You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લદ્દાખમાં એવું તે શું થયું હતું કે પ્રદર્શને હિંસક રૂપ લઈ લીધું? – ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી સંવાદદાતા, લેહથી પરત ફરીને
લેહમાં અમે જે જગ્યાએ રોકાયા હતા, ત્યાંની બારીઓમાંથી હિમાલયના ઊંચા પહાડોની ઉપર જામેલો બરફ હજુ પણ દેખાઈ રહ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી લેહમાં પણ સામાન્ય જનજીવન આવી જ રીતે થીજી ગયું છે.
સામાન્ય રીતે લેહના રસ્તાઓ પર પર્યટકોની ચહલપહલ રહેતી, ત્યાં 30મી સપ્ટેમ્બરથી સન્નાટો પ્રવર્તે છે. બજાર મોટા ભાગે બંધ હતી, જોકે, અમુક દુકાનો ધીમે-ધીમે ખૂલી રહી છે.
જિંદગી ધીમે-ધીમે પાટા પર ચઢવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે.
લેહમાં 24 સપ્ટેમ્બરે લોકોના ટોળાએ રસ્તાઓ પર પ્રદર્શન કર્યુ, જેમાં મોટા પ્રમાણમાં યુવાન હતા. જોત-જોતામાં આ પ્રદર્શન હિંસક બની ગયું હતું.
ભાજપના કાર્યાલયને આગ લગાડી દેવામાં આવી, તથા અનેક સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
પ્રદર્શન દરમિયાન સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો થઈ. ફાયરિંગમાં ત્રણ યુવક તથા 45 વર્ષીય શખ્સનું મૃત્યુ થયું. અનેક લોકો ઘાયલ થયા તથા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી.
બીબીસી સાથેની વાતચીતમાં મૃતકોના પરિવારજનો તથા સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો કે પ્રદર્શનકારીઓ ઉપર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમનાં મૃત્યુ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લોકોનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ ઉપર ગોળીબાર કરવાનો આદેશ કોને આપ્યો, તેના વિશે તપાસ થવી જોઈએ.
દરમિયાન લદ્દાખના વહીવટીતંત્રે હિંસાની તપાસના આદેશ આપ્યા છે.
લદ્દાખના લોકો શા માટે આંદોલન કરી રહ્યા છે?
ભારત સરકારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. સાથે જ જમ્મુ-કાશ્મીરને લદ્દાખ એમ બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દેવામાં આવ્યું હતું.
લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળવાથી સ્થાનિકો ખૂબ જ ખુશ હતા. જોકે, અમુક દિવસો બાદ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ ઊઠવા લાગી સાથે જ તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગણી પણ થવા લાગી.
આ માટે અહીંના લોકો અનેક વખત ઉપવાસ પર બેઠા અને શાંતિપૂર્ણ પ્રદર્શન પણ કર્યાં. લેહમાં વિખ્યાત પર્યાવરણવાદી સોનમ વાંગચુક તથા એપૅક્સ બૉડીનું અનશન ચાલી રહ્યું હતું, જે 35 દિવસ ચાલવાનું હતું.
લેહની એપૅક્સ બૉડીની યુવા શાખાઓએ 24 સપ્ટેમ્બરના લેહ બંધનું એલાન આપ્યું હતું. બંધના દિવસે ઉપવાસસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત પાંચ વર્ષમાં પહેલી વખત પ્રદર્શનકારીઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
એ પછી તરત જ સોનમ વાંગચુકે ઉપવાસ ખતમ કરી દીધા. બે દિવસ પછી નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (એનએસએ) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જોધપુરની જેલમાં મોકલી દેવાયા.
દરમિયાન સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ અંગમોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની ઉપર સોમવારે સુનાવણી હાથ ધરાશે.
બીજી બાજુ, સોનમ વાંગચુકે એક નિવેદન બહાર પાડીને જ્યાં સુધી 24 સપ્ટેમ્બરની હિંસાની ન્યાયિક તપાસ ન થાય, ત્યાર સુધી જેલમાં રહેવાની તૈયારી દાખવી છે. તેમણે કહ્યું છે કે તેઓ સ્વસ્થ છે અને એપૅક્સ બૉડી લેહ જે કોઈ નિર્ણય લેશે, તેનું સમર્થન કરે છે.
ઉપવાસ તથા હિંસાસ્થળે સ્થિતિ
લેહના એક પાર્કમાં ઉપવાસ ચાલી રહ્યા હતા. અમે 26 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં ખુરશીઓ વિખેરાયેલી પડી હતી. મોટરસાઇકલો તથા સ્કૂટરો ઊંધાં પડેલાં હતાં. પથારી તથા બીજી ચીજવસ્તુઓ વેરવિખેર પડી હતી. ઉપવાસસ્થળથી થોડે દૂર જ હિંસા થઈ હતી.
લેહ-મનાલી હાઈવેની ડાબી-જમણી બાજુએ લેહ હિલ કાઉન્સિલ તથા ભાજપનું લેહનું કાર્યાલય છે. પ્રદર્શનકારીઓએ બંને ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું.
ભાજપના કાર્યાલયના અમુક ભાગને આગ લગાડવામાં આવી તથા કાચ તોડી નખાયા. બંને કચેરીઓની અંદર તથ બહાર પોલીસ અને સુરક્ષાબળો તહેનાત હતા.
ભાજપના કાર્યાલય પાસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો (સીઆરપીએફ) ટ્રક સળગેલી અવસ્થામાં દેખાયો. બીજી અનેક સળગેલી ચીજવસ્તુઓ રસ્તા ઉપર વિખેરાયેલી પડી હતી.
હિંસા બાદ લેહમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રસ્તા અને ગલી-નાકાને કાંટાળા તારથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય લોકોની હરફર પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.
સુરક્ષા માટે લદ્દાખ પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
પર્યટકોનું શું કહેવું છે?
લેહ સુંદર પર્યટન સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી પર્યટકો આવે છે. અમને લેહમાં ઇંગ્લૅન્ડ અને જર્મનીનાં પર્યટક મળ્યાં. તેઓ લેહમાં બદલાતી જતી પરિસ્થિતિથી ચિંતિત જણાયાં.
જર્મનીના પર્યટકના જણાવ્યા પ્રમાણે, તેમણે પરત જવું હતું, પરંતુ સરકારી કચેરીઓ બંધ હોવાના કારણે તેઓ પોતાની વહીવટી કામગીરી નથી કરાવી શકતા.
બીજી બાજુ, ઇંગ્લૅન્ડથી આવેલાં પર્યટકે જણાવ્યું કે તેમને લેહની પરિસ્થિતિને કારણે ખૂબ જ તકલીફ થઈ.
એપૅક્સ બૉડી લેહનું શું કહેવું છે?
લોકોની માગણીઓ સંદર્ભે એપૅક્સ બૉડી લેહ તથા કેન્દ્ર સરકારની વચ્ચે ગત વર્ષો દરમિયાન અનેક વખત વાટાઘાટ થઈ છે. આ વાતચીત અનેક વખત ખોરવાઈ પણ છે.
આ વખતે ઉપવાસ શરૂ થયા એ પછી કેન્દ્ર સરકાર ફરી વખત વાટાઘાટ માટે તૈયાર થઈ હતી.
કેન્દ્ર સરકાર છઠ્ઠી ઑક્ટોબરના એપૅક્સ બૉડી લેહ તથા કારગિલ ડેમૉક્રેટિક અલાયન્સની સાથે વાટાઘાટ કરવાની હતી. જોકે, એપૅક્સ બૉડી લેહે હાલ પૂરતું વાટાઘાટથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.
અમે એપૅક્સ બૉડી લેહના કૉ-ચૅરપર્સન ચેરિંગ દોરજે લકરુક સાથે તેમના કાર્યાલયમાં મુલાકાત કરી. બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેમણે આંદોલન હિંસક થવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું, "સોનમ વાંગચુકની સિવાય સાત-આઠ જણાએ ઉપવાસ શરૂ કર્યા હતા. એ પછી અનેક લોકો તેમાં જોડાયા હતા. આ બધું ચાલી રહ્યું હતું. અમારા યુવા સંગઠનોએ 24 સપ્ટેમ્બરના બંધનું આહ્વાન આપ્યું હતું. તેઓ અમારી સાથે જોડાયેલા હતા."
"બીજા દિવસે જ્યારે બંધ પાળવાનો હતો, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અમારા ઉપવાસસ્થળે આવ્યા હતા. મારા અંદાજ મુજબ, લગભગ સાડા સાત હજાર લોકો સ્થળે આવ્યા હતા. તેઓ એટલી મોટી સંખ્યામાં હતા કે બેકાબૂ થઈ ગયા અને કોઈની પણ વાત માન્યા વગર બહાર નીકળી ગયા."
"પહેલાં તેમણે લેહ કાઉન્સિલની કચેરી પર પથ્થરમારો કર્યો. યુવાનો ખૂબ જ ઉશ્કેરાયેલા હતા, તેઓ ગોળીથી પણ ડરવાના ન હતા."
ચેરિંગ દોરજે લકરુકે બીબીસીને જણાવ્યું કે તેઓ આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ ન કરી શકે. તેમનું કહેવું હતું કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમને છોડવામાં ન આવે, ત્યાર સુધી તેઓ વાટાઘાટ નહીં કરે.
યુવાનો શું કહે છે?
અમે જેટલા યુવાનો સાથે વાત કરી, એ બધાએ તેમની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી.
જે દિવસે મૃતકોની અંતિમવિધિ થવાની હતી, એ દિવસે અમને ત્રણ છોકરીઓ મળી. તેઓ લગભગ 100 કિલોમીટર દૂરથી શ્રદ્ધાંજલિ આપવા માટે આવી હતી. તેમની આંખો ભીંજાયેલી હતી.
જેમાંથી એક નોર્દોન શુનુ મહિલા કર્મશીલ છે. તેમણે બીબીસીને જણાવ્યું કે લેહમાં 24મી સપ્ટેમ્બરે જે કંઈ થયું, એ કોઈની ઉશ્કેરણીથી નહોતું થયું.
નોર્દોન શુનુનાં કહેવા પ્રમાણે, "આ બધું સ્વયંસ્ફૂરિત હતું. સોનમ વાંગચુક કહી રહ્યા હતા તેમ, આ બધા આપોઆપ આવ્યા હતા. કોઈએ તેમને હિંસા માટે ઉશ્કેર્યા ન હતા. તેમને લાગતું હતું કે કશું નથી થઈ રહ્યું અને બધું હાથમાંથી સરકી રહ્યું છે."
"હું હંમેશાં કહું છું કે હિંસા ન થવી જોઈએ, પરંતુ કમનસીબે થઈ ગઈ. ભીડ બેકાબૂ થઈ ગઈ અને બાળકોએ તેમના પ્રાણ ગુમાવ્યા. બાળકોમાં મોટા પાયે બેરોજગારી છે."
નોર્દોન શુનુ કહે છે કે બેકારીને કારણે જ પ્રદર્શનનું આવું સ્વરૂપ સામે આવ્યું.
લદ્દાખ રિસર્ચ ફોરમના સભ્ય ડૉ. મુતાસિફ હુસૈન લદ્દાખી હંગામી નોકરી કરે છે. તેઓ કહે છે કે યુવાનો નારાજ છે.
ડૉ. મુતાસિફ હુસૈન લદ્દાખી કહે છે, "જુઓ, છ વર્ષથી આ લોકો શાંતિપૂર્ણ રીતે માગ કરી રહ્યા હતા. શાંતિપૂર્વક કેટલું માગે? હું એમ નથી કહેતો કે હિંસા થવી જોઈએ, પરંતુ ભીડનો મિજાજ જ એવો હોય છે. એટલે ભીડને સંવેદનશીલતાથી હૅન્ડલ કરવી જોઈએ."
ડૉ. મુતાસિફ હુસૈન લદ્દાખી કહે છે, "એમની પાસે ભીડને હૅન્ડલ કરવાનાં સાધન અને ઉપાય હતાં. ઇન્ટેલિજન્સ (ઇનપુટ્સ) પણ મળ્યા હશે. એટલે જ પહેલાંથી સીઆરપીએફની એક બટાલિયનને બોલાવી રાખવામાં આવી હતી."
ડૉ. મુતાસિફ હુસૈન લદ્દાખીનો આરોપ છે, "જે કંઈ થયું એ તંત્રની લાપરવાહીને કારણે જ થયું છે."
લદ્દાખ બૌદ્ધ સંઘ મહિલા શાખાનાં જનરલ સેક્રેટરી દિસ્કિત અંગામોએ બીબીસીને જણાવ્યું કે લેહના રસ્તાઓ ઉપર આપણને જે કંઈ જોવા મળ્યું, તે અગાઉથી ઉકળી રહ્યું હતું.
દિસ્કિત અંગામો કહે છે, "એવું કહેવાય છે અને સમાચારમાં પણ આવી રહ્યું છે કે ભાષણો દ્વારા ભીડને ઉશ્કેરવામાં આવી હતી, તો હું એ પૂછવા માગું છું કે એક દિવસના ભાષણથી કોઈને કેવી રીતે ઉશ્કેરી શકાય?"
"મારા મતે કોઈએ એટલું ઉશ્કેરણીજનક ભાષણ નહોતું આપ્યું કે એક જ દિવસમાં બધું બદલાઈ જાય."
દિસ્કિત અંગામો ઉમેરે છે, "અહીંના યુવાનો ઉશ્કેરાય જાય એવા નથી. મને લાગે છે કે સરકારે જેટલાં વર્ષોની ઢીલ કરી, એના કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા. આ લાવા ફાટી નીકળ્યો. જો કોઈ દેશ યુવાનોને યોગ્ય દિશામાં વાળી ન શકે, તો ક્યારેક ને ક્યારેક આવું થાય જ. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી."
લેહમાં અમને એવા અનેક લોકો મળ્યા કે જેમણે કૅમેરાની સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો.
પોલીસ અને વહીવટીતંત્ર શું કહે છે?
લેહમાં હિંસા અને મૃત્યુ બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ કવીન્દર ગુપ્તાએ કહ્યું હતું કે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. તેમણે હિંસાની પાછળ ષડ્યંત્ર હોવાની વાત કરી હતી.
બીજી બાજુ, પોલીસનું કહેવું હતું કે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને એક પછી એક સરકારી ઇમારતોને આગચંપી કરવા લાગી, જેના કારણે સમગ્ર લેહ શહેર પર મોટું જોખમ ઊભું થઈ ગયું.
લેહના ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) ડૉ. એસડી જામવાલે 27 સપ્ટેમ્બરના રોજ પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે સુરક્ષાકર્મીઓએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.
બીજી બાજુ, એપૅક્સ બૉડી લેહ પોલીસની વાતને નકારે છે.
એપૅક્સ બૉડી લેહના ચેરિંગ દોરજે લકરુકે કહ્યું કે તેઓ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. તેમનું કહેવું હતું કે તેમને ડરાવવા અને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તેઓ ડરનાર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન