You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીઠનો દુખાવો અચાનક કેમ થાય છે અને તેમાંથી રાહત કેવી રીતે મળે?
મોટા ભાગના લોકોને જીવનના કોઈને કોઈ તબક્કે પીઠનો દુખાવો પરેશાન કરતો હોય છે. સામાન્ય રીતે આ દુખાવો થોડાં અઠવાડિયાં વીતતાં ઓછો થઈ જાય છે, પણ વારંવાર થતો દુખાવો રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી દે છે.
વળી, માનવીની કરોડરજ્જુ પાંસળી અને થાપાનાં હાડકાં ઉપરાંત સ્નાયુબંધ, અસ્થિબંધન, કોમલાસ્થિ, સ્નાયુ અને ચેતાપેશી સાથે પણ જોડાયેલી હોવાથી આમાંથી કોઈ પણ એક ભાગમાં સર્જાતી સમસ્યા પીઠનો દુખાવો નોતરી શકે છે.
તમામ વયના લોકો માટે પીઠના દુખાવાને નિવારવામાં ઉપયોગી બની શકે, તેવા પાંચ મુદ્દા અહીં રજૂ કરવામાં આવ્યા છે.
દુખાવો ક્યાં થાય છે, ઉપર કે નીચે?
2050 સુધીના સમયમાં લાંબા ગાળાના કમરના દુખાવાથી પીડાતા લોકોની સંખ્યા એક તૃતીયાંશ જેટલી વધી જશે, તેવો અંદાજ યુએસની યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિન ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશનના સંશોધકો દ્વારા રજૂ કરવામાં આવેલા ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (જીબીડી) અભ્યાસની તાજેતરની આવૃત્તિમાં મૂકવામાં આવ્યો હતો.
ત્યાં સુધીમાં વિશ્વની પ્રત્યેક 10માંથી એકથી વધુ વ્યક્તિ આ સમસ્યાથી પીડાતી હશે.
સ્ટ્રૉક, હૃદય તથા ફેફસાંની બીમારી તથા ડાયાબિટીસ તેમજ નવજાત શિશુઓમાં જોવા મળતી સમસ્યાઓ વૈશ્વિક આરોગ્ય પર મોટા પાયે વિપરિત અસર ઉપજાવશે, એમ જીબીડીમાં જણાવવામાં આવ્યું હતું.
કમરનો ભાગ શરીરની મોટા ભાગની ગતિવિધિને ટેકો પૂરો પાડે છે તથા આંચકાઓ ખમે છે, ત્યાં દુખાવો વધુ થતો હોય છે એ સાચું, પણ તેની સાથે પીઠના ઉપલા ભાગ (ગરદન અને ખભા)માં પણ દુખાવો થઈ શકે છે.
સારવાર પહેલાં નિદાન શું હોય છે?
સારવાર પહેલાં નિદાનનો તબીબી સિદ્ધાંત ખાસ કરીને પીઠના દુખાવા માટે મહત્ત્વનો છે, કારણ કે, પીઠના દુખાવાનાં ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે. જોકે, આ માટે નિદાનનો કોઈ એક ટેસ્ટ નથી હોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે ડૉક્ટર પહેલાં પિત્તાશય કે કિડનીની બીમારી અથવા તો અમુક પ્રકારનાં કૅન્સર જેવી ગંભીર સ્થિતિ વિશે તપાસ કરતા હોય છે અને નિદાનનો સરળ અર્થ છે - દર્દીની શારીરિક તપાસ કરવી તેમજ તેની મેડિકલ હિસ્ટ્રી તપાસી લેવી.
બ્લડ ટેસ્ટથી કૅન્સર કે ઇન્ફ્લેમેશનની જાણ થઈ શકે છે.
વધુ પુષ્ટિ કરવા માટે સાંધા, હાડકાં, ડિસ્ક્સ, અંગો તપાસવા માટે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ (એમઆરઆઇ) અથવા તો અલ્ટ્રાસાઉન્ડ, કમ્પ્યુટેડ-ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ કે એક્સ-રે જેવા ઇમેજિંગ ટેસ્ટ કરવામાં આવી શકે છે.
મોટા ભાગના પીઠના દુખાવામાં ધીમું દરદ થતું હોય છે અને શરીર જકડાઈ જતું હોય છે, પણ સ્નાયુ કે લિગામેન્ટ (અસ્થિબંધન)ને ક્ષતિ પહોંચી હોય, તો અચાનક જ તીવ્ર દુખાવો થાય છે. જ્યારે દુખાવો થાપો અને પગ સુધી ફેલાય અને તે ભાગમાં સંવેદના ન જણાય, ત્યારે તે નસની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
સ્નાયુઓમાં ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટીનું વિશ્લેષણ કરતું ઇલેક્ટ્રોડાયગ્નોસિસ પણ સ્નાયુ અને નસની સમસ્યા વચ્ચેનો ભેદ પારખી શકે છે.
નિદાનનો આ અભિગમ પુખ્તો અને બાળકો, બંનેને લાગુ પડે છે.
ભારત તથા ઇંગ્લૅન્ડમાં અને હાલ જર્મનીમાં બાળરોગ નિષ્ણાત (પીડિયાટ્રિશયન) તરીકે કાર્યરત અને કન્સલ્ટન્ટ સ્પાઈન સર્જન ડોક્ટર અરીના ડિસૂઝાએ - જ્યારે પેરન્ટ્સ બાળકોને તેમની પાસે લઈને આવે છે, ત્યારે તેઓ શું તપાસે છે, તેના વિશે વાત કરી હતી.
"બાળકો આખો દિવસ અહીં-તહીં કૂદતાં રહે છે, આથી મારે અમુક સ્પષ્ટતા મેળવવી પડશેઃ
- બાળકને આવી ઊછળકૂદ કરવા દરમિયાન ઈજા થઈ છે કે કેમ?
- શું હાડકાં, સ્નાયુ કે સાંધાની નજરે ન ચઢે, એવી કોઈ ખામી છે?
- શું માતા-પિતાને પણ પીઠનો દુખાવો રહે છે?
- શું તેઓ સંતુલિત આહાર લે છે?
"આપણે ઘૂંટણ અને પગમાં વધતા દુખાવા વિશે સાંભળીએ છીએ, પણ અમુક વખત તે દુખાવો પીઠમાં થઈ શકે છે - કારણ કે અમુક વખત બાળકના શરીરનાં બાકીનાં હાડકાંની તુલનામાં કરોડરજ્જુની લંબાઈ ઝડપથી વધતી હોય છે," એમ ડૉક્ટર ડિસૂઝાએ ઉમેર્યું હતું.
તંદુરસ્ત દિમાગ, તંદુરસ્ત શરીર
નિષ્ણાતોના મતે, ક્યારેક પીઠનો દુખાવો ફરી થવાની બીકથી અમુક દર્દીઓની સાજા થવાની પ્રક્રિયા અટકી જઈ શકે છે.
ઇંગ્લૅન્ડમાં ડાઉનટુયુ હેલ્થ ઍન્ડ વેલબીઇંગના ડિરેક્ટર ઍડમ સીયુએ બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવ્યા મુજબ, "કરોડરજ્જુ કે સ્નાયુની સમસ્યા ન હોય, તો પણ ફરી વખત ઈજા થવાની ચિંતાને પગલે પીઠનો ઉપયોગ કરવા માટેનો દર્દીનો વિશ્વાસ ડગી જાય છે."
"ભયને કારણે તેમની ગતિશીલતા ઓછી થઈ જાય છે. કેટલાક લોકો તો તેમને આનંદ આવતો હોય, એવી પ્રવૃત્તિઓ કરવાનું પણ બંધ કરી દે છે."
ઑસ્ટ્રેલિયાની મેક્વેરી યુનિવર્સિટી ખાતે ફિઝિયોથૅરપીના પ્રોફેસર માર્ક હેનકોકે બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવ્યા પ્રમાણે, "કેટલાક દર્દીઓને તેમની પીઠને નુકસાન થવાનો એટલો ભય સતાવે છે કે, તેઓ સામાજિક જીવનમાંથી પણ પીછેહઠ કરી લે છે."
"સામાજિક તણાવ, દુખાવાને લઈને થતી ચિંતા વગેરે બાબતોને જ્યારે એક સાથે જોવામાં આવે, ત્યારે અચાનક જ આ ઘણી મોટી સમસ્યા બની જાય છે."
અને પરિણામે વધુ સર્વાંગી દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
"વિશ્વભરની દરેક માર્ગદર્શિકા હવે શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળોનું નિવારણ કરવા વિશે વાત કરે છે," એમ પ્રોફેસર હેનકોકે જણાવ્યું હતું.
"સીએફટી (કોગ્નિટિવ ફંક્શનલ થૅરપી - જ્ઞાનાત્મક કાર્યાત્મક થૅરપી)માં દર્દી દુખાવાની તીવ્રતા વધારનારી વિવિધ બાબતો વિશે જાણકારી મેળવવા માટે થૅરપિસ્ટ સાથે વાતચીત કરે છે.
"ત્યાર બાદ દર્દીને તેમની ગમતી પ્રવૃત્તિઓ તરફ ધીમે-ધીમે પાછા વાળવા તેમના માટે વૈકલ્પિક ઉપાયોને આવરી લેતી યોજના તૈયાર કરી શકાય છે.
"અને થૅરપિસ્ટ જરૂર પડ્યે જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે દર્દીને સલાહ-સૂચન આપી શકે છે."
સતત આગળ ધપતાં રહેવું
અમુક દર્દીઓ એવી અપેક્ષા સેવતા હોય છે કે, આરામ કરવાથી રિકવરીમાં મદદ મળશે, પરંતુ બ્રિટિશ ઍસોસિયેશન ઑફ સ્પાઇન સર્જન્સ (બીએએસએસ)ના મતાનુસાર, સક્રિય રહેવું એ પીઠના દુખાવાને દૂર રાખવા માટેની ચાવી છે. વળી, છેલ્લાં દસ વર્ષમાં થયેલાં તમામ સંશોધનો સૂચવે છે કે, આરામ કરવાથી રિકવરીમાં લાગતો સમય લંબાઈ શકે છે.
ઍડમ સીયુના જણાવ્યા મુજબ, "વર્ટિબ્રે (કશેરુકા) તરીકે ઓળખાતાં જુદાં-જુદાં હાડકાંથી બનેલો સ્પાઇન કોલમ વિવિધ ભાગોમાં સ્વાભાવિક વળાંક ધરાવે છે."
"આ વળાંકો કરોડરજ્જુને શરીરની ગતિવિધિ તેમજ વજનને સહાય પૂરી પાડવા માટે સક્ષમ બનાવે છે."
"ઉપરની 24 કશેરુકા લવચિક હોય છે. પ્રત્યેક કશેરુકા (વર્ટિબ્રે)ની વચ્ચે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક આવેલી હોય છે."
"આ કુદરતી માળખાને નબળું પડતું અટકાવવા માટે અને આંચકા ખમવાનું ડિસ્કનું કાર્ય સુપેરે ચાલતું રહે, તે માટે શરીરને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સતત ન રાખવું જોઈએ, અર્થાત્ સતત બેઠેલા રહેવું, સતત નમેલા રહેવું કે ઊભા રહેવું, વગેરે સ્થિતિ ટાળવી જોઈએ."
પરંતુ આધુનિક યુગની ડેસ્ક જોબ્ઝ, ગેમિંગ, વાચન પ્રવૃત્તિ અને ઑનલાઇન કન્ટેન્ટ જોવાનાં કાર્યો મોટા ભાગે બેઠાડુ હોય છે.
ઑફિસના કર્મચારીઓ વચ્ચે-વચ્ચે થોડો વિરામ લઈ શકે છે અથવા તો સીડીમાં ચડ-ઊતર કરી શકે છે, પણ ઘણી નોકરીઓમાં આવો વિરામ મળતો નથી.
ઍડમ સીયુના જણાવ્યા પ્રમાણે, "તમે ટ્રક ચલાવી રહ્યા હોવ, તો ટ્રાફિકજામની સ્થિતિમાં બેઠેલા રહીને જ સ્ટ્રેચિંગ કરી શકાય છે."
"ભારે વસ્તુઓ ઊંચકવાનું કામ કરનારા કન્સ્ટ્રક્શન મજૂરોને ઈજા ન થાય, તે માટે માર્ગદર્શિકા અનુસરવી જોઈએ અને ચોક્કસ કસરતો માટે ફિઝિયોથૅરપિસ્ટની સલાહ લેવી જોઈએ."
ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં પણ પીઠનો દુખાવો થઈ શકે છે.
ગર્ભાધાનના ટૂંક સમયમાં જ રિલેક્સિન હોર્મોન ઉત્પન્ન થવાનું પ્રમાણ વધી જાય છે.
બાળકના જન્મની તૈયારી સ્વરૂપે તે પેડુમાં લિગામેન્ટ્સ (અસ્થિબંધન)ને ઢીલા કરે છે અને સર્વિક્સને નરમ બનાવે છે. પણ તેની સાથે જ તે કરોડરજ્જુનાં જોડાણો તથા જોડાણ કરતી પેશીઓને પણ ઢીલાં કરી શકે છે, જેના કારણે કમરના ભાગે અસુવિધા વર્તાય છે.
ગર્ભનો વિકાસ થાય, તે સાથે ગર્ભવતી માતાના પોઇશ્ચર, વજનના સંતુલન અને તણાવમાં પણ ઘણા ફેરફારો થતા હોય છે.
આ સ્થિતિમાં દુખાવાને હળવો કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપેલી છેઃ
- વળતી વખતે કરોડરજ્જુને મરોડવાને બદલે પગને વાળવાનો પ્રયત્ન કરો
- વજનને સમાન રીતે વહેંચી લે, તેવા શૂઝ પહેરો
- ગર્ભાવસ્થા માટેનાં સહાયક ઓશીકાં અને સારું ગાદલું તમને પૂરતો આરામ મેળવવામાં સહાયરૂપ બની શકે છે
રાહત માટે પેઇનકીલર ક્યારે લેવી જોઈએ?
ઍડમ સીયુ જણાવે છે, "પ્રારંભિક તબક્કામાં હલન-ચલન થઈ શકે, તે માટે દવાની દુકાનેથી કોઈ સારી એન્ટિ-ઇન્ફ્લામેટરી પ્રકારની દવા લઈ શકાય."
"પણ જો તમે અમુક સપ્તાહો કે તેનાથી પણ લાંબા સમય સુધી તે દવાઓ જ લીધા કરો છો અને સતત થઈ રહેલા દુખાવાના કારણ પર ધ્યાન નથી આપતા, તો તેનો અર્થ એ કે તમે અસર સમસ્યા પર ઢાંકપિછોડો કરી રહ્યા છો."
"મેં એવા ઘણા ક્લાયન્ટ્સ જોયા છે, જેઓ વર્ષોથી દવા લઈ રહ્યા છે."
કેટલાક લોકોનું માનવું છે કે, પીઠનો દુખાવો ઓછો કરવાની દવા દુખાવાના મૂળ કારણને વધારી શકે છે, પણ બીએએસસ કહે છેઃ "આ સાચું નથી."
"શરીર અત્યંત શક્તિશાળી રક્ષણાત્મક રિફ્લેક્સિસ ધરાવે છે અને સાદી પેઇનકીલર્સ દવાઓ તેને દૂર કરી શકતી નથી."
"જો તમને આ પ્રકારની દવાઓને લઈને ચિંતા સતાવતી હોય, તો તમે ડૉક્ટર સાથે કે ફાર્મસિસ્ટ સાથે તે અંગે ચર્ચા કરી શકો છો."
મૂળ લેખન સામગ્રીઃ ગ્લોબલ જર્નાલિઝમ ક્યુરેશન, ઉમેરારૂપ રિપોર્ટિંગઃ ગણેશ પોલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન