તડકામાં રહેવાથી સ્કિન કૅન્સર થાય? ચામડીનાં કૅન્સરના શરૂઆતનાં લક્ષણોની કેવી રીતે ખબર પડે?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

વિખ્યાત બ્રિટિશ શેફ ગૉર્ડન રામસેએ તાજેતરમાં કહ્યું હતું કે તેમણે સ્કિન કૅન્સરની સારવાર લીધી છે.

તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી બેસલ સેલ કાર્સિનોમા (એક પ્રકારનું નૉન મેલેનોમા કૅન્સર) દૂર કરનારા તબીબોનો આભાર માન્યો હતો.

આ પહેલાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર કૅપ્ટન માઇકલ ક્લાર્કે પણ સ્કિન કૅન્સરની સર્જરી પછીની પોતાની તસવીર શૅર કરી હતી. ક્લાર્ક લોકોને સ્કીન કૅન્સર અંગે જાગૃત કરવાના પ્રયાસો સાથે જોડાયેલા છે.

એક અનુમાન મુજબ, દર વર્ષે સ્કિન કૅન્સરના 15 લાખ નવા કેસ નોંધાય છે. અને આ સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2040 સુધીમાં સ્કિન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે.

ત્યારે જાણો કે સ્કિન કૅન્સરને શરૂઆતથી જ કેવી રીતે ઓળખી શકાય તથા કેવા લોકોની ઉપર તેનું જોખમ વધુ હોય છે.

વિશ્વભરમાં સ્કિન કૅન્સર માટેનું સૌથી મોટું કારણ સૂરજમાંથી નીકળતાં અલ્ટ્રાવાયલેટ કિરણો છે.

સૂર્યનાં આ કિરણો કાર્સિનોજેનિક હોય છે, મતલબ કે તેમાં કૅન્સર પેદા કરી શકે તેવાં તત્ત્વ હોય છે.

દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના (ઍઇમ્સ) ડર્મેટૉલૉજિસ્ટ પ્રોફેસર સોમેશ ગુપ્તાના કહેવા પ્રમાણે, "જે લોકો લાંબા સમય સુધી તડકામાં કામ કરતા હોય, તેમને સ્કિન કૅન્સર થવાનું જોખમ વધારે હોય છે. જ્યારે કોઈ વ્યક્તિના શરીર ઉપર વર્ષો સુધી લાંબા સમય માટે તડકો લાગે, ત્યારે તેને ચામડીનું કૅન્સર થવાનું જોખમ રહે છે."

ખેતર, રમતનું મેદાન કે અન્ય સ્થળોએ ખુલ્લામાં તડકામાં કામ કરનારા લોકો ઉપર સ્કિન કૅન્સરનું જોખમ વધારે હોય છે.

ડૉ. સોમેશ કહે છે, "ગોરો વાન ધરાવનારા લોકોને સ્કિન કૅન્સર થવાનું જોખમ વધારે હોય છે, કારણ કે શ્યામવર્ણી ત્વચા ઉપલા સ્તરેથી જ તડકાને શોષી લે છે અને તે અંદર સુધી પહોંચી નથી શકતી."

"એટલે ઉત્તર ભારતના લોકોની સરખામણીમાં દક્ષિણ ભારતના લોકોને ચામડીનું કૅન્સર થવાનું જોખમ ઓછું હોય છે, કારણ કે તેમની ચામડી ઉત્તર ભારતીયોની સરખામણીમાં થોડી વધુ શામળી હોય છે."

જો આપણી ચામડીને મર્યાદિત પ્રમાણમાં અલ્ટ્રાવાયલેટ કિરણો મળે, તો તેમના કોશ વિટામિન ડી પેદા કરે છે. વધુ સમય સુધી તડકામાં રહીએ તો ચામડી મેલાનિન પેદા કરે છે. આ પ્રક્રિયા હેઠળ ચામડી ટેનિંગ (ત્વચાના રંગમાં બદલાવ) દ્વારા પોતાનું રક્ષણ કરે છે.

ઍઇમ્સ ખાતે ડર્મેટૉલૉજી વિભાગના વડા ડૉ. કૌશલ વર્મા કહે છે, "પહાડી વિસ્તારમાં રહેતા લોકોને પણ ચામડીનું કૅન્સર થવાનું જોખમ વધારે હોય છે, કારણ કે તેઓ વધારે સમય સુધી અને તીવ્ર યૂવી કિરણોના સંસર્ગમાં આવે છે."

"કાશ્મીરમાં શરીરને ગરમ રાખવા માટે કાંગડીનો વ્યાપક ઉપયોગ થતો, જેના કારણે એક સમયે તેનું કૅન્સર વધારે થતું."

મતલબ કે માત્ર સૂર્યપ્રકાશ જ નહીં, લાંબા સમય સુધી આગના સંસર્ગમાં રહેનારા લોકોને પણ સામાન્ય લોકોની સરખામણીમાં ચામડીનું કૅન્સર થવાનું જોખમ વધારે રહેલું હોય છે.

ક્રિકેટર માઇકલ ક્લાર્ક ગોરો વાન ધરાવે છે અને લાંબા સમય સુધી આઉટડોરમાં ક્રિકેટ રમે છે, એટલે તેમના કિસ્સામાં તે સ્પષ્ટપણે જણાઈ આવે છે.

જે દેશોના આકાશમાં ઓઝોન વાયુના સ્તરને સૌથી વધુ નુકસાન થયું છે, તેમાં ઑસ્ટ્રેલિયા અગ્રણી છે.

વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોને શોષી લે છે. એટલે વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરને નુકાસન થાય, ત્યારે ચામડીને વધુ નુકસાન પહોંચે છે.

જે લોકોની ચામડી સંવેદનશીલ હોય, તેમને કાચની બારીમાંથી આવતા તડકાથી પણ નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે.

સ્કિન કૅન્સરનાં પ્રારંભિક લક્ષણોને ઓળખવાં સહેલાં નથી હોતાં. અથવા તો એમ કહી શકાય કે જેમને આ બીમારી થાય, તેમાંથી અનેક શરૂઆતના સમયમાં આ લક્ષણો પ્રત્યે બેપરવાહી દાખવે છે.

સામાન્ય રીતે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ચામડીનું કૅન્સર વધારે જોવા મળે છે. જોકે, ડૉ. કૌશલ વર્માનું કહેવું છે કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં લિંફોમાના કેસ જોવા મળે છે. લિંફોમા શરીરના એવા ભાગોમાં થઈ શકે છે, જે સામાન્ય રીતે ઢંકાયેલા હોય છે.

શરીરનાં જે અંગો ઉપર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય (જેમ કે ચહેરો) ત્યાં દાણા, ઘાવ કે અલ્સર દેખાય તો તત્કાળ તબીબી સલાહ લેવી જોઈએ.

ઍઇમ્સમાં પણ ઘણી વખત એવું બને છે કે ચામડીનાં કૅન્સરના જે દર્દી આવે છે, તેમણે પ્રારંભિક તબક્કામાં લક્ષણોને અવગણ્યા હોય.

ડૉ. કૌશલ વર્મા કહે છે, "ચામડી ઉપર કાળા કે ભૂરા રંગના ધાબા જેવાં લક્ષણ જોવાં મળે તો તરત જ તેની તપાસ કરાવી જોઈએ. દર્દીઓ ઘણી વખત એટલું મોડું કરી દે છે કે ચામડીના કૅન્સરે ફેલાઈને નાકને સંપૂર્ણપણે ખરાબ કરી દીધું હોય છે અથવા તો આંખ સુધી ફેલાઈ ગયું હોય."

ડૉ. કૌશલ વર્મા કહે છે, "અન્ય પ્રકારના કૅન્સરની જેમ જ ચામડીનું કૅન્સર પણ આગળના સ્ટેજમાં પહોંચી જાય, તો તે જીવલેણ નીવડી શકે છે. જો દર્દી સમયસર ડૉક્ટર પાસે પહોંચે અને પ્રારંભિક તબક્કામાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેને બચાવી લેવો સરળ હોય છે."

સ્કિન કૅન્સર મૂળતઃ બે પ્રકારના હોય છે. એક છે મેલેનોમા. આ જ્વલ્લેજ થતો કૅન્સરનો પ્રકાર છે. ભારતમાં આ પ્રકારના કિસ્સા ક્યારેક જ નોંધાય છે.

મેલેનોમા કૅન્સર જીવલેણ હોય છે. જે દર્દીઓ પ્રાથમિક તબક્કામાં જ સારવાર લેવાની શરૂ કરી દે છે, તેમાંથી 90 ટકાનો ઈલાજ થઈ જાય છે.

પરંતુ જો આ પ્રકારના દર્દીઓ બીજા સ્ટેજમાં પહોંચી જાય, તો 90 ટકા કિસ્સામાં તેમને બચાવવાનું મુશ્કેલ બની જતું હોય છે.

ડૉ. સોમેશ કહે છે, "આ સિવાય નૉન મેલેનોમા કૅન્સર હોય છે. જેમાંથી એક બેસલ સેલ કાર્સિનોમા હોય છે. તે ખૂબ જ ઝડપભેર નથી ફેલાતું. આ સિવાય સ્ક્વૅમસ સેલ કાર્સિનોમા હોય છે, તે ખૂબ જ ઝડપભેર ફેલાય છે અને તે ખૂબ જ ખતરનાક પણ હોય છે."

નોએડાસ્થિત કૈલાસ હૉસ્પિટલનાં સિનિયર કન્સલ્ટન્ટ તથા ડર્મેટૉલૉજિસ્ટ અંજુ ઝાના કહેવા પ્રમાણે, "સ્કિન કૅન્સરની બાબતમાં ભારત ટાઇપ-5 તથા ટાઇપ-6 શ્રેણી હેઠળ આવે છે, જે ઓછું ખતરનાક છે. ગોરી ચામડીવાળા લોકો પહેલી કે બીજી શ્રેણી હેઠળ આવે છે."

ડૉ. અંજુ ઝાનું કહેવું છે, "સામાન્ય રીતે સ્કિન કૅન્સરનાં લક્ષણોમાં કોઈ કોઈ દર્દ, બળતરા કે ખંજવાળ નથી હોતા, એટલે લોકો તેની અવગણના કરી દે છે."

"જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તડકામાં રહેતી હોય તથા તેની ચામડી ઉપર અલ્સર થાય અને તે ખાસ્સા સમય સુધી રુઝાય નહીં, તો તેણે તત્કાળ ડૉક્ટરને દેખાડવું જોઈએ."

જો પ્રારંભિક તબક્કે ખબર પડી જાય કે દર્દીની ચામડી ઉપર જે લક્ષણ જોવાં મળી રહ્યાં છે, તે 'કૅન્સર'નો પ્રારંભિક તબક્કો છે, તો કામ સરળ બની જાય છે. સ્કિન કૅન્સર માટે મોહ્સ (MOHS) સર્જરી કરવામાં આવે છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સૂર્યનાં ઘાતક કિરણોથી બચવા માટે સનસ્ક્રીન લૉશન કે ક્રીમ સારો વિકલ્પ હોઈ શકે છે.

વિશ્વભરમાં મેલેનોમા સ્કિન કૅન્સરના 80 ટકા કેસોમાં સનબર્ન (તડકાને કારણે ચામડી દાઝી જવી) હોય છે.

જૉ. અંજુ ઝાના કહેવા પ્રમાણે, "સ્કિન કૅન્સર મોટા ભાગે જીવલેણ નથી હોતું તથા સર્જરી કે ઑપરેશન દ્વારા અસરગ્રસ્ત ભાગને હઠાવી દેવામાં આવે છે. જોકે, સનસ્ક્રીનનો ઉપયોગ એ તેનાથી બચવાનો સૌથી સારો રસ્તો છે."

સનસ્ક્રીન ન કેવળ સૂર્યનાં હાનિકારક યૂવી કિરણો સામે રક્ષણ આપે છે, પરંતુ તે ગંભીર પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. તે એજિંગ એટલે કે સમયની સાથે ત્વચા ઉપર થતી અસરને પણ ધીમી કરી શકે છે.

જોકે સનસ્ક્રીન ક્યારે અને કેવી રીતે લગાડવું તેના વિશે સામાન્ય લોકોમાં ખરી અને ચોક્કસ માહિતીનો અભાવ છે. ડૉ. સોમેશ કહે છે :

"ઘરની બહાર નીકળવાના 30 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ. તે તરત જ કામ કરવા નથી લાગતું. તે ચારેક કલાક જ રક્ષણ આપે છે એટલે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લગાડવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન