ગુજરાતી વિદ્યાર્થીઓનો દેખાવ ભાષા, ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં નબળો કેમ?

વેપારક્ષેત્રે આગળ પડતું નામ ગણાતા ગુજરાતમાં શાળાકીય શિક્ષણક્ષેત્રે 'ચિંતા જન્માવે' એવા સમાચાર થોડા દિવસ પહેલાં સામે આવ્યા હતા.

આ સમાચાર 'ચિંતિત કરનારા' એટલા માટે હતા, કારણ કે તેમાં ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર રિપોર્ટને ટાંકીને કહેવાયું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનો સમાવેશ શિક્ષણ ક્ષેત્રે 'લૉ પર્ફૉર્મિંગ સ્ટેટ્સ'માં થાય છે.

આ નિષ્કર્ષ નૅશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) અંતર્ગત પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ, 2024 દરમિયાન ભેગી કરાયેલી આંકડાકીય માહિતી પર આધારિત હતો.

નોંધનીય છે કે પરખ (પર્ફૉર્મન્સ ઍસેસમેન્ટ, રિવ્યૂ ઍન્ડ ઍનાલિસિસ ઑફ નૉલેજ ફૉર હોલિસ્ટિક ડેવલપમેન્ટ) ભારતનો રાષ્ટ્રીય સ્તરનો વિદ્યાર્થી મૂલ્યાંકન માટેનો સર્વે છે. જે દેશની શાળાકીય શિક્ષણ સિસ્ટમના મૂલ્યાંકન અને દેખરેખ માટે ડિઝાઇન કરાયો છે.

આ સંસ્થાના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે શાળાકીય શિક્ષણના સંખ્યાબંધ માપદંડોમાં ગુજરાતની શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં 'નબળો' હોવાનું સામે આવ્યું હતું.

આ રિપોર્ટમાં ગુજરાત સંદર્ભના નિષ્કર્ષોને નિષ્ણાતો 'ચિંતા જન્માવનારા'ગણાવી રહ્યા છે.

નિષ્ણાતોએ આ રિપોર્ટમાં ગુજરાતના 'સરેરાશ કરતાં ખરાબ દેખાવ' અંગે શું કહ્યું એ જાણીએ પહેલાં વિસ્તારપૂર્વક જાણી લઈએ કે આખરે આ રિપોર્ટમાં શું શું છે?

'પરખ' સર્વેનાં તારણોમાં શું સામે આવ્યું?

આ સર્વેમાં ધોરણ 3, 6 અને 9 એમ ત્રણ સ્તરના લગભગ 1.04 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી ભાગ લીધો હતો.

જેમાં ત્રીજા ધોરણની એટલે કે પાયાના તબક્કાની ક્ષમતાની ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ભાષા અને ગણિત બંને વિષયોમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો દેખાવ 'રાષ્ટ્રીય સરેરાશ કરતાં નબળો' હતો.

ભાષાના વિષયમાં ટૂંકી વાર્તા વાંચી અને સમજી શકે તેમજ લેખક શું કહેવા માગે છે એ સમજી શકે એ બાબતના પ્રશ્નો થકી તેમજ રોજિંદા જીવનમાં ભાષા બોલી શકે તેટલા શબ્દો જાણતા હોવાનો અને પોતાની પાસે રહેલા શબ્દભંડોળ આધારે ભાષાના નવા શબ્દોના અર્થનું અનુમાન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરાયું હતું. આ સિવાય અખબારી અહેવાલ, સૂચનો, રેસિપી અને પબ્લિસિટી મટિરિયલ વાંચવાની અને સમજવાની ક્ષમતાની કસોટી કરાઈ હતી.

જેમાં ગુજરાતના ધોરણ 3ના વિદ્યાર્થીઓનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં સાત ટકા ઓછો હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે રાષ્ટ્રીય સરેરાશ 64 ટકા હતી, જ્યારે ગુજરાતની સરેરાશ 57 ટકા હતી.

આ સિવાય ધોરણ 3ના વિદ્યાર્થીઓની ગણિતના વિષયમાં ક્ષમતા ચકાસવા માટે જુદા જુદા 12 માપદંડો નક્કી કરાયા હતા. જેમાં 99 સુધીના આંકડાને ઊતરતા અને ચડતા ક્રમમાં ગોઠવવા અને બે આંકડાના સરવાળા બાદબાકી સહિતના સવાલો હતા.

જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સરેરાશ 52 ટકા રહી હતી. જે 60 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં આઠ ટકા ઓછી હતી.

આનો અર્થ એ થાય છે કે આ સર્વેમાં ભાગ લેનારા 52 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓ જ ગણિતના સામાન્ય કોયડા ઉકેલી શક્યા હતા.

આવી જ રીતે ધોરણ છમાં પણ ગુજરાતી વિદ્યાર્થીઓની સરેરાશ સર્વેમાં સામેલ કરાયેલા તમામ વિષયોમાં 'રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી' રહેવા પામી હતી.

ધોરણ છના વિદ્યાર્થીઓ માટે ભાષા અને ગણિત ઉપરાંત 'આપણી આસપાસનું વિશ્વ'ના મથાળા હેઠળ કેટલાક સામાન્ય પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યા હતા.

જેમાં આપણી આસપાસની કુદરતી વસ્તુઓનાં અવલોકન અને ઓળખ, આપણી આસપાસની સંસ્થાઓનાં કામકાજની સમજ, માનવનિર્મિત અને કુદરતી સિસ્ટમોની ઓળખ કરવાની ક્ષમતા વગેરે અંગેના પ્રશ્નો સામે હતા.

ધોરણ છની વાત કરીએ તો ભાષાના વિષયમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સરેરાશ 51 ટકા હતી. જે 57 ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી હતી.

આ સિવાય ગણિતના વિષયમાં ધોરણ છના સ્તરે રાષ્ટ્રીય સરેરાશ 46 ટકા હતી, જ્યારે સામેની બાજુએ રાજ્યની સરેરાશ 40 ટકા હતી.

આ ઉપરાંત 'આપણી આસપાસનું વિશ્વ' વિષયમાં 49 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સામે ગુજરાતની સરેરાશ 45 ટકા હતી.

આ સર્વેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓને ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બાબતના પ્રશ્નો પુછાયા હતા.

જે તમામમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નબળી હોવાનું સામે આવ્યું હતું.

ભાષાના વિષયમાં 54 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સામે ગુજરાતની સરેરાશ 50 ટકા હતી.

ગણિતમાં 37 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સામે ગુજરાતની સરેરાશ 32 ટકા હતી.

વિજ્ઞાનમાં રાષ્ટ્રીય સરેરાશ 40 ટકા હતી, તેની સામે ગુજરાતની સરેરાશ 38 હતી.

સામાજિક વિજ્ઞાન વિષયમાં રાષ્ટ્રીય સરેરાશ 40 ટકા હતી, જેની સામે ગુજરાતની સરેરાશ 37 ટકા હતી.

રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓના દેખાવ પ્રમાણે ગુજરાતનો સમાવેશ 'લૉ પર્ફૉર્મિંગ' અંતિમ પાંચ રાજ્યોમાં થયો હતો.

તેમજ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના દેખાવ પ્રમાણે ગુજરાતનો સમાવેશ 'લૉ પર્ફૉર્મિંગ' અંતિમ ચાર રાજ્યોમાં થયો હતો.

નવમા ધોરણના વિદ્યાર્થીઓના દેખાવ પ્રમાણે ગુજરાતનો સમાવેશ 'લૉ પર્ફૉર્મિંગ' અંતિમ ચાર રાજ્યોમાં થયો હતો.

આ ઉપરાંત ધોરણ ત્રણના તબક્કે જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટા ઉદેપુર અને પોરબંદર આખા ભારતના 50'લૉ પર્ફૉર્મિંગ જિલ્લાઓ'માં સામેલ છે.

ધોરણ નવના તબક્કે દાહોદ, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લા આખા ભારતના 50 'લૉ પર્ફૉર્મિંગ જિલ્લાઓ'માં સામેલ હતા.

શું કહે છે નિષ્ણાતો?

પરખ રિપોર્ટમાં ગુજરાતના સરેરાશ કરતાં નબળા દેખાવ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં રાઇટ ટુ ઍજ્યુકેશન ફોરમ, ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસ કહે છે કે, "આ રિપોર્ટમાં ગુજરાતના નબળા દેખાવનું કારણ એ છે કે સરકારનું ધ્યાન શિક્ષણ પર નહીં, માત્ર પૉલિટિકલ એજન્ડા પર છે. આના કારણે દર વર્ષે રાજ્યમાં સરકારી શાળાઓ બંધ થવાના કિસ્સા નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક રૂમની સ્કૂલો હશે અને એક શિક્ષણવાળી સ્કૂલો હશે અને પાયાની માળખાગત સુવિધાઓ નહીં હોય તો પરિણામ આવું જ આવશે."

"આ માપદંડોમાં રાજ્યનો દેખાવ સુધરે એ માટે જરૂરી છે કે સરકાર માનવ સંસાધનોમાં પૈસાનું રોકાણ કરે. આ ઉપરાંત સરકાર શિક્ષણના અધિકાર અધિનિયમ અંતર્ગત વિષય વિશેષજ્ઞ શિક્ષકની ભરતીની જોગવાઈને અનુસરે એ પણ એટલું જ જરૂરી છે."

તેઓ આગળ કહે છે કે, "બધી સ્કૂલોમાં જેટલા ક્લાસ એટલા શિક્ષકોની ભરતી થાય તો જ સારાં પરિણામ મળી શકે. આવું થશે તો જ ગુજરાત એક શિક્ષણ ક્ષેત્રે અગ્રણી રાજ્ય બનશે. નહીંતર આ બધા પ્રયાસો વ્યર્થ સાબિત થઈ શકે છે."

"જે રીતે સરકારી સ્કૂલો પરથી લોકો વિશ્વાસ ગુમાવી રહ્યા છે એ બાબત પણ ચિંતાજનક છે. આના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. હજુ પણ લોકો સરકારી સ્કૂલોને સ્થાને ઓછા ખર્ચવાળી ખાનગી સ્કૂલોમાં પોતાનાં બાળકોને મોકલે છે. કારણ કે ત્યાં તેમને એક ક્લાસરૂમ દીઠ એક ટીચર દેખાય છે. આવું જ સરકારી શાળામાં હોય એવો વાલીઓને વિશ્વાસ નથી. તો લોકો સરકારી શાળામાં પોતાનાં બાળકોને કેમ મોકલશે? સરકારી શાળાના શિક્ષકો જ પોતાનાં બાળકોને ત્યાં નથી મોકલતા. આ બાબત જણાવે છે કે સરકારે આ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે રાજકારણથી ઉપર ઊઠીને સાર્થક પ્રયાસ કરવા પડશે."

આ ઉપરાંત શિક્ષણવિદ ડૉ. અશોક પટેલ જણાવે છે કે, "પરખમાં કહેવાયું છે એમ શિક્ષણની ગુણવત્તા નબળી પડી છે. આનાં મુખ્ય કારણો પૈકી એક છે શિક્ષકો પર વધતો કાર્યભાર. જ્યારે શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામ કરે છે ત્યારે સરકાર તરફથી શિક્ષકોને વધુ કાર્યભાર સોંપી દેવાય છે, જેના કારણે તેની નિષ્ઠા કેટલીક વાર ભાંગી પડે છે. આ સિવાય સરકાર નીતિઓ ઘડે છે અને નિયમો બનાવી દે છે, પરંતુ ખરેખર શાળા સ્તરે તેનું અમલીકરણ થાય છે કે કેમ એ જોવા માટેની કોઈ વ્યવસ્થા આપણા અહીં સ્થાપિત નથી કરી શકાય. જેથી ગુણવત્તા પર અવળી અસર પડે છે."

તેઓ આગળ કહે છે કે, "ખાનગી સ્કૂલો આ બાબતે સરકારી શાળાઓથી અલગ પડે છે. કારણ કે ત્યાં કોઈ એક વ્યક્તિ શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેની જવાબદારી સાથે બેઠી હોય છે. પરંતુ આપણે ત્યાં શિક્ષકોથી માંડીની શિક્ષણમંત્રી સુધીની કોઈ જવાબદારી નક્કી નથી કરાતી. આ સિવાય શાળાકીય શિક્ષણને સમાંતર મૂલ્યો સંબંધિત શિક્ષણ આપવું પણ જરૂરી છે. જેની મુખ્ય જવાબદારી મારા મતે વાલીઓની છે."

રાજ્યમાં એક ઓરડા અને એક શિક્ષકવાળી શાળા મુદ્દે સરકારને સવાલ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ 327 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ ઓરડાવાળી હતી.

જેની સંખ્યા ગત વર્ષે 327 હતી.

આ સિવાય ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે રાજ્યાં 1,606 શાળાઓ એવી હતી જેમાં માત્ર એક જ શિક્ષક હતા.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલમાં નોંધવામા આવ્યું છે કે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં પાછલાં બે વર્ષમાં શિક્ષકોની ઘટનો સામનો કરતી સ્કૂલોની સંખ્યા વધી હોવાની બાબત સ્વીકારતાં તેનાં કારણો અંગે વાત કરી હતી. અને તેના માટે શિક્ષકોની પસંદગીની જગ્યાએ બદલીના મુદ્દાને મુખ્યપણે કારણભૂત ગણાવ્યો હતો.

રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષણની ગુણવત્તાની ચકાસણી માટે તૈયાર કરાયેલા 'પરખ' રિપોર્ટમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ નબળો રહ્યો હોવાનું સામે આવ્યું છે એ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પફુલ્લભાઈ પાનશેરિયા પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરાયો હતો.

આ સિવાય આ રિપોર્ટને ટાંકીને શિક્ષણવિદો ઉઠાવેલા રાજ્યમાં એક શિક્ષકવાળી શાળાઓ, એક ઓરડાવાળી શાળાઓ, શિક્ષકોનો કાર્યભાર, ગુજરાતમાં શાળા સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અને શાળા સ્તરે ગુણવત્તાની ચકાસણી માટેની વ્યવસ્થાની અછત સહિતના મુદ્દા અંગે રાજ્ય સરકારનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કરાયો હતો.

જોકે, આ સંદર્ભે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળતાં આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન