You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વજન ઘટાડવા કેરમ બોર્ડમાં વપરાતો પાઉડર પીધા બાદ વિદ્યાર્થિનીનું મોત, નિષ્ણાતો શું કહે છે?
- લેેખક, ઝેવિયર સેલ્વકુમાર
- પદ, બીબીસી તમિલ
યૂટ્યૂબ ચૅનલ પર વજન ઘટાડવા વિશે શૅર કરાયેલી માહિતીને આધારે બોરેક્સનું સેવન કરવાને કારણે મદુરાઈની એક કૉલેજ વિદ્યાર્થિનીનું મોત થયું છે.
જોકે, સિદ્ધ ચિકિત્સાના અનુયાયીઓ કહે છે કે આ એક સફેદ ઝેરી પદાર્થ છે અને લોકઔષધો બનાવવા માટે તેનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં કરવામાં આવે છે.
રસાયણશાસ્ત્રના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે બોરેક્સ તરીકે પણ ઓળખાતું સોડિયમ બોરેટ એક રસાયણ જેવું છે અને તેની વિષાક્તતા જંતુનાશક દવા જેવી જ હોય છે.
આ ઘટના પછી ઍલોપથિક અને સિદ્ધ ચિકિત્સકો, ચિકિત્સા ઉપચાર સંબંધે ભ્રામક ભલામણો કરતી યૂટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ લાદવાનો આગ્રહ સરકારને કરી રહ્યા છે.
મદુરાઈની જે વિદ્યાર્થિનીએ બોરેક્સનું સેવન કર્યું હતું તે વાસ્તવમાં શું છે? તેના સેવનથી શરીર પર શું અસર થાય છે? બીબીસીએ આ સવાલોને જવાબ મેળવવા માટે અનેક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
'યૂટ્યૂબ પર વીડિયો જોયા પછી બોરેક્સ ખરીદીને સેવન કરનાર યુવતી'
મદુરાઈના સેલ્લુર જિલ્લાના મીનાંબલપુરમની મૂળ રહેવાસી કલૈયારસી એક ખાનગી કૉલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
પોલીસે કહ્યું હતું, "કલૈયારસીનું વજન થોડું વધારે હતું. તેણે એક યૂટ્યૂબ ચૅનલના દાવાને આધારે દવાની સ્થાનિક દુકાનમાંથી બોરેક્સ ખરીદ્યું હતું અને તેને આશા હતી કે તેનું સેવન કરવાથી તેનું વજન ઘટાડવામાં મદદ મળશે."
બોરેક્સનું સેવન કર્યાની થોડી મિનિટો બાદ તેને જોરદાર ઊલટી થઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી. કલૈયારસીને સ્થાનિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર બાદ તેને ઘરે પાછી લાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાતે કલૈયારસીની તબિયત ફરી બગડતાં તેને મદુરાઈની સરકારી રાજાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.
આ સંબંધે સેલ્લુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે કલૈયારસીએ એક યૂટ્યૂબ ચૅનલ પર વીડિયો જોયા બાદ બોરેક્સ ખરીદ્યું હતું અને તેનું સેવન કર્યું હતું.
કલૈયારસીના પિતા વેલુમુરુગને મીડિયાને જણાવ્યું હતું કે તેમણે તેમની દીકરીને યૂટ્યૂબ ચૅનલ પર પ્રસારિત માહિતીને આધારે સ્થાનિક દુકાનમાંથી દવા ખરીદતાં અને તેનું સેવન કરતાં અટકાવી હતી.
બોરેક્સ શું હોય છે?
સાદા શબ્દોમાં કહીએ તો બોરેક્સ એ પાવડર છે, જેનો ઉપયોગ કેરમ બોર્ડમાં કરવામાં આવે છે, એવું કોઈમ્બતૂરની ભરથિયાર યુનિવર્સિટીના રસાયણ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સેલ્વરાજે જણાવ્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "એ બહુ ઝીણું નમક છે. તેને સામાન્ય રીતે ચહેરા પર લગાવવામાં આવતા ટેલકમ પાવડરમાં થોડી પ્રમાણમાં ભેળવવામાં આવે છે."
તેમણે ચેતવણી આપી હતી કે "તેનાથી દવામાં થોડી માત્રામાં ઝીંકન ઉમેરો થાય છે, પરંતુ તમે ઝીંકનું સેવન સીધું કરો તો તેની અસર બ્લીચ જેવી જ થાય છે."
તેમના કહેવા મુજબ, આ પાઉડર સોડિયમ બૅરેટ નામનું એક રસાયણ છે. તેને બોલચાલની ભાષામાં બોરેક્સ કહેવામાં આવે છે, પરંતુ "તે ખાદ્યસામગ્રી નથી."
પ્રોફેસર સેલ્વરાજે ઉમેર્યું હતું, "તેનો ઉપયોગ માત્ર શુદ્ધીકરણ માટેના કાચા માલ તરીકે કરી શકાય છે અને આહાર સ્વરૂપે તેનું સીધું સેવન કરવું અયોગ્ય છે. ટૂંકમાં તે જંતુનાશક જેવું એક રસાયણ જ છે."
સિદ્ધ ચિકિત્સક કે. શિવરામનનું કહેવું છે કે બોરેક્સ પાવડરનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "તેનો ઉપયોગ મોમાંના ચાંદા માટે ઍક્સટર્નલ દવા તરીકે પણ કરવામાં આવે છે." સિદ્ધ ચિકિત્સામાં તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવતો નથી, એવું પણ તેમણે જણાવ્યું હતું.
ગોળીઓના સેવનથી વજન ઘટાડી શકાતું નથી, એવું ભારપૂર્વક જણાવતાં કે. શિવરામને ઉમેર્યું હતું કે વ્યાયામ અને આહાર જ વજન ઘટાડવાની એકમાત્ર રીત છે.
સિદ્ધ ચિકિત્સામાં બોરેક્સના ઉપયોગ બાબતે વાત કરતાં સિદ્ધ ચિકિત્સક વીરબાબુએ ચેતવણી આપી હતી કે "કેટલાંક સિદ્ધ ઔષધોમાં બોરેક્સ બહુ ઓછી માત્રામાં ભેળવવામાં આવે છે, પરંતુ તેને ઔષધ તરીકે સીધી આપવામાં આવતી નથી. યોગ્ય શુદ્ધીકરણ વિના તેનો ઉપયોગ કરવો અત્યંત જોખમી છે."
બોરેક્સ એક વિષ છે, જે શરીર માટે હાનિકારક છે, એવું જણાવતાં વીરબાબુએ ઉમેર્યું હતું, "સામાન્ય રીતે મોં કે દાંતમાં ઇન્ફેક્શન અને મોંમાંના ચાંદા માટે તેને ઓછી માત્રામાં આપવામાં આવે છે, પરંતુ તે વજન ઘટાડવાની દવા નથી."
બોરેક્સનું સેવન કરવાથી શું અસર થાય?
ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન વીજી મોહન પ્રસાદના જણાવ્યા અનુસાર, અત્યંત અલ્પ માત્રામાં બોરેક્સનું સેવન કરવાથી કોઈ નુકસાન થતું નથી.
ઇન્ડિયન સોસાયટી ઑફ ગૅસ્ટ્રોએન્ટરોલૉજીના પ્રમુખ તરીકે પણ કાર્યરત્ ડૉ. વીજી મોહન પ્રસાદે કહ્યું હતું, "શુદ્ધ બોરેક્સ પાવડરનું અત્યંત અલ્પ માત્રામાં કરવામાં આવે તો કોઈ સમસ્યા સર્જાતી નથી, પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનું ઝેર થોડી વારમાં જ આખા શરીરમાં ફેલાય જાય છે અને ગંભીર નુકસાન કરે છે. વ્યક્તિને ઝાડા-ઊલટી થાય છે. કેટલાક લોકોને ઍટેક પણ આવી શકે છે. સમયસર સારવાર મળે તો પણ એવી વ્યક્તિનો જીવ બચાવવાનું મુશ્કેલ બની જાય છે."
ડૉ. વીજી મોહને ઉમેર્યું હતું, "કોઈ વ્યક્તિ ભૂલથી સફેદ ફંગસ ખાઈ લે અને તેને એક જ કલાકમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવે તો ટ્યૂબ નાખીને ઝેર કાઢીને તેનો જીવ બચાવી શકાય છે."
વિલંબના સંભવિત પરિણામની વાત કરતાં તેમણે કહ્યું હતું, "બોરેક્સની વિષાક્તતાની અસર શરીરના આંતરિક અવયવો પર પડે છે. થોડા સમયમાં કિડની નકામી થઈ જાય છે અને રક્તસ્રાવ થવા લાગે છે. સમયસર સારવાર આપવામાં આવે તો વ્યક્તિના શરીરમાંથી વિષ કાઢી શકાય છે."
યૂટ્યૂબ ચૅનલો પર પ્રસારિત વીડિયો જોઈને સ્વ-ચિકિત્સા અને ચિકિત્સા સંબંધી ઉપચારો જાતે કરવાનું પ્રમાણ લોકોમાં તાજેતરમાં વધ્યું હોવાનું ઍલોપથિક ડૉક્ટરો અને સિદ્ધ ચિકિત્સકોએ જણાવ્યું હતું.
આ વિશે વાત કરતાં વીરબાબુએ કહ્યું હતું, "સિદ્ધ ચિકિત્સાનો યોગ્ય અભ્યાસ કર્યા વિના અને સંશોધનના કોઈ અનુભવ વિના યૂટ્યૂબ ચૅનલો પર પ્રાકૃતિક ચિકિત્સાના નામે લોકોને કોઈ વસ્તુ કે ભોજન ગણાવીને તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. સરકારે તેના પર નિયંત્રણ રાખવું જોઈએ. યૂટ્યૂબ ચૅનલ્સ પરના આવા વીડિયો બાબતે લોકોને સાવધાન કરવા જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન