You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાલિદા ઝિયાનું નિધન; પશ્ચિમ બંગાળથી જઈને બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બનવા સુધીની સફર
ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહેમદે બીબીસી બાંગ્લાને આ માહિતીની પુષ્ટી કરી હતી.
પાર્ટીએ જણાવ્યું કે ખાલિદા ઝિયાનું 30મી ડિસેમ્બર, મંગળવારના રોજ સવારે 6 વાગ્યે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ઍવર-કૅર હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
તેઓ બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં.
તેમના પતિ ઝિયાઉર રહેમાન દેશના સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી વ્યક્તિ હતા અને 1977માં રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.
એ સમયે ખાલિદા ઝિયાને તેમના બે પુત્ર માટે સમર્પિત "શરમાળ ગૃહિણી" તરીકે વર્ણવવામાં આવતાં હતાં.
જોકે, 1981માં તેમના પતિ ઝિયાઉર રહેમાનની હત્યા બાદ તેઓ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા તરીકે ઊભર્યાં હતાં અને તેમણે વડાં પ્રધાન તરીકે બે વખત, પ્રથમ 1990ના દાયકામાં અને પછી 2000ના દાયકાની શરૂઆતમાં, સેવા આપી હતી.
બાંગ્લાદેશી રાજકારણની 'ક્રૂર દુનિયા'માં તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમણે વર્ષો જેલમાં વિતાવ્યાં હતાં, પરંતુ 2024ના બળવા પછી આરોપો રદ કરવામાં આવ્યા હતા. એ બળવામાં તેમના લાંબા સમયના પ્રતિસ્પર્ધી શેખ હસીના સત્તા પરથી હઠી ગયાં હતાં.
15 વર્ષની ઉંમરે લગ્ન
બેગમ ખાલિદા ઝિયાનો જન્મ 1945માં પશ્ચિમ બંગાળમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ચાના એક વેપારીનાં પુત્રી હતાં અને ભારતના ભાગલા પછી તેઓ તેમના પરિવાર સાથે હાલના બાંગ્લાદેશમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં.
તેમણે 15 વર્ષની વયે એક યુવાન આર્મી અધિકારી ઝિયાઉર રહેમાન સાથે લગ્ન કર્યાં હતાં.
1971માં તેઓ પશ્ચિમ પાકિસ્તાની દળો સામેના બળવામાં જોડાયાં હતાં અને બાંગ્લાદેશને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું.
1977માં સૈન્યની સત્તાના અંત પછી, સૈન્યના તત્કાલીન વડા રહેમાને ખુદને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.
તેમણે રાજકીય પક્ષો અને મીડિયાને પુનઃ સ્વાતંત્ર્ય આપ્યું હતું. એ પછી તેને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.
તેમણે 20 જેટલા રાજકીય બળવાઓનો સામનો કર્યો હતો અને બળવા સામે કડક હાથે કામ લીધું હતું.
સૈનિકોને સામૂહિક ફાંસી આપવામાં આવ્યાના અહેવાલો પણ હતા.
પતિની હત્યા બાદ રાજકારણમાં પ્રવેશ
1981માં લશ્કરી અધિકારીઓના એક જૂથે ચિત્તાગોંગમાં તેમની હત્યા કરી હતી.
પતિ ઝિયાઉર રહેમાનની હત્યા થઈ ત્યાં સુધી ખાલિદા ઝિયાએ લો-પ્રોફાઇલ રહ્યાં હતાં અને જાહેર જીવનમાં ઓછો રસ લેતાં હોય તેવું લાગતું હતું, પરંતુ તેઓ બીએનપીનાં સભ્ય બન્યાં હતાં અને તેના ઉપાધ્યક્ષ બન્યાં હતાં.
1982માં બાંગ્લાદેશમાં નવ વર્ષની લશ્કરી સરમુખત્યારશાહીનો પ્રારંભ થયો હતો અને એ દરમિયાન ખાલિદા ઝિયા લોકશાહી માટે ઝુંબેશનું આયોજન કરતાં જોવા મળ્યાં હતાં.
સૈન્ય પોતાને અનુકૂળ હોય એ રીતે પ્રસંગોપાત ચૂંટણી યોજતું હતું, પરંતુ ખાલિદા ઝિયાએ તેમના પક્ષને એવી ચૂંટણીમાં ભાગ લેવાની છૂટ આપી ન હતી. થોડા સમય પછી તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતાં.
તેમ છતાં તેમણે લોકઆંદોલનોને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું હતું, જેના કારણે આખરે સૈન્યને શરણાગતિની ફરજ પડી હતી.
1981માં લશ્કરી શાસન પછીની ચૂંટણીમાં ખાલિદા ઝિયા તથા બીએનપી સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યાં હતાં અને તેઓ વડાં પ્રધાન બન્યાં હતાં.
બાંગ્લાદેશના જૂના રાષ્ટ્રપતિ કાર્યકાળની મોટાભાગની સત્તા ગ્રહણ કર્યા પછી તેઓ દેશના પહેલા મહિલા નેતા અને એક મુસ્લિમ દેશનું નેતૃત્વ કરનારાં બીજા મહિલા બન્યાં હતાં.
એ વખતે બાંગ્લાદેશી બાળકોને સરેરાશ માત્ર બે વર્ષ જ શિક્ષણ મળતું હતું. તેથી તેમણે પ્રાથમિક શિક્ષણ બધા માટે મફત તેમજ ફરજિયાત બનાવ્યું હતું.
રાજકીય કારકિર્દીમાં ચઢાવઉતાર
જોકે, પાંચ વર્ષ પછી તેઓ શેખ હસીનાના અવામી લીગ પક્ષ સામે ચૂંટણીમાં હારી ગયાં હતાં.
ખાલિદા ઝિયાએ ઇસ્લામિક પક્ષો સાથે જોડાણ કરીને 2001માં તે હારનો બદલો લીધો હતો. તેમણે સાથે મળીને સંસદમાં લગભગ બે-તૃતીયાંશ બેઠકો જીતી લીધી હતી.
ખાલિદા ઝિયાએ વડાં પ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળમાં મહિલા સાંસદો માટે ગૃહમાં 45 બેઠકો અનામત રાખવાને લગતો બંધારણીય સુધારો કરાવ્યો હતો તથા યુવતીઓને શિક્ષિત કરવાનું કામ કર્યું હતું. આ કામ તેમણે એવા દેશમાં કર્યું હતું, જ્યાં 70 ટકા મહિલાઓ અભણ હતી.
ઑક્ટોબર 2006માં નિર્ધારિત સંસદીય ચૂંટણી પહેલાં ખાલિદા ઝિયાએ વડાં પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.
દેશમાં વ્યાપક રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે સૈન્યએ પગપેસારો કર્યો હતો. લોકશાહી ઢબે નવેસરથી ચૂંટણી યોજવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વિલંબ થયો હતો.
વચગાળાની સરકારે મોટાભાગની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ઉચ્ચસ્તરે થતાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
એક વર્ષ પછી ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપસર ખાલિદા ઝિયાની ધરપકડ કરવામાં આવી હતી.
એ પહેલાં તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી, અવામી લીગનાં નેતા અને બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિનાં પુત્રી શેખ હસીનાને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.
લગભગ બે દાયકા સુધી સરકાર તથા વિરોધ પક્ષ તરીકે વારાફરતી કામ કરતી રહેલી આ બન્ને મહિલા નેતાઓ અચાનક કોર્ટ કેસોમાં ફસાઈ ગઈ હતી.
ખાલિદા ઝિયાને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાં હતાં.
2008માં તેમના પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા અને તેમણે લશ્કર પ્રાયોજિત ચૂંટણીમાં ભાગ લીધો હતો. તેના પરિણામ સ્વરૂપે શેખ હસીનાનો વિજય થયો હતો અને તેમણે સરકારની રચના કરી હતી.
2011માં ભ્રષ્ટાચારવિરોધી પંચે ખાલિદા ઝિયા સામે કેસ દાખલ કર્યો હતો. તેમના પર તેમના સ્વર્ગસ્થ પતિના નામની સખાવતી સંસ્થા માટે જમીન ખરીદવા અઘોષિત આવકનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેમની ધરપકડ કરવામાં આવી હતી, તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં અને પોતાના પક્ષ પર અંકુશ જાળવી રાખવા માટે તેમણે જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો.
મતદાનમાં અવામી લીગ ગોબાચારી કરશે, એવી દલીલ સાથે 2014માં ખાલિદા ઝિયાને સમર્થકોએ સંસદીય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
એ ચૂંટણી 'મુક્ત અને ન્યાયસંગત' ન હતી. તેમાં બીએનપીના સંખ્યાબંધ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને અડધાથી વધુ ઉમેદવારો સંસદમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
બીએનપીના ચૂંટણી બહિષ્કારની પહેલી વર્ષગાંઠે ખાલિદા ઝિયાએ દેશમાં નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી અને સરકાર સામે વ્યાપક વિરોધપ્રદર્શનના નેતૃત્વની યોજના બનાવી હતી.
તેના જવાબમાં બાંગ્લાદેશી સુરક્ષા દળોએ રાજધાની ઢાકામાંની તેમના પક્ષની ઑફિસના દરવાજે તાળા મારીને તેમને બહાર નીકળતાં અટકાવ્યાં હતાં. શહેરમાં તમામ વિરોધપ્રદર્શનો પર પ્રતિબંધ લાદ્યો હતો.
એ વખતે ખાલિદા ઝિયાએ જણાવ્યુ હતું કે સરકાર તેના લોકોથી "વિખૂટી" પડી ગઈ છે અને તેનાં પગલાંને કારણે "આખો દેશ કેદમાં છે."
ખાલિદા ઝિયા સામેના આરોપો તેમના બીજા કાર્યકાળ સંબંધી હતા. એ કાર્યકાળ દરમિયાન 2003માં કાર્ગો ટર્મિનલ્સના કૉન્ટ્રેક્ટ આપવા માટે પોતાની વગનો કથિત ઉપયોગ કર્યો હતો.
નાના પુત્ર અરાફત રહેમાને સોદાઓને મંજૂરી આપવા માતા ખાલિદા પર દબાણ કર્યું હોવાનો આરોપ મૂક્વામાં આવ્યો હતો.
2018માં ખાલિદા ઝિયાને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં અને પાંચ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. તેઓ વડાં પ્રધાન હતાં, ત્યારે સ્થાપિત અનાથાશ્રમ ટ્રસ્ટ માટે આશરે 2,52,000 ડૉલરની ઉચાપત કરવાના આરોપસર તેમને સજા ફટકારવામાં આવી હતી.
તેમને ઢાકાની જૂની અને હવે બિનઉપયોગી સેન્ટ્રલ જેલમાં એકમાત્ર કેદી તરીકે રાખવામાં આવ્યાં હતાં. સજાના સમયગાળા દરમિયાન તેમને કોઈ પણ જાહેર પદ મેળવવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં.
પોતે કશું ખોટું કર્યાનો તેમણે ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પરના આરોપો રાજકારણ પ્રેરિત હતા.
એક વર્ષ પછી, ગંભીર સંધિવા અને અનિયંત્રિત ડાયાબિટીસ સહિતના રોગોની સારવાર માટે ખાલિદા ઝિયાને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
તેમને સ્વાસ્થ્યના કારણોસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં અને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
શેખ હસીનાનો અસ્ત, ખાલિદા ઝિયાને રાહત
2024માં અસંતોષ સાથેના લોકજુવાળને કારણે શેખ હસીનાની સરકારને સત્તા પરથી ઊથલાવી દેવામાં આવ્યાં હતાં.
એ સમયે જાહેર સેવા રોજગારમાં અનામત સામેના વિરોધમાં અનેક નાગરિકો માર્યા ગયા હતા અને સરકારવિરોધી ઉગ્ર આંદોલન શરૂ થયું હતું.
શેખ હસીના ભાગીને ભારત આવ્યાં હતાં અને તેમના સ્થાને આવેલી વચગાળાની સરકારે ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો તેમજ તેમના બૅન્ક ખાતાંઓને અનફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.
આ સમય સુધીમાં ખાલિદા ઝિયાની લીવર સિરોસીસ અને કિડની ડૅમેજ સહિતની જીવલેણ બીમારી વકરી હતી.
તેમના પરના પ્રવાસ સંબંધી પ્રતિબંધો જાન્યુઆરી 2025માં ઉઠાવી લેવામાં આવ્યાં હતાં અને તેમને સારવાર માટે લંડન જવાની મંજૂરી આપવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન