You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા વર્લ્ડકપ : ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું, સતત 12મી જીત, ટૉસનો વિવાદ શું હતો?
મહિલા વન-ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું છે. ભારત તરફથી મળેલા 248 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 159 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાન માટે સિદ્રા અમીને 81 રનની ઇનિંગ્સ રમી. જ્યારે દીપ્તિ શર્મા અને ક્રાંતિ ગૌડે ત્રણ-ત્રણ વિકેટ લીધી. તે પહેલાં ભારતે ઋચા ઘોષની 35 રનની ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 247 રન બનાવ્યા.
મહિલા ક્રિકેટમાં આ પહેલો મોકો હતો જ્યારે પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને ઑલઆઉટ કર્યું.
જોકે, આ મૅચમાં ટૉસના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ થયો. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મૅચ દરમિયાન કીટ-પતંગિયાંને કારણે રમત થોડા સમય માટે અટકાવવી પડી હતી.
જ્યારે રમત અટકાવાઈ હતી ત્યારે ભારતનો સ્કોર 34 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 154 રન હતો. મેદાન પર ઊડી રહેલાં કીટ-પતંગિયાં ખેલાડીઓનાં માથા પર ઘૂમતાં હતાં અને આંખોમાં જઈ રહ્યાં હતાં, જેના કારણે બેટિંગ અને બૉલિંગ બંનેમાં મુશ્કેલી થઈ રહી હતી.
પાકિસ્તાની ખેલાડી મૈદાન પર કીટનાશક સ્પ્રે કરતી નજરે આવી.
ભારતે મહિલા વન-ડે વર્લ્ડકપમાં સતત બીજી જીત નોંધાવી
248 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.
પાકિસ્તાનએ 11.1 ઓવરમાં 26 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પણ સિદ્રા અમીન અને નતાલિયા પરવેઝે પાકિસ્તાનની ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને વચ્ચે ચોથા વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ. આ ભાગીદારીને ક્રાંતિ ગૌડે નતાલિયાની વિકેટ લઈને તોડી નાખી.
નતાલિયા 33 રન બનાવીને આઉટ થઈ. ત્યારબાદ પાકિસ્તાનની પાંચમી વિકેટ દીપ્તિ શર્માએ લીધો.
તેણે ફાતિમા સનાને કૅચ આઉટ કરાવી. ફાતિમા માત્ર 2 રન બનાવી શકી.
સતત પડતા વિકેટ વચ્ચે સિદ્રા અમીન એક છેડે મજબૂતીથી ટકી રહી. સિદ્રા નવાઝે 14 રનની ઇનિંગ્સ રમી, તેને સ્નેહ રાણાએ પેવેલિયન મોકલી દીધી.
સિદ્રા અમીન સદી તરફ આગળ વધી રહી હતી, પણ તેને 81 રનના સ્કોર પર સ્નેહ રાણાએ આઉટ કરી દીધી. જ્યારે દીપ્તિ શર્માએ રમીન શમીમને ખાતું ખોલવાનો મોકો પણ ન આપ્યો.
ભારત માટે ક્રાંતિ ગૌડે 10 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ મેળવી. દીપ્તિ શર્માને પણ ત્રણ વિકેટ મળી. જ્યારે સ્નેહ રાણાએ બે ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા.
ભારત અને પાકિસ્તાનની કૅપ્ટનોએ ટૉસ દરમિયાન હાથ નહીં મિલાવ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મૅચમાં ટૉસને લઈને પણ વિવાદ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ટૉસ દરમિયાનના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ટૉસ દરમિયાન ફાતિમા સનાને તેમનો કૉલ પૂછવામાં આવ્યો તો તેમણે "ટેલ્સ" કહ્યું. પણ ત્યાં હાજર મૅચ ઑફિશિયલ્સે કહ્યું કે "હૅડ્સ ઇઝ ધ કૉલ". ત્યારબાદ કૅપ્ટન હરમનપ્રીતકોરે સિક્કો ઉછાળ્યો અને "હૅડ્સ" આવ્યું, તો પાકિસ્તાનને ટૉસ જીત્યું.
અભિષેક શેઠી નામના યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, "પાકિસ્તાનની કૅપ્ટને કહ્યું 'ટેલ્સ', પણ પ્રેઝેન્ટરે કહ્યું 'હૅડ્સ' અને ટૉસનો નિર્ણય પાકિસ્તાનના હકમાં આપી દીધો."
અભિષેક નામના યુઝરે પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "ટૉસ થયો. હરમનપ્રીતકોરે સિક્કો ઉછાળ્યો. પાકિસ્તાનની કૅપ્ટને કહ્યું 'ટેલ્સ'. પણ મૅચ રેફરીએ કહ્યું 'હૅડ ઇઝ ધ કૉલ', અને 'ઇટ્સ હૅડ્સ'."
અસદ નામના યુઝરે લખ્યું, "ભારતીય કૅપ્ટને સિક્કો ઉછાળ્યો. ફાતિમાએ કહ્યું 'ટેલ્સ'. પણ મૅચ રેફરીએ કહ્યું 'ઇટ્સ હૅડ્સ'. અને પાકિસ્તાનએ પહેલા બૉલિંગ પસંદ કરી."
247 રન બનાવીને ઑલઆઉટ થઈ ભારતીય ટીમ
આ મુકાબલો શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 247 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ.
સ્મૃતિ માંધના અને પ્રતિકા રાવલની જોડીએ ભારતને સારી શરૂઆત આપી. જોકે 9મી ઓવરના છેલ્લા બૉલ પર સ્મૃતિ માંધના 23 રન બનાવીને આઉટ થઈ ગઈ. જ્યારે પ્રતિકા રાવલે 23 અને હરલીન દેઓલે 46 રનની ઇનિંગ્સ રમી.
ઉપરાંત કૅપ્ટન હરમનપ્રીતકોરે 19 રન બનાવ્યા. જેમિમા રૉડ્રિગ્ઝે ભારતીય ઇનિંગ્સમાં 32 રનનું યોગદાન આપ્યું. ભારતે 35 ઓવરમાં 159 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ દીપ્તિ શર્માએ 25 અને સ્નેહ રાણાએ 20 રનની ઇનિંગ્સ રમીને ભારતના સ્કોરને 200ની પાર પહોંચાડ્યો.
અંતે આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલી ઋચા ઘોષે 20 બૉલમાં 35 રનની ઇનિંગ્સ રમી.
તેની ઇનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા હતા. પાકિસ્તાનએ પાંચ બૉલરોનો ઉપયોગ કર્યો.
ડાયેના બેગની ચાર વિકેટ ઉપરાંત કૅપ્ટન ફાતિમા સના અને સાદિયા ઇકબાલે બે-બે વિકેટ લીધી.
ખેલાડીઓએ હાથ નહીં મિલાવ્યા
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે એશિયા કપથી શરૂ થયેલો "હાથ નહીં મિલાવવાનો" રિવાજ મહિલા વર્લ્ડકપમાં પણ ચાલુ રહ્યો. ટૉસ દરમિયાન અને મૅચ પછી ભારત અને પાકિસ્તાનનાં ખેલાડીઓએ હાથ નહીં મિલાવ્યા. તે પહેલાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની પુરુષ ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ હતી. પણ ત્રણેય વખત ખેલાડીઓએ હાથ નહીં મિલાવ્યા.
જોકે, ભારતીય મહિલા ટીમે વન-ડેમાં પાકિસ્તાની ટીમ સામે અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 12 વખત ટક્કર થઈ છે અને દરેક વખતે ભારતીય ટીમ જીત નોંધાવવામાં સફળ રહી છે.
થોડી વાર માટે મૅચ રોકવી પડી
આઇસીસી વીમેન્સ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. ચાલુ મૅચ દરમિયાન મેદાન પર કીટક દેખાયા હતા, જેના કારણે મૅચને થોડી વાર માટે અટકાવવામાં આવી હતી.
ખેલાડીઓનાં માથાં પર કીટક ઊડતા જોવા મળ્યા હતા, જે તેમની આંખોમાં પણ પ્રવેશી જતા હતા.
ન કેવળ બૅટ્સમૅન, પરંતુ બૉલરો પણ તેનાથી ત્રસ્ત હતાં અને તેમને રમવામાં તકલીફ પડી રહી હતી.
આ પહેલાં પાકિસ્તાનનાં ખેલાડી મેદાન પર સ્પ્રેનો છંટકાવ કરતા નજરે પડ્યાં હતાં. થોડી વાર બાદ બંને ટીમના ખેલાડીઓએ મેદાન છોડી દીધું હતું.
મૅચ અટકાવવામાં આવી ત્યારે ભારતે ચાર વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિક્સ 28 અને દીપ્તિ શર્મા બે રન બનાવીને ક્રીઝ પર હતાં.
પાકિસ્તાન સામે ભારતનું પલ્લું ભારે
અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાનની વિમૅન્સ ટીમો વચ્ચે કુલ 11 મૅચ રમાઈ છે અને તેમાં ભારત એક પણ મૅચ હાર્યું નથી.
હાલની ટુર્નામેન્ટમાં ભારતે શરૂઆતમાં જ શ્રીલંકાને આસાનીથી પરાજય આપ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાનને બાંગ્લાદેશે હરાવ્યું હતું.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની પુરુષોની ટીમો વચ્ચે કુલ ત્રણ મૅચ રમાઈ જેમાં ભારે તણાવ જોવા મળ્યો હતો.
ભારત એ મહિલાઓના વિશ્વકપનું યજમાન છે, પરંતુ પાકિસ્તાનની બધી મૅચ શ્રીલંકામાં રમાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન એકબીજાની ભૂમિ પર રમવા તૈયાર નથી.
મહિલાઓની ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે ભૂતકાળમાં તણાવ ન હતો. 2022ના વર્લ્ડકપ વખતે બંને ટીમના ખેલાડીઓએ પાકિસ્તાનનાં કૅપ્ટન બિસમાહ મહરૂફનાં બાળક સાથે તસવીરો પાડી હતી.
વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાનની મહિલા ટીમ ભારતીય ટીમને ક્યારેય હરાવી શકી નથી, તેથી ભારતનો હાથ ઉપર રહેશે તેમ માનવામાં આવે છે.
પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે ભારત સામે અત્યાર સુધીમાં સૌથી ઊંચો સ્કોર 192 રનનો બનાવ્યો હતો જે કટક ખાતે વન-ડે મૅચમાં 2013માં બન્યો હતો.
ભારતીય પ્લેઇંગ ઇલેવન : સ્મૃતિ મંધાના, પ્રતીકા રાવલ, હરલીન દેઓલ, હરમનપ્રીતકોર (કૅપ્ટન), જેમિમા રોડ્રિક્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકાસિંહ
પાકિસ્તાની પ્લેઇંગ ઇલેવન : મુનીબા અલી, સદફ શમ્સ, સિદરા અમીન, આલિયા રિયાઝ, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કપ્તાન), રમીન શમીમ, ડાયેના બેગ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), નાશરા સંદૂ, સાદિયા ઇકબાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન