મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે? સરળતાથી મળત્યાગ કરવા માટે અપનાવો આ 4 ટિપ્સ

    • લેેખક, રાફેલ અબુચૈબે
    • પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો

ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ જુલિયાના સુઆરેઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું એ પછી એક મોટી સમસ્યા તેમના ધ્યાનમાં આવી હતી. તે સમસ્યા એ હતી કે લોકો તેમના પાચનતંત્રની કામગીરી વિશે વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે.

ડૉ. જુલિયાનાએ બીબીસીને કહ્યું હતું, "લોકો માને છે કે તે શરમજનક છે. તેઓ તેનાં લક્ષણો વિશે વાત કરવામાં ખચકાતા હોય છે."

"મેં ગૅસ્ટ્રાઈટિસ, હેપેટાઈટિસ, સ્વાદુપિંડના સોજા અને રિફ્લક્સ જેવી ઘણી સમસ્યાઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકો તો ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ શબ્દનો ઉચ્ચાર પણ યોગ્ય રીતે કરી શકતા ન હતા."

કોલંબિયાનાં આ નિષ્ણાતે ઉમેર્યું હતું, "પછી મેં મળ વિશે વાત કરવાનું શરૂ કર્યું. લોકો સરળતાથી સમજી શકે એવી રીતે મેં માહિતી આપી હતી. લોકો મને ડૉ. પૂપ કહેતા."

ડૉ. જુલિયાના સુઆરેઝ ત્યારથી પાચનતંત્ર કેવી રીતે કામ કરે છે તેના વિશે અને મળ-મૂત્ર વિશે મહત્ત્વપૂર્ણ માહિતી શૅર કરવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ (@ladoctorapopo_) નો ઉપયોગ કરી રહ્યાં છે.

તેમણે 'ધ આર્ટ ઓફ પૂપિંગઃ હેલ્ધી ડાયજેશન, અ હેપ્પી લાઇફ' નામની એક ઇ-બૂક પણ પ્રકાશિત કરી છે.

તેમણે કહ્યું હતું, "આપણે બાળક હોઈએ ત્યારે મળ-મૂત્રથી ઍલર્જી થવાની શક્યતા હોય છે, પરંતુ પુખ્ત વયના લોકો તરીકે આપણી પાસે તેના વિશે વાત કરવાની મોકળાશ હોય છે."

લોકો તેમના પાચનતંત્ર સંબંધે જે મુખ્ય ભૂલો કરે છે તેના વિશે અને આંતરડાનું સ્વાસ્થ્ય જાળવી રાખવાની ટિપ્સ વિશે બીબીસી સાથે વાત કરી હતી.

યોગ્ય આહાર

'ચમત્કારિક આહાર'ના સંદર્ભ સાથે આપણા પર ટેલિવિઝન, સામયિકો અને સોશિયલ મીડિયા પરથી માહિતીનો બૉમ્બમારો સતત કરવામાં આવે છે. એ સામગ્રી આપણા આહારમાંથી ચોક્કસ ખોરાકને દૂર કરીને વજન ઘટાડવામાં મદદ કરવાનું વચન આપે છે.

જોકે, જુલિયાના તેની વિરુદ્ધની સલાહ આપે છેઃ "હું લોકોને કહું છું કે માત્ર ખોરાક જ સમસ્યા નથી. દરેક વ્યક્તિના શરીરમાં રહેલા માઇક્રોબ્સ (સુક્ષ્મજીવાણુ) પણ મહત્ત્વપૂર્ણ છે."

આપણું પાચનતંત્ર ઘણા બૅક્ટેરિયાનું ઘર છે. એ બૅક્ટેરિયા આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિઘટનમાં મદદ કરી છે. માઇક્રોઓર્ગેનિઝમ વૈવિધ્યસભર વાતાવરણમાં પાંગરે છે.

તેમના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પરના "સ્વસ્થ આહાર" શોધવાના વર્તમાન ક્રેઝને કારણે ઘણા લોકો તેમના આહારમાંથી ચોક્કસ ખોરાકને દૂર કરી રહ્યા છે, જેનાથી માઇક્રોબાયમ નબળું પડે છે.

તેમણે કહ્યું હતું, "તેનું કારણ દાળ કે ગ્લુટન (ઘઉં કે મકાઈ જેવા ખોરાકમાંનો ચીકણો પદાર્થ) નથી. તેને ખરાબ માનવામાં આવે છે. તેનું કારણ લસણ પણ નથી, પરંતુ એવો ખોરાક છે, જેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર નથી. તણાવ છે અને કસરતનો અભાવ છે, જે આંતરડામાંના માઇક્રોબ્સને અસર કરી શકે છે."

"મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે લોકોએ ફરીથી ખાવાનું શરૂ કરવાની જરૂર છે, પરંતુ તમે તમારા માઇક્રોબાયમને ધીમે ધીમે જ સમાયોજિત કરી શકો છો."

એ સામગ્રીને આહારમાં ઉમેરતાં પહેલાં તેઓ કુદરતી ખોરાકના પ્રયોગ કરવાની ભલામણ કરે છેઃ "આહારમાં ડેરી પ્રોડક્ટ્સ, વધુ ફળો, શાકભાજી, કઠોળ, બદામ વગેરેનો સમાવેશ કરવો જોઈએ."

સ્વસ્થ જીવન જીવો, સ્વસ્થ આહાર પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત ન કરો

જુલિયાના સુઆરેઝના જણાવ્યા અનુસાર, આપણે જે ખોરાક ખાઈએ છે તેના વિઘટન ઉપરાંત આ માઇક્રોબ્સ આપણા શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓને પણ નિયંત્રિત કરે છે.

તેનો અર્થ એ થાય કે માઇક્રોબ્સ આપણા મૂડથી લઈને આપણી રોગપ્રતિકારક શક્તિ સુધીની દરેક બાબતને નિયંત્રિત કરે છે. જુલિયાના જણાવે છે કે આ માઇક્રોબ્સ આપણી સુખાકારીનો પાયો છે.

તેમણે કહ્યું હતું, "માઇક્રોબ્સ ચયાપચય સ્વાસ્થ્ય, હોર્મોનલ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્યનું નિયમન કરે છે. માઇક્રોબ્સ સારી રીતે પાંગરે એ માટે ખૂબ પ્રોસેસ્ડ નહીં, પરંતુ મુખ્યત્વે રેસાવાળો ખોરાક ખાવો જોઈએ."

માઇક્રોબ્સ જે વાતાવરણમાં રહે છે તે આપણા જીવનમાંના તણાવ, લાંબા સમય સુધી ઍન્ટીબાયોટિક્સ ઉપચાર અને બેઠાડું જીવનશૈલી જેવા ઘણા પરિબળો પ્રત્યે સંવેદનશીલ હોય છે.

"વૈવિધ્યસભર માઇક્રોબાયમ ધરાવતા લોકોનું પાચનતંત્ર મજબૂત હોય છે. તેઓ વિવિધ પ્રકારનો ખોરાક ખાય છે અને પૂરતી ઊંઘ લેતા હોય છે."

જુલિયાના સુઆરેઝ માને છે કે શું ખાવું અને શું ન ખાવું તેના પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉચાટ સર્જાઈ શકે છે. ખોરાકનો આનંદ માણવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

"મુદ્દો આદર્શ આહારનો નથી, શ્રેષ્ઠ ખોરાકની પસંદગીનો છે અને અપાવાદો માટે કાયમ મોકળાશ હોવી જોઈએ."

તેમના કહેવા મુજબ, તેમના ઘણા દર્દીઓના આંતરડાના માઇક્રોબાયોટામાં ગંભીર ખામી જોવા મળી છે. "તેઓ ચિકન સાથે ગાજર ખાય છે, કારણ કે બાકીનું બધું ખતરનાક છે, એવું તેઓ માને છે."

"ખોરાકને કારણે સમસ્યા સર્જાય ત્યારે પાચન મુશ્કેલ બને છે અને તેના કારણે લોકો સોશિયલ મીડિયા તરફ વળે છે, ખોરાકની ટીકા કરે છે. તેનાથી ઉચાટ સર્જાય છે અને લોકો તેમના ખોરાકમાંથી વધુને વધુ સામગ્રી દૂર કરે છે."

હકીકત સમજાય તે પહેલાં લોકો તેમના આહારમાંથી માઇક્રોબ્સ માટે મહત્ત્વપૂર્ણ હોય એવી ઘણી સામગ્રી ત્યજી ચૂક્યા હોય છે.

તત્કાળ શરૂ કરો, ક્યારેય બંધ ન કરો

ડૉ. સુઆરેઝે કહ્યું હતું, "આ પૈકીની ઘણી સમસ્યાઓની શરૂઆત બાળપણથી જ થાય છે."

"બાળકોના વિકાસમાં ટોઇલેટની તાલીમ જેવી ઘણી બાબતો આઘાતજનક હોઈ શકે છે. આહારમાં ફળો અને શાકભાજીનું મહત્ત્વ બાળકોને સમજાવવું આસાન નથી હોતું."

ડૉ. સુઆરેઝ માને છે કે માતાપિતા તેમના સંતાનોને નાનપણથી જ ફળો અને શાકભાજી આહારમાં આપતાં નથી. તે બાળકોને રમકડાંના સ્વરૂપમાં આપવાનો માર્ગ શ્રેષ્ઠ છે.

"દાખલા તરીકે, બાળકો એવોકાડો ખાતા નથી, પરંતુ તમે એવોકાડો વડે રમકડાનું માસ્ક બનાવી શકો. તેનાથી બાળકો એવોકાડોથી પરિચિત થશે અને તેઓ મોટા થશે ત્યારે એવોકાડોનો આહારમાં સમાવેશ કરવાનું તેમના માટે સરળ બનશે."

ડૉ. સુઆરેઝના જણાવ્યા મુજબ, નવી ગંધ, સ્વાદ અને નવા પોતવાળા ખોરાકનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એ જીવનના કોઈ પણ તબક્કે કરી શકાય છે અને તેમણે આવું કર્યું છે.

ડૉ. સુઆરેઝે કહ્યું હતું, "મને રીંગણ ખાવાનું પસંદ નથી, પરંતુ મેં બે વર્ષ પહેલાં જ રીંગણ ખાવાનું શરૂ કર્યું. મને એવોકાડો તો ક્યારેય ગમ્યું નથી, પરંતુ તેના સ્વાદની આદત ન પાડીએ તો એ આપણા આહારમાંથી અદૃશ્ય થઈ જશે."

આવા નવા ખોરાકથી આંતરડાના માઇક્રોબ્સને પરિચિત કરાવીને આપણે આપણી સ્વાદેન્દ્રિયને પણ તાલીમ આપીએ છીએ, એવું તેઓ માને છે.

"માઇક્રોબ્સને આધારે સ્વાદ ઘણો બદલાય છે."

તમારા શરીરને સાંભળો

બધી માહિતી સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં લોકો તેમના શરીર વિશે કેટલું ઓછું જાણે છે અને પ્રશ્નો પૂછવામાં કેટલી અસ્વસ્થતા અનુભવે છે, એ જાણીને ડૉ. સુઆરેઝ આશ્ચર્યચકિત છે.

"જે લોકો યોગ્ય રીતે શૌચ નથી કરતા તેઓ શરીરની સફાઈ વિશે પૂછે છે. એક મનુષ્ય તરીકે આપણા શરીરમાંના અંગો વિવિધ કાર્યો કરે છે. આપણી પાસે કિડની છે, લીવર છે, ફેંફસાં છે. આપણી પાસે આંતરડાંના એવા હિસ્સા છે, જે કચરાનું વ્યવસ્થાપન કરે છે."

"આપણે એ વિશે ન જાણતા હોઈએ તો આપણને એવું ન લાગે કે શરીરને સાફ કરવાની જરૂર છે. તેના બદલે આપણે વધુ ફાઇબરયુક્ત ખોરાક, ફળો અને શાકભાજી ખાઈશું. કસરત કરીશું. પૂરતી ઊંઘ લઈશું અને યોગ્ય રીતે શૌચ કરીશું."

તમારા શરીરને સાંભળો. તેને શું જોઈએ છે એ તમને સૌથી પહેલાં જણાવશે.

"વહેલી સવારે જીમમાં જતા અથવા કામ કરતા અને નાસ્તો ન કરતા ઘણા લોકો જોવા મળે છે. તેથી તેમને મળત્યાગની ઈચ્છા સવારને બદલે ઓફિસમાં ગયા પછી થાય છે, પરંતુ તેઓ "કોઈ ભવાં ચડાવશે" એમ વિચારીને તે ઈચ્છાને દબાવી દે છે."

"આપણને સમજાતું નથી કે પાચનતંત્ર એક ખૂબ જ વિશિષ્ટ નલિકા છે, જે મોં અને ગુદાને જોડે છે. તેના દ્વારા જ પોષક તત્ત્વો શોષાય છે અને કચરો ઉત્પન્ન થાય છે. તમે શરીરમાંનો તે કચરો રોજ કાઢશો નહીં, મળત્યાગ માટે પૂરતો સમય નહીં ફાળવો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો જ પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન