You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પાકિસ્તાન એક મૈત્રીપૂર્ણ દેશ, તેની સાથે હિતકારક સંબંધો રાખીશું,' બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકારે બીબીસીને શું કહ્યું?
- લેેખક, ઈશાદ્રિતા લાહિડી
- પદ, બીબીસી સંવાદદાતા, ઢાકા, બાંગ્લાદેશ
"અમે ભારતમાં લઘુમતી સામેની કાર્યવાહીઓ વિશે નિવેદન નથી આપતા, અને હું આશા રાખું છું કે ભારતીય અધિકારી પણ આ નીતિ અપનાવે."
"તેઓ અમારા નાગરિક છે. જો તેમના પર જુલમ-જબરદસ્તી થઈ રહ્યાં છે, તો અમારી પાસે તેના નિવારણ માટેનું તંત્ર મોજૂદ છે. ભારત પોતાના અલ્પસંખ્યકોનું ધ્યાન રાખે, જે રીતે અમે અમારા અલ્પસંખ્યકોનું રાખીએ છીએ."
આ અભિપ્રાય બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર તૌહીદ હુસૈનનો છે.
બાંગ્લાદેશમાં આવતા મહિને 12 ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી એવા સમયે થઈ રહી છે, જ્યારે બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
ઢાકામાં અમે તૌહીદ હુસૈન સાથે બંને દેશ વચ્ચેના વર્તમાન સંબંધો, અલ્પસંખ્યકોની સ્થિતિ, બાંગ્લાદેશના રાજકારણમાં જમાત-એ-ઇસ્લામીની ભૂમિકા જેવા મુદ્દા પર ખાસ વાતચીત કરી.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો સંબંધ અને શેખ હસીના
અમે તૌહીદ હુસૈનને પૂછ્યું કે તેઓ ભારત અને બાંગ્લાદેશના વર્તમાન સંબંધોને કઈ રીતે જુએ છે, શું બંને દેશોના એકમેક સાથેના સંબંધો આજે ખૂબ જ ખરાબ છે?
તૌહીદ હુસૈનનો જવાબ હતો, "હું એના પર ટિપ્પણી નહીં કરું કે આ સંબંધ પોતાના સૌથી નીચલા સ્તરે છે કે નહીં. મને લાગે છે કે બાંગ્લાદેશ અને ભારતના સંબંધ બંને દેશો માટે મહત્ત્વના છે, બંને દેશોએ સંબંધને મજબૂત રાખવા માટે હકારાત્મક પગલાં ભરવાં જોઈએ."
જોકે, તેમણે કહ્યું કે તેઓ એ વાત સાથે સંમત છે કે આ સરકારના કાર્યકાળમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એવા સંબંધ નથી રહ્યા, જેવા હોવા જોઈતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "અમારે એકબીજા સાથે વધારે સંપર્ક–વાતચીત કરવાં જોઈતાં હતાં. વધારે સમજવાની જરૂર હતી, અને હું ઇચ્છું છું કે ભવિષ્યમાં એવું થાય."
તેમણે કહ્યું, "છેલ્લા 17 મહિનાથી હું આ જવાબદારી નિભાવું છું. મેં હંમેશાં વધુ સારા સંબંધના પ્રયાસ કર્યા છે."
તેમના અનુસાર, "બાંગ્લાદેશમાં એક સામાન્ય લાગણી પ્રવર્તે છે અને કંઈક અંશે હું તેની સાથે સંમત છું કે ભારત તરફથી પ્રતિક્રિયા ખૂબ હકારાત્મક નથી રહી."
આ બાબતમાં તેમણે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાનો ઉલ્લેખ કર્યો. તૌહીદ હુસૈને કહ્યું, "બાંગ્લાદેશની જે લાગણીઓ છે, તેના પર ભારતે પૂરતું ધ્યાન નથી આપ્યું. શેખ હસીના ભારત ગયાં છે, ત્યાં તેમને શરણ આપવામાં આવ્યું છે."
"અમને આશા હતી કે જ્યાં સુધી તેઓ ત્યાં છે, તેઓ એવાં નિવેદન કરવાથી દૂર રહેશે જે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ સાથે મેળ નથી ખાતાં અને જે બંને દેશના સંબંધો માટે પણ સારા સંકેત નથી."
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા
બાંગ્લાદેશમાં તાજેતરના દિવસોમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. ભારત સરકારે પણ એ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતના અલગ અલગ ભાગોમાં તેના વિરોધમાં વિરોધપ્રદર્શનો પણ થયાં છે.
અમે વિદેશી બાબતોના સલાહકાર પાસેથી જાણવા માગ્યું કે એવી માન્યતા બંધાઈ છે કે તેમની સરકારે અલ્પસંખ્યકો પરના હુમલા રોકવા માટે પૂરતાં પગલાં નથી ભર્યાં.
તૌહીદ હુસૈનનો જવાબ હતો, "આ બાબત એ વાત પર આધાર રાખે છે કે અમે એને રોકવા માટે પૂરતાં પગલાં ભર્યાં છે કે નહીં એ કોણ નક્કી કરશે. "
"કેટલીક ઘટનાઓ બની છે, તેમાં શંકાને સ્થાન નથી. જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ કે સરકારે શું કર્યું, તો દરેક કેસમાં તરત કાર્યવાહી થઈ છે. દોષિતો સામે પગલાં ભરવામાં આવ્યાં છે. ધરપકડો થઈ છે. તેમણે ન્યાયપ્રક્રિયાનો સામનો કરવો પડે છે. ન્યાયિક પ્રક્રિયા એક દિવસ કે મહિનામાં પૂરી નથી થતી. તેમાં સમય લાગે છે."
ભારતની પ્રતિક્રિયા વિશે તેમનું કહેવું છે, "ભારતે આ બાબતે જે સત્તાવાર ચિંતા પ્રકટ કરી છે, હું તેને બિલકુલ આવકારતો નથી. આ સંપૂર્ણ રીતે બાંગ્લાદેશની આંતરિક બાબત છે."
"અમે ભારતમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ થતી કાર્યવાહીઓ વિશે નિવેદન નથી આપતા. હું આશા રાખું છું કે ભારતીય અધિકારીઓ પણ એ જ નીતિ અપનાવે."
બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી
ભારતના કેટલાક ભાગોમાં બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામીની રાજકીય અસર વિશે ચર્ચા થઈ રહી છે. એક દૃષ્ટિકોણ એવો છે કે તેમના વિચાર કટ્ટર છે, જો તેમની અસર વધી તો બાંગ્લાદેશ ઉદાર નહીં રહી શકે. તેની અસર અલ્પસંખ્યકોના અધિકારો પર પણ થશે. અમે તૌહીદ હુસૈન પાસેથી જાણવા માગ્યું કે તેઓ આને કઈ રીતે જુએ છે.
તૌહીદ હુસૈનનું કહેવું છે, "જમાત બાંગ્લાદેશમાં લાંબા સમયથી એક ખુલ્લી રાજકીય પાર્ટી રહી છે. તેમના સમર્થનના આધાર છે."
તેઓ જમાતની તુલના ભાજપ સાથે કરતાં કહે છે, "ભાજપને ક્યારેક સંસદમાં માત્ર બે બેઠક મળી હતી. હું તે સમયે ભારતમાં હતો. એ જ ભાજપ એક સમય પછી સૌથી મોટી પાર્ટી બની. એ જ પાર્ટી ફરીથી બહુમતની સરકાર સાથે પાછી આવી."
તૌહીદનું કહેવું છે, "જો આ શક્ય છે, તો અમને એ માનવામાં કશો વાંધો નથી કે જમાત-એ-ઇસ્લામીની હાજરી વધી શકે છે. તેઓ રાજકારણમાં છે અને રાજકારણમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે."
"બની શકે છે કે તમને કે મને તેના વિચારો ન ગમતા હોય, પરંતુ એ એક રાજકીય પાર્ટી છે અને તેની પોતાની વિચારધારા છે."
અમે મહિલાઓ વિશે જમાતના કેટલાક નેતાઓના વિચારો તરફ તૌહીદ હુસૈનનું ધ્યાન દોર્યું. મેં જણાવ્યું કે અમે જમાતના કેટલાક નેતાઓને મળ્યા છીએ. તેમનું માનવું છે કે મહિલાઓએ હંમેશાં પડદામાં રહેવું જોઈએ. જ્યારે તેઓ ક્યાંક દૂરનો પ્રવાસ કરે ત્યારે તેમની સાથે કોઈ પુરુષ હોવો જોઈએ. શું આ વિચાર તેમને મંજૂર છે?
તૌહીદ હુસૈને કહ્યું, "સૌથી પહેલી વાત, આ સ્વીકાર્ય વિચાર નથી. મને નથી લાગતું કે બાંગ્લાદેશમાં એવું થવાનું છે."
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ
એક બાજુ ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ બગડતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાન સાથેના તેમના સંબંધ દાયકાઓમાં સૌથી સારા ગણાઈ રહ્યા છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડૉક્ટર મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની વચ્ચે બેઠકો પણ થઈ છે. ગયા વર્ષે પાકિસ્તાની વિદેશ મંત્રીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ થયો.
અમે વિદેશી બાબતોના સલાહકાર પાસેથી જાણવાની કોશિશ કરી કે પાકિસ્તાનની સાથે વધતા આ નવા સંબંધની પાછળ કયો વિચાર છે.
તૌહીદ હુસૈને કહ્યું, "અમારા તરફથી ભારત સાથેના સંબંધોને નીચે લઈ જવાનું કોઈ પગલું નથી ભરાયું. હું તમને ભરોસો અપાવું છું. બાકી, દિલ્હીમાં મારા સમકક્ષોને પૂછો કે આવું શા માટે થયું?"
"જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે, છેલ્લા શાસનકાળમાં દરેક વખતે સંબંધોને જાણીજોઈને બગાડવામાં આવ્યા. આની પહેલાં અમારા સંબંધો ઠીકઠાક હતા."
"પાકિસ્તાનની સાથે અમારા કેટલાક મુદ્દા છે. અમે એ મુદ્દા પર કામ કરી રહ્યા છીએ. પરંતુ શેખ હસીનાએ જ્યારે જાણીજોઈને સંબંધો બગાડવાનો નિર્ણય કર્યો, ત્યારે તે ઘટવાના શરૂ થયા. આ ચક્ર ચાલતું રહ્યું."
"અમે, અને કંઈક અંશે મેં પણ, પાકિસ્તાન સાથેના સંબંધ સામાન્ય કરવાની ફરીથી કોશિશ કરી છે. તેમાં કંઈ પણ અસામાન્ય નથી. તે એક પડોશી દેશ છે. મૈત્રીપૂર્ણ દેશ."
"તો આખરે થયું શું? ઓછામાં ઓછું અમારા તરફથી ભારત સાથે સંવાદ ઘટાડવાનાં કોઈ પહેલ કે પ્રયાસ નથી થયાં. હું આ વાતનો ભરોસો અપાવું છું."
"જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે. પાકિસ્તાને શરૂઆત કરી. અમે જવાબ આપ્યો. અમે એક સામાન્ય સંબંધ ઇચ્છીએ છીએ. સામાન્ય વેપારી સંબંધ. સામાન્ય સંપર્ક–સંવાદ. સામાન્ય આર્થિક સંબંધ…"
અમે તેમને પૂછ્યું કે ભારતમાં આને જાણીજોઈને ભારતવિરોધી વલણ તરીકે જોવામાં આવે છે, આ વિશે તેઓ શું વિચારે છે.
તૌહીદ હુસેને કહ્યું, "તમને તમારા સંબંધો વિશે નિર્ણય લેવાનો હક છે. જો બાંગ્લાદેશ પોતાના સંબંધો અંગે નિર્ણય લે, તો તેનું સન્માન કરવું જોઈએ."
તેમનું માનવું છે, "ભારત અને પાકિસ્તાનના સંબંધો સંપૂર્ણ શત્રુતાપૂર્ણ છે. જો હું સ્પષ્ટ કહું, તો તેઓ એકબીજાને દુશ્મન માને છે."
"અમે કોઈના દુશ્મન નથી. ન ભારતના અને ન પાકિસ્તાનના."
"અમે પાકિસ્તાનની સાથે એ જ સંબંધ રાખીશું જે અમને અમારા હિતમાં લાગે છે."
તૌહીદે વિઝા વ્યવસ્થા તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, "જો વિઝા ન મળવાના કારણે લોકો ભારત નથી જઈ શકતા અને તેઓ પાકિસ્તાન જવા માગે છે, તો અમારા તરફથી કશી સમસ્યા શા માટે થવી જોઈએ. ભારતને તેની સામે શા માટે વાંધો હોવો જોઈએ?"
તેમણે કહ્યું, "બાંગ્લાદેશના લોકો સારવાર માટે ભારત જતા હતા. તેમણે ન ભારત સરકાર પાસે મદદ માગી, ન ભારતીય સમાજ પાસે. તેમણે પૈસા આપ્યા. સારવાર કરાવી. આ અમારા માટે પણ સારું હતું, ભારત માટે પણ."
"કેટલીક હૉસ્પિટલોનો મોટો વ્યવસાય બાંગ્લાદેશ થકી ચાલતો હતો. હવે એ વેપાર સમાપ્ત થઈ ગયો. આ તમારો નિર્ણય છે કે તમે નક્કી કર્યું કે અમારે બાંગ્લાદેશી દર્દી નથી જોઈતા."
તૌહીદે જણાવ્યું, "અમારા દર્દી હવે ચીન જઈ રહ્યા છે. થાઇલૅન્ડ જાય છે. એટલે સુધી કે તુર્કી જઈ રહ્યા છે."
ભારતના નિર્ણય વિશે શું બોલ્યા?
બીબીસીએ પોતાના ખાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતના વિદેશ મંત્રાલયે હવે બાંગ્લાદેશને 'નૉન-ફૅમિલી પોસ્ટિંગ'ની શ્રેણીમાં રાખ્યું છે. એટલું જ નહીં, પોતાના રાજદ્વારીઓના પરિવારોને પાછા બોલાવવાનું કહ્યું છે. એટલે કે બાંગ્લાદેશ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે સુદાન જેવી શ્રેણીમાં છે.
બીબીસીએ તૌહીદ હુસૈનને પૂછ્યું કે બાંગ્લાદેશ ભારતને સુરક્ષાનો ભરોસો કેમ નથી આપી શક્યું?
તો તેમણે કહ્યું, "તમારા સવાલનો છેલ્લો ભાગ મને સંપૂર્ણ નામંજૂર છે. તેનો કોઈ પુરાવો નથી કે અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શક્યા."
"જો ભારત બાંગ્લાદેશને પાકિસ્તાનની બરોબરીની શ્રેણીમાં રાખે છે, તો તે તેમનો નિર્ણય છે. બિલકુલ, આ અફસોસજનક છે. પરંતુ હું તેમનો નિર્ણય બદલી નથી શકતો."
"જો આપણે સારા દ્વિપક્ષીય સંબંધો જોઈતા હોય, તો સૌથી પહેલાં આપણે નક્કી કરવું પડશે કે આપણે ખરેખર સારા સંબંધ ઇચ્છીએ છીએ? જો આપણે એક પછી એક એવાં પગલાં ભરીએ જે સંબંધોને નીચલા સ્તરે લઈ જાય, તો આવું જ થશે."
"છેલ્લાં લગભગ 40 વર્ષમાં જુદી જુદી ભૂમિકાઓમાં ભારતની સાથે પોતાના અનુભવોને જોઉં તો મને લાગે છે કે ભારતે કંઈક અંશે જરૂર કરતાં વધુ પ્રતિક્રિયા આપી છે. હું ભારત પાસેથી વધુ સારી પ્રતિક્રિયાની આશા રાખતો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન