20 દિવસ સુધી મળત્યાગ ન કરો તો શરીરમાં ઝેરી તત્ત્વો પેદા થાય, લાંબા સમય સુધી મળત્યાગ રોકવાથી કેવી અસર થાય?

વ્યક્તિની મળત્યાગની પ્રવૃત્તિ અને તેની નિયમિતતાના આધારે તેના શરીર અને આંતરડાંનાં આરોગ્યનો તાગ મેળવી શકાય છે. કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિથી પોતાની શૌચની પ્રવૃત્તિ અટકાવી શકે? જો હા, તો કેટલા દિવસ સુધી?

ઘણી વાર કેટલીક વ્યક્તિઓ શરીરમાં ડ્રગ્સ કે અન્ય ચીજવસ્તુ છુપાવીને દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આવા સમયે આરોપીના મળવિસર્જનની પ્રવૃત્તિમાંથી મળેલા પુરાવા મહત્ત્વપૂર્ણ બની રહેતા હોય છે.

જોકે, આરોપીઓ ખાવાપીવા અને મળત્યાગની પ્રવૃત્તિને અટકાવીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ શું તેમાં સફળતા મળે?

આટલા લાંબા સમય સુધી કોઈ વસ્તનું રાખી મૂકવાથી તમારાં આંતરડાં પર શું અસર થાય છે? જાણો આ સવાલોના જવાબ.

મળત્યાગને જાણીજોઈને રોકી રાખી શકાય?

આશ્ચર્યજનક રીતે એવું જાણવા મળ્યું કે મળત્યાગની પ્રવૃત્તિને રોકી રાખવું એ આપણે માનીએ છીએ એટલું ખરાબ પણ નથી.

પ્રાઇમરી કૅર સોસાયટી ફૉર ગૅસ્ટ્રોઍન્ટેરૉલૉજીના ટ્રિશ મેકનેર કહે છે, "તમે અમુક સમય સુધી જ ટકી શકો છો."

તે નિર્દેશ કરે છે કે આંતરડાં પોતે જ કામ કરે છે. માટે માત્ર તમારી ઇચ્છાશક્તિથી કોઈ વસ્તુઓને કાયમ તેની અંદર નહીં રાખી શકો. તમે એને નિયંત્રિત કરી શકતા નથી.

ટ્રિશ કહે છે, "આખરે વસ્તુઓ આંતરડાંમાંથી પસાર થઈને જાતે જ ખાલી થઈ જશે."

તમે જેટલા લાંબા સમય સુધી શૌચાલય જવાનું ટાળશો, તેટલી અસ્વસ્થતા વધશે.

ટ્રિશ ઉમેરે છે, "આવી વ્યક્તિ તેનાં આંતરડાં ફરતાં અનુભવાશે, તે તેને ખાલી કરવાનો પ્રયાસ કરશે."

ઘણી વખત વ્યક્તિ (કે આરોપી) પોતાની ખાવાપીવાની પ્રવૃત્તિને ઘટાડીને 'કુદરતના કોલ'નો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, જે મદદરૂપ થાય છે.

ટ્રિશ સમજાવે છે, "જો તમે ખાતા નથી તો પણ આંતરડાં ફરતાં રહેશે. કારણ કે મળમાં તમને જે મળે છે તેમાંથી માત્ર ત્રીજા ભાગનો જ ખોરાકનો કચરો હોય છે."

"તેમાંનો ઘણો ભાગ મૃત, અનુકૂળ બૅક્ટેરિયા અને આંતરડાંના અસ્તરનો છે જે સતત ખસી રહ્યા હોય છે, જેમ કે ત્વચા. આ ઉપરાંત ઘણું પ્રવાહી પણ હોય છે."

મળત્યાગની પ્રવૃત્તિ રોકી રાખવાથી શરીર અસહજતા અનુભવે છે. આ સિવાય તેને અગવડતા પડે છે અને પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, વ્યક્તિએ જાતે જ મળત્યાગની પ્રવૃત્તિ અટકાવી હોય ત્યારે આમ થતું નથી.

ટ્રિશ કહે છે, "આ એક તીવ્ર પરિસ્થિતિ છે, ક્રૉનિક નથી."

"આટલા ટૂંકા સમયમાં શરીરને ટૉક્સિન આપી શકે તેવાં ઝેરી તત્ત્વોનો વિનાશક સંચય તમારા શરીરમાં નહીં થાય."

"તમને આંતરડાંની નળીઓ ખેંચાવાથી ઘણી અસ્વસ્થતા ઊભી થશે."

ટ્રિશ કહે છે કે આંતરડાંમાં સોજો આવવા અને ફાટવાનું જોખમ ઓછું છે - પરંતુ એક યુવાન, સ્વસ્થ વ્યક્તિમાં, તમે અપેક્ષા રાખશો કે આમ થાય તે પહેલાં આંતરડાં ખાલી થઈ જશે.

ટ્રિશના કહેવા પ્રમાણે, કોઈ વ્યક્તિ વીસેક દિવસ સુધી પોતાની મળત્યાગની પ્રવૃત્તિ અટકાવી રાખે તે ખૂબ જ અસામાન્ય પરિસ્થિતિ છે. તે આવું વધુ લાંબા સમય સુધી ન કરી શકે અને આંતરડાં ખાલી થઈ જ જાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.