જમ્યા પછી તરત શૌચાલય જવું પડે તે કોઈ બીમારીના સંકેત હોય? ડૉક્ટરો શું કહે છે?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિળ

જમ્યા પછી થોડી જ મિનિટોમાં કેટલાક લોકોને શૌચાલય જવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે. ઘણા લોકોને રોજબરોજના જીવનમાં આ સમસ્યા સતાવે છે.

તેના કારણે મનમાં શંકા થાય છે કે તમે જે ભોજન ખાવ છો, તેનું શરીરમાં ખરેખર પાચન થાય છે કે પછી મળમાં ફેરવાઈ જાય છે?

તબીબી નિષ્ણાતો કહે છે કે ઑફિસના સમય દરમિયાન થોડું ઘણું ખાઈ લેવું અને સપ્તાહના અંતે ઘરે હોવ ત્યારે ઘણા બધા મનપસંદ ખોરાક ખાવા પાછળની મનોવિજ્ઞાન પ્રક્રિયા પણ આનું કારણ છે.

પરંતુ સવાલ એ થાય છે કે શું જમ્યા પછી શૌચાલય જવાની ઇચ્છા સામાન્ય છે કે પછી કોઈ બીમારીના સંકેત છે? શું દિવસમાં અનેક વખત શૌચ માટે જવું એ કોઈ સમસ્યા દર્શાવે છે? આ લેખમાં અમે તબીબી નિષ્ણાતો અને તેના સંશોધનમાંથી મળતા જવાબોની વાત કરીશું.

શું તમે જે ખાવ છો તે તરત મળમાં ફેરવાઈ જાય છે?

ચેન્નાઈસ્થિત ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. મહાદેવન કહે છે, "જમ્યા પછી તરત મળત્યાગ કરવાની ઇચ્છાને ગૅસ્ટ્રોકૉલિક રિફ્લેક્સ કહેવામાં આવે છે. જોકે, ઘણા લોકો માને છે તે રીતે જમ્યા પછી તરત થોડી વારમાં તે મળમાં રૂપાંતરિત થતું નથી."

એક અભ્યાસમાં જાણવા મળે છે કે આપણે જે ખાઈએ તેને મળમાં રૂપાંતરિત થઈને શરીરમાંથી બહાર નીકળવામાં 10થી 73 કલાક લાગી શકે છે. (આંતરડામાંથી ખોરાક પસાર થવાનો સમય).

જોકે, તે ઉંમર, લિંગ અને શરીરના વજન જેવી ઘણી બાબતો પર આધાર રાખે છે.

આપણે જે ખાઈએ છીએ તે પેટમાં પહોંચે છે. તે વખતે નસો આંતરડાની માંસપેશીઓને સંકેત મોકલે છે. તેના કારણે મોટું આંતરડું સંકોચાય છે, તેના કારણે ત્યાં હાજર કચરો મળાશય તરફ જાય છે. તેના કારણે શરીરમાંથી મળને બહાર કાઢવાની ઇચ્છા થાય છે.

જેમ જેમ મોટા આંતરડામાંથી કચરો ગુદામાર્ગ તરફ જાય છે, તેમ તેમ મોટું આંતરડું વધુ ખોરાક શોષવા માટે જગ્યા બનાવે છે. તેને ગૅસ્ટ્રોકૉલિક રીફ્લેક્સ કહેવામાં આવે છે.

ડૉ. મહાદેવન કહે છે કે "આ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. બાળકોમાં તે વધુ સામાન્ય છે, કારણ કે બાળકો દૂધ પીધાં પછી શૌચ કરે છે."

ભોજન લીધા પછી અમુક મિનિટોથી લઈને અમુક કલાકોમાં આ અનુભવ થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને અનુભૂતિ ઝડપથી થાય છે જ્યારે પુખ્ત વયના લોકોમાં વધુ સમય લાગે છે.

ડૉ. મહાદેવનના કહેવા મુજબ, આ બહુ સામાન્ય હોવા છતાં તેને સહન કરવું મુશ્કેલ હોય એ હદે તીવ્ર હોય, તો તે પેટને લગતા વિકાર અથવા આંતરડાની બીમારીનાં લક્ષણ હોઈ શકે છે.

તેઓ પેટ સંબંધિત તકલીફોના મુખ્ય કારણ તરીકે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનું કારણ આપે છે. તેઓ કહે છે કે આ નિયંત્રણ કરી શકાય તેવી સમસ્યા છે.

સંવેદનશીલ આંતરડાની બીમારી

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)નું કહેવું છે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (આઇબીએસ) એક સામાન્ય સ્થિતિ છે જે પાચનતંત્રને અસરકરે છે અને તેનાં લક્ષણોની આ મુજબ યાદી આપે છે.

  • પેટમાં દુખાવો અથવા સ્નાયુઓમાં ખેંચાણ, સામાન્ય રીતે મળત્યાગની ઇચ્છા સાથે સંકળાયેલ હોય છે
  • વધુ પડતો ગૅસ અને પેટ ફૂલી જવું
  • ઝાડા, કબજિયાત, અથવા વારાફરતી બંને તકલીફો
  • મળત્યાગ પછી પણ પેટ બરાબર સાફ થયું ન હોય તેવો અનુભવ

એનએચએસ જણાવે છે કે જો ચાર અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી આ લક્ષણ જોવા મળે તો તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તેના કોઈ સ્પષ્ટ કારણ ભલે ન હોય, પરંતુ શરાબ, કૅફિન, મસાલેદાર અથવા ચરબીયુક્ત આહાર, તણાવ, ચિંતા અને નિયમિત રીતે ઍન્ટિબાયૉટિક દવાઓ લેવાના કારણે આઇબીએસ થઈ શકે છે.

આઇબીએસના કારણે માત્ર જમ્યા પછી શૌચ જવાની ઇચ્છા થાય છે એવું નથી.

  • તેમાં પેટ ફૂલવું
  • થાક અને ઊર્જાની ઊણપ
  • બેચેની
  • પીઠમાં દુખાવો
  • વારંવાર પેશાબ કરવાની ઇચ્છા
  • નૅશનલ હેલ્થ સર્વિસ કહે છે કે પેશાબ બરાબર થયો ન હોવાની લાગણી પણ થઈ શકે છે

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દુનિયામાં પાંચથી 10 ટકા લોકો ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનો ભોગ બન્યા છે. આઇબીએસથી પીડિત દર ત્રણમાંથી એક વ્યક્તિ ચિંતા અથવા તણાવનો અનુભવ કરે છે.

ડૉક્ટર અને ડાયેટિશિયન અરુણકુમાર કહે છે કે, "ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એવી બાબત છે જેનો અનુભવ ઘણા લોકો કરે છે. તમે શારીરિક રીતે સ્વસ્થ હોવ તો પણ તમને પેટમાં અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. તે બે પ્રકારના હોઈ શકે છે: IBS-C (IBS-કબજિયાત), જે કબજિયાત સાથે પેટમાં દુખાવો છે, અને IBS-D (IBS-ઝાડા), જે ઝાડા સાથે હોય છે."

ડૉ. મહાદેવન કહે છે કે, "ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનાં લક્ષણોને આહાર અને જીવનશૈલીમાં ફેરફાર, સ્ટ્રેસ મૅનેજમૅન્ટ અને અન્ય પગલાં દ્વારા નિયંત્રિત કરી શકાય છે. લક્ષણો ગંભીર હોય તો તબીબી સલાહ અથવા સારવાર લેવી જરૂરી છે."

શું તે આંતરડાની બીમારીનાં લક્ષણ હોઈ શકે?

ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. રવિન્દ્રન કુમારન કહે છે કે, "ઘણા લોકોને જમ્યા પછી તરત મળત્યાગ કરવાની વર્ષોથી આદત હોય છે. તેનાથી તેમને કોઈ શારીરિક કે માનસિક તકલીફ થતી ન હોય તો તે કોઈ સમસ્યા નથી, પરંતુ અચાનક કોઈ વ્યક્તિને નિયમિત રીતે આવી ઇચ્છા થાય, તો તેના પર ધ્યાન આપવું જોઈએ."

"દરરોજ ઑફિસ કે શાળા/કૉલેજ જતા લોકોને વારંવાર શૌચ કરવામાં પરેશાની હોઈ શકે છે. તેઓ અમારો સંપર્ક કરે તો અમે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો સૂચવીશું. નહીંતર દિવસમાં કેટલી વાર મળત્યાગ કરવો જોઈએ તેની કોઈ મર્યાદા નથી. તમને સતત કબજિયાત કે ઝાડા રહેતા હોય તો તમે તબીબી સલાહ લઈ શકો છો."

ડૉ. મહાદેવન પણ આ વાત પર ભાર મૂકતા કહે છે, તમને જ્યારે નિયમિત મળત્યાગમાં મોટો ફેરફાર જોવા મળે તો તેની ઉપેક્ષા ન કરો. ઉદાહરણ તરીકે રાતના સમયે વારંવાર શૌચની ઇચ્છા થવી એ જોખમી ફેરફાર છે. તે બીજી કોઈ બીમારીનાં લક્ષણ હોઈ શકે છે.

તેઓ એમ પણ કહે છે કે "મળમાં કફ આવે (જે સફેદ રંગનો હોઈ શકે છે) અથવા લોહી પડે, વજન ઘટી જાય, વારંવાર કબજિયાત અથવા ઝાડા થવા એ મળાશયની બીમારીનાં લક્ષણ હોઈ શકે છે. આના માટે ડૉક્ટરની સલાહ લેવી સૌથી વધુ યોગ્ય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન