વિમાનની શોધ ખરેખર કોણ કરી હતી? 100 વરસથી ચાલતાં વિવાદની કહાણી

    • લેેખક, કૅમિલા વેરાસ મોટા
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ

વિમાનની શોધ કોણે કરી? સાંભળવામાં આ સવાલ ખૂબ સરળ લાગે છે, પરંતુ હકીકતમાં આનો જવાબ એટલો સીધોસાદો નથી.

આ તો સો વર્ષથી ચાલ્યા આવતા એક જૂના વિવાદનું મૂળ છે.

ઘણા અમેરિકનોને લાગે છે કે સાઇકલ મિકેનિક અને જાતે જ એન્જિનિયરિંગ શીખેલા ઑરવિલ અને વિલ્બર રાઇટ જ હવાઈયાત્રાના અસલી 'જનક' છે. તેમણે 1903માં પહેલી વાર સતત ઉડ્ડયન કર્યું હતું.

જ્યારે ઘણા બ્રાઝિલિયન કહે છે કે અસલી ક્રેડિટ તો અલ્બર્ટો સૅન્ટોસ ડ્યૂમોન્ટને મળવી જોઈએ. તેઓ કૉફી ઉગાડતા અમીર પરિવારના હતા અને 1906માં પેરિસમાં પહેલું ઉડ્ડયન કર્યું હતું, જેને ઇન્ટરનૅશનલ એરોનૉટિકલ ફેડરેશને પણ માન્યતા આપી હતી. તો પછી સાચું કોણ છે?

પ્રથમ ઉડાન કેવી હતી?

20મી સદીની શરૂઆતમાં ડઝનબંધ લોકો એવું મશીન બનાવવાનો પ્રયાસ કરતા હતા જે એન્જિનથી ચાલે અને માણસનું ઊડવાનું સપનું પૂરું કરી શકે.

એ સમયે પેરિસ એવું શહેર બની ગયું હતું જ્યાં વિમાન બનવાની સૌથી વધારે આશા હતી. ત્યાં સારી એન્જિનિયરિંગ કૉલેજો હતી અને મેટલર્જી, મશીન, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર રિસર્ચ માટે પૈસા પણ સરળતાથી મળી જતા હતા.

ફ્રાન્સના ઇતિહાસકાર પ્રોફેસર ઝ્યાં-પિયરે બ્લે કહે છે, "ત્યારે લાગતું હતું કે આ બસ સમયની વાત છે."

એ સમયે વિમાનના શોખીનોએ નક્કી કર્યું હતું કે કોને પહેલું ઉડ્ડયન માનવામાં આવશે.

તેમણે શરત રાખી હતી કે કોઈ બાહ્ય મદદ (જેમ કે, કૅટાપલ્ટ) વિના ઉડ્ડયન કરાય અને લોકો તેને નજરે જુએ અને રેકૉર્ડ કરે.

12 નવેમ્બર 1906એ સૅન્ટોસ ડ્યૂમોન્ટે આ બધું કરી દેખાડ્યું. તેમણે પેરિસમાં ઘણા બધા લોકોની સામે પોતાના 14-બીઆઇએસ વિમાનમાં 220 મીટરનું ઉડ્ડયન કર્યું.

બીજા વર્ષે તેમણે એક બીજું નવું વિમાન ડેમોએજેલ બનાવ્યું, જે દુનિયાનું પહેલું હળવું અને મોટા પાયે બનનારું વિમાન હતું.

પહેલી વાર ઉડાન ભરવાનો દાવો અને પુરાવાનો સમય

1908માં રાઇટ બ્રધર્સે પહેલી વાર દાવો કર્યો કે તેમણે જ પાંચ વર્ષ પહેલાં સૌથી પહેલાં ઉડ્ડયન કર્યું હતું.

આ સાંભળીને ફ્રાન્સના લોકો ચોંકી ગયા. અમેરિકા અને યુરોપની ફ્લાઇંગ ક્લબોમાં એ વખતે ચિઠ્ઠીઓ દ્વારા વાતચીત ચાલતી રહેતી હતી. બધા જાણતા હતા કે જમીન પરથી લાંબા અંતર સુધી ઊડનારું પહેલું વિમાન બનાવવાની હોડ લાગી છે, પરંતુ યુરોપમાં રાઇટ બ્રધર્સના કોઈ સમાચાર ઘણાં વરસો સુધી નહોતા આવ્યા.

એ સમયે રાઇટ બ્રધર્સનું કહેવું હતું કે તેઓ પોતાની પેટન્ટ પાસ થવાની રાહ જોતા હતા અને તેમને બીક હતી કે કોઈ તેમની યુક્તિ ચોરી લેશે.

પરંતુ હકીકતમાં 17 ડિસેમ્બર 1903એ ઉત્તર કૅરોલિનાના કિટ્ટી હૉકમાં તેમના ફ્લાયરને માત્ર પાંચ લોકોએ ઊડતું જોયું હતું. આ ઘટનાના માત્ર થોડાક જ પુરાવા છે: એક ટેલિગ્રામ, કેટલાક ફોટા અને ઑરવિલની ડાયરી.

બ્રાઝિલના મ્યૂઝિયમ ઑફ એસ્ટ્રોનૉમીના પૂર્વ ડાયરેક્ટર હેનરિક લિંસ ડે બારોસ જેવા કેટલાક વૈજ્ઞાનિક જણાવે છે કે ઑરવિલે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે તે વખતે હવાની ગતિ લગભગ 40 કિમી પ્રતિ કલાક હતી. એટલે કે, એટલો પવન હતો કે વિમાન એન્જિન વિના પણ આપમેળે ઊડી શકતું હતું.

જોકે, રાઇટ બ્રધર્સના સમર્થકો આની સાથે અસંમત છે. તેમનું કહેવું છે કે પેરિસમાં 14-બીઆઇએસ ઊડ્યું તે પહેલાં જ, 1904-05માં રાઇટ બ્રધર્સે ફ્લાયરનાં વધારે સારાં મૉડલ બનાવી લીધાં હતાં.

ઇતિહાસકાર ટૉમ ક્રાઉચ, જેઓ સ્મિથસોનિયનના નૅશનલ એર ઍન્ડ સ્પેસ મ્યૂઝિયમમાં હતા અને રાઇટ બ્રધર્સ પર ઘણાં પુસ્તકો લખી ચૂક્યા છે.

તેઓ કહે છે, "તે સવારે જ (17 ડિસેમ્બર 1903) પહેલી વાર રાઇટ બ્રધર્સે એટલું સરસ ઉડ્ડયન કર્યું કે તેમને પોતાને વિશ્વાસ થઈ ગયો કે તેમણે આ મુશ્કેલી ઉકેલી નાખી છે."

તેઓ આગળ કહે છે, "તેમણે હજુ વધારે સુધારા કરવાના હતા, પરંતુ તેમનું વિમાન બની ગયું હતું અને ઊડી પણ ચૂક્યું હતું."

એવું લાગે છે કે, જ્યાં સુધી 1908માં રાઇટ બ્રધર્સે પોતાને પહેલા સાબિત કરવાની ઝુંબેશ શરૂ ન કરી ત્યાં સુધી, આ બધા સુધારા ગુપ્ત રીતે જ થતા રહ્યા.

રાઇટ બ્રધર્સ યુરોપ ગયા અને ફ્રાન્સ, ઇટાલી જેવા દેશોમાં 200 કરતાં વધારે ડેમો ફ્લાઇટ્સ કરી. એક ઉડ્ડયનમાં તો તેમણે 124 કિલોમીટર સુધીની સફર પણ કરી.

પ્રોફેસર બ્લે જણાવે છે, "ત્યારે યુરોપના રાજપરિવારના લોકો વિલ્બરની સાથે વિમાનમાં બેસવાની ઇચ્છા ધરાવતા હતા. આને ખૂબ મોટું સન્માન માનવામાં આવતું હતું."

તે સમયે જ ફ્રાન્સના હવાઈયાત્રાની શરૂઆતના જાણકાર ફર્ડિનાન્ડ ફર્બર જેવા લોકોએ પણ માની લીધું કે રાઇટ બ્રધર્સ જ પહેલા હતા. તેમનું કહેવું હતું કે આટલા સરસ કન્ટ્રોલવાળું વિમાન એક દિવસમાં તો ન બની શકે.

રાઇટ બ્રધર્સ કે કોઈ અન્યે ઉડાન ભરી?

યુરોપમાં બતાવાયેલાં રાઇટ બ્રધર્સનાં ફ્લાયર વિમાન પૈડાં વિનાનાં હતાં અને ઊડવા માટે તેમને કૅટાપલ્ટ (જેનાથી વિમાનને બળપૂર્વક ઊડવામાં મદદ મળે છે)ની મદદ લેવી પડતી હતી.

ટીકાકારો કહે છે કે વિમાનનું એન્જિન એટલું શક્તિશાળી નહોતું, એ તો બસ કૅટાપલ્ટના કારણે જ ઊડી શક્યું. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે રાઇટ બ્રધર્સે કૅટાપલ્ટ એટલા માટે લગાડ્યું જેથી જમીન પરથી કોઈ પણ પ્રકારનું ઉડ્ડયન કરી શકે.

પરંતુ કહાણીનો ટર્નિંગ પૉઇન્ટ એ છે કે એકમાત્ર સૅન્ટોસ ડ્યૂમોન્ટ અને રાઇટ બ્રધર્સ જ નહોતા જેમણે પોતાને હવાઈયાત્રાના શોધક ગણાવ્યા.

કહેવાય છે કે જર્મનીના ગુસ્તાવ વીસકુપ્ફ, જેઓ અમેરિકામાં રહેતા હતા, તેમણે તો 1901માં જ ઉડ્ડયન કરી લીધું હતું. જ્યારે ન્યૂઝીલૅન્ડના રિચર્ડ પિયર્સે પણ માર્ચ 1903માં વિમાન ઉડાડ્યું હતું, એવું મનાય છે.

એટલે સુધી કે કેટલાક પુરાવા દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકાના હાઉઇક શહેરની પાસે જૉન ગુડમૅન અને તેમના પરિવારે 1871માં જ દુનિયાનું પહેલું માણસોવાળું ઉડ્ડયન કર્યું હતું, એ પણ એન્જિન વગર, માત્ર ગ્લાઇડરથી. ત્યાં આજે પણ એ ગ્લાઇડરની યાદમાં એક સ્મારક બનેલું છે.

તેથી ઘણા વિમાન જાણકારો માને છે કે એ ચર્ચા જ નકામી છે કે આખરે વિમાન કોણે બનાવ્યું.

25 વર્ષ સુધી 'જેન'સ ઑલ ધ વર્લ્ડ્સ એરક્રાફ્ટ'ના ઍડિટર રહેલા પૉલ જૅક્શન કહે છે, "એવું નથી થયું કે એક દિવસ કોઈ જાગ્યા અને ડિઝાઇન બનાવીને કહ્યું, 'આ એ વિમાન છે જે ઊડશે.'"

તેઓ કહે છે, "આ તો ડઝનબંધ, બલકે સેંકડો લોકોએ સાથે મળીને કરેલી મહેનત હતી, ત્યારે જ તે શક્ય થયું."

'ક્રેડિટ ઘણી વાર ખોટા લોકોને આપી દેવાઈ'

જૅક્સન માને છે કે સૅન્ટોસ ડ્યૂમોન્ટ, વીસકુપ્ફ અને હવાઈયાત્રાની શરૂઆતના બીજા ઘણા લોકોને એટલી પ્રસિદ્ધિ ન મળી, જેટલી મળવી જોઈએ.

તેઓ કહે છે, "અંતે તો એવા જ લોકોનાં નામ પ્રખ્યાત થાય છે, જેમની પાસે મોઘા વકીલ હોય છે."

તેઓ કહે છે, "દુઃખની વાત એ છે કે જો તમે 19મી અને 20મી સદીના મોટા ભાગના આવિષ્કારો જોશો, તો તેની ક્રેડિટ ઘણી વાર ખોટા લોકોને આપી દેવાઈ છે."

તેઓ સ્કૉટલૅન્ડના વૈજ્ઞાનિક ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું ઉદાહરણ આપે છે, જેમને ટેલિફોન બનાવવાનું શ્રેય અપાય છે, જોકે હવે તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હકીકતમાં 2002માં અમેરિકન કૉંગ્રેસે પણ માન્યું કે ભલે ને બેલે તેની પેન્ટટ કરાવી હતી, પરંતુ ખરી શોધ એક ગરીબ ઇટાલિયન ઍન્ટોનિયો મ્યુચ્ચીએ કરી હતી, જે બેલની સાથે જ વર્કશૉપમાં કામ કરતા હતા.

માર્શિયા કમિંગ્સ, રાઇટ બ્રધર્સ 1909માં જેમને પેટન્ટ તોડવાના આરોપમાં કોર્ટમાં લઈ ગયા હતા તે અમેરિકાના એવિએશનના જૂના નામ ગ્લેન હૅમંડ કર્ટિસનાં સંબંધી છે.

કમિંગ્સ એક બ્લૉગ ચલાવે છે, જે રાઇટ બ્રધર્સની કહાની પાછળના સત્યની તપાસ કરે છે.

કમિંગ્સ કહે છે કે તેમને લાગે છે કે રાઇટ બ્રધર્સે જાણી જોઈને કર્ટિસ જેવા લોકોને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાની કોશિશ કરી.

જ્યારે ઑરવિલ અને વિલ્બરનાં પ્રપૌત્રી અમાન્ડા રાઇટ લેન, જે તેમના કામને સંભાળે છે, આ વાતને નથી માનતાં. તેઓ કહે છે, "જે રીતે હું ઑરવિલને ઓળખું છું, મને નથી લાગતું કે તેઓ જાણી જોઈને કોઈને નિશાન બનાવે."

તેઓ આગળ કહે છે, "હા, પરંતુ તેમણે એ જરૂર જોયું હોત કે તેમણે અને વિલ્બરે જે કર્યું, તેનું સત્ય જળવાઈ રહે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન