You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉન્ડોમ પર ટેક્સ અને યુવાનોને લગ્ન માટે લાલચ: ચીનના આ નિર્ણય પાછળનું અસલી કારણ શું છે?
- લેેખક, ઓસ્મોન્ડ ચીઆ
- પદ, બિઝનેસ રિપોર્ટર
- લેેખક, યેન ચેન
- પદ, બીબીસી ન્યૂઝ ચાઇનીઝ
1 જાન્યુઆરી, 2026થી, એટલે કે આજથી ચાઇનીઝ લોકો ગર્ભનિરોધક સાધનો પર 12 ટકા વેચાણવેરો ચૂકવશે, જ્યારે બાળસંભાળની સેવાને ટૅક્સમાંથી મુક્તિ મળશે. ચીનમાં આ બધા ઉપાયો જન્મદરમાં વધારો લાવવાના હેતુથી કરાઈ રહ્યા છે.
ગત વર્ષે ટૅક્સમાં કરેલા આ બદલાવથી વર્ષ 1994થી અમલમાં રહેલી ઘણી ટૅક્સ છૂટછાટોને દૂર કરશે. એ સમયે ચીન તેની દાયકાઓ જૂની એક બાળકની નીતિનું અમલ કરી રહ્યું હતું.
આ નવા બદલાવ હેઠળ લગ્ન સંબંધિત સેવાઓ અને વૃદ્ધોની સંભાળ માટેના ખર્ચને વૅલ્યૂ ઍડેડ ટૅક્સમાંથી મુક્તિ અપાઈ છે.
આ સિવાય આ પ્રયત્નો અંતર્ગત માતૃત્વ અને પિતૃત્વ રજાઓની સંખ્યામાં વધારો અને રોકડ પ્રોત્સાહન પણ સામેલ છે.
વૃદ્ધ થતી જતી વસ્તી અને મંદ અર્થતંત્ર જેવા પડકારોનો સામનો કરી રહેલું ચીન હવે તેના યુવાનોને લગ્ન કરવાં અને દંપતીઓને વધુ બાળકો પેદા કરવાં માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
સત્તાવાર આંકડા અનુસાર, ચીનની વસ્તીમાં પાછલાં ત્રણ વર્ષથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024માં દેશમાં માત્ર 95.4 લાખ બાળકો પેદા થયાં હતાં.
એક દાયકા પહેલાં જન્મેલાં બાળકોની સંખ્યાની સરખામણીએ આ આંકડો લગભગ અડધો છે. બરાબર એક દાયકા અગાઉ જ ચીને નાગરિકો કેટલાં બાળકો પેદા કરી શકશે એ સબબના નિયમો હળવા બનાવવાની શરૂઆત કરી હતી.
જોકે, કૉન્ડોમ, ગર્ભનિરોધક ગોળી અને સાધનો પર વેરો લાદવામાં આવતા અનિચ્છનીય ગર્ભધારણ અને એચઆઇવીનું પ્રમાણ વધવા સહિતનાં જોખમો અંગે ચિંતા પેદા થઈ છે, આ ઉપરાંત આ નીતિ ઉપહાસનું પાત્ર બની છે એ તો જુદું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણાનું માનવું છે કે લોકોને બાળકો પેદા કરવા માટે સમજાવવા માટે મોંઘાં કૉન્ડોમ કરતાં વધુ પ્રયાસો કરવાની જરૂર પડશે.
એક છૂટક દુકાનદારે અન્ય દુકાનદારોને ભાવ વધે એ પહેલાં સ્ટૉક ભરાવી લેવાની વિનંતી કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે મજાક કરતાં કહ્યું, "હું આખું જીવન ચાલે એટલાં કૉન્ડોમ હાલ જ ખરીદી લઈશ."
અન્ય એક યૂઝરે લખ્યું કે લોકોને કૉન્ડોમની કિંમત અને બાળક ઉછેરવાના ખર્ચ વચ્ચે ભેદ પાડતા આવડે છે.
'ભાવ વધે એ પહેલાં જીવનભર ચાલે એટલાં કૉન્ડોમ ખરીદી લઈશ'
બેઇજિંગ યુવા પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2024ના એક રિપોર્ટ અનુસાર બાળક ઉછેરવા માટે ચીન સૌથી મોંઘા દેશો પૈકી એક છે. અભ્યાસે નોંધ્યું કે ઉચ્ચ શૈક્ષણિક હરીફાઈના વાતાવરણમાં સ્કૂલ ફી કારણે તેમજ કામ અને માતા તરીકેની જવાબદારી વચ્ચે સંતુલન સાધવાના પડકારોને કારણે ખર્ચ વધે છે.
આંશિકપણે બચત પર અસર કરનાર પ્રૉપર્ટી સંકટને કારણે આવેલી આર્થિક મંદીને કારણે પરિવારો અને ખાસ કરીને યુવાનોમાં અનિશ્ચિતતાનો આભાસ અને ભવિષ્ય માટે આત્મવિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.
પૂર્વ પ્રાંત હેનાનમાં રહેતા 36 વર્ષીય ડેનિયલ લુએ કહ્યું, "મારું એક બાળક છે, અને મને વધુ બાળક નથી જોઈતાં."
"આ સબવે (મેટ્રો) ભાડામાં વધારા જેવું છે. તેની કિંમતમાં થોડો વધારો થાય ત્યારે લોકો કંઈ તેમની આદત નથી બદલી દેતા. તમારે તો હજુ મેટ્રો લેવી જ પડે, બરોબરને?"
તેઓ કહે છે કે તેમને ભાવવધારાની કોઈ ચિંતા નથી. "કૉન્ડોમનું એક પૅકેટ તમારા ખર્ચમાં થોડો જ વધારો કરશે. આખા વર્ષમાં પણ આ વધારો ઝાઝો નહીં હોય, એ બિલકુલ પરવડે એવું છે."
કૉન્ડોમ પર ટૅક્સ વધારાની કેવી ગંભીર અસરો થઈ શકે?
પરંતુ આ ખર્ચ અન્યો માટે તકલીફદાયક હોઈ શકે. આ ખર્ચમાં વધારાની વાતથી મધ્ય ચીનમાં આવેલા સિટી ઑફ શીમાં રહેતાં રોઝી ઝાઓ ચિંતિત છે.
ગર્ભનિરોધક જેવી જરૂરિયાતની વસ્તુને વધુ ખર્ચાળ બનાવવાનો અર્થ એ થશે કે વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા લોકો "જોખમ ખેડશે."
તેઓ ઉમેરે છે કે, આ વાત આ નીતિનું "સૌથી ભયજનક સંભવિત પરિણામ હશે."
જોકે, કરવેરાનાં માળખાંમાં આવેલા જંગી બદલાવો અંગે નિષ્ણાતોનો મત વિભાજિત જોવા મળી રહ્યો છે.
યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસનના વસ્તીશાસ્ત્રના નિષ્ણાત યી ફુક્શિયાનના મતે કૉન્ડોમ પર ટૅક્સ વધારવાથી પ્રજનનદર પર અસર પડશે એ વાત "વધુ વિચાર કરવા" જેવી છે.
તેમનું માનવું છે કે હાઉસિંગ માર્કેટમાં ઘટાડો અને વધતા જતા રાષ્ટ્રીય દેવાને કારણે બેઇજિંગ હવે "શક્ય હોય ત્યાંથી" ટૅક્સ વસૂલવા માટે આતુર છે.
ગત વર્ષે એક ટ્રિલિયન અમેરિકન ડૉલર સાથે ચીનની વૅલ્યૂ ઍડેડ ટૅક્સની વસૂલી દેશની કુલ કરવેરા વસૂલાતના 40 ટકા જેટલી હતી.
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના હેનરીએટા લેવિનના મતે કૉન્ડોમ પરનો ટૅક્સ એ "પ્રતીકાત્મક" છે, અને ચીનના "વધુ પડતા ઓછા" પ્રજનનદરના આંકડા સુધારવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસનું પ્રતિબિંબ રજૂ કરે છે.
તેઓ વધુમાં કહે છે કે આ પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે પહેલાંથી દેવામાં ડૂબેલી ક્ષેત્રીય સરકારોએ ઘણી નીતિઓ અને સબસિડીઓ લાગુ કરવી પડશે - હાલ આ સરકારો આના માટે પૂરતાં સંસાધનો ફાળવી શકશે કે કેમ એ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
તેઓ કહે છે કે લોકોને વધુ બાળકો પેદા કરવા માટે કહેવાની ચીનની સરકારની નીતિ ઊંઘી પણ પડી શકે છે. કારણ કે, આ વાત લોકોને આ તેમના ખૂબ જ અંગત પસંદગીની બાબતમાં સરકારનો "વધુ પડતો હસ્તક્ષેપ" લાગી શકે છે.
તાજેતરમાં કેટલાંક ક્ષેત્રોમાંથી એવા પણ અહેવાલો આવ્યા છે જે અનુસાર મહિલાઓને સ્થાનિક કચેરીઓમાંથી તેમના માસિક ચક્ર અને બાળક રાખવાની યોજના અંગે ફોન કરીને પૂછવામાં આવ્યું છે.
યુનાનમાં લોકલ હેલ્થ બ્યૂરોએ જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓની ઓળખ માટે આવો ડેટા મેળવવાની જરૂર હતી.
લેવિનના મતે આ બધાં પગલાંથી સરકારની છબિને કોઈ મદદ મળી નથી.
"(કમ્યુનિસ્ટ) પાર્ટી તેની પસંદગીના વિષય અંગે લોકોના દરેક નિર્ણયમાં હસ્તક્ષેપ કર્યા વગર રહી શકતી નથી. તેથી એ એક રીતે પોતાની જ દુશ્મન બની જાય છે."
ચીનની સરકાર 'ખરી સમસ્યા' જ નથી સમજી?
જાણકારો અને મહિલાઓના મતે દેશનું પુરુષોના વર્ચસ્વવાળા નેતૃત્વ આવા ફેરફારથી આવતા સામાજિક પરિવર્તનને સમજવામાં નિષ્ફળ રહ્યું છે. જે માત્ર ચીન પૂરતું મર્યાદિત નથી.
પશ્ચિમ દેશો અને એશિયામાં જ આવેલા દક્ષિણ કોરિયા અને જાપાન પણ તેમની વૃદ્ધ થતી જતી વસ્તીને સામે જન્મદર વધારવા માટે મથી રહ્યાં છે.
સંશોધન અનુસાર, આનાં કારણોમાં એક બાળ સંભાળનો બોજો પણ છે, જે અપ્રમાણસર રીતે મહિલાઓ પર આવી પડે છે. જોકે, અન્ય પરિવર્તનો પણ આના માટે જવાબદાર છે, જેમ કે, લગ્નના દર અને ડેટિંગના દરમાં ઘટાડો.
હેનાનથી લુઓ કહે છે, ચીનના આ ઉપાયો ખરી સમસ્યાને ચૂકી જાય છે અને એ એ છે કે જે રીતે યુવાનો આજની તારીખમાં એકમેક સાથે સંપર્કમાં રહે છે, જેમાં વાસ્તવિક માનવીય કનેક્શનનો વધુને વધુ અભાવ જણાય છે.
તેઓ ચીનમાં સેક્સ ટૉય્ઝના વધતા જતા વેચાણ તરફ ઇશારો કરે છે, જે તેમના મતે એ વાતનું સૂચક છે કે "લોકો માત્ર પોતાની જાતને સંતોષ આપી રહ્યા છે" કારણ કે "અન્ય વ્યક્તિ સાથે સંબંધ એ બોજો બની ગયો છે."
તેઓ કહે છે કે, ઑનલાઇન હોવું એ વધુ સરળ અને આરામદાયક છે, "દબાણ એ વાસ્તવિક છે."
"આજના સમયમાં યુવાનો 20 વર્ષ પહેલાંની સરખામણીએ સમાજ તરફથી ખૂબ વધુ દબાણનો સામનો કરે છે. ભૌતિક વસ્તુઓ મામલે તેઓ વધુ સંપન્ન બન્યા છે, પરંતુ તેમની પાસેથી અપેક્ષાઓ ખૂબ વધુ છે. બધા બસ થાકી ચૂક્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન