You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મળત્યાગ રોજ સવારે કરવો જરૂરી છે, રોકી રાખો તો શું થાય?
વ્યાયામ, ચા-નાસ્તો અને સ્નાનની માફક વધુ એક ક્રિયા આપણી દિવસની શરૂઆતનો ખૂબ અગત્યનો ભાગ છે. એ છે મળત્યાગ.
સવારસવારમાં ઉપરનાં બધાં કામ કરી લીધાં હોય, પરંતુ જો મળત્યાગ બાકી હોય તો ઘણા લોકોને 'મૂંઝવણ' અનુભવાય છે. ઘણી વાર તો આખા દિવસમાં એકેય વાર મળત્યાગ ન કર્યો હોય એવું પણ બને છે.
મળત્યાગમાં અનિયમિતતાનું એક કારણ કબજિયાત પણ હોય છે. જોકે, કેટલાક લોકો જે તે કારણસર જાણીજોઈને મળત્યાગ રોકતા હોય છે.
ડૉક્ટરોનું કહેવું છે કે શૌચાલયની સુવિધા ન હોવાના કારણે તેમજ સ્વચ્છ શૌચાલયોની કમીને કારણે મળત્યાગ રોકવા કે ટાળવાને કારણે ઘણા લોકોને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે.
કબજિયાત દરેક ઉંમરની વ્યક્તિ માટે મુશ્કેલી સર્જે છે, આ સમસ્યા માટે ઉંમર અપ્રસ્તુત છે. ડૉક્ટરોએ એવું પણ કહ્યું કે અનિયમિત મળત્યાગ જેવી સમસ્યાઓ તમારી ટેવોને કારણે થતી હોય છે.
આ અહેવાલમાં આપણે દરરોજ મળત્યાગની જરૂર, કબજિયાતનાં કારણો તેના સમાધાન અંગે વાત કરીશું.
આ મુદ્દા અંગે વિગતવાર વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી હતી.
કબજિયાત એટલે શું અને તેનાં કારણો?
સરળ શબ્દોમાં કહીએ તો કબજિયાત એટલે રોજ સરળતાથી મળત્યાગ કરવામાં પડતી મુશ્કેલી. આને કાર્યાત્મક જઠરાંત્રીય વિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરડાંમાં કોઈ સ્પષ્ટ ઈજા ન હોય ત્યારે પણ આ એક મોટી સમસ્યા છે.
અમદાવાદસ્થિત ગેસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ ડૉ. કૌશલ વ્યાસ કહે છે કે કબજિયાતના ઘણા બધા પ્રકાર હોય છે.
તેઓ કહે છે કે, "કબજિયાતના અંગે આપણે દર્દીને પૂછવું પડે કે તેને ખરેખર શું તકલીફ પડે છે. ઘણા લોકો કઠણ ઝાડા ઊતરે એને અને ઘણા ઝાડા ઊતરે જ નહીં એને કબજિયાત ગણે છે."
"ઘણાને ઝાડા ઊતરતા હોય, પરંતુ પેટ સાફ ન થતું હોય એવું અનુભવાતું હોય તેને કબજિયાત ગણે છે."
તેઓ કહે છે કે વર્ષો જૂની કબજિયાત હોય તો એ સામાન્ય રીતે શરીરની પ્રકૃતિ હોય છે, પરંતુ અમુક ઉંમર પછી, ખાસ કરીને 50 વર્ષની ઉંમર પછી નવી કબજિયાત ઊભી થાય, જેમ કે મળત્યાગ વખતે જોર કરવું પડે, અથવા મળમાં લોહી નીકળે તો આવી સ્થિતિમાં શરીરમાં કોઈ બીમારી હોવાની સંભાવના હોય છે.
કબજિયાતનાં કારણો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "આંતરડાંમાં કોઈ બીમારી થઈ હોય, મસા થયા હોય, કોઈ ગાંઠ થઈ હોય તો પણ આવી કબજિયાત થતી હોય છે."
તેઓ કહે છે કે આ સિવાય થાઇરૉઇડ અને ડાયાબિટીસના દર્દીઓને આ પ્રકારની કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.
"બેઠાડું જીવન અને કોઈક રોગને કારણે જેઓ હરવા-ફરવા માટે અક્ષમ બન્યા હોય તેવી વ્યક્તિઓને પણ કબજિયાત થવાની શક્યતા વધી જાય છે."
અમદાવાદના પૂર્વ વિસ્તારના જાણીતા એમડી ડૉક્ટર મુકેશ ચૌધરી કબજિયાતની સામાન્ય વ્યાખ્યા અંગે વાત કરતાં કહે છે કે, "મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે, જોર લગાડવું પડે, પેટ સાફ ન થયું હોય તેવું અથવા સામાન્ય કરતાં વધુ સમય લાગે ત્યારે તેને કબજિયાત કહી શકાય. સાદા શબ્દોમાં કહીએ તો મળત્યાગની પ્રક્રિયા સામાન્યને બદલે મુશ્કેલીભરી અને અનિયમિત બને તો તેને કબજિયાત કહે છે."
તેઓ કહે છે કે, "મોટી ઉંમરની વ્યક્તિઓને કબજિતાની સમસ્યા થવાનું વધુ જોખમ હોય છે. સામાન્ય રીતે મળત્યાગની નિયમિતતા માટે આંતરડાંની મૂવમેન્ટ જવાબદાર હોય છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ મૂવમેન્ટ સંબંધિત સમસ્યાઓ સર્જાવાની શક્યતા વધુ હોય છે. તેથી તેમને વધુ જોખમ રહેલું હોય છે."
આ સિવાય તેઓ કહે છે કે અમુક વખત કબજિયાત અમુક પ્રકારના ચેપ કે ઇન્ફેક્શનને કારણે પણ થતી હોય છે.
કબજિયાતના ઉપાયો
કબજિયાતના ઉપાયો સૂચવતા ગેસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ ડૉ. કૌશલ વ્યાસ કહે છે કે, "કબજિયાત થાય તો સૌથી પહેલાં તો દર્દીને જીવનશૈલીમાં બદલાવ લાવવાની સલાહ અપાય છે. દર્દીને સૌપ્રથમ તો પાણી અને અન્ય લિક્વિડ વધુ પ્રમાણમાં લેવાનું કહેવાય છે. એ બાદ ભોજનમાં વધુ ફાઇબર (ઓછામાં ઓછું 40 ગ્રામ) સામેલ કરવાની સલાહ અપાય છે."
"આ સિવાય બેઠાડું જીવન કે ઓછી હલનચલનવાળું જીવન ધરાવતા લોકોને ચાલવા-ફરવાની, યોગ કરવાની કે શારીરિક ઍક્ટિવિટી કરવાની સલાહ અપાય છે."
તેઓ કહે છે કે જો ઉપરોક્ત ઉપાયોથી પણ જો સુધારો ન આવે તો દવા આપવાની શરૂઆત કરાય છે.
"શરૂઆતમાં બલ્ક ફૉર્મિંગ એજન્ટ્સવાળી દવાઓ દર્દીને અપાય છે, તેમાં ઇસબગુલ જેવી સાદી દવાઓ અપાતી હોય છે. જો તેનાથી પણ લાભ ન થાય તો તેની અન્ય દવાઓ અને સિરપ આપવામાં આવે છે, પરંતુ આ દવાઓ આપવામાં આપણે દર્દીની સ્થિતિ, તેને થયેલા અન્ય રોગો અને કબજિયાતનું કારણ શોધીને તેની દવા થતી હોય છે."
ડૉ. કૌશલ વ્યાસ કહે છે કે, "દરેક દર્દી પર એક જ પ્રકારની કબજિયાતની દવાઓ કામ કરે તેવું મનાતું નથી. ઘણા દર્દી કબજિયાતના ઉપાય માટે બજારમાં ઉપલબ્ધ ચૂરણ કે અન્ય સાદા ઇલાજો અપનાવતા હોય છે, પરંતુ તેનાથી અમુક દર્દીઓને ફાયદો થાય અને અમુકને પણ થાય એવું બને. તેમજ કેટલાક કિસ્સામાં લાંબા ગાળે નુકસાન પણ થતું હોય છે."
શું દરરોજ મળત્યાગ થાય એ જરૂરી છે?
ઘણા લોકો દરરોજ મળત્યાગની ક્રિયાને અનિવાર્ય માનતા હોય છે. દિવસમાં એકેય વાર મળત્યાગ ન થાય તો તેને અસામાન્ય બાબત ગણતા હોય છે.
આ અંગે ડૉ. કૌશલ વ્યાસ કહે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશો પ્રમાણે અઠવાડિયામાં ત્રણ વાર કે દિવસમાં ત્રણ વાર મળત્યાગને સામાન્ય ગણવામાં આવે છે. આટલી ફ્રિક્વન્સીને કોઈ પણ પ્રકારના રોગ સાથે સાંકળીને જોવામાં આવતી નથી.
તેઓ આગળ કહે છે કે, "પરંતુ આપણે ત્યાં સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે જો દરરોજ પેટ સાફ ન થાય તો તેને કબજિયાત માની લેવામાં આવે છે. આ જરૂરિયાત નહીં, પરંતુ માનસિકતા હોય છે. આપણા અહીંની સંસ્કૃતિમાં આ વાત વણાઈ ચૂકી છે. આમ, દરરોજ પેટ સાફ ન થાય તો પણ એ કબજિયાત જ હોય એ જરૂરી નથી."
જાણીજોઈને મળત્યાગ રોકો ત્યારે શું થાય?
ઘણી વખત ઉતાવળ કે કોઈ સામાજિક સ્થિતિને કારણે ઘણા લોકો મળત્યાગ રોકતા હોય છે.
ઘણા લોકો આવું વારંવાર પણ કરે છે, પણ આવું કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ અવળી અસર પડે ખરી?
આ સવાલના જવાબમાં ડૉ. કૌશલ કહે છે કે, "જો જાણીજોઈને મળત્યાગ કરવાનું વારંવાર રોકવામાં આવે તો તેનાથી લાંબા ગાળે કબજિયાત થવાનું જોખમ રહેલું છે. તેમજ પેટને લગતો રોગ પણ થઈ શકે."
"આવું કરવાથી જ્યારે તમારે સામાન્યપણે મળત્યાગ કરવાની જરૂર હોય ત્યારે મળત્યાગ ન થાય અથવા વધુ વાર લાગે એવું પણ બને."
તેઓ કહે છે કે અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે નાનાં બાળકોમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે.
"નાનાં બાળકો સહિત સવારે વહેલા કામે જતા લોકો અને સ્કૂલમાં કે કામના સ્થળે મળત્યાગ માટે ન જવા માગતા હોય તેવા લોકો ઘણી વાર જાણીજોઈને મળત્યાગ લાંબા સમય માટે અટકાવી રાખે છે. જો આવું નિયમિતપણે થતું હોય તો તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે."
ડૉ. કૌશલ કહે છે કે સામાન્ય રીતે સ્થિતિને અનુકૂળ એકાદ કલાક સુધી મળત્યાગ રોકવો એ સામાન્ય મનાય છે, પરંતુ વારંવાર આવું કરવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ડૉ. ચૌધરી કહે છે કે, "એકાદ વખત પરિસ્થિતિને જોતાં મળત્યાગ રોકવામાં આવે તો સામાન્યપણે કોઈ હાનિ નથી થતી. પરંતુ વધુ પડતા સમય સુધી મળત્યાગ રોકવામાં આવે તો મળ વધુ કઠણ બની શકે છે. તેના કારણે મળત્યાગમાં વધુ જોર કરવું પડે અને તેના લીધે મસા કે મળમાર્ગમાં ચીરા પડવા જેવી સમસ્યા થઈ શકે છે."
(નોંધ: આ લેખ માત્ર સામાન્ય સમજણ માટે છે. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો સૌથી ઉત્તમ વિકલ્પ છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન