર્ણય પહેલાં, અમીનુલ ઇસ્લામે કહ્યું હતું કે, "મેં આઇસીસી પાસેથી સમય માગ્યો છે જેથી હું મારી સરકાર સાથે છેલ્લી વાર વાત કરી શકું. તેમણે કહ્યું કે આ એક કાયદેસર બાબત છે અને મને જવાબ આપવા માટે 24થી 48 કલાકનો સમય આપ્યો છે. હું સરકાર પર દબાણ લાવવા માગતો નથી. અમે જાણીએ છીએ કે ભારત અમારા માટે સુરક્ષિત નથી. અમે અમારા વલણ પર અડગ છીએ કે અમે શ્રીલંકામાં રમવા માગીએ છીએ. હું જાણું છું કે આઇસીસીએ અમારી વિનંતીને નકારી કાઢી છે, પરંતુ અમે સરકાર સાથે ફરી એક વાર વાત કરીશું. હું આઇસીસીને સરકારના પ્રતિભાવ વિશે જાણ કરીશ."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ફક્ત એક દિવસમાં શું હાંસલ કરી શકે છે, ત્યારે અમીનુલ ઇસ્લામે કહ્યું, "હું આઇસીસી પાસેથી ચમત્કારની અપેક્ષા રાખું છું. કોણ વર્લ્ડકપમાં રમવા ન માગે? બાંગ્લાદેશના ખેલાડીઓ વર્લ્ડકપ રમવા માગે છે, પરંતુ અમને નથી લાગતું કે ભારત અમારા ખેલાડીઓ માટે સલામત છે. જ્યારે સરકાર કોઈ નિર્ણય લે છે, ત્યારે તે ફક્ત ખેલાડીઓને ધ્યાનમાં રાખીને જ નહીં પરંતુ તમામ પાસાંઓનો વિચાર કરે છે."

સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા આઇસીસી ટી20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશને ગ્રૂપ સીમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ, ઇટાલી, વેસ્ટઇન્ડીઝ અને નેપાળનો પણ સમાવેશ થાય છે.

આઇસીસીએ પહેલાંથી જ કહી દીધું છે કે જો બાંગ્લાદેશ નહીં રમે તો સ્કૉટલૅન્ડ વર્લ્ડકપમાં તેનું સ્થાન લેશે.

ટુર્નામેન્ટની પહેલી મૅચ બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમવાની હતી. બાંગ્લાદેશને કોલકાતામાં ત્રણ ગ્રૂપ સ્ટેજ મૅચ અને મુંબઈમાં એક મૅચ રમવાની હતી.

આ વર્લ્ડકપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે.

વાત આટલે સુધી કેવી રીતે પહોંચી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા તણાવ અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે બીસીસીઆઇએ આઇપીએલની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો ત્યારે એક નવો વળાંક આવ્યો.

મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઈડર્સે આઇપીએલ 2026 માટે 9 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યા હતા.

મુસ્તફિઝુરને ટીમમાંથી બાકાત રાખવા અંગે, બાંગ્લાદેશની વચ ગાળાની સરકારના યુવા અને રમતગમત બાબતોના સલાહકાર આસિફ નઝરુલે કહ્યું હતું કે, "બાંગ્લાદેશી ક્રિકેટરો અને દેશનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં."

બાંગ્લાદેશે તેના જવાબમાં વધુ એક પગલું ભર્યું અને પોતાના દેશમાં આઇપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો.

4 જાન્યુઆરીના રોજ, બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડે (BCB) સરકાર સાથે પરામર્શ કર્યા પછી, આઇસીસીને એક પત્ર લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા કારણસર બાંગ્લાદેશની ટીમ ટી-20 વર્લ્ડકપ મૅચો માટે ભારતનો પ્રવાસ કરશે નહીં.

પરંતુ આઇસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડની આ માગણીને ફગાવી દીધી.

દરમિયાન, સમાચાર એજન્સી પીટીઆઇએ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે પીસીબીએ આઇસીસી સમક્ષ બાંગ્લાદેશના વલણને સમર્થન આપ્યું છે. જોકે, આ બાબતે પીસીબી તરફથી કોઈ જાહેર નિવેદન આવ્યું નથી.

પાકિસ્તાન એ બીસીસીઆઇ અને આઇસીસી સાથેના હાઇબ્રિડ મૉડલ કરાર હેઠળ તેની બધી ટી-20 વર્લ્ડકપ મૅચ શ્રીલંકામાં રમશે.

આઇસીસીએ શું કહ્યું?

આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ટી-20 વર્લ્ડકપ 2026 એ નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે અને બાંગ્લાદેશની મૅચો ફક્ત ભારતમાં જ રમાશે.

આઇસીસીના જણાવ્યા અનુસાર, "આ નિર્ણય 21 જાન્યુઆરી, બુધવારના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આઇસીસી બૉર્ડની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડ (BCB) દ્વારા શ્રીલંકામાં તેની મૅચોનું આયોજન કરવાની વિનંતી બાદ ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવાઈ હતી."

આઇસીસીએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય તમામ સુરક્ષા મૂલ્યાંકનોને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવ્યો છે, જેમાં સ્વતંત્ર સમીક્ષાનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે દેશના કોઈ પણ ટુર્નામેન્ટ સ્થળે બાંગ્લાદેશી ખેલાડીઓ, મીડિયા કર્મચારીઓ, અધિકારીઓ અને ચાહકો માટે કોઈ જોખમ નથી."

"આઇસીસીની બેઠકમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે ટુર્નામેન્ટ પહેલાં તરત જ કોઈ પણ ફેરફારો લાગુ કરવા શક્ય નથી. વધુમાં, કોઈ પણ સુરક્ષા ખતરો ન હોય તો તેવી સ્થિતિમાં સમયપત્રકમાં ફેરફાર કરવાથી ભવિષ્યની આઇસીસી ઇવેન્ટ્સ જોખમમાં મુકાઈ શકે તેવું ઉદાહરણ સ્થાપિત થઈ શકે છે."

આઇસીસી પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ પ્રયાસો છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તેના વલણ પર અડગ રહ્યું છે અને વારંવાર ટુર્નામેન્ટમાં તેની ભાગીદારીને એક અલગ અને અસંબંધિત ઘટના સાથે જોડી રહ્યું છે જેમાં તેના એક ખેલાડીનો સ્થાનિક લીગમાં સમાવેશ નથી થયો. આ મુદ્દાની ટુર્નામેન્ટની સુરક્ષા અથવા ભાગીદારી માટેની શરતો પર કોઈ અસર થતી નથી."

"આઇસીસીના સ્થળ અને સમયપત્રકના નિર્ણયો જોખમોનું મૂલ્યાંકન, યજમાન દેશની ખાતરી અને ટુર્નામેન્ટની સહમત ભાગીદારીની શરતોના આધારે લેવામાં આવે છે. આ નિયમો બધાં 20 ભાગ લેનારા દેશોને સમાન રીતે લાગુ પડે છે. બાંગ્લાદેશ ટીમની સલામતીને અસર કરે તેવા કોઈ પણ સ્વતંત્ર સુરક્ષા તારણો ન હોવાને કારણે, આઇસીસી મૅચોને સ્થાનાંતરિત કરવામાં અસમર્થ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન