ગુજરાતમાં પકડાયેલા દારૂને નષ્ટ જ કેમ કરવામાં આવે છે, તેને રાજ્ય બહારના બજારમાં વેચી સરકાર કમાણી કેમ નથી કરી શકતી?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તમે પણ સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસ દ્વારા પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવવાના વીડિયો જોયા હશે.

ગત વર્ષે ગુજરાત પોલીસ દ્વારા પકડાયેલા દારૂની વિગતો પર નજર કરીએ તો, 2024માં રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા 82 લાખ વિદેશી બૉટલ જેની કિંમત 144 કરોડ રૂપિયા હતી તે પકડવામાં આવી હતી.

આ ઉપરાંત મોનિટરિંગ સેલ દ્વારા 1.58 લાખ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો.

પોલીસ દ્વારા પકડાયેલો દારૂ એટલા વધારે પ્રમાણમાં હોય છે, કે લોકોને થતું હોય છે કે આ દારૂ વેચીને સરકાર સારી એવી આવક તિજોરીમાં ઉમેરી શકે છે.

તમને પણ એવો સવાલ થયો છે કે આ દારૂને નષ્ટ જ કેમ કરવામાં આવે છે, કેમ સરકાર તેને વેચીને કમાણી નથી કરી શકતી? શું આ પકડાયેલો દારૂ અન્ય રાજ્યો જ્યાં દારૂ પ્રતિબંધિત નથી ત્યાં વેચી શકાય કે નહીં અને તેની આવક ગુજરાત સરકારની તિજોરીમાં આવક ઉમેરી શકાય કે નહીં?

દારૂ રાખવાના નિયમો

ગુજરાત અને બિહાર જેવાં રાજ્યોમાં દારૂબંધી હોવાથી, તમે એક ટીપું દારૂ પણ સાથે લાવી શકતા નથી. જો પકડાઈ જાવ તો કાયદેસરની કાર્યવાહી અને જેલની સજા થઈ શકે છે.

જોકે, મોટાભાગનાં રાજ્યોમાં વ્યક્તિગત વપરાશ માટે 1થી 2 સીલબંધ બૉટલ (આશરે 1.5 થી 2 લિટર) લઈ જવાની છૂટ હોય છે.

ભારતના બંધારણની સાતમી અનુસૂચિ (Seventh Schedule) મુજબ, 'દારૂ' એ સ્ટેટ લિસ્ટ (Entry 8)માં આવે છે. આથી દરેક રાજ્યના નિયમો અલગ હોય છે.

તો ગુજરાતમાં હજારો લીટર દારૂ કેમ નષ્ટ કરી દેવામાં આવે છે

બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલે નિષ્ણાતોના અભિપ્રાય લીધા હતા.

ગુજરાતમાં પકડાયેલો દારૂ અંગ્રેજી કે દેશી હોય સામાન્ય રીતે તેનું બિલ હોતું નથી અને તે દારૂની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થાય છે, તેવામાં તે દારૂ અન્ય રાજ્યોમાં વેચવો જોખમી હોઇ શકે છે.

આ બાબતે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના મેમ્બર એડવોકેટ પરેશ વાઘેલા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે ગુજરાતમાં વગર પરમિટે દારૂનું સેવન કરવું અને પાસે રાખવું તે ગુનો છે. આવી પરિસ્થિતિઓમાં જે કેટલીક માત્રામાં દારૂ રાખવો તે મુદ્દામાલ ગણાય છે."

પરેશ વાઘેલા જણાવે છે, સરકાર દ્વારા પકડાયેલા મુદ્દામાલ પર કોઈ વ્યક્તિ દાવો કરે તો તેને પાછો આપવો પડે. પણ ગેરકાયદેસર પકડાયેલા દારૂ પર કોઈ દાવો પણ નથી કરતું તેનો સરકાર દ્વારા નાશ કરવામાં આવે છે.

ઉદાહરણ આપતા પરેશ વાઘેલા જણાવે છે કે, "અકસ્માતના સ્થળેથી જ્યારે વાહન કબજે કરવામાં આવે છે. ત્યારે તે વાહન મુદ્દામાલ થયો કહેવાય. ત્યારે વાહનનો માલિક કોર્ટમાં જ્યારે તે વાહન છોડાવવા જાય ત્યારે કોર્ટ યોગ્ય શરતોએ તેને પાછું આપે છે. ત્યારે તે ગેરકાયદેસર નથી. પણ તે જ રીતે જુગારમાં પકડાયેલી રકમને કોઈ દાવો કરવા નથી જતું."

"તેવી જ રીતે દારૂ પર કોઈ દાવો કરવા જતું નથી. જ્યારે આરોપીઓ દારૂ બાબતે દાવો નથી કરતાં તેથી તે સરકારી તિજોરીમાં જતો રહે છે. કોર્ટ દ્વારા સમયાંતરે તેનો નાશ કરવાના આદેશ આપવામાં આવે છે."

ગુજરાત સરકારના નિયમો શું કહે છે

આ બાબતે ગુજરાત સરકાર અને કાયદામાં પકડાયેલા ગેરકાયદેસર દારૂને વેચી ન શકાય તે બાબતે જોગવાઈઓ છે.

ઍડ્વોકેટ પરેશ વાઘેલા જણાવે છે કે, પ્રોહિબિશન ઍક્ટમાં સરકારને તેવી સત્તા છે કે, દારૂનો નાશ કરવો અને ફરી તે પકડાયેલા મુદ્દામાલ દારૂનું વેચાણ નહીં કરવું સામેલ છે.

"ભારતીય કાયદા પ્રમાણે એક રાજ્ય જો ડ્રાય સ્ટેટ હોય ત્યાં પકડાયેલો દારૂ તે અન્ય સ્ટેટ જ્યાં દારૂ પ્રતિબંધિત નથી તેને વેચાણ ન કરી શકે અને તેનો નાશ જ કરવો પડે. કાયદા પ્રમાણે આ સત્તા જિલ્લા કલેક્ટરની હોય છે."

ઍડ્વોકેટ પરેશ વાઘેલા આ બાબતે એક અગત્યના કેસ પર પ્રકાશ પાડે છે. તેઓ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે એક ચુકાદો અપાયો હતો.

"સ્ટેટ ઑફ ગુજરાત vs મિરજાપુર મોતી કુરેશી કસાબ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે ચીજ વસ્તુ કે દ્રવ્ય સ્ટેટની નીતિની સામે હોય તે ચીજવસ્તુ રાજ્ય વેચી શકે નહીં."

પૂર્વ ઍડિશનલ ડીજીપી, રિટાયર્ડ પોલીસ કમિશનર રાજન પ્રિયદર્શી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "અત્યારે જે રીતે અંગ્રેજી દારૂને રોડ પર નાશ કરવામાં આવે છે તેને બહારનાં રાજ્યોમાં એટલે વેચી શકાય નહીં કેમ કે, તેની ગુણવત્તા કેવી છે તેની જાણ રાજ્યને હોતી નથી."

"અને ગુજરાત રાજ્ય ગાંધીજીની ભૂમિ છે, ત્યારે દારૂનું વેચાણ કરવું ઉચિત ગણાય કે નહીં તે પણ પ્રશ્ન છે. ગાંધીજીનું તો માનવું હતું કે, દારૂબંધી સમગ્ર દેશમાં હોવી જોઈએ."

ગુજરાત હાઈકોર્ટના વકીલ નીતિશ મોહન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "દરેક રાજ્યમાં પકડાયેલ દારૂ આ રીતે નષ્ટ જ કરવામાં આવે છે, કોઈ પણ દારૂનો મુદ્દામાલ પકડાયો હોય તેની ખરાઈ કરવી જરૂરી બની જતી હોય છે. પકડાયેલો દારૂ અસલી છે તે પકડાયેલો દારૂ જોઈને ખ્યાલ ન આવી શકે કે તે ઓરિજિનલ છે કે નહીં."

"તેવા સંજોગોમાં પકડાયેલા દારૂની ખરાઈ ત્યારે જ થઈ શકે જ્યારે તેનું બિલ હોય ત્યારે પકડાયેલા દારૂના કેસમાં બિલ હોતું નથી. બિલ વિનાની દારૂની બૉટલ ખરેખર તે કંપનીની છે કે નહીં તેની ખરાઈ કરવી અઘરી છે."

અન્ય રાજ્યોમાં પણ લઠ્ઠાકાંડ જેવી સ્થિતિઓમાં દારૂ નષ્ટ જ કરવામાં આવે છે.

ઍડ્વોકેટ નીતિશ મોહન જણાવે છે કે, "કેરળમાં બિલ વગર દારૂ અન્ય રાજ્યમાંથી તે કેરળમાં ન લઈ જઈ શકાય તેવી જોગવાઈ છે. એટલે બિલ હોવું જરૂરી છે. ત્યાં તો સરકારી માન્યતા પ્રાપ્ત દારૂની દુકાનો છે. તે સરકારી છે, તેમાં આ બાબતે સરકારી કર્મચારીઓ ફાળવેલા છે. ત્યારે અન્ય રાજ્યોમાં ખાનગી ઠેકેદારો વેચતા હોય છે."

તેઓ જણાવે છે કે, ઘણીવાર દારૂની બૉટલ પર પણ લખાયેલું હોય છે કે આ માત્ર નિર્ધારિત કરેલ ચોક્કસ રાજ્યમાં જ વેચી શકાય છે. ઉદાહરણ તરીકે, ઓન્લી ફૉર સેલ ઇન ગોવા.

"ત્યારે ગુજરાતમાંથી પકડાયેલા દારૂ પર રાજસ્થાનનું નામ લખેલું હોય ત્યારે રાજસ્થાનમાં મોકલવું પડે અને ત્યાંની તિજોરીમાં જમા કરાવવું પડતું હોય છે."

"અને તેની ચોકસાઈ તપાસવી અઘરી છે. કેમ કે, દરેક મુદ્દામાલ ઓરિજિનલ હોય તે જરૂરી નથી."

ઍડ્વોકેટ નીતિશ જણાવે છે, "ત્યારે તમામ બૉટલનાં સીલ તોડીને તેની ગુણવત્તા ચકસવી વધારે ખર્ચાળ પ્રક્રિયા છે. ત્યારે ગુજરાતમાં મળતો મોટાભાગનો દારૂ ડુપ્લિકેટ જ છે. તેથી તેને બહારનાં રાજ્યોમાં વેચવો અઘરો અને ભયજનક છે. તેથી તેનો નષ્ટ કરવામાં આવે છે."

નીતિશ મોહન એક અગત્યના કારણ પર ધ્યાન આપતા જણાવે છે, અપવાદી સંજોગોમાં તેવું ધારી લઈએ કે દરેક બૉટલની ગુણવત્તા ચકાસવા તેનું સીલ તોડીએ ત્યારે તેને ફરીથી તે જ પરિસ્થિતિમાં પૅક કરવો અશક્ય છે. તેનાં બૂચ ઇન લેટ આઉટ લેટ પ્રકારનાં હોય છે. તેથી તે ફરીથી ટપકાં સ્વરૂપે બહાર આવી શકે છે. તે અંદર ભરવું અઘરું છે.જેમ કે, વૉડકા.

"તેમાં પણ જે મોંઘા દારૂની બ્રાન્ડ બૉટલોને ભરવી અને ટેક્નિકલી ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે."

હરાજી બાબતે નીતિશ મોહન જણાવે છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, સોનું ચાંદી જેવી ચીજવસ્તુઓમાં હરાજી થઈ શકે છે, પણ ખાદ્ય પદાર્થો અને પીણાંઓ બાબતે હરાજી થતી નથી."

"અન્ય પકડાયેલી ચીજ વસ્તુઓની હરાજી પણ થાય તો પણ તે સ્ક્રેપ માટે થાય તેને કચડીને તેના રો મટિરિયલને સ્વરૂપે કરવામાં આવતી હોય છે."

ગુજરાતમાં દારૂ નષ્ટ કરવા મામલે પોલીસનું શું કહેવું છે

આ બાબતે બીબીસી ગુજરાતીએ ગુજરાતના લૉ એન્ડ ઑર્ડર વિભાગના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સાથે વાત કરી હતી.

એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, પકડાયેલ મુદ્દામાલમાં જો દારૂ ગુણવત્તા તે સ્પુરિયસ (નકલી) દારૂ પણ હોય શકે છે,તેથી તેનો નાશ કરવો અનિવાર્ય બની જાય છે. તેનો મેન્યુફેક્ચરર કોણ છે તેની જાણ ચોક્કસ હોતી નથી તેવા સંજોગોમાં અન્ય રાજ્યોમાં આ પકડાયેલો દારૂ વેચવો જોખમ હોય અને તે ન કરી શકાય.

તેઓ જણાવે છે કે આવા કેસોમાં તેનો નાશ કરી તેના રૉ એનર્જીના સ્ત્રોત કદાચ ઉપયોગમાં આવી શકે પણ, પકડાયેલા દારૂની ગુણવત્તા ચેક કર્યા વગર વેચવો અશક્ય છે. અને તેવું થઈ શકતું નથી.

હાલ જે રીતે દારૂને બુલડોઝર દ્વારા નષ્ટ કરવામાં આવે છે, તેની શરૂઆત 1991માં ચિમનભાઈ પટેલની સરકારમાં થઈ હતી.

ગુજરાત પોલીસના રિટાયર્ડ પીઆઈ આર. સી. પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "1991માં ચીમનભાઈ પટેલની સરકારમાં એક કાયદો બનેલો કે, પકડાયેલ દારૂને, ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ તથા જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)ના હુકમ બાદ, ડીવાયએસપી કે એસપીની હાજરીમાં દારૂને નષ્ટ કરવાનો હોય છે. જે કરતી વખતે જાહેર જનતાને સીધી રીતે કોઈ નુકશાન ન પહોંચે તેની પણ ખાતરી રાખવામાં આવે છે."

તેઓ વધુમાં જણાવે છે કે અન્ય રાજ્યોમાં દારૂ વેચવા બાબતે તે વખતે ઘણી રજૂઆત થઈ હતી, મૅજિસ્ટ્રેટના હુકમથી તે વેચી શકાય તેવી માંગ ઊઠેલી પણ સરકાર તેને માન્યતા આપી ન હતી. સરકારને તેની હલકી ગુણવત્તા બાબતે અનેક પ્રશ્નો અને શંકાઓ રહેલી હોય છે. તેથી તેવું કરવાથી અન્ય રાજ્યોના લોકોના જીવજોખમમાં મુકાય તેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન