ટૉઇલેટ સીટ તમને કેવી રીતે બીમાર કરી શકે, મળત્યાગ સમયે શું ધ્યાન રાખવું જોઈએ?

    • લેેખક, સોફિયા ક્વાગ્લિયા
    • પદ, બીબીસી

કોઈ અન્ય લોકોએ ઉપયોગ કર્યો હોય એવી શૌચાલય સીટ પર બેસતા પહેલાં તમે વિચારતા હશો કે રોગ ફેલાવતા કિટાણુ બાથરૂમમાં કેટલો સમય જીવંત રહેતા હશે?

સાર્વજનિક શૌચાલયમાં પગ મૂકીએ ત્યારે તો ઘણાને ખચકાટની અનુભૂતિ થાય છે.

શૌચાલયની સીટ અને ફ્લોર પર મૂત્રના છાંટા જોવા, જોરદાર દુર્ગંધ... આ બધું વાસ્તવમાં તમારી ઇન્દ્રિયો પર હુમલો કરી શકે છે.

તમે કોણી વડે શૌચાલયનો દરવાજો ખોલી શકો, પગ વડે ફ્લશ કરી શકો અથવા શૌચાલયની આખી સીટ પર પેપર લપેટી શકો, પરંતુ સવાલ એ છે કે ટૉઇલેટ સીટ પર બેસવાથી બીમારી થઈ શકે?

શૌચાલયમાં કોઈ ચીજને સીધો સ્પર્શ નહીં કરવા માટે લોકો જે તિકડમ કરે છે તે તદ્દન બિનજરૂરી છે?

માઇક્રોબાયૉલૉજિસ્ટ્સ આ બાબતે શું કહે છે? આવો, જાણીએ.

ટૉઇલેટ સીટથી કેવી બીમારી થઈ શકે?

સાઉથ ફ્લોરિડા યુનિવર્સિટીમાં સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુક્ષ્મ જીવવિજ્ઞાનનાં પ્રોફસર જિલ રૉબર્ટ્સ કહે છે, "હા (શૌચાલયની સીટ પર બેસવાથી બીમારી થઈ શકે), પરંતુ તેની શક્યતા બહુ ઓછી હોય છે."

સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડીસીઝ(એસટીડી)ની વાત કરીએ. ગોનોરિયાથી માંડીને ક્લેમાઈડિયા સુધીના રોગોનું કારણ બનતા મોટા ભાગના બૅક્ટેરિયા તથા વાઇરસ કોઈ જીવંત પ્રાણીના શરીરની બહાર લાંબો સમય જીવંત રહી શકતા નથી. તેથી ટૉઇલેટ સીટ જેવી ઠંડી, સખત સપાટી પર તેમનું લાંબો સમય જીવંત રહેવું એ બહુ દૂરની વાત છે.

આ જ કારણસર એવું માનવામાં આવે છે કે મોટા ભાગના એસટીડી જનનાંગોના પ્રત્યક્ષ સ્પર્શ અને તરલ શારીરિક પદાર્થોના આદાનપ્રદાન મારફતે જ ફેલાય છે.

જિલ રૉબર્ટ્સ કહે છે, "કોઈ વ્યક્તિનો તરલ શારીરિક પદાર્થ કોઈ અન્ય વ્યક્તિનાં જનનાંગોમાં હાથ કે ટૉઇલેટ પેપર મારફત તુરંત સ્થાનાંતરિત થાય તો તે કમનસીબી હશે."

તેથી સાવચેતી રાખવી, વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવી અને દૂષિત શૌચાલયોના ઉપયોગથી છેટા રહેવું એ સારી વાત છે, પરંતુ આ કોઈ એવી બાબત નથી, જેનાથી તમારી ઊંઘ હરામ થઈ જવી જોઈએ.

જિલ રૉબર્ટ્સના કહેવા મુજબ, શૌચાલયની સીટ પર બેસવાથી રક્તજનિત બીમારી થવાની શક્યતા નથી.

તેઓ કહે છે, "સૌથી પહેલાં તો શૌચાલયની સીટ પર કોઈનું લોહી જોવા મળે તો તેનાથી દૂર રહેવું જોઈએ, પરંતુ યૌન ક્રિયા કે દૂષિત સોયથી ઇન્જેક્શન લેવા સિવાય કોઈ પણ કીટાણુ તમારા શરીરમાં માત્ર રક્તના માધ્યમથી જ ફેલાય છે. અન્ય કોઈ સ્થિતિમાં તે તમારા શરીરમાં પ્રવેશી શકતાં નથી."

"કોઈ અન્યની શૌચાલય શીટ પરથી તમને મુત્રમાર્ગમાં ચેપ (યુટીઆઈ) લાગવો લગભગ અશક્ય છે," એમ કહેતાં જિલ રૉબર્ટ્સ ઉમેરે છે, "સફાઈ કરતી વખતે મળ તમારા જનનાંગની બહુ નજીક જવાની શક્યતા વધારે હોય છે. તેનાથી યુટીઆઈ થઈ શકે છે."

અલબત્ત, દીર્ઘકાલીન યૌન સંચારિત રોગના મામલામાં કેટલાક અપવાદ છે, કારણ કે માનવ પેપિલોમા વાઇરસ (એચપીવી) વિવિધ સપાટી પર એક સપ્તાહ સુધી જીવંત રહી શકે છે.

અમેરિકાના નેવાડાની ટોરો યુનિવર્સિટીમાં માઇક્રોબાયૉલૉજી અને ઇમ્યુનૉલૉજીનાં પ્રોફસર કેરેન ડોસ કહે છે, "આવા વાઇરસ બહુ નાના હોય છે અને તેના પ્રોટીન આવરણ બહુ મજબૂત હોય છે, જે તેમને લાંબા સમય સુધી જીવંત રહેવામાં મદદ કરે છે."

કેરેન ડોસનું કહેવું છે કે એચપીવીના કિસ્સામાં હેન્ડ સેનિટાઇઝર પણ ઉપયોગી થતું નથી. તેના કઠોર, સુરક્ષાત્મક પ્રોટિન આવારણને નષ્ટ કરવા માટે 10 ટકા બ્લિચની જરૂર પડે છે.

જોકે, તમારા શરીરે ઘા પડ્યા હોય કે ઉઝરડા હોય ત્યારે તમે કોઈ દૂષિત ટૉઇલેટ સીટ પર બેસો તો તમારા શરીરમાં આ વાઇરસ પ્રવેશી શકે છે.

શૌચાલયની સીટને ઢાંકી દેવી જોઈએ કે તેને સ્પર્શવું ન જોઈએ?

એચપીવી સામાન્ય રીતે યૌનક્રિયા દરમિયાન ત્વચાથી ત્વચાના સંપર્કના માધ્યમથી જ ફેલાય છે.

અમેરિકાની ઑનલાઇન સ્વાસ્થ્ય સેવા કંપની ટ્રીટેડ ડોટ કૉમના ક્લિનિકલ પ્રેસિડેન્ટ ડેનિયલ એટકિન્સનનું કહેવું છે કે જેનિટલ હર્પિસ નામના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ, સૈદ્ધાંતિક રીતે, શૌચાલયની સીટ પર વાઇરસ છોડી શકે છે અને બાદમાં એ ટૉઇલેટ સીટનો ઉપયોગ કરનાર વ્યક્તિ માટે જોખમ સર્જી શકે છે. ખાસ કરીને બીજી વ્યક્તિની ત્વચા ક્ષતિગ્રસ્ત હોય કે તેની પ્રતિરક્ષા પ્રણાલી નબળી હોય તો.

અલબત્ત, એટકિન્સનનું કહેવું છે કે "આમ થવું અશક્ય છે."

સવાલ એ થાય કે શૌચાલયની સીટને ઢાંકી દેવી જોઈએ કે તેને સ્પર્શવું ન જોઈએ?

સાર્વજનિક શૌચાલયની સીટ પર બેસતાં પહેલાં તેને કાગળથી ઢાંકવી અથવા ટૉઇલેટ સીટ કવરનો ઉપયોગ કરવો તે પબ્લિક ટૉઇલેટના ઉપયોગની સૌથી સ્વચ્છ રીત હોઈ શકે.

જોકે, ટૉઇલેટ પેપર કે ટૉઇલેટ સીટ કવર તમને કિટાણુઓથી બચાવી નહીં શકે.

તેનું કારણ એ છે કે આ બધા છિદ્રયુક્ત પદાર્થોથી બનેલા હોય છે. તેથી એ કિટાણુઓને તમારા જનનાંગોમાં પ્રવેશ કરતા કે તેને સ્પર્શતા અટકાવી શકતા નથી.

અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વેક્સનર મેડિકલ સેન્ટરમાં ઉદર સ્વાસ્થ્યનાં ક્લિનિકલ નિષ્ણાત સ્ટેફની બોબિંગરના જણાવ્યા અનુસાર, શૌચ કરતી વખતે શ્વાસ રોકી રાખવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે.

મહિલાઓ પેશાબ કરવા માટે શૌચાલયની સીટ પર બેસે છે ત્યારે તેઓ પેલ્વિક ફ્લૉર અને પેલ્વિક ગર્ડલની માંસપેશીઓને કડક કરી લે છે. તેનાથી મૂત્રાશયમાંથી મૂત્ર સરળતાથી નીકળી શકતું નથી. એટલે વધારે અને બિનજરૂરી પ્રેશર કરવું પડે છે.

તેનો અર્થ એ પણ થાય કે મહિલાઓ આ પ્રક્રિયામાં તેમનું મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી કરી શકતી નથી. તેથી ક્યારેક મૂત્રમાર્ગમાં ચેપની સમસ્યા સર્જાઈ શકે છે.

અસલી સમસ્યા શું છે?

બાથરૂમમાં બીમારીનો ખતરો સામાન્ય રીતે તમારા જનનાંગોના ટૉઇલેટ સીટના સંપર્કમાં આવવાથી સર્જાતો નથી.

જિલ રૉબર્ટ્સ કહે છે, "વાસ્તવમાં તમે હાથ વડે શૌચાલયની સીટને સ્પર્શ કરો અથવા તમારા કે અન્ય લોકોના તરલ શારીરિક પદાર્થના સુક્ષ્મ કણોથી બૅક્ટેરિયા કે વાઇરસ લાગવાને કારણે આવું થાય છે. તમે એ ગંદા હાથ વડે તમારા ચહેરા અને મોંને પણ સ્પર્શ કરો છો."

"જોખમ તમારા શરીરને નહીં, પણ તમારા હાથ અને મોં માટે સર્જાય છે," જિલ રૉબર્ટ્સ ઉમેરે છે.

શૌચાલયની સીટ પર મળમાંથી ફેંકાયેલા એસ્ચેરિચિયા કોલી, સાલ્મોનેલા, શિગેલા, સ્ટેફિલોફોક્સ કે સ્ટ્રેપ્ટોકોકસ જેવા કિટાણુઓ હોઈ શકે છે. તે ગળી જવાય તો ઊબકાં, ઊલટી અને ઝાડા જેવી તકલીફો થઈ શકે છે.

નોરોવાઇરસ મળમાં પણ મળી આવે છે. તે અત્યંત ચેપી રોગાણુથી દૂષિત સપાટી, ભોજન કે પીણાના માધ્યમથી અથવા કોઈ બીમાર વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી આસાનીથી ફેલાઈ શકે છે.

તે અત્યંત પ્રતિરોધક હોય છે. કેટલીક સપાટી પર તે બે મહિના સુધી જીવંત રહી શકે છે અને તેની બહુ થોડી માત્રા પણ કોઈને બહુ બીમાર કરી શકે છે. આ વાઇરસના 10થી 100 કણ પણ કોઈને ચેપ લગાડવા માટે પૂરતાં હોવાનું માનવામાં આવે છે.

એક અભ્યાસના અનુમાન મુજબ, બાથરૂમમાં દૂષિત સપાટીને સ્પર્શવાથી, કોરોના વાઇરસ અને એડેનો વાઇરસનું કારણ બનતા રોગાણુઓને બદલે, નોરો વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. ચેપ લાગે એ વ્યક્તિમાં શરદી કે ફ્લુ જેવાં લક્ષણો જોવાં મળે છે. વૃદ્ધ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર રોગનું કારણ બને છે.

તેમ છતાં, આ પદ્ધતિ એટલે કે ટૉઇલેટ સીટ બીમાર થવાનું વાસ્તવિક જોખમ ઘટાડી શકે છે.

જિલ રૉબર્ટ્સ કહે છે, "બાથરૂમ તો પ્રાચીન કાળથી જ દૂષિત થતા નથી, કારણ કે તેને નિયમિત રીતે સાફ કરવામાં આવે છે."

તેમના કહેવા મુજબ, તેમના માઇક્રોબાયૉલૉજીના વિદ્યાર્થીઓ વિવિધ પર્યાવરણીય સપાટીઓ પરથી જે બૅક્ટેરિયા એકત્ર કરે છે તેનું પ્રમાણ એક ટૉઇલેટની સરખામણીએ ઘણું બધું વધારે હોય છે.

અમેરિકાની એરિઝોના યુનિવર્સિટીના વિષાણુ વિજ્ઞાનના પ્રોફેસર ચાર્લ્સ ગેર્બા કહે છે, "અમેરિકામાં જાહેર શૌચાલયોની સરખામણીએ ઘરેલુ શૌચાલયોમાં વધારે કિટાણુ હોય છે, એવું અમને એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું."

ગેર્બાના સર્વેક્ષણના તારણ અનુસાર, મોટાં ભાગનાં સ્થળોએ સફાઈ કર્મચારીઓ દિવસમાં અનેક વખત જાહેર શૌચાલયોની સફાઈ કરતા હોય છે, જ્યારે કે મોટાં ભાગનાં ઘરોમાં બાથરૂમની સફાઈ સપ્તાહમાં માત્ર એક વખત કરવામાં આવતી હોય છે.

ગેર્બાના જણાવ્યા મુજબ, ઘરના બાથરૂમની સફાઈ દર ત્રણ દિવસે તો કરવી જ જોઈએ.

ટૉઇલેટમાં શું સાવધાની રાખવી જોઈએ?

મોટા ભાગના લોકો અપેક્ષા કરતાં વધારે વખત હાથ ધોતા હોય છે તેમ છતાં, શૌચાલયના ઉપયોગ બાદ હાથ મોંમાં ન નાખવામાં આવે એવી આશા રાખવામાં આવે છે.

જોકે, બાથરૂમમાંથી એક અન્ય રીતે પણ બીમારી થઈ શકે છે.

તમે શૌચાલય ફ્લશ કરો ત્યારે બાઉલની અંદર રહેલા કીટાણુ હવા મારફતે સમગ્ર બાથરૂમમાં ફેલાઈ જાય છે. તમે ત્યાં હો તો તમારા પર પણ તે ચોંટી શકે છે.

ગાણિતિક મૉડલો દર્શાવે છે કે શૌચાલયના બાઉલમાં રહેલા 40થી 60 ટકા કણો પર્યાવરણમાં ફેલાઈ શકે છે.

ચાર્લ્સ ગેર્બા કહે છે, "કેટલાક લોકો તેને શૌચાલયની છીંક કહે છે."

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ક્લોસ્ટ્રીડિયમ ડિસિફાઈલ નામના જીવાણુ ચિકિત્સા જગતમાં સામાન્ય છે અને તેનો પર્યાવરણમાંથી સંપૂર્ણ સફાયો કરવો બહુ મુશ્કેલ છે. આ જીવાણુ શૌચાલયને ફ્લશ કર્યા પછી હવામાં દૂર સુધી ફેલાઈ શકે છે.

તે શ્વાસ મારફત શરીરમાં પણ પ્રવેશી શકે છે.

ચાર્લ્સ ગેર્બાનું કહેવું છે કે આ જોખમ શૌચાલયની સીટને જ લાગુ પડતું નથી. તે શૌચાલયનાં ઢાંકણાં, દરવાજાનાં હેન્ડલ, શૌચાલયના ફ્લશ, સિંકનાં હેન્ડલ અને નેપ્કિનના દંડા પર પણ હોઈ શકે છે. હેન્ડલ, ફ્લશ અને નેપ્કિનના દંડાને આપણે હાથથી સ્પર્શતા હોઈએ છીએ.

તેમનું કહેવું છે કે "સૌથી વધુ કીટાણુઓવાળી જગ્યા" વાસ્તવમાં ટૉઇલેટ ફ્લૉર હોય છે.

વધારાના રોગ પેદા કરતા કીટાણુ કે રોગાણુ સામાન્ય રીતે બાથરૂમમાં મોજુદ હોય છે. તે મળ-મૂત્રથી પેદા થયેલા હોય એવું જરૂરી નથી. તે છીંકવાથી અને ખાંસવાથી પણ ફેલાઈ શકે છે. દાખલા તરીકે, ફ્લુનો વાઇરસ ક્યારેક બાથરૂમની સપાટી પરથી પણ મળી આવતો હોય છે.

શૌચાલયની બીમારીઓથી કેવી રીતે બચી શકાય?

ઘર હોય કે જાહેર શૌચાલય હોય, તેમાં કોઈ પણ પ્રકારની ગંદકીથી બચવા માટે તમે કેટલાંક સામાન્ય પગલાં લઈ શકો છો.

બ્રિટનની લોફબોરો યુનિવર્સિટીમાં વોટર સેનિટેશન એન્જિનિયર એલિઝાબેથ પેડી સલાહ આપે છે કે શક્ય હોય તેટલું સ્પર્શ કરવાથી દૂર રહેવું જોઈએ.

તેમનું કહેવું છે કે શૌચાલય નિર્માતાઓએ સ્પર્શ રહિત ફ્લશિંગ સિસ્ટમ, સોપ ડિસ્પેન્સર, હેન્ડ ડ્રાયર વગેરે ડિઝાઇન કરવા જોઈએ, જેથી બાથરૂમને સલામત બનાવી શકાય.

ચાર્લ્સ ગેર્બાનું કહેવું છે કે ફ્લશ કરતાં પહેલાં કમોડનું ઢાંકણ બંધ કરવું તે કીટાણુઓને શૌચાલયની બહાર જતા રોકવા માટે બહેતર વિકલ્પ છે, પરંતુ "ઢાંકણ બંધ કરવા કે ખોલવાથી કોઈ ખાસ ફરક પડતો નથી."

ચાર્લ્સ ગેર્બાએ 2024માં કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે શૌચાલયના રજકણોમાંનો વાઇરસ ઢાંકણ બંધ કરવા છતાં કિનારા પરથી બહાર નીકળી શકે છે. તેનું કારણ એ છે કે ઢાંકણ શૌચાલયની સીટ પર સંપૂર્ણપણે ફિટ થતાં નથી અને જાહેર શૌચાલયોમાં પાણીના ઓછા વપરાશ માટે વધારે પ્રેશરવાળા ફ્લશ હોય છે.

વાસ્તવમાં એલિઝાબેથ પેડીનું માનવું છે કે બાથરૂમ નિર્માતાઓએ શૌચાલયોમાંથી ઢાંકણ સંપૂર્ણપણે હઠાવી દેવા જોઈએ. જેથી લોકો ઢાંકણને તથા ફરી ભૂલથી શૌચાલયની સીટને સ્પર્શવાથી બચી શકે.

એલિઝાબેથ પેડી કહે છે, "આ સંદર્ભે વધારે અસરકારક ઉપાય કરી શકાય. શૌચાલયના બાઉલ સામે એક ઢાલ બનાવી શકાય, જે બાઉલ અને સીટ વચ્ચે અવરોધનું કામ કરી શકે."

બાથરૂમની હવા અને ફ્લૉરને સાફ કરવામાં અસરકારક સાબિત થયેલા તેમજ શૌચાલયની છીંકને કારણે ફેલાતા કીટાણુઓના સામનામાં મદદરૂપ થતા એર સ્પ્રે પણ ઉપલબ્ધ છે.

બીજો વિકલ્પ ફ્લશ કરીને તરત જ શૌચાલયની બહાર નીકળી જવાનો છે. ચાર્લ્સ ગેર્બા કહે છે, "હું સામાન્ય રીતે ફ્લશ કરીને ભાગી જાઉં છું."

જાહેર શૌચાલયનો ઉપયોગ એક વ્યક્તિ કરે પછી બીજી વ્યક્તિએ તેનો ઉપયોગ કરતાં પહેલાં 10 મિનિટ પ્રતિક્ષા કરવી જોઈએ.

જિલ રૉબર્ટ્સ કહે છે, "ટૉઇલેટમાં ફોનનો ઉપયોગ કરશો નહીં. તમે તમારો ફોન દરેક જગ્યાએ સાથે રાખતા હો છો, તેને સતત સ્પર્શ કરતા હો છો. તેથી એ પહેલાંથી જ ગંદો હોય છે."

તમે શૌચાલયમાં ફોન લઈને જાઓ તો ત્યાં મોજુદ કિટાણુઓ તેના પર ચોંટવાની શક્યતા રહે છે. હાથ ધોયા પછી પણ તમે એ ફોનને તો સાથે જ રાખો છો.

ચાર્લ્સ ગેર્બાના કહેવા મુજબ, સૌથી આસાન રીત બાથરૂમના ઉપયોગ બાદ તરત જ પોતાના હાથ ધોઈ લેવાની છે. અમેરિકાનું રોગ નિયંત્રણ કેન્દ્ર તો 20 સેકન્ડ સુધી હાથ ધોવાની સલાહ આપે છે.

ચાર્લ્સ ગેર્બા કહે છે, "પાંચમાંથી એક જ વ્યક્તિ પોતાના હાથ યોગ્ય રીતે ધોતી હોય છે. તેથી જાહેર શૌચાલયમાંથી કોઈ બીમારીથી બચવા માટે હાથ જરૂર ધોવા જોઈએ."

એ ઉપરાંત હેન્ડ સેનિટાઇઝર પણ લગાવવું જોઈએ, કારણ કે આ સંયોજન માત્ર હાથ ધોવાની સરખામણીએ વધારે સલામતીભર્યું છે.

શૌચાલયમાં છુપાયેલા કીટાણુઓથી બહુ ડરતા રહેવું જરૂરી નથી, કારણ કે તમે વિચારો છો એટલો મોટો આ ખતરો નથી.

(ખાસ નોંધઃ આ લેખમાંની માહિતી માત્ર જાણકારીના હેતુસર આપવામાં આવી છે અને તે તમારા ડૉક્ટર કે અન્ય કોઈ મેડિકલ પ્રોફેશનલની સલાહનો વિકલ્પ નથી. તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ચિંતિત હો તો હંમેશાં તમારા ડૉક્ટરની સલાહ લો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન