શિયાળામાં જ વાઢિયા કેમ પડે છે, એડી ન ફાટે કે ચીરા ન પડે તે માટે શું કરવું?

    • લેેખક, પારા પુડ્ડૈચા
    • પદ, બીબીસી તેલુગુ

શિયાળામાં ઠંડા પવનના કારણે બાળકોના હોઠ ફાટવાની અને મોટેરાંમાં પગની એડી ફાટવાની સમસ્યા જોવા મળતી હોય છે.

આમ તો એડીમાં ચીરા પડવા એ સામાન્ય વાત છે, પરંતુ ધ્યાન આપવામાં ન આવે તો બહુ પીડાદાયક બની શકે છે.

શિયાળામાં ફાટેલી એડી પર જ્યારે ઠંડી હવા લાગે ત્યારે પીડા ઘણી વધી જાય છે.

પરંતુ પગની એડી ફાટવાની સમસ્યા શિયાળામાં જ કેમ વધારે જોવા મળે છે, તેનાં કારણો કયાં છે અને તેનાથી બચવા માટે કેવી કાળજી રાખવી જોઈએ?

શિયાળામાં જ વાઢિયા કેમ પડે છે?

બીબીસીએ શિયાળામાં પગની એડી ફાટવાની સમસ્યા વિશે સ્કીન સ્પેશિયાલિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉક્ટર શાહીના સફીક સાથે વાત કરી.

તેમણે કહ્યું કે "પગની ત્વચામાં ઑઇલ ગ્લેન્ડ (તેલ ગ્રંથિ) ઓછી હોય છે. તેના કારણે તે સ્વભાવિક રીતે સૂકી રહે છે. શિયાળામાં ઑઇલ ગ્લેન્ડ વધુ નિષ્ક્રિય બની જાય છે જેથી એડીઓ ફાટવા લાગે છે."

તેઓ કહે છે કે, "આપણી ઉંમર વધવાની સાથે સાથે ત્વચા પોતાની લવચિકતા ગુમાવે છે. શરીરમાં કુદરતી રીતે તેલ બનવાનું ઘટવા લાગે છે. તેના કારણે ત્વચા સૂકી પડી જાય છે અને ઠંડીમાં ફાટવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન પગ અને ઘૂંટી પર વધુ દબાણ નાખે છે. તેના કારણે પગની એડીઓમાં ચીરા પડી શકે છે"

સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. અયનમ સત્યનારાયણે કહ્યું કે "સોરાયસિસ, ફંગલ ઇન્ફેક્શન, એક્ઝિમા, ડાયાબિટીસ, થાઇરૉઇડ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ પગની એડીમાં તિરાડનું કારણ બની શકે છે."

ડૉક્ટર સત્યનારાયણ કહે છે કે શિયાળામાં ઠંડીના કારણે લોકો ઓછું પાણી પીવે છે. તેનાથી શરીરમાં ભેજ ઘટી જાય છે અને એડીઓ ફાટવા લાગે છે.

તેઓ કહે છે, "તમે નાહતી વખતે પગની એડીઓને વ્યવસ્થિત સ્વચ્છ ન કરો, અથવા નાહ્યા પછી તેને બરાબર સુકાવા નહીં દો, તો તેમાં ચીરા પડી શકે છે."

ચીરા કે તિરાડની સમસ્યા

એડી ફાટે ત્યારે ત્વચા પર છાલાં પડી જાય છે અને દુખાવો થાય છે. રાતે સૂતી વખતે પથારીની ચાદર પણ એડીને સ્પર્શી જાય તો તે પણ દુખે છે.

ઘણી વખત આ સમસ્યાના કારણે લોકો બીજાની વચ્ચે જવામાં ખચકાટ અનુભવે છે.

ડૉક્ટર સત્યનારાયણ કહે છે કે "જે લોકો માટીમાં વધારે ચાલતા હોય, તેમને વધારે સમસ્યા નડે છે. જે લોકોને પહેલેથી આ તકલીફ છે, તેમને શિયાળામાં તકલીફ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓ વધુ પરેશાન થાય છે. પગના ચીરા મોટી સમસ્યા ન લાગે, પરંતુ તેનાથી પગમાં બહુ પીડા થાય છે."

ઠંડીના કારણે લોકો ગરમ પાણીથી નાહય છે, જેનાથી ત્વચાનો કુદરતી ભેજ ખતમ થઈ જાય છે. તેના લીધે ત્વચા પર તિરાડો પડે છે.

ડૉક્ટર સત્યનારાયણ લોકોને શિયાળામાં વધુ પાણી પીવાના સલાહ આપે છે.

તેઓ કહે છે, "ઠંડી હવાના કારણે શરીરનો ભેજ સુકાઈ જાય છે, તેનાથી ત્વચા નબળી પડી જાય છે. શરીરમાં વિટામિન એ, સી અને ડીની ઊણપથી પણ ત્વચા ફાટવા લાગે છે."

"ત્વચા સુકાવાથી ખંજવાળ અને દાણા શરૂ થઈ છે. આપણે ખંજવાળ કરીએ તેના કારણે ત્વચાનો ઉપરનો સ્તર નીકળી જાય છે અને ઘાવ સર્જાય છે. ઠંડી હવા લાગવાથી ઘાવમાં બળતરા થાય છે. તેના કારણે શિયાળામાં ત્વચાની સારસંભાળ પર ધ્યાન આપવું જોઈએ."

ડૉક્ટરોએ કહ્યું કે ફાટેલી એડીઓની સારસંભાળ રાખવામાં ન આવે તો સમસ્યા વકરી શકે છે.

કેવી સાવધાની રાખવી?

ડૉક્ટર શાહીના શફીક કહે છે કે કેટલીક સાવધાની રાખવાથી પગની ફાટેલી એડીમાંથી રાહત મેળવી શકાય છે.

તેઓ પગની સુરક્ષા માટે કેટલાક રસ્તા સૂચવે છે, જેમ કેઃ

  • પોતાના પગને દરરોજ ગરમ પાણીથી ધુઓ. નાહ્યા પછી પગ પર લૉશન, ક્રીમ અથવા નાળિયરનું તેલ લગાવો. તેનાથી ત્વચા બરછટ નહીં થાય
  • શિયાળામાં પણ પુષ્કળ પાણી પીઓ. તેનાથી ત્વચા બરછટ નહીં થાય
  • પોતાના પગ પર દિવસમાં બે વખત સારી ગુણવત્તાવાળું મૉઇશ્ચરાઇઝર લગાવો
  • વૃદ્ધો અને ડાયાબિટીસથી પીડાતા લોકોએ પગની એડીને ઠંડીથી બચાવવા માટે રાતે મોજાં પહેરવા જોઈએ

ડૉક્ટર સત્યનારાયણ કહે છે કે હૂંફાળા પાણી અથવા હળવા ગરમ પાણીથી સ્નાન કરવું સારું છે. ભોજનમાં ઓમેગા ફેટી ઍસિડવાળા બીજ, મેવા અને વિટામિન સીથી ભરપૂર ફળ સામેલ કરવા જોઈએ.

જોકે, ચીરામાંથી લોહી નીકળે અથવા પરુ થયો હોય, તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ: આ લેખ માત્ર સામાન્ય સમજણ માટે છે. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો સૌથી ઉત્તમ વિકલ્પ છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન