નાનજી કાળીદાસ : સૌરાષ્ટ્ર પર જ્યારે આફત આવી અને આ ગુજરાતીએ મુખ્ય મંત્રીને લાખો રૂપિયા દાન આપી દીધા

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.

ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

વર્ષ 1931ની આ વાત છે. ઈસ્ટ આફ્રિકાથી ભારત આવેલા નાનજી મહેતા પોરબંદરના મહારાણા નટવરસિંહજીને મળવા માટે સેક્રેટરિયટ ઑફિસમાં આવ્યા હતા. તેમની મહારાણા સાથે આ પ્રથમ મુલાકાત હતી.

પ્રથમ મુલાકાતમાં જ તેમણે પોરબંદરમાં એક મિલ સ્થાપવાનો પ્રસ્તાવ મહારાણા સામે મૂક્યો અને તેનો સ્વીકાર થયો.

પોરબંદર રાજ્ય સાથે કરવામાં આવેલા કરાર મુજબ આ મિલ અમુક સમયમાં ચાલુ થઈ જવી જોઈતી હતી, પરંતુ અણધારી આર્થિક અગવડોને કારણે એમ શક્ય ન બન્યું.

નાનજીભાઈ જ્યારે બીજી વાર મહારાણાને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, "કરાર અનુસાર વચન રાખવા માટે મેં મારું લુગાઝી (યુગાન્ડાનું શહેર)નું સાકરનું કારખાનું વેચીને પોરબંદરમાં મિલ શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે."

મહારાણા આ વાત સાંભળી ચોંકી ગયા અને તેમણે નાનજીભાઈને અતિશય વિનંતી કરી કે તેઓ કારખાનું ન વેચે. જોકે, પછી કારખાનું ન વેચાયું અને પોરબંદરમાં મિલ પણ સ્થપાઈ, પરંતુ આપેલા વચનને પૂરું કરવા માટે તેઓ શું કરી શકે તે સ્પષ્ટ દેખાતું હતું.

આ નાનજીભાઈ એટલે બીજા કોઈ નહીં, 'રાજરત્ન' અને 'ભામાશા' તરીકે જાણીતા એવા પોરબંદરના નાનજી કાળીદાસ મહેતા. આ અહેવાલમાં તેમની એક સફર પર નજર કરીએ.

13 વર્ષની ઉંમરે જ દરિયો ખેડી આફ્રિકા ગયા

મહેતા ગ્રૂપની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તેમનો જન્મ પોરબંદર નજીક આવેલા ગોરાણા ગામમાં 17 નવેમ્બર, 1887ના રોજ થયો હતો.

વેપારી પરિવારમાં જન્મેલા નાનજી કાળીદાસે પિતાની દુકાને નાનપણમાં કામ કર્યું હતું. ત્યાં તેઓ કાપડ માપવું, માલસામાનની ડિલિવરી પહોંચાડવી વગેરે જેવું કામ કરતા હતા.

'સ્મૃતિ અને સંસ્કૃતિ: રાજરત્ન શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્મૃતિગ્રંથ'માં રામનારાયણ પાઠકે નાનજી કાલિદાસની જીવનકથા આલેખી છે.

તે પ્રમાણે, "બાળપણમાં તેમના એક મિત્ર સાથે તેમણે તપ કરવા જવાનું વિચાર્યું અને ઘરેથી ભાગીને ભગવાનને પ્રસન્ન કરવા તપ કરવા નીકળી ગયા. વડીલોને લાગ્યું કે આ છોકરો હવે હાથમાં નહીં રહે, નહીં પરણાવીએ તો ભગત થઈ જશે. આથી, પિતાએ તેર વર્ષના નાનજીભાઈના બાર વર્ષની કન્યા સાથે લગ્ન કરાવી દીધાં."

એ સમયે નાનજીભાઈના કાકા ગોકળદાસ પહેલેથી જ ઝાંઝીબારમાં એક વેપારી તરીકે સ્થાયી થઈ ચૂક્યા હતા અને પછી નાનજીભાઈના અન્ય ભાઈઓ અને પિતરાઈઓ પણ ત્યાં જઈને ધંધામાં જોડાઈ ગયા હતા.

નાનજી કાળીદાસ તેમની આત્મકથા 'ડ્રીમ્સ હાફ ઍક્સપ્રૅસ્ડ'માં લખે છે કે, "મેં પણ દરિયાનો પોકાર સાંભળ્યો અને તેમની પાછળ વિદેશ જવાની તૈયારી કરી લીધી."

બાળપણથી જ સાહસી વૃત્તિના નાનજીભાઈ 13 વર્ષની ઉંમરે જ સ્ટીમરમાં બેસીને આફ્રિકા પહોંચ્યા હતા.

તેઓ લખે છે, "મારી કલ્પનાશક્તિ પર દરિયાનો અભૂતપૂર્વ પ્રભાવ હતો. વર્ષો વીતી ગયા એ પછી પણ હું દરિયાને કંઈક અલગ ભાવનાથી જોતો રહ્યો."

રામનારાયણ પાઠક લખે છે, "મુંબઈથી સ્ટીમરમાં બેસીને છવ્વીસમે દિવસે નાનજીભાઈ મૉમ્બાસા ઊતર્યા અને ત્યાંથી બીજે દિવસે જંગબાર (ઝાંઝીબાર) પહોંચ્યા અને ત્યાંથી માડાગાસ્કર ગયા."

વેપારમાં એક પછી એક સફળતા મળી

તેમની આત્મકથામાં લખાયું છે એ પ્રમાણે ડિસેમ્બર, 1900માં નાનજી મહેતા માડાગાસ્કરના માજુંગા પહોંચી ગયા હતા, પરંતુ પ્લેગને કારણે મોટા પ્રમાણમાં ભારતીયો એ ગાળામાં ભારતીયોને પરત ફરવું પડ્યું હતું અને તેમની સાથે તેમને પણ પાછા ફરવું પડ્યું હતું.

ભારત પાછા ફર્યા પછી તેમનું મન માનતું નહોતું અને ઘરમાંથી થોડું સોનું લઈને તેઓ ફરીથી આફ્રિકા જવા નીકળી ગયા. યુગાન્ડામાં જિંજામાં રહેલા તેમના કાકાને ત્યાં જાય છે અને એક મુસ્લિમ બલોચ વેપારી શેખ બહેરામખાનને ત્યાં સહાયક તરીકે કામ શરૂ કરે છે.

પરંતુ થોડા સમય બાદ જ તેઓ પોતાની દુકાન ખોલે છે.

રામનારાયણ પાઠક લખે છે કે, "1905માં કમલીમાં સ્વતંત્ર દુકાન શરૂ કરીને તેમણે 240 રૂપિયાની મૂડીથી વેપાર શરૂ કર્યો અને પતરું નાખીને માટી લીંપીને નાનકડું મકાન બાંધ્યું."

1098માં કમલીથી 12 માઈલ દૂર જંગલમાં બીજી દુકાન કરી. એક વાર દુકાન પર બેઠા બેઠા તેમને વિચાર આવ્યો કે, "સરકાર દેશમાં કપાસના વાવેતરના પ્રયોગ કરે છે તો આપણે શા માટે ન કરવા? આવો વિચાર આવતા દેશમાંથી દસ શેર કપાસિયાં અને શાકભાજીનાં બી મંગાવ્યાં. એમ કરતાં તેઓ કપાસના વાવેતરમાં સફળ થયા. બીજી એક દુકાન ખોલી જેમાં તેઓ માખણ,તલ, મરચી અને કપાસ વેચતા હતા."

તેમની આત્મકથા પ્રમાણે, "થોડા સમય પછી તેઓ કપાસ ઉત્પાદન અને જિનિંગ ફેક્ટરી સ્થાપે છે અને ઘણી દુકાનો ખોલે છે. ઘરે પિતાને સંદેશ મોકલાવે છે કે 200 રૂપિયાથી વધુ પ્રતિવર્ષ પૈસા નહીં મોકલે, કારણે કે તેઓ નવા-નવા ધંધામાં રોકાણ કરવા ઇચ્છે છે."

રામનારાયણ પાઠક લખે છે, "એમ કરતાં કરતાં તેમને યુગાન્ડામાં આ બધા વેપારમાંથી વર્ષે 10થી 20 હજારનો નફો થવા લાગ્યો. જરૂર પડ્યે ભારતથી માણસો પણ બોલાવતા થયા."

"1914માં જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેઓ ભારતમાં હતા. એ વખતે પણ જોખમ ખેડીને માલ મોકલ્યો અને તેમાં તેમને 100 ટકા નફો થયો હતો."

"1916માં જર્મન ઈસ્ટ આફ્રિકા બ્રિટિશરોએ જીતી લીધું એ પછી તેમના વેપારમાં સ્થિરતા આવે છે અને કમાણી વધવા લાગે છે. મોટી સંખ્યામાં ભારતીયો પણ યુગાન્ડા આવે છે. 1915માં તેઓ પત્નીને પણ તેડાવે છે અને પુત્રનો પણ જન્મ થાય છે."

આફ્રિકાથી સીધો જાપાન સુધી ધંધો કર્યો

રામનારાયણ પાઠક લખે છે એ પ્રમાણે, "1917માં તેમની બે જિનિંગ ફૅક્ટરી અને કપડાંના વેપારમાંથી તેમને 5.50 લાખનો નફો થયો હતો."

બીજી તરફ યુગાન્ડામાં બ્રિટિશ ઉપનિવેશવાદી સત્તાની અડચણોને જોતા તેમણે બૉમ્બેની મથુરદાસ નાનજી ઍન્ડ કાં. સાથે ભાગીદારી કરી અને તેના કારણે તેઓ એક કરોડ રૂપિયાની લોન લેવામાં સફળ થયા. આ ઉલ્લેખ તેમની આત્મકથામાં છે.

આ પૈસાનો ઉપયોગ કરીને તેમણે કૉટન જિનિંગનો વ્યાપ વધાર્યો અને યુગાન્ડા સહિત ટાંગાન્યિકામાં પણ ધંધો ફેલાવ્યો.

રામનારાયણ પાઠક લખે છે, "1919માં જિનરી માટે મોટી સંખ્યામાં પ્લૉટ લીઝ પર લીધા અને ભારતીય વેપારીઓને આપ્યા. અનેક વેપારીઓને પત્ર લખીને આફ્રિકામાં વેપાર માટે આમંત્ર્યા અને એ બધાએ પણ મોટી કમાણી કરી."

આત્મકથા પ્રમાણે, "1922માં કપાસનો પાક નિષ્ફળ ગયો અને તેમને બે લાખનું નુકસાન થયું હતું અને ભારતીય વેપારી કંપનીઓ કે જેમની સાથે તેમની ભાગીદારી હતી, તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. આથી, તેમણે નવા બજાર તરફ મીટ માંડી અને તેનું નામ હતું જાપાન."

"એક સમયે સિઝનનો લગભગ 33 ટકા ભાગ જાપાન દ્વારા ખરીદાતો થઈ ગયો હતો. નાનજી કાળીદાસ યુગાન્ડાની બજારોમાં જાપાનની ઍન્ટ્રીના સમર્થક હતા. તેમનું માનવું હતું કે તેનાથી મુક્ત બજાર અને પ્રતિસ્પર્ધાને વેગ મળશે."

રામનારાયણ પાઠક પ્રમાણે, તેઓ જાપાનની 'જાપાન કોટન કંપની', 'ટૉયો મેંકા કીશા', 'મિત્સુબિશી ગોશો ટ્રેડિંગ કંપની' વગેરે પેઢીઓને તેઓ રૂ મોકલતા. જાપાન સાથેના વેપારથી તેમને 1924-25માં દસ લાખની આવક થઈ હતી.

આગળ જતાં 1924માં તેમણે લુગાઝીમાં ખાંડ ફૅક્ટરી પણ સ્થાપી હતી અને ટેક્સ્ટાઇલ મિલમાં ટૅક્નૉલૉજિકલ નવીનીકરણ માટે તેઓ જાપાન પણ ગયા હતા. તેમણે ચા-કોફીનું પણ ઉત્પાદન શરૂ કર્યું હતું.

મહેતા ગ્રૂપની વેબસાઇટ પ્રમાણે, એક જમાનામાં તેઓ 29 જિનિંગ ફૅક્ટરી ચલાવતા હતા. જેમાંથી એક પણ ફેક્ટરી ખોટમાં ગઈ નહોતી.

ત્યાર બાદ શેરડી ઉત્પાદનમાં સફળતા મેળવ્યા પછી તેઓ ખાંડના ધંધામાં પ્રવેશ્યા.

પાઠક નોંધે છે તેમ, આ દરમિયાન તેમના વારંવાર ભારતપ્રવાસ ચાલુ જ રહેતા હતા. ખાંડનાં કારખાનાં જોવા તેઓ સ્પેશિયલ કાનપુર ગયા હતા.

મહેતા ગ્રૂપ અનુસાર, લગભગ 10 હજાર આફ્રિકન લોકોને નિયમિત રોજગાર આપતા થયા એ પછી તેમણે નજર માતૃભૂમિ તરફ દોડાવી હતી અને પોરબંદરમાં ટેક્સ્ટાઇલ યુનિટ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ભારતમાં ઑઇલ મિલ, જિનિંગ ફેક્ટરી અને સિમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપ્યાં હતાં.

ગાંધીજીનો પ્રભાવ અને સામાજિક પ્રવૃત્તિઓ

તેમના વારંવાર ભારતપ્રવાસને કારણે તેઓ કૉંગ્રેસના કેટલાક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા અને આઝાદીની ચળવળમાં પણ તેમણે ફાળો આપ્યો હોવાનો ઉલ્લેખ મળે છે.

મહેતા ગ્રૂપની વેબસાઇટ અનુસાર, "ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતોમાં માનનારા નાનજીભાઈએ ઘણાં વર્ષો સુધી તેમની આવકનો 10 ટકા ભાગ લોકો માટે સારાં કામ કરવાં પાછળ ખર્ચ્યો હતો."

જિંજાની એક સભામાં નાનજીભાઈએ જાહેરાત કરી હતી કે, "કાઠિયાવાડમાં આર્યકન્યા ગુરુકુળ સ્થપાશે તો તેના માટે હું બે લાખ રૂપિયા આપીશ."

"1936માં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળનું ખાતમુહૂર્ત થયું અને હૉસ્ટેલ, રસોઈઘર, પુસ્તકાલય, દવાખાનું સહિત તમામ બાંધકામ થયાં. 1934માં પોરબંદરમાં મહારાણા મિલની પણ સ્થાપના કરવામાં આવી."

કન્યાશિક્ષણ માટે તેમણે આર્યકન્યા ગુરુકુળ, પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ એવું જવાહરલાલ નહેરુ પ્લૅનેટૉરિયમ, ગાંધીજીના જન્મસ્થળની જગ્યાએ કીર્તિમંદિર બંધાવ્યું હતું. મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજ પણ તેમણે બાંધીને પોરબંદરની ઍજ્યુકેશન સોસાયટીને દાન કરી દીધી હતી.

નૈરોબી, કમ્પાલા અને મૉમ્બાસામાં આર્ય ગર્લ્સ સ્કૂલ, કમ્પાલામાં ટાઉનહૉલ, મહેતા લાઇબ્રેરી અને જ્યુબિલી પાર્ક, દાર-એસ-સલામમાં આર્યસમાજ મંદિર અને વીમેન્સ ઍસોસિયેશન હૉલ બંધાવ્યાં હતાં.

'ઑરિએન્ટલ નૈરૌબી: અ રેકૉર્ડ ઑફ સમ ઑફ ધી લીડિંગ કન્ટ્રિબ્યુટર્સ ટુ ઇટ્સ ડેવલપમેન્ટ'માં આર.ઓ. પ્રીસ્ટન લખે છે કે, "1938માં ભારત અને ઈસ્ટ આફ્રિકામાં નાનજી મહેતાએ 50 હજાર પાઉન્ડથી વધુ ફંડ વિવિધ સરકારી, જાહેર અને આર્યસમાજી ફંડમાં આપ્યા હતા."

જોકે, નાનજીભાઈએ તેમની આત્મકથામાં તેના વિશે પ્રકાશ પાડ્યો નથી. આત્મકથામાં માત્ર નૈરોબીમાં ગાંધી મેમોરિયલ અકાદમી બનાવવાનો જ ઉલ્લેખ છે.

મહેતા ગ્રૂપની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર તેઓ યુગાન્ડામાં બે નર્સરી સ્કૂલ, 13 પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા ચલાવે છે. જેમાં તેમના હજારો કર્મચારીઓનાં સંતાનો અને અન્ય સ્થાનિક લોકોનાં બાળકો ભણે છે.

મૉમ્બાસામાં ઈસ્ટ આફ્રિકાની સૌપ્રથમ નર્સરી સ્કૂલ 1934માં તેમણે બાંધી હતી, જેનું નામ સંતોકબહેન નાનજી કાળીદાસ મહેતા નર્સરી સ્કૂલ હતું. 2006માં તેના રિનોવેશન પછી ત્યાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પણ ખૂલ્યું હતું.

સૌરાષ્ટ્ર પર આફત આવી અને નાનજીભાઈએ લાખો રૂપિયા આપી દીધા

ભારતને આઝાદી મળવાની હતી એ સમયગાળાનો આ કિસ્સો સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ મુખ્ય મંત્રી ઉચ્છંગરાય ઢેબરે લખ્યો છે, જેમાં નાનજી કાલિદાસ કેવી રીતે લોકોને મદદ કરવા તૈયાર રહેતા હતા એ વાતનો પુરાવો મળે છે.

સૌરાષ્ટ્ર એકમ બન્યું. 15 ફેબ્રુઆરી, 1947ના રોજ પ્રધાનમંડળે સોગંદ લીધા, પરંતુ આ પ્રધાનમંડળ રાજ્ય વગરનું હતું. તેને રાજ્ય પહેલી માર્ચના રોજ સોંપાયું. વચ્ચેના 15 દિવસમાં ઘણું થયું. ભારતમાં લડાઈ દરમિયાન દાખલ કરવામાં આવેલો અનાજ ઉપરનો અંકુશ ઉઠાવી લેવામાં આવ્યો અને રજવાડાં પાસે જે કંઈ અનાજનો જથ્થો હતો તેમાંથી કોઈને કોઈ વેચવા લાગ્યા.

અનાજની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર ખાધવાળો પ્રદેશ ગણાતો હોવાથી જો કોઈ પુરવઠો ન મળે તો મુશ્કેલી થાય. આથી, નવા પ્રધાનમંડળે વિચાર્યું કે અનાજ ખરીદવું. પંજાબ અમુક અધિકારીઓને મોકલવાનું નક્કી થયું, પરંતુ રાજ્ય વગરના પ્રધાનમંડળ પાસે ટિકિટ ખરીદવાના પણ પૈસા નહોતા. પ્રધાનમંડળના સભ્યોએ નિર્ણય કર્યો કે 20-25 લાખ માગીને અનાજનો જથ્થો મેળવી લેવો, પરંતુ રાજ્યને ખાતે આટલા રૂપિયા કોણ આપે અને રાજ્ય વગરના પ્રધાનમંડળને કોણ આપે?

આવી પરિસ્થિતિમાં નાનજીભાઈ રાજ્યની વહારે આવ્યા અને આ લાખો રૂપિયાની રકમ ધીરી. સૌરાષ્ટ્રને અનાજની અછતમાંથી ઉગારી લીધું.

આઝાદીના આંદોલનમાં સહયોગ અને વિવાદ

ઉચ્છંગરાય ઢેબરે લખ્યું છે કે નાનજીભાઈ ભારતીય આઝાદીની ચળવળમાં નિ:સંકોચ સહાય આપતા હતા.

ગાંધીજી સહિત અન્ય કૉંગ્રેસના નેતાઓ સાથેના તેમના સંબંધને કારણે નાનજી કાળીદાસ તત્કાલીન ભારતીય રાષ્ટ્રવાદ અને આઝાદીની ચળવળથી ખૂબ નજીક હતા, પરંતુ તેમની આત્મકથાના લખાણ પરથી પ્રતીત થાય છે કે આઝાદી પછીના સમયગાળામાં તેમના રાષ્ટ્રવાદમાંથી ધર્મનિરપેક્ષતાનું સ્થાન ઓછું થયું હતું.

તુલાને યુનિવર્સિટીના સંશોધક ગૌરવ દેસાઈએ નાનજી કાળીદાસની આત્મકથા પર સંશોધન કર્યું છે, જેમાં આઝાદી પછી નાનજી કાળીદાસના બદલાયેલા વલણ અંગે તેઓ લખે છે, "ભારતના ભાગલા પછી હિન્દુ-મુસ્લિમ રમખાણોની તેમના પર ઘણી અસર થઈ હતી તેવું દેખાય છે. તેમની આત્મકથામાં શરૂઆતમાં તેઓ વારંવાર અન્ય દેશોમાં રહેતા ભારતીયોની હિન્દુ-મુસ્લિમ એકતા, એકબીજાના તહેવારોની ઉજવણી વગેરેના દૃષ્ટાંત આપતા દેખાય છે, પરંતુ આગળ જતા તેમના વિચારો બદલાય છે."

"નાનજીભાઈ ધાર્મિક પ્રવાસો પણ ખૂબ કરતા હતા. તેમની યાત્રાઓમાં તેમણે એવાં ધાર્મિક સ્થળોની મુલાકાતો લીધી હતી, જેને મુઘલો દ્વારા ખંડિત કરવામાં આવ્યાં હોય. આ યાત્રાઓ પછી તેમનો રાષ્ટ્રવાદ વધુ બળવત્તર ધાર્મિક રાષ્ટ્રવાદ તરફ ફંટાય છે."

"ઉદાહરણ તરીકે અયોધ્યામાં બાબરી મસ્જિદની વિશેની ચર્ચા કરતી વખતે નાનજીભાઈ તેમની આત્મકથામાં નોંધે છે કે, શ્રી રામચંદ્રના આ મહાન શહેર અયોધ્યાએ અમારા સમક્ષ એક દુઃખદ દૃશ્ય રજૂ કર્યું હતું. ધાર્મિક દૃષ્ટિકોણથી તેની થયેલી દુર્દશાએ અમને ઘણા પ્રભાવિત કર્યા હતા. આ સ્થળોની હાલત દર્શાવે છે કે વિનમ્ર બની રહેવું એ ધર્મનો ભાગ નથી. વ્યક્તિએ પોતાના ધર્મ અને પવિત્ર સ્થળોનું રક્ષણ કરવા માટે પૂરતાં સક્ષમ રહેવું જોઈએ અને ફક્ત ધર્મના બાહ્ય કાર્યોમાં જ વ્યસ્ત રહેવું જોઈએ નહીં."

અહીં એ પણ નોંધવું રહ્યું કે એપ્રિલ, 2007માં યુગાન્ડામાં થયેલા એશિયન વિરોધી પ્રદર્શનોમાં નાનજી કાલિદાસનું મહેતા ગ્રૂપ કારણભૂત હતું. યુગાન્ડાના સંરક્ષિત માબિરા ફોરેસ્ટ રિઝર્વમાં ખાંડના ઉત્પાદનને માટે જમીન લેવાનો મહેતા ગ્રૂપનો પ્લાન હતો એવા સમાચારો વહેતા થયા હતા. જેના કારણે ભારે વિરોધ થયો હતો અને હિંસા થઈ હતી.

દેશ-વિદેશમાં માન-સન્માન મળ્યાં

તેમની આત્મકથા અનુસાર, તેમણે ભારતથી પૂર્વ આફ્રિકાના કાંઠા સુધી અરબ સાગરનો ઓછામાં ઓછા 46 વાર પ્રવાસ કર્યો હતો. દરિયાઈ માર્ગે જ તેમણે દક્ષિણ આફ્રિકા, યુરોપ, જાપાન જેવા દેશોની મુલાકાતો લીધી.

રામનારાયણ પાઠકે સ્મૃતિગ્રંથમાં લખ્યું કે જ્યારે જાપાન ગયા ત્યાર તેમના જાપાનીઝ મિત્રોએ તેમના સમાચાર જાપાનીઝ પ્રજાને છાપાં દ્વારા આપ્યા હતા. દરેક વર્તમાનપત્રમાં અને અમુક એજન્સીઓમાં પણ આ સંદેશ છાપવામાં આવ્યો હતો, જેના પરથી તેમનું માન-સન્માન કેટલું હતું એ સાબિત થાય છે.

તેમાં લખવામાં આવ્યું હતું કે, "શ્રી નાનજીભાઈ મહેતા, જાપાનમાં સૌથી પહેલાં આફ્રિકાનું રૂ મોકલનાર, અમને આફ્રિકા લઈ જનાર, રૂનો વેપાર કરતી જાપાનીઝ કંપનીઓના માર્ગદર્શક, જાપાનના કાપડ વેપારીઓને સગવડ આપનાર, જાપાનના મિત્ર અને યુગાન્ડાના કપાસના મોટા વેપારી છે. જાપાન દેશ પર તેમનો ઘણો મોટો ઉપકાર છે."

નાનજી કાળિદાસને બ્રિટિશ સરકાર દ્વારા એમબીઇનું સન્માન, પોરબંદરના મહારાજા નટવરસિંહ દ્વારા 'રાજરત્ન' સન્માન અને કાકા કાલેલકર દ્વારા 'ધર્મરત્ન' સન્માન આપવામાં આવ્યું હતું.

25 ઑગસ્ટ, 1969ના રોજ 81 વર્ષની ઉંમરે નાનજી કાળિદાસનું અવસાન થયું હતું.

યુગાન્ડાના તત્કાલીન વડા પ્રધાન મિલ્ટન ઑબોટેએ તેમના વિશે લખ્યું હતું કે, "નાનજીભાઈ મહેતાના નિધનથી યુગાન્ડાએ ખરો મિત્ર ગુમાવ્યો છે, જેમણે અમારા અર્થતંત્રનો પાયો નાખવામાં અભૂતપૂર્વ ફાળો આપ્યો છે. મને ભરોસો છે કે તેઓ તેમની દાનવીરની છબીને માત્ર યુગાન્ડામાં જ નહીં, પરંતુ સમગ્ર ઈસ્ટ આફ્રિકા અને ભારતમાં યાદ રખાશે."

તેમના મૃત્યુ પછી મોરારજી દેસાઈ લખ્યું હતું કે, "દોરી-લોટો લઈને વતન છોડનાર તવંગર બન્યાના ઘણા દાખલા છે અને અજાણ્યા નવા પ્રદેશોની વિટંબણાને સહને કરી મોટા મોટા વેપારી સાહસો ખેડનારા પણ મળી આવે છે, પરંતુ ધર્મ અને અર્થનો સમન્વય કરનારા નાનજીભાઈ જેવા કોઈ ભાગ્યે જ મળે છે."

આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન