સનસ્ક્રીન લગાવવાથી મહિલાઓને કૅન્સરનું કેટલું જોખમ રહે છે?

    • લેેખક, ટિફની ટર્નબુલ
    • પદ, સિડની

શું ત્વચા પર સનસ્ક્રીન લગાવવું જોખમી હોય છે? શું તેનાથી મહિલાઓને કૅન્સર થવાનો ખતરો રહે છે?

આ એક એવો સવાલ છે જેણે ઑસ્ટ્રેલિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ઑસ્ટ્રેલિયાને સ્કીન કૅન્સરનું હૉટસ્પૉટ ગણવામાં આવે છે અને હાલમાં સેફ્ટીની ચિંતાના કારણે 18 પ્રોડક્ટને વેચાણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

ગ્રાહકોના અધિકારો માટે કામ કરતા એક જૂથે જૂન મહિનામાં વિશ્લેષણ કરીને જણાવ્યું કે કેટલાંક લોકપ્રિય અને મોંઘાં સનસ્ક્રીન પણ ઉત્પાદકોના દાવા મુજબ રક્ષણ આપતાં નથી.

અલ્ટ્રા વાયોલેટની લીન સ્ક્રીન આવી જ એક પ્રોડક્ટ છે. તે 50 કરતાં વધુ સ્કીન પ્રૉટેક્શન ફૅક્ટર (એસપીએફ) પૂરું પાડવાનો દાવો કરે છે, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેનો એસપીએફ માત્ર ચાર છે. ઑગસ્ટ મહિનામાં સ્વૈચ્છિક રીતે આ પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચવામાં આવી હતી.

દવાઓના રેગ્યુલેટરની તપાસમાં ચેતવણી આપવામાં આવી છે કે અન્ય બ્રાન્ડ્સની લગભગ 20 સનસ્ક્રીનમાં આવી જ ફૉર્મ્યુલાનો ઉપયોગ થયો છે અને તેના કારણે એક ટેસ્ટિંગ લૅબોરેટરી વિશે 'નોંધપાત્ર ચિંતા' પેદા થઈ છે.

થેરેપ્યુટિક ગૂડ્સ ઍડમિનિસ્ટ્રેશન (ટીજીએ)એ જણાવ્યું કે, "પ્રાથમિક તપાસ પ્રમાણે આ બેઝ ફૉર્મ્યુલેશનમાં 21થી વધારે એસપીએફ હોવાની શક્યતા ઓછી છે. કેટલીક પ્રોડક્ટમાં તો એસપીએફનું પ્રમાણ ચાર જેટલું જ છે."

તેમણે કુલ 21 પ્રોડક્ટનાં નામ આપ્યાં છે જેમાંથી આઠને રિકૉલ કરવામાં આવી છે અથવા તેનું ઉત્પાદન સદંતર અટકાવી દેવાયું છે.

બીજી 10 પ્રોડક્ટનું વેચાણ પણ સ્થગિત કરવામાં આવ્યું છે. બે ઉત્પાદનો હાલમાં સમીક્ષા હેઠળ છે. ટીજીએએ નામ આપ્યું હોય તેવી એક પ્રોડક્ટનું ઉત્પાદન ઑસ્ટ્રેલિયામાં થાય છે, પરંતુ તેનું વેચાણ અહીં નથી થતું.

ઑસ્ટ્રેલિયામાં સ્કીન કૅન્સરનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. દર ત્રણમાંથી બે ઑસ્ટ્રેલિયને પોતાના જીવનમાં કમસે કમ એક વખત કૅન્સરની સારવાર કરાવવી પડે છે તેવો અંદાજ છે. ઑસ્ટ્રેલિયામાં સનસ્ક્રીનને લગતા નિયમન પણ સૌથી વધારે ચુસ્ત છે.

આ વિગતો બહાર આવ્યા પછી દેશમાં ગ્રાહકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે તેની વૈશ્વિક અસર પડી શકે છે. આના કારણે સનસ્ક્રીન ઉત્પાદકો અને અમુક ટેસ્ટિંગ લૅબની વિશ્વસનીયતા સામે સવાલ પેદા થયા છે, જેઓ એસપીએફના દાવા કરતા હતા.

વિવાદાસ્પદ બેઝ ફૉર્મ્યુલાના ઉત્પાદક વાઇલ્ડ ચાઇલ્ડ લૅબોરેટરીઝે તેનું ઉત્પાદન જ અટકાવી દીધું છે તેમ TGA જણાવે છે.

વાઇલ્ડ ચાઇલ્ડ લૅબોરેટરીઝના વડા ટોમ કર્નોએ એક નિવેદનમાં જણાવ્યું કે ટીજીએને તેના ઉત્પાદન મથકમાં કોઈ વાંધો જણાયો નથી.

તેમણે કહ્યું કે, "તાજેતરનાં ટેસ્ટિંગમાં જે ગરબડો નોંધાઈ તે એક વિસ્તૃત, ઉદ્યોગવ્યાપી મુદ્દો છે."

TGAએ અગાઉ કહ્યું હતું કે તે "હાલની SPF પરીક્ષણ આવશ્યકતાઓની સમીક્ષા" કરી રહ્યું છે જે "અત્યંત સબ્જેક્ટિવ" હોઈ શકે છે, પરંતુ મંગળવારે અપડેટમાં જણાવ્યું હતું કે તેને યુએસ લૅબ પ્રિન્સટન કન્ઝ્યુમર રિસર્ચ કૉર્પ (PCR કૉર્પ) દ્વારા હાથ ધરવામાં આવેલાં પરીક્ષણ અંગે વિશેષ ચિંતા છે.

તેમણે કહ્યું, "TGA એ વાતથી વાકેફ છે કે આ બેઝ ફૉર્મ્યુલેશનનો ઉપયોગ કરીને ઉત્પાદિત સનસ્ક્રીન માટે જવાબદાર ઘણી કંપનીઓ તેમના SPF દાવાઓને ટેકો આપવા માટે PCR કૉર્પનાં પરીક્ષણો પર આધાર રાખે છે."

કર્નોએ જણાવ્યું હતું કે "વાઇલ્ડ ચાઇલ્ડે PCR લૅબોરેટરીઝ સાથે કામ કરવાનું બંધ કરી દીધું છે અને અન્ય માન્યતા પ્રાપ્ત, સ્વતંત્ર લૅબોરેટરીઝનો પરીક્ષણ માટે તેના ફૉર્મ્યુલા સોંપ્યા છે."

તેમણે જણાવ્યું કે, TGA દ્વારા સમસ્યારૂપ બેઝ ફૉર્મ્યુલાનો ઉપયોગ કરતી બધી કંપનીઓ અને PCR લૅબનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

"TGA એ PCR કૉર્પને પણ તેની ચિંતાઓ અંગે પત્ર લખ્યો છે અને તેનો કોઈ જવાબ મળ્યો નથી."

બીબીસીને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા નિવેદનમાં PCR કૉર્પે જણાવ્યું કે, તેમનાં પરીક્ષણો અને પછી અન્ય લોકો દ્વારા હાથ ધરવામાં આવેલાં પરીક્ષણો વચ્ચે SPF રેટિંગમાં વિસંગતતાઓ માટે બાહ્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે.

નિવેદનમાં જણાવ્યું છે કે, "લૅબોરેટરીઓમાં માપવામાં આવેલું સનસ્ક્રીન પ્રદર્શન તે સમયે સબમિટ કરાયેલા નમૂનાના ચોક્કસ બૅચ અને સ્થિતિને દર્શાવે છે."

"લૅબોરેટરી બહારનાં અનેક પરિબળો - જેમ કે બૅચ વચ્ચે ઉત્પાદનમાં તફાવત, કાચા માલના તફાવતો, પૅકેજિંગ, સંગ્રહની સ્થિતિ, ઉત્પાદનની ઉંમર અને બજારમાં હૅન્ડલિંગ વગેરે પ્રોડક્ટના SPFને અસર કરી શકે છે."

નિવેદનમાં આગળ જણાવાયું છે કે "તેથી પરીક્ષણ એ વ્યાપક ગુણવત્તા અને નિયમનકારી પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં બ્રાન્ડ્સ અને નિયમનકારો દ્વારા ઉત્પાદન નિયમન, સ્ટેબિલિટી પ્રોગ્રામ અને આફ્ટર માર્કેટ સર્વેલન્સનો સમાવેશ થાય છે".

તે કહે છે કે, "અમે ફક્ત પરીક્ષણ કરેલા નમૂનાઓ પર અમે તૈયાર કરેલા ડેટા પર જ વાત કરી શકીએ છીએ; અમે કોઈપણ પછીથી ઉત્પાદિત અથવા વેચાયેલાં ઉત્પાદન પર અભિપ્રાય આપી શકતા નથી જેનું અમે પરીક્ષણ કર્યું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન