ગુજરાતમાં 1.05 લાખ બાળકીઓએ સ્કૂલ જવાનું બંધ કેમ કરી દીધું, સરકારનું શું કહેવું છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને દરેક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ તો આપવામાં આવે છે પરંતુ એ પણ હકીકત છે કે આ પૈકી કેટલાંક બાળકો 12મા ધોરણ સુધી પહોંચે તે પહેલાં જ શાળા છોડી દે છે.

આ ખુલાસો રાજ્યસભામાં હાલમાં આપવામાં આવેલા સરકારના જવાબમાં થયો છે. જવાબમાં કહેવાયું કે શાળા છોડી દેતાં બાળકોની સંખ્યા દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી વધારે છે.

વર્ષ 2024 – 25માં ગુજરાતમાં 54,541 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી. જોકે, વર્ષ 2025-26માં શાળા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26માં 2,40,809 વિદ્યાર્થીઓ શાળાની બહાર થઈ ગયા હતા.

ગુજરાત સરકારે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યુ છે કે વર્ષ 2024-25માં 2,40,486 વિદ્યાર્થીઓ શાળા ડ્રૉપઆઉટ થયા હતા. સરકારે વ્યક્તિગત પ્રયાસ કરીને 2,30,196 વિદ્યાર્થીઓને શાળામાં ફરી જોડ્યા હતા.

આ વિશે શિક્ષણશાસ્ત્રીઓનું માનવું છે કે સરકાર જે આંકડા બતાવે છે તેના કરતાં વધારે વિદ્યાર્થીઓ ડ્રૉપઆઉટ થાય છે.

તેેમનું જણાવવું છે કે સરકારી શાળાઓ બંધ થવી, શાળાનું ઘરેથી અંતર વધારે હોવું, શિક્ષકોને અન્ય કામોમાં વ્યસ્ત રાખવા તેમજ માળખાકીય સુવિધાઓનો અભાવ અથવા તો જાળવણીનો અભાવ જેવાં કારણોને લઈને બાળકો શાળા છોડી રહ્યાં છે.

ડ્રૉપઆઉટ રેટમાં દેશમાં ગુજરાત મોખરે કેમ છે?

કૉંગ્રેસનાં સાંસદ રેણુકા ચૌધરીએ રાજ્યસભામાં દેશમાં કુલ સ્કૂલ ડ્રૉપઆઉટ બાળકીઓની સંખ્યા અને તેનાં કારણો વિશે એક સવાલ કર્યો હતો.

રેણુકા ચૌધરીના સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સાવિત્રી ઠાકુરે જવાબ આપ્યો હતો.

જવાબમાં તેમણે કહ્યું કે "રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઓળખવામાં આવેલાં ડ્રૉપઆઉટનાં મુખ્ય કારણોમાં સ્થળાંતર, પરિવારોની સામાજિક-આર્થિક સ્થિતિ, બાળકો પર ઘરેલું જવાબદારીઓ, કામ કરતાં બાળકો વગેરે છે.

શાળામાંથી બહાર વિદ્યાર્થીઓ અંગે આપવામાં આવેલા 2025-26નાં આંકડાઓમાં ગુજરાત રાજ્યમાંથી 2,40,809 વિદ્યાર્થીઓ શાળા બહાર થયા હતા. જે દેશમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરખામણીમાં સૌથી વધુ છે. આ વિદ્યાર્થીઓમાં 1,05,020 છોકરીઓ છે.

વર્ષ 2024-25માં 54,541 વિદ્યાર્થીઓએ શાળાની બહાર થયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે વર્ષ 2024-25માં ગુજરાતમાં માત્ર એક જ કિશોરાવસ્થામાં પહોંચેલી વિદ્યાર્થિનીઓ શાળા બહાર હતી.

જોકે, શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતા કર્મશીલ સુખદેવ પટેલનું કહેવું છે આંકડાઓમાં વિસંગતતા જોવા મળી રહી છે. તેમનો ગંભીર આરોપ છે કે સરકાર જે આંકડા દેખાડે છે તેનાં કરતાં વધારે બાળકો શાળા છોડીને જતાં રહ્યાં છે.

આ વિશે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમના તરફથી આ મુદ્દે જે જવાબ આવશે તે અહીં પછીથી અપડેટ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં ડ્રૉપઆઉટનાં શું છે કારણો?

સુખદેવ પટેલનો આરોપ છે કે સરકાર ડ્રૉપઆઉટના આંકડા છુપાવે છે.

તેઓ કહે છે, "મારી ગણતરી પ્રમાણે દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ વિદ્યાર્થીઓ ડ્રૉપઆઉટ થતા હશે. કારણકે દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરિક્ષામાં લગભગ ત્રણ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ જ ફરી ભણવા આવે છે. જે પાસ થાય છે તે પૈકી કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11માં ભણવા જતા નથી."

કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ સવાલ કરે છે કે સરકારી શાળાઓની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે અને ખાનગી શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રૉપઆઉટ અંગેનાં કારણો વિશે વાત કરતાં રાઇટ ટુ ઍૅજ્યુકેશન (આરટીઈ) ફોરમના ગુજરાત કન્વીનર મુજાહિદ નફીસે બીબીસી ગુજરાતીને કહ્યું, "સરકારી શાળાઓની હાલત ખરાબ થતી જાય છે અને ખાનગી શાળાઓ વધી રહી છે. શાળાઓમાં શિક્ષકો પ્રશાસનનાં કામોમાં વ્યસ્ત હોય છે. પ્રશાસનનાં કામો માટે કોઈ અન્ય વ્યક્તિની નિમણુક કરવી જોઈે. જેથી શિક્ષકો શિક્ષણનાં કામોમાં ધ્યાન આપી શકે."

ગુજરાતનાં મોટાં ગામડાંઓમાં જ માધ્યમિક શાળાઓ છે. તેથી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જતી વખતે વિદ્યાર્થીઓનો ડ્રૉપઆઉટ રેશિયો વધારે હોય છે.

આ વિશે વાતચીત કરતાં સુખદેવ પટેલ કહે છે, "સરકારે આ માટે ધોરણ 8ના શિક્ષકોને જવાબદારી સોંપી છે કે તેમની શાળામાંથી ધોરણ 8 પાસ થયેલા વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં ફરજિયાત પ્રવેશ અપાવડાવવો. પરંતુ ધોરણ 8 પાસ થયા બાદ શાળા છોડ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ગામમાં જો શાળા ન હોય તો દૂર સુધી ભણવા જવાનું ટાળે છે."

"મારે ધ્યાને એવી શાળાઓ છે જ્યાં પ્રવેશ બાદ પણ વિદ્યાર્થીઓ શાળામાં ગયા નહીં હોય. એટલે માત્ર પ્રવેશ આપવો જ મહત્ત્વનો નથી, પરંતુ તે વિદ્યાર્થી શાળામાં ભણવા માટે જાય તે જોવું પણ જરૂરી છે."

સુખદેવ પટેલ કહે છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ડ્રૉપઆઉટ થયા તે વિશેનો સર્વે કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળે છે.

"જેને કારણે સરકારના પ્રયત્નોની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય છે," એમ સુખદેવ પટેલ ઉમેરે છે.

દીકરીઓ સાથે 'ભેદભાવ' અને શૌચાલયનો અભાવ

વર્ષ 2025-26માં ગુજરાતમાં 2,40,809 વિદ્યાર્થીઓ શાળા બહાર નીકળી ગયા હતા.જેમાંથી 1,05,020 વિદ્યાર્થિનીઓ હતી.

વિદ્યાર્થિનીઓનું ડ્રૉપઆઉટનું પ્રમાણ પણ વધારે હોવાનાં કારણો જણાવતા સુખદેવ પટેલ કહે છે, "કિશોરીઓનાં લગ્નની ઉતાવળ હોવાને કારણે કે લગ્ન થઈ જાય ત્યાર બાદ તેને ભણાવવામાં આવતી નથી. કેટલાક કિસ્સાઓમાં છોકરીઓ સાસરામાં મનમાની કરશે તેવી ખોટી માન્યતાને કારણે રૂઢિચુસ્ત માતાપિતા બાળકીઓને શાળાએ મોકલતાં નથી."

મુજાહિદ નફીસ જણાવે છે કે "શાળાઓમાં માળખાકીય સુવિધાઓના અભાવને કારણે પણ કિશોરીઓ આગળ ભણતી નથી. કેટલીક શાળાઓમાં શૌચાલયમાં નળમાં પાણી પણ આવતું નથી. કિશોરીઓની ઉંમર વધે તેમ તે શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ક્યારેક શરમજનક સ્થિતિમાં મુકાય છે."

શિક્ષણ સાથે જોડાયેલાં કર્મશીલ નુરજહાં નિસ્વાને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે શાળામાં ઓરડાંની કમીને કારણે પણ ડ્રૉપઆઉટ રેશિયો વધી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું, "સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સરકારી શાળામાં શિક્ષણ કથળી રહ્યું છે. માતાપિતા હવે બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. ખર્ચો વધારે થાય છે તેથી તેમની પ્રાથમિકતા પુત્રના શિક્ષણની હોય છે, ન કે પુત્રીના શિક્ષણની."

"તેથી માતાપિતા પુત્રીને આગળ ભણાવવાનું બંધ કરે છે," એમ નુરજહાં ઉમેરે છે.

જોકે, શિક્ષણ સાથે સંકળાયેલા કર્મશીલો એમ પણ માને છે કે સરકાર પ્રયત્ન કરી રહી છે.

સુખદેવ પટેલ ગુજરાત સરકારની યોજનાઓ વિશે વાત કરતાં કહે છે, "સરકાર યોજના તો લાવે છે પરંતુ તેની અસરકારકતા અંગેના અભ્યાસની ઉણપ છે. સરકારની 'નમો લક્ષ્મી યોજના' સરસ છે. જેમાં ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીને દર વર્ષે 10 હજાર જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીઓને દર વર્ષે 15 હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થિનીનાં માતાનાં ખાતામાં આપવામાં આવે છે. સામાન્ય રીતે પૈસા મળતા હોય તો વાલીઓને દીકરીઓને ભણાવવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ, પરંતુ આટલી સરસ યોજના છતાં ડ્રૉપઆઉટ રેશિયો વધારે છે."

સુખદેવ પટેલનું કહેવું છે કે "સરકારે ડ્રૉપઆઉટ આંકડાનો રિપોર્ટ તૈયાર કરીને તે આંકડા અંગે અભ્યાસ કરીને સમસ્યાના સમાધાન શોધવાના પ્રયત્નો કરવા જોઈએ. આ અંગે ભાજપ કૉંગ્રેસ કે કોઈપણ પક્ષે આ અંગે રાજકારણ ન કરવું જોઈએ. આ અંગે તેમણે રાજકારણથી દૂર રહેવું જોઈએ."

ગુજરાત સરકારનું ડ્રૉપઆઉટ વિશે શું કહેવું છે?

સંસદમાં આપવામાં આવેલા આંકડાઓ બાદ ગુજરાત સરકારના માહિતી વિભાગે ખુલાસો કરતાં પ્રેસ વિજ્ઞપ્તી આપી હતી.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે સમગ્ર શિક્ષા દ્વારા આઉટ ઑફ સ્કૂલ અને ડ્રૉપઆઉટ થયેલાં બાળકોનો સર્વે કરવામાં આવે છે અને બાળકોને ઓળખી કાઢવામાં આવે છે.

આ ઓળખી કાઢવામાં આવેલાં બાળકોનો વ્યક્તિગત પ્રયાસ કરીને ખાસ તાલીમ આપીને ફરી શાળામાં પ્રવેશ કરાવવામાં આવે છે.

વર્ષ 2024-25માં આ પ્રકારનાં 2,40,486 બાળકોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. આ બાળકો પૈકી 2,30,196 બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર મામલે વાતચીત કરવા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાનાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમના તરફથી આ સમસ્યા વિશે જે જવાબ આપવામાં આવશે તે ભવિષ્યમાં અહીં અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન