રતનશી પુરુષોત્તમ : એ ગુજરાતી સોદાગર જે બંદૂકો વેચી 'મસ્કતના વેપારી બાદશાહ' બની ગયા

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.

ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

ખાડીદેશો, આફ્રિકાથી લઈને યુરોપ અને અમેરિકા સુધી પોતાના વેપારથી દબદબો સ્થાપિત કરનાર ગુજરાતીઓમાં માંડવીના રતનશી પુરુષોત્તમનું નામ પણ લેવું પડે.

રતનશી પુરુષોત્તમ એવા ગુજરાતી વેપારી હતા જેમની શરૂઆત તો અન્ય વેપારીઓની જેમ આયાત અને નિકાસથી જ થઈ હતી. પરંતુ તેમની આ સફરમાં બંદૂકો અને શસ્ત્રોના વેપારનું 'કાળું પ્રકરણ' પણ સામેલ હતું.

રતનશી પુરુષોત્તમ 'મસ્કતના વેપારજગતના બાદશાહ' ગણાતા હતા અને ખજૂરના વેપારમાં પણ તેમની નામના હતી. આજે પણ આ કંપની હયાત છે.

કેવી રીતે તેઓ શસ્ત્રોના વેપારમાં પ્રવેશ્યા અને વિશ્વની શ્રેષ્ઠ રાઇફલો આયાત કરીને વેચતા હતા? જાણીએ આ અહેવાલમાં રતનશી પુરુષોત્તમની કહાણી...

'નાથા મક્કણ'થી 'રતનશી પુરુષોત્તમ' સુધી

ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તક 'ગ્લૉબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ'માં વિગતે રતનશી પુરુષોત્તમ વિશે માહિતી આપે છે :

"રતનશીનો જન્મ 1845માં થયો હતો અને તેઓ માંડવીના ભાટિયા સમુદાયમાંથી આવતા હતા. તેઓ 1857માં 12 વર્ષની ઉંમરે જ મસ્કત પહોંચી જાય છે."

જોકે, અલગ-અલગ સંદર્ભોમાં તેમની મસ્કત જવાની ઉંમર ક્યાંક 15 તો ક્યાંક 16 પણ નોંધાયેલી છે.

'ટ્રાન્સરિજનલ ટ્રેડ ઍન્ડ ટ્રેડર્સ: સિચુએટિંગ ગુજરાત ઇન ધ ઇન્ડિયન ઑશન ફ્રૉમ અર્લી ટાઇમ્સ ટુ 1900' પુસ્તકમાં પ્રો. કૅલ્વિન એચ. ઍલને રતનશી પુરુષોત્તમ પર એક પ્રકરણ લખ્યું છે.

તેઓ લખે છે, "નાથા મક્કણ પુરેચાએ 18મી સદીમાં મસ્કતમાં વેપાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્ર તમામ લોકો વેપારમાં જોડાય છે. તેમના પ્રપૌત્રના પુત્ર એટલે રતનશી. રતનશીના કાકા મસ્કતમાં તેમનું ઘડતર કરે છે. તેઓ તેમની પારિવારિક પેઢી 'નાથા મક્કણ' માં જોડાય છે. "

પ્રો. કૅલ્વિન લખે છે, "1867માં રતનશીએ 'રતનશી પુરુષોત્તમ' નામની કંપનીની સ્થાપના કરી. રતનશીએ તેમની કારકિર્દીની શરૂઆત મસ્કતની મુલાકાતે આવતા વેપારીઓના સહાયક બ્રૉકર તરીકે કરી હતી."

ડૉ. છાયા ગોસ્વામીની નોંધ અનુસાર, "1870ના દાયકામાં 'નાથા મક્કણ'ની આર્થિક સ્થિતિ કથળતાં રતનશીએ તક જોઈને 1872માં તેને પોતાની કંપની સાથે ભેળવી દીધી હતી. આ મર્જર પામેલી કંપનીને રતનશીએ ઝડપથી નફો કરતી કરી દીધી. તેમણે કરાચીમાં પણ શાખા ખોલી અને અનાજ, ટેક્સ્ટાઈલ અને ખજૂરનો વેપાર શરૂ કર્યો."

અમેરિકા સુધી વિસ્તાર્યો વેપાર

એક સમયે ફાર્ડ ખજૂર એ અત્યંત હલકી ગુણવત્તાના ગણાતાં હતાં. પરંતુ એ લાંબા સમય સુધી બગડતાં નથી. આ વિશિષ્ટતા લીધે આ ખજૂર અમેરિકા જેવા દૂરના દેશોમાં પહોંચતાં થયાં, તે પ્રીમિયમ ગણાવાં લાગ્યાં અને તેની માગ પણ વધી.

પ્રો. કૅલ્વિન નોંધે છે એ પ્રમાણે, "તેલ પહેલાં ખજૂર જ ઓમાનમાંથી સૌથી વધુ નિકાસ પામતી વસ્તુ હતી. તેમાંથી મોટા ભાગનો જથ્થો ખારેક તરીકે ભારતમાં નિકાસ પામતો હતો. 1840થી ખજૂરનો વેપાર ધીમે ધીમે વધી રહ્યો હતો અને અમેરિકા તેની નિકાસનું મોટું કેન્દ્ર બની ગયું હતું."

ખજૂરનો આ વેપાર કેટલો મોટો હતો તેનો અંદાજ બે આંકડાઓ પરથી મળે છે.

પ્રો. કૅલ્વિન નોંધે છે, "મસ્કતથી 1880માં પ્રતિવર્ષ એક લાખ અમેરિકી ડૉલરનાં ખજૂરનો વેપાર થતો હતો. જ્યારે 1911ની સાલમાં આ વેપાર 1.55 લાખ અમેરિકી ડૉલરની ઊંચાઈએ આંબી ગયો હતો."

બન્યુ એવું કે ન્યૂ યૉર્કમાં વિલિયમ હિલ્સ જુનિયર નામે એ ગાળામાં એક મોટા વેપારી હતા. તેઓ પોતાના પરિવારની કંપનીમાંથી છૂટા થઈને નવી શરૂઆત કરવાના હતા.

ડૉ. ગોસ્વામી નોંધે છે કે, "બધી તપાસ કર્યા પછી તેમણે ખજૂરના સપ્લાયના ઍજન્ટ બનવા માટે રતનશીને પત્ર લખ્યો કારણ કે એમને જે પ્રીમિયમ ગણાતાં ફાર્ડ ખજૂર માટે જે ક્વૉલિટીનું પૅકિંગ જોઈતું હતું એ રતનશી જ કરી શકે તેમ લાગ્યું હતું."

19મી સદીમાં ખજૂરનો વેપાર કેટલી ઊંચી ગુણવત્તામાં કરવો પડતો તે પણ જરા અચરજ પમાડે તેવું છે. ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં તેના વિશે લખે છે.

"વિલિયમ હિલ્સ જુનિયરે રતનશી પુરુષોત્તમને કહ્યું હતું કે તેઓ ખજૂરના પૅકિંગ માટે એ જ મટીરિયલ વાપરે કે જે મટીરિયલ તેઓ રતનશીને સ્ટીમરમાં મોકલશે. હિલ્સે એક મોટા બૉક્સમાં ખજૂરનાં કેટલાં નાનાં પૅકિંગ કરવાં, એક પૅકિંગમાં કેટલા નંગ ખજૂર ભરવા અને તેનું વજન કેટલું હોવું જોઈએ એ પણ લખીને મોકલ્યું હતું. આ બૉક્સ સાથે તેણે ગ્રીસ રૅઝિસ્ટન્ટ કાગળ, પટ્ટીઓ, ટાંકણી, મોટાં ખોખાંને જોડવા માટેની ખીલ્લીઓ અને વૅક્સ પેપર પણ મોકલ્યા હતાં."

"બે ખજૂર એકબીજાને ચોંટી ન જાય તેના માટે વચ્ચે વૅક્સ પેપર મૂકવામાં આવતો. શરત એ હતી કે ગ્રાહક સુધી તેના સૌથી શ્રેષ્ઠ આકારમાં જ ખજૂર પહોંચવું જોઈએ. હિલ્સ આ મટીરિયલ્સની કિંમત રતનશી પાસેથી વસૂલતા અને બદલામાં તેમને ક્રૅડિટ આપતા. રતનશી શ્રેષ્ઠ ગુણવત્તાનાં ખજૂરની સાથે આ બધી શરતો પૂરી કરતા અને આવી રીતે ધંધામાં તેઓ બીજા લોકોથી આગળ રહેતા."

પ્રો. કૅલ્વિન અનુસાર, "એવું પણ લખાયું છે કે રતનશીએ ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ખજૂરનું પૅકિંગ કરવા માટે ખાસ માણસોને રાખવા પડતા હતા. રતનશીના વર્ષ 1912ના વાર્ષિક દસ્તાવેજોમાંથી એ જાણવા મળે છે કે તેઓ આ મહિનામાં સુથારીકામ કરતાં લોકો, મહિલા કામદારો, પાણી પહોંચાડનાર લોકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન સ્થળાંતરિત કરવા માટે મજૂરો વગેરેની ભરતી કરતા હતા.

"મત્રાહમાં ખાસ કરીને મહિલાઓ માટે એ રોજગારનું મોટું સાધન હતું. રતનશીને ખજૂરના વેપારમાં 13 ટકા ભાગ તો મજૂરી અને પૅકિંગમાં ખર્ચાઈ જતો હતો."

બંદૂક અને શસ્ત્રોના વેપારનું 'કાળું પ્રકરણ'

ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "19મી સદીના છેલ્લાં 25 વર્ષો અને 20મી સદીના પહેલા દાયકામાં ખાડીદેશોમાં બંદૂકનો વેપાર અતિશય વધ્યો હતો. મસ્કત અને ઝાંઝીબાર વચ્ચે તો આ વેપારની જાણે કે પરંપરા સ્થપાઈ ચૂકી હતી."

પરંતુ આ શસ્ત્રોનો વેપાર એ જમાનામાં કેમ ફૂલ્યોફાલ્યો હશે?

તેઓ લખે છે, "એ જમાનામાં ગુલામો અને હાથીદાંતના વેપારને ચલાવવા માટે બંદૂકો અને શસ્ત્રો ખૂબ જરૂરી હતાં. ઓમાનમાં શસ્ત્રોના ઉત્પાદનને પહોંચી વળવા કચ્છી વેપારીઓ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને મુંબઈના વેપારીઓ પાસેથી કાચો માલ મંગાવતા."

"રતનશીને પણ પહેલેથી જ આ વેપારની આંટીઘૂંટી ખબર હતી. કારણ કે 'નાથા મક્કણ' કંપની રતનશી મસ્કત ગયા એ પહેલાંથી જ લોખંડ અને સ્ટીલ બૉમ્બેથી મસ્કત મંગાવીને બ્રિટિશ અને સ્વિડિશ ઉત્પાદકોને પહોંચાડવાનું કામ કરતી હતી. મસ્કતમાં આ ધાતુઓમાંથી પિસ્તોલ અને અન્ય શસ્ત્રો બનાવવામાં આવતાં અને પર્શિયાની ખાડીમાં ધમધમતી બજારને આ સપ્લાય મળતો."

પ્રો. કૅલ્વિન લખે છે, "એ સમયગાળામાં ઝાંઝીબાર બ્રિટિશ હથિયારો માટેનું મુખ્ય વેચાણકેન્દ્ર હતું, જ્યારે બીજા કેન્દ્રો બુશાયર અને મસ્કત હતાં. ઝાંઝીબારમાં હથિયારોના વેપાર પર પ્રતિબંધ મૂકાયા પછી મસ્કત તેનું ઍપિસેન્ટર બની ગયું હતું. તેમાં પણ કચ્છી ભાટિયા વેપારીઓનો ફાળો મુખ્ય હતો."

"તેમાં ચાર સૌથી મોટા શસ્ત્રોના ડીલર્સ ગોપાળજી વાલજી, રતનશી પુરુષોત્તમ, ધનજી મોરારજી અને દામોદર ધરમશીનો સૌથી વધુ ફાળો હતો."

ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "રતનશી પુરુષોત્તમ રાઇફલો અને કાર્ટ્રિજ તેમના લંડનસ્થિત ઍજન્ટ શ્વાર્ટ્સ ઍન્ડ હૅમર પાસેથી આયાત કરતા તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે."

"એક સમયે વિશ્વમાં શ્રેષ્ઠ મનાતી લા ફ્રાન્કૉટ્ટે રાઇફલ્સ ખરીદવામાં રતનશીને રસ જાગ્યો હતો. તેમણે પોતાના ઍજન્ટો મારફત જવાને બદલે ઑગસ્ટે ફ્રાન્કૉટ્ટેને જ સીધો પત્ર લખ્યો હતો."

ખાડીદેશોમાં વધી રહેલા શસ્ત્રોના વેપારને અટકાવવા માટે શું પગલાં લઈ શકાય તેના માટે ઇ.સ.1908માં બૅલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી. આ કૉન્ફરન્સ વિશે શસ્ત્રોનો વેપાર કરતી અનેક પેઢીઓએ રતનશી પુરુષોત્તમને પત્રો લખ્યા હતા.

એક પત્રમાં જર્મનીની મૉરિત્ઝ મૅગ્નસ નામની કંપની તરફથી અતિશય ખુશી વ્યક્ત કરીને લખવામાં આવ્યું હતું કે, "ગન-ટ્રેડ કૉન્ફરન્સ સ્થગિત થઈ ગઈ છે. અધિકૃત રીતે તેમણે જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે પાનખર સુધી મળવાના નથી, પણ મને લાગે છે કે કદાચ હવે તેઓ નહીં મળે. આપણે એવી આશા રાખીએ કે તેઓ ક્યારેય હવે મળે નહીં!"

ડૉ. છાયા ગોસ્વામીનું કહેવું છે કે, "શસ્ત્રોના વેપારમાં હિન્દુ કચ્છી ભાટિયા વેપારીઓની ભૂમિકા નવાઈ પમાડનારી અને વિવાદિત ફલિત થાય છે. આ સમુદાય પરંપરાગત રીતે હિંસા અને હત્યાઓ થતી હોય તેવા વેપારમાં સંકળાયેલો નહોતો. પરંતુ 19મી અને 20મી સદીમાં એ વાત ખોટી પડતી હોય એવું લાગે છે. "

'શેઠ રતનશી બિન પુરુષોત્તમ અલ બનિયાની'

અલગ-અલગ ધંધામાં નસીબ અજમાવવાનો પ્રયત્ન કરતા રહેતા રતનશીએ પછી રિયલ-ઍસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશવાનું પણ નક્કી કર્યું.

ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "1880માં મસ્કત વૉટરફ્રન્ટની બાજુમાં તેમણે જમીન ખરીદી અને આગળ જતાં સમગ્ર વૉટરફ્રન્ટ ખરીદી લીધો હતો. રતનશી અને અન્ય કચ્છીઓ પાસે મસ્કત અને મત્રાહમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મિલકતો હતી."

પ્રો. કૅલ્વિન અનુસાર, "19મી સદીના અંત ભાગ સુધીમાં રતનશી પાસે સુલતાનના પૅલેસની નજીક ઑફિસ અને ઘર, 12 વેરહાઉસ અને વૉટરફ્રન્ટની નજીક કસ્ટમ્સ હાઉસ અને બ્રિટિશ દૂતાવાસ વચ્ચે પુષ્કળ જમીનો હતી. રતનશીની મિલકતોમાં એ સિવાય ખજૂરની ફૅક્ટરી અને અને સિદાબમાં આવેલું ફાર્મહાઉસ પણ હતું."

ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં લખે છે કે, "1887માં તેમને કસ્ટમ માસ્ટર (કસ્ટમ્સ માસ્ટરની જવાબદારી સુલતાન તરફથી ટૅક્સ/ડ્યુટી એકત્રિત કરવાની રહેતી) તરીકેનું પ્રભાવશાળી પદ પણ મળે છે. આ પદ તેઓ 1898 સુધી જાળવી રાખે છે."

"20મી સદીની શરૂઆતમાં બહરિનના શેખ રતનશીનો સંપર્ક કરે છે અને બહરિનની કસ્ટમ્સ ફ્રેન્ચાઇઝીને સંભાળવાની તેમને વિનંતી કરે છે. એ પછી સુલતાનના પૅલેસની નજીકમાં જ મસ્કતમાં તેમને ઑફિસ અને ઘર મળે છે અને જાણે કે તેમના દબદબાનો નવો દૌર શરૂ થાય છે."

"એ સમયે તેમને અરબી ભાષામાં 'શેઠ રતનશી બિન પુરુષોત્તમ અલ બનિયાની' તરીકે બોલાવવામાં આવતા હતા. રતનશીને રાજાની જેમ જ માન-સન્માન મળતું હતું અને 'મસ્કતના વેપારવિશ્વના બાદશાહ' ગણાતા હતા."

'રતનશી પુરુષોત્તમ' કંપની આજે પણ હયાત

'ઓમાન ઇન્ડિયા ટાઇસ: ઍક્રોસ સી ઍન્ડ સ્પેસ' પુસ્તકમાં સેમ્યુઅલ કુટ્ટી અને સંધ્યા રાવ મહેતા રતનશીના મૃત્યુ પછી પરિવાર અને આગળ તેમના ધંધાનું શું થયું તેના વિશે માહિતી આપે છે.

પુસ્તકમાં લખાયું છે કે, "રતનશીના પુત્ર લાલજીનું 1932માં જ અવસાન થઈ જાય છે. આથી, લાલજીનાં પત્ની ઝવેરબાઈએ તેમના પારિવારિક ધંધાની જવાબદારી અને પરિવારની જવાબદારી લેવી પડે છે. કારણ કે તેમનો પુત્ર રણછોડદાસ હજુ 18 વર્ષનો પણ નહોતો થયો. લાલજીના પુત્ર રણછોડદાસ પછી આગળ જતાં ધંધામાં જોડાય છે."

પુસ્તક અનુસાર, "રણછોડદાસે રતનશી પુરુષોત્તમ અંગેના અગત્યનાં દસ્તાવેજો, આર્કાઈવ્સ અને કેટલીક વસ્તુઓ ખૂબ સાચવીને રાખી હતી. તેમાંથી 1977માં તેમણે સેંકડો અગત્યના અરબી ભાષાના દસ્તાવેજ તેમણે ઓમાનના નૅશનલ હેરિટેજ મંત્રાલયને આપી દીધા હતા. તેમાંથી કેટલીક વસ્તુઓ મ્યૂઝિયમ ઑફ ઓમાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે."

"હજુ પણ મત્રાહમાં તેમની કંપનીની ઑફિસ રતનશી પુરુષોત્તમ નામે જ ચાલે છે અને રતનશીના સીધી લીટીના વારસદારો વિમલ પુરેચા અને તેમના પુત્ર ધ્રુવ અને પુત્રી પૂજા પુરેચા સંભાળે છે. રતનશી પુરુષોત્તમની કંપની હજુ પણ ઓમાનમાં આયાત-નિકાસ અને રોકાણ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે."

રતનશીના વારસદાર ધ્રુવ પુરેચાએ છેલ્લે 18મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ભુવનેશ્વરની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન