'ચીનની વસ્તી અડધી થઈ જશે', સરકાર પૈસા આપીને બાળકો પેદા કરવા કહે છે, પણ લોકો કેમ માનતા નથી?

    • લેેખક, કેલી એનજી
    • પદ, બીબીસી ન્યૂઝ

ચીનની વસ્તી ઝડપથી સતત ઘટી રહી છે, આ સતત ચોથા વર્ષે આવું બન્યું છે. 2016માં 'એક બાળક'ની નીતિ ખતમ કરાઈ હતી, છતાં વસ્તીમાં વધારો થયો નથી.

સરકાર જન્મદર વધારવા અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ બધા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. સરકાર જન્મદર વધારવા માટે વિવિધ પ્રકારની સહાય અને સુવિધાઓ પૂરી પાડી રહી છે. જોકે, આ સતત ચોથા વર્ષે જન્મદરમાં ઘટાડો થયો છે.

જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે જન્મદર હવે ઘટીને પ્રતિ 1,000 લોકો પર માત્ર 5.63 થઈ ગયો છે.

1949માં કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવી ત્યારથી આ સૌથી ઓછો જન્મદર છે. બીજી તરફ, ચીનમાં મૃત્યુદર વધીને પ્રતિ 1,000 લોકો દીઠ 8.04 થયો છે, જે 1968 પછી સૌથી વધુ છે.

2025ના અંત સુધીમાં ચીનની વસ્તી 33.9 લાખ ઘટીને 140 અબજ થઈ ગઈ છે. આ ઘટાડો ગયા વર્ષ કરતાં વધુ છે.

વૃદ્ધોની વધતી સંખ્યા અને ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને કારણે ચીનની સરકાર યુવાનોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

ચીની સરકાર બાળકો પેદા કરવા પૈસા આપી રહી છે

2016માં ચીનની સરકારે "એક બાળક"ની નીતિ નાબૂદ કરી અને બે બાળકોને મંજૂરી આપી. આ નિર્ણય જન્મદર વધારવાના પ્રયાસમાં લેવાયો હતો, પરંતુ વસ્તીમાં વધારો ન થતા 2021માં ત્રણ બાળકો સુધીની મંજૂરી આપવામાં આવી.

તાજેતરમાં સરકારે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકનાં માતાપિતાને 3,600 યુઆન (ભારતીય ચલણમાં આશરે રૂપિયા 47,000)ની આપવાની જાહેરાત કરી. દેશના કેટલાક પ્રાંતો વધારાનાં ભંડોળ અને વધુ પ્રસૂતિ રજા પણ પૂરી પાડી રહ્યા છે.

જન્મદર વધારવાના ચીન સરકારના કેટલાક નિર્ણયો પણ વિવાદાસ્પદ રહ્યા છે. ઉદાહરણ તરીકે, કૉન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને અન્ય ઉત્પાદનો પર 13%નો નવો કર ચિંતાનું કારણ બન્યો છે. એવી આશંકા છે કે આનાથી અનિચ્છનીય ગર્ભાવસ્થા અને એચઆઇવીના કેસોમાં વધારો થઈ શકે છે.

દુનિયામાં સૌથી ઓછા જન્મદર ચીનમાં જ છે. તેવી જ રીતે, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને તાઇવાનમાં ખૂબ ઓછાં બાળકો જન્મી રહ્યાં છે.

ચીની લોકો બાળકો કેમ ઇચ્છતા નથી?

બીજિંગ યૂથ પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2024ના અહેવાલમાં જણાવાયું છે કે ચીન એ દેશોમાં સામેલ છે જ્યાં બાળકોના ઉછેર સૌથી મોંઘો છે. જોકે, મોંઘવારી અથવા પૈસાનો અભાવ એ બાળકો પેદા નહીં કરવાનું એકમાત્ર કારણ નથી.

કેટલાક ચીની લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે પૈસા સહિત અન્ય કારણો પણ છે, જેમ કે ચિંતા કે જવાબદારીઓ વિના સ્વતંત્ર જીવન જીવવાની ઇચ્છા.

બીજિંગના એક રહેવાસીએ 2021માં બીબીસીને જણાવ્યું હતું કે, "મારા મિત્રોમાંથી બહુ ઓછાને બાળકો છે. જેમને બાળકો છે તેઓ શ્રેષ્ઠ આયા શોધવા અથવા તેમનાં બાળકોને શ્રેષ્ઠ શાળામાં મૂકવાની ચિંતા કરે છે. ફક્ત તેના વિશે સાંભળીને જ કંટાળો લાગે છે."

સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોનું માનવું છે કે ચીનની વસ્તી સતત ઘટતી રહેશે. તેમનો અંદાજ છે કે વર્ષ 2100 સુધીમાં દેશની વસ્તી અડધાથી વધુ ઘટી જશે. આ વસ્તી ઘટાડો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. કામ કરનારા લોકોની વસ્તી ઘટી રહી છે અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળી પડી રહી છે.

ઘણા યુવાનો તેમનાં માતાપિતાથી દૂર રહે છે, માટે વૃદ્ધો એકલા રહી જાય છે અથવા સરકારી ભંડોળ પર નિર્ભર રહે છે. જોકે, સરકારી સંસ્થા ચાઇનીઝ ઍકેડમી ઑફ સોશિયલ સાયન્સના જણાવ્યા અનુસાર, વૃદ્ધો માટે પેન્શન ફંડ ખતમ થવાના આરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન