શિયાળામાં તરસ ઓછી લાગે? ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ ખતરનાક નુકસાન

    • લેેખક, શુભ રાણા
    • પદ, બીબીસી હિંદી માટે

ઉનાળાના ધખધખતા તડકામાં આપણે દરેક ડગલે પાણીની બૉટલ સાથે રાખીએ છીએ. ઘરેથી નીકળતી વખતે કે પરત ફરતી વખતે પાણી પીવું એ આપણી આદત બની જાય છે. પરંતુ શિયાળાની ગુલાબી ઠંડી આવતા જ આ આદત બદલાઈ જાય છે.

હૂંફાળા બ્લેન્કેટમાં લપેટાઈને ચા-કોફીની ચૂસકીઓ લેતી વખતે આપણે પાણી પીવાનું જાણે ભૂલી જઈએ છીએ.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિયાળામાં તરસ કેમ ગાયબ થઈ જાય છે?

ડૉક્ટરોના મતે, ઠંડીમાં શરીરને પાણીની જરૂરિયાત ઘટતી નથી, ઊલટાનું કેટલીક બાબતોમાં તે વધી જાય છે. તો આખરે શિયાળામાં તરસ ઓછી કેમ લાગે છે?

ઓછું પાણી પીવાથી કયા રોગોનું જોખમ રહે છે? આ પ્રશ્નોના ઉત્તર માટે બીબીસીએ નિષ્ણાતો સાથે સંવાદ સાધ્યો.

1. શિયાળામાં પણ શરીરને ઉનાળાની જેમ પાણીની જરૂર

દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉ. પુલિનકુમાર ગુપ્તા જણાવે છે કે, "ઠંડીમાં પરસેવો ઓછો થતો હોવાથી આપણને એવો ભ્રમ થાય છે કે શરીરને પાણીની જરૂર ઓછી છે. ખાસ કરીને વૃદ્ધો અને નોકરિયાત વર્ગ વારંવાર શૌચાલય જવાની આળસમાં જાણીજોઈને ઓછું પાણી પીએ છે."

વૈજ્ઞાનિક કારણ:

  • કિડનીની સક્રિયતા: શિયાળામાં કિડની મૂત્ર વાટે વધુ પાણી બહાર કાઢે છે.
  • શુષ્ક હવા: ઓફિસ કે ઘરમાં વપરાતા હીટર અને ડ્રાયર હવાને સૂકી બનાવે છે, જેના કારણે ત્વચા અને શ્વાસ દ્વારા શરીરમાંથી પાણી ઓછું થતું રહે છે.
  • સૂક્ષ્મ પરસેવો: ગરમ કપડાં પહેરવાને કારણે થતો પરસેવો દેખાતો નથી, પરંતુ તે શરીરમાંથી પાણીનો ઘટાડો કરતો રહે છે. આ સ્થિતિ લાંબા ગાળે 'ક્રોનિક ડિહાઈડ્રેશન' માં પરિણમી શકે છે.

વર્ષ 2019માં 'અમેરિકન હાર્ટ ઍસોસિએશન'ના સંશોધન મુજબ, પાણીની સતત અછતથી કિડનીની જૂની બીમારીઓ, પથરી અને યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

2. શિયાળામાં તરસ કેમ ઓછી લાગે છે?

વેલનેસ નિષ્ણાત દિવ્યાપ્રકાશ સમજાવે છે કે, "જ્યારે ઠંડી લાગે છે, ત્યારે શરીર ગરમી બચાવવા માટે નસોને સંકોચી લે છે. આ પ્રક્રિયાથી લોહી શરીરના મધ્ય ભાગમાં કેન્દ્રિત થાય છે. પરિણામે મગજને એવો સંકેત મળે છે કે શરીરમાં પાણીની કમી નથી."

"આવું થવાથી તરસનો અહેસાસ 40% સુધી ઘટી શકે છે. જોકે, વાસ્તવમાં શરીરની જરૂરિયાત હંમેશાં 2.5 થી 3.5 લીટર જેટલી જ રહે છે."

3. ઓછું પાણી પીવાનાં નુકસાન

શરીરનો 60% ભાગ પાણીનો બનેલો છે અને લોહી દ્વારા જ ઑક્સિજન તથા પોષક તત્ત્વો કોશિકાઓ સુધી પહોંચે છે. ડૉ. પુલિનકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર

  • હાર્ટ ઍટેક અને સ્ટ્રોક: શરીરમાં પાણી ઘટતાં લોહી જાડું થાય છે. જાડા લોહીને પંપ કરવા માટે હૃદયે વધુ શ્રમ કરવો પડે છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ ઍટેક કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ શિયાળામાં વધી જાય છે.
  • પાચન સમસ્યાઓ: પાણીની અછતથી પાચનતંત્ર મંદ પડે છે, પરિણામે કબજિયાત અને અપચા જેવી ફરિયાદો રહે છે.
  • માનસિક સંકેતો: અકારણ થાક, માથાનો દુખાવો, ચક્કર આવવા, તણાવ અને વ્યાધી એ પાણીની અછતના મુખ્ય સંકેતો છે. પાણી ઘટવાથી શરીરમાં 'કોર્ટિસોલ' (સ્ટ્રેસ હોર્મોન)નું પ્રમાણ વધે છે.

4. સૌથી વધારે જોખમ કયા લોકોને હોય છે?

ઍઇમ્સ ઋષિકેશ સાથે જોડાયેલાં ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલ કહે છે, "આપણું શરીર પાણીની અછતના કેટલાક સંકેતો આપે છે, જેમ કે વધુ પડતી આળસ અને નબળાઈ અનુભવાવી, થાક, તણાવ અને ચિંતા (એન્ઝાઈટી) વધવી."

તેમના મતે વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ, હાર્ટ પેશન્ટ અને લોહી પાતળું કરવાની દવા લેતા લોકોએ ખાસ સાવધ રહેવું જોઈએ.

મહિલાઓ પર અસર: 15 થી 40 વર્ષની મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો થતા હોય છે. માસિક દરમિયાન શરીરમાંથી પ્રવાહી ઘટવાને કારણે ડિહાઈડ્રેશન થાય છે, જે પેટમાં દુખાવો અને ગૅસની સમસ્યા વધારે છે.

પાણીની અછત ઍસ્ટ્રોજન અને થાઈરોઈડ જેવા હોર્મોન્સના કાર્યમાં અવરોધ ઊભો કરી મૂડ સ્વિંગ્સ અને અનિયમિત માસિક જેવી સમસ્યાઓ પ્રેરે છે.

5. પાણી પીવાની સાચી રીત

ડૉ. અનુ અગ્રવાલ દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે.

સવારનો સમય: ઊઠ્યા પછીના 2-3 કલાકમાં ધીમે-ધીમે 2 થી 4 ગ્લાસ પાણી પી લેવું.

સમય મર્યાદા: રાત્રે વારંવાર પેશાબ જવાથી ઊંઘ ન બગડે તે માટે, દિવસના પાણીનો મોટો હિસ્સો સાંજે 5 વાગ્યા સુધીમાં પૂરી કરી લો.

તો કેવું પાણી પીવું?: એનો જવાબ આપવતાં દિવ્યાપ્રકાશ જણાવે છે કે પાણીના બદલે માત્ર ચા કે કોફી ન પીવો. ખૂબ ગરમ પાણી પીવાને બદલે હૂંફાળું પાણી પીવો, જે શરીરની કોશિકાઓ ઝડપથી શોષી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન