You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપણા પગમાં દસ લાખ કરતાં વધુ બૅક્ટેરિયા હોય છે, પગ ન ધોઈએ તો કેવી ગંભીર બીમારી થાય?
- લેેખક, જાસ્મીન ફોક્સ-સ્કેલી
કેટલાક લોકો પગને રોજ સાફ કરતા હોય છે, જ્યારે અમુક લોકોનું કહેવું છે કે નાહતી વખતે પગ પર પાણી રેડી દેવું પૂરતું છે. શું તમે આ મહત્ત્વનાં અંગોની યોગ્ય સફાઈ કરો છો?
નાહતી વખતે શરીરનાં ચોક્કસ અંગો પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે અને અમુક ભાગોને નજરઅંદાજ કરવામાં આવતા હોય છે. બગલનો ભાગ ઘસી-ઘસીને સાફ કરવામાં આવે છે. પણ સૌથી નીચેના ભાગે આવેલા પગની સફાઈ તરફ જલદી ધ્યાન ન જાય, એ શક્ય છે.
જોકે, કેટલાક નિષ્ણાતોના મતે, પગની સ્વચ્છતા પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે.
જેમ કે, બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) તથા અમેરિકાની સેન્ટ્રલ ફૉર ડિસીઝ કન્ટ્રોલ (સીડીસી) પગને રોજ સાબુ અને પાણીથી ધોવાની સલાહ આપે છે.
આ કાળજી રાખવા પાછળનું એક કારણ દુર્ગંધ દૂર કરવાનું છે. શરીરના અન્ય કોઈ પણ ભાગ કરતાં પગનાં તળિયાંમાં ત્વચાના પ્રતિ ચોરસ સેન્ટિમીટરે સૌથી વધુ 600 પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે.
પરસેવાની ગંધ ન હોવા છતાં તેમાં મીઠું, ગ્લુકોઝ, વિટામિન્સ અને એમીનો ઍસિડ્ઝનો પૌષ્ટિક રસ રહેલો હોય છે, જે ત્યાં રહેનારા બૅક્ટેરિયા માટે મજેદાર બુફેની ગરજ સારે છે. અને ત્યાં બૅક્ટેરિયાનો જમાવડો થયો હોય છે.
બ્રિટનની યુનિવર્સિટી ઑફ હલ ખાતે વૂન્ડ હિલિંગનાં લૅક્ચરર હોલી વિલ્કિન્સન જણાવે છે, "પગ- ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચેનો ભાગ ભેજયુક્ત અને હૂંફાળો હોય છે.
આથી, જીવાણુઓને ફૂલવા-ફાલવા માટેનું તે સાનુકૂળ સ્થળ બની શકે છે." વળી, લોકો પગમાં મોજાં અને શૂઝ સતત પહેરી રાખતા હોય છે, જેને કારણે ભેજ અંદર જ ભરાયેલો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમે માનવ ત્વચાના કોઈ પણ ચોરસ સેન્ટિમીટર ભાગ પર ઝૂમ-ઇન કરશો, તો ત્યાં તમને 10,000થી દસ લાખ બૅક્ટેરિયા જોવા મળશે. પગ જેવા ત્વચાના ગરમ અને ભેજયુક્ત ભાગો જીવાણુઓ માટે ખાસ સ્થાન ગણાય છે અને ત્યાં જીવાણુઓની અનેક પ્રજાતિઓ વસે છે. એક રીતે જોતાં પગ એ કોરિનબૅક્ટેરિયમ અને સ્ટેફિલોકોકસ બૅક્ટેરિયાનું સ્વર્ગ છે.
ફૂગની વાત છે, તો આપણા પરસેવાયુક્ત પગ એસ્પરગિલસ (સામાન્યપણે માટીમાં મળી આવતા જીવાણુ), ક્રિપ્ટોકોકસ, એપિકોકમ, રોડોટોરુલા, કેન્ડિલા (એક પ્રકારની યિસ્ટ, જે શરીરમાં રહે છે, પણ તકવાદી રોગાણુ બની શકે છે), ટ્રાઇકોસ્પોરન વગેરે સહિતની પ્રજાતિઓ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે.
વાસ્તવમાં, શરીરના અન્ય કોઈ પણ ભાગના મુકાબલે પગમાં ફંગલ પ્રજાતિઓની વ્યાપક જૈવિક વિવિધતા રહેલી હોય છે.
પગને સ્વચ્છ રાખવા માટે આટલું કારણ કદાચ પર્યાપ્ત છે. એક અભ્યાસમાં સંશોધકોએ 40 વૉલન્ટિયર્સના પગના તળિયે સ્વેબ લગાવ્યું હતું.
પગ ધોવાથી બૅક્ટેરિયાની સંખ્યામાં તેમને સારો એવો ફરક જોવા મળ્યો હતો. દિવસમાં બે વખત પગ ધોનારા લોકોનાં તળિયાંની ત્વચામાં પ્રત્યેક ચોરસ સેન્ટિમીટર પર બૅક્ટેરિયાનું પ્રમાણ 8,800 જેટલું હતું.
જ્યારે દિવસમાં એક વાર પગ ધોનારા લોકોની ત્વચા પર પ્રત્યેક ચોરસ સેન્ટિમીટર પર દસ લાખ કરતાં વધુ બૅક્ટેરિયા નોંધાયા હતા.
જોકે, પગનાં તળિયાં સૂક્ષ્મજીવોથી ઊભરાઈ રહ્યા છે, તેનો અર્થ એ નથી કે, તે દુર્ગંધયુક્ત જ હોય છે કે આ ચિંતાનો વિષય છે. બૅક્ટેરિયાની સંખ્યાની સાથે-સાથે તેનો પ્રકાર પણ મહત્ત્વનો હોય છે.
માનવશરીરના અન્ય કોઈ પણ ભાગ કરતાં પગમાં ફંગલ પ્રજાતિઓની વ્યાપક સ્તરે જૈવિક વિવિધતા રહેલી હોય છે.
પગમાંથી આવતી દુર્ગંધ માટે જવાબદાર વોલટાઇલ ફેટી ઍસિટ (વીએફએ) ઉત્પન્ન કરવાની વાત આવે, ત્યારે સ્ટેફિલોકોકસ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પગની ત્વચા પર રહેલી પ્રસ્વેદ ગ્રંથિઓ ઇલેક્ટ્રોલાઈટ્સ, એમીનો ઍસિડ, યુરિયા અને લેક્ટિક ઍસિડનું મિશ્રણ છોડે છે.
સ્ટેફિલોકોકસ બૅક્ટેરિયાનું આ ભાવતું ભોજન છે અને તે આહાર લેવાની પ્રક્રિયામાં એમીનો એસિડને વીએફએમાં રૂપાંતરિત કરે છે.
તેમાં મુખ્ય ભૂમિકા ભજવનારું કેમિકલ આઇસોવેલેરિક ઍસિડ છે, જે અરુચિકર દુર્ગંધ ધરાવે છે અને તેને "ખાસ પ્રકારના ચીઝ/ઍસિડિક નોટ" તરીકે વર્ણવવામાં આવ્યું છે.
આ તુલના યોગ્ય છે, કારણ કે ઘણા ચીઝમાં વોલટાઇલ કેમિકલ્સનું સમાન પ્રકારનું મિશ્રણ રહેલું હોય છે.
2014ના એક અભ્યાસમાં સંશોધકોએ 16 લોકોના પગ સાફ કરતાં માલૂમ પડ્યું કે, પગના તળિયે મોજૂદ 98.6 ટકા બૅક્ટેરિયા સ્ટેફિલોકોકસ હતા. વળી, પગના ઉપલા પંજાની તુલનામાં તળિયાંના ભાગે પગની દુર્ગંધ દૂર કરનારા મુખ્ય ઘટક આઇસોવેલેરિક ઍસિડ સહિત વીએફએનું પ્રમાણ પણ ઘણું વધારે હતું.
એકંદરે, અભ્યાસનું તારણ હતું કે, પગની વાસની તીવ્રતાને હાજર સ્ટેફિલોકોકસની કુલ સંખ્યા સાથે સહસબંધ રહેલો છે, જે સાબુ વડે પગ સાફ કરવા માટેનું વધુ એક કારણ પૂરું પાડે છે.
જોકે, પગ ધોવા કેવળ દુર્ગંધ દૂર કરવા માટે જ જરૂરી નથી. પગની સ્વચ્છતા જાળવીને ઘણી બીમારીઓ અને પગ સંબંધિત સમસ્યાઓને નિવારી શકાય છે.
ન્યૂ યૉર્કની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલના ઍસોસિએટ પ્રોફેસર ઑફ ડર્મેટોલૉજી જોશુઆ ઝીચનર જણાવે છે, "પગની આંગળીઓ વચ્ચેની જગ્યા ઘણી જ ઓછી હોવાને કારણે આ જગ્યામાં માઇક્રોબાયલ સંક્રમણ થવાનું જોખમ રહેતું હોય છે.
તેના કારણે ખંજવાળ આવવી, દુર્ગંધ આવવી, સોજો આવવો, વગેરે સમસ્યા સર્જાઈ શકે છે. ત્વચાની સુરક્ષામાં વિક્ષેપ ઊભો થાય, તેના કારણે સૂક્ષ્મજીવો દ્વારા ત્વચા પર આક્રમણ કરવાનું તથા સેલ્યુલાઇટિસ નામનું ગંભીર સોફ્ટ ટિસ્યૂ ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી શકે છે."
ઝીચનરના જણાવ્યા પ્રમાણે, એથ્લિટ ફૂટ (એક પ્રકારની પગની સમસ્યા) એ સૌથી સામાન્ય સમસ્યા છે, જે પગની ત્વચા પર થતું ફંગલ ઇન્ફેક્શન હોય છે.
એથ્લિટ ફૂટ જે જીવાણુના કારણે થાય છે, તે ગરમ, અંધકારયુક્ત અને ભેજયુક્ત વાતાવરણમાં પાંગરે છે – આથી જ આ સ્થિતિ સામાન્યપણે પગની વચ્ચેની જગ્યાને જ પ્રભાવિત કરે છે.
આ ભાગને સ્વચ્છ અને કોરો રાખવાથી જીવાણુઓ ત્યાંથી દૂર જાય છે.
આંગળીઓની વચ્ચે અને પગના તળિયે ખંજવાળ આવવી, નિશાન પડી જવાં, ચામડી ખરવી તેમજ પગનાં તળિયાં ફાટવાં, એ એથ્લિટ્સ ફૂટનાં લક્ષણો છે.
પગને સ્વચ્છ રાખવાથી સ્ટેફિલોકોકસ કે સ્યૂડોમોનાસ બૅક્ટેરિયાને કારણે થતા ત્વચાના સંક્રમણથી પણ બચી શકાય છે.
આ બૅક્ટેરિયા ત્વચા પર રહેતા હોય છે, પણ જો ત્વચા પરના ઘા મારફત તે રક્તપ્રવાહમાં પ્રવેશ કરે, તો તેનાથી ગંભીર સંક્રમણ થવાનું જોખમ તોળાય છે.
એક નાનું અમથું ઇન્ફેક્શન પણ ફોલ્લી થવા પાછળનું નિમિત્ત બની શકે છે.
વિલ્કિન્સન કહે છે, "પગમાં બૅક્ટેરિયાનો વ્યાપક પ્રમાણમાં જમાવડો થયો હોવાથી ત્યાં સંક્રમણ થવાનું સંકટ વધુ રહેતું હોય છે.
વળી, જો પગમાં ચીરા પડ્યા હોય કે ઈજા થઈ હોય, તો શરીરના અન્ય ભાગો કરતાં તે ઠીક થવામાં સમય લાગતો હોય છે. જો ઈજા થઈ હોય, તો જીવાણુ ઘામાં પ્રવેશીને પ્રસરે અને ફૂલે-ફાલે, તેવી શક્યતા વધી જતી હોય છે."
પગની પૂરતી સંભાળ લીધા છતાં ત્વચાનું સંક્રમણ થઈ શકે છે, પણ નિયમિતપણે પગને ધોવાથી બૅક્ટેરિયાની સંખ્યા ઓછી થાય છે.
આમ, પગમાં ઘા થયો હોય, તો રક્તપ્રવાહમાં પ્રવેશનારા જીવાણુઓની સંખ્યા ઓછી હોય છે.
ડાયાબિટીસના દર્દીઓમાં અલ્સર તથા ત્વચાનું ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે રહેતું હોવાથી તેમણે વારંવાર પગ ધોવા જોઈએ.
અભ્યાસમાં જોવા મળ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓની પગની ત્વચા પર રોગજનક બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે.
"તેઓ સંક્રમણ ફેલાવવાની તક શોધી રહ્યા હોય છે. આથી, ડાયાબિટીસથી પીડાતા લોકો તેમના પગને સ્વચ્છ રાખે, એ અત્યંત જરૂરી છે, કારણ કે તેમને તેના કારણે ઇન્ફેક્શન થવાનું વધુ જોખમ રહેલું હોય છે," એમ વિલ્કિન્સને નોંધ્યું હતું.
આટલું હજી ઓછું હોય, તેમ ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આથી જો તેમને કોઈ ઇન્ફેક્શન થાય, તો તેમનું શરીર તેની સામે લડત આપી શકતું નથી.
ડાયાબિટીસના દર્દીઓના પગમાં કાપો અને ઘા થવાની પણ શક્યતા રહે છે અને આ ઘા રુઝાતા નથી. જો તાકીદે તેના પર ધ્યાન આપવામાં ન આવે, તો પગની આંગળીઓ, પગ કે અંગો પણ કાપવાની નોબત આવે છે.
વિલ્કિન્સનના મતે, "જો ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેતું હોય, તો પગની નસોને નુકસાન થઈ શકે છે. આથી, કેવળ પગ ધોવાની ક્રિયાથી તમે પગના નાના-મોટા ઉઝરડા કે પગની શુષ્કતા તપાસી શકો છો."
આથી જ, વિલ્કિન્સન અને ડાયાબિટીસ યુકે જેવી ચેરિટી સંસ્થાઓ ડાયાબિટીસના દર્દીઓને રોજ પગ અને હાથને બરાબર સ્વચ્છ કરવાની સલાહ આપે છે.
આ તો થઈ ડાયાબિટીસના દર્દીઓની વાત, પણ બીજા લોકોનું શું? કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે, મોટા ભાગના લોકોના આરોગ્યને રોજ પગ ધોવાથી ખાસ ફાયદો થતો નથી અને તેનાથી ત્વચાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ત્વચા જરૂરી કાર્યો કરવા માટે સહાયક સૂક્ષ્મજીવોના તેના સમુદાયની મદદ લેતી હોય છે. આ સૂક્ષ્મજીવો હાનિકારક બૅક્ટેરિયાને દૂર હડસેલે છે, ત્વચાને હાઇડ્રેટેડ અને કોમળ રાખતા લિપિડ ઉત્પન્ન કરે છે અને ઘા રુઝવવામાં પણ મદદ કરે છે.
પગને અતિશય ઘસી-ઘસીને ધોવાથી અને ખાસ કરીને જો આવું ગરમ પાણીથી કરવામાં આવે, તો આ લાભદાયક પ્રજાતિ અદૃશ્ય થવા માંડે, એવી શક્યતા રહેલી છે.
તેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને ત્યાં ખંજવાળ આવે છે. ત્વચા પર ચીરા પડવાથી બૅક્ટેરિયા ત્વચાના અભેદ્ય કવચને તોડી નાખે છે અને તેના કારણે સંક્રમણ થઈ શકે છે.
ઝીચનરના જણાવ્યા મુજબ, "ત્વચાને વધુ પડતી ધોવાથી ત્વચાનું કવચ તૂટી જાય છે, ત્વચાનું કુદરતી તેલ જતું રહે છે, જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે, સોજાઈ જાય છે."
પરિણામે, ત્વચા પર ખંજવાળ આવે છે, ત્વચા સુકાઈ જાય છે અને એક્ઝિમા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
ઝીચનર જણાવે છે, "પગની ત્વચાને વધુ પડતી ઘસવી કે એક્સફોલિએટ કરવું પણ ઉચિત નથી. રોજેરોજની ઈજાને કારણે ચામડી કઠણ થઈ જાય છે, પણ વાસ્તવમાં તે પગનું રક્ષણ કરે છે. ફોતરી કે જાડી ચામડી હટાવવાથી રક્ષણનું તે આવરણ હટી જાય છે."
એક ચિંતા એ પણ છે કે, ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ ત્વચા પર સૂક્ષ્મજીવોના નાજુક સંતુલનમાં ગરબડ ઊભી કરી શકે છે. તેનાથી ઉપયોગી પ્રજાતિ નષ્ટ થાય છે અને ઍન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક હોય એવા કઠોર તથા રોગજનક સ્ટ્રેઇન્સના ઉદ્ભવનો માર્ગ મોકળો બની જાય છે.
આખરે, આપણી રોગપ્રતિકારક વ્યવસ્થા તેનું કામ કરી શકે, તે માટે તેને સૂક્ષ્મજીવો દ્વારા ચોક્કસ સીમા સુધી તેને પડકારવામાં આવે તે જરૂરી છે.
જો આપણે બાળપણમાં બૅક્ટેરિયા તથા વાઇરસના સતત સંપર્કમાં નહીં આવીએ, તો આપણું શરીર હુમલા સામે કેવી રીતે લડત આપવી, તે જાણી નહીં શકે. આથી જ, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, વારંવાર નાહવું આપણા માટે વિપરીત અસર ઉપજાવી શકે છે.
આ સવાલનો જવાબ અમુક હદે વ્યક્તિ પર નિર્ભર કરે છે.
વિલ્કિન્સન કહે છે, "ડાયાબિટીસ ધરાવનારા લોકોને સલાહ આપવામાં આવે છે કે, તેમણે રોજ પગ ધોવા જોઈએ. પણ, એ સિવાયના કિસ્સામાં, ડર્મેટોલૉજિસ્ટ્સ સલાહ આપે છે કે, બે દિવસે એક વાર સરખી રીતે પગ ધોવા એ સ્વચ્છતા જાળવવા માટે પર્યાપ્ત છે. તેનાથી ત્વચા પરના કુદરતી તેલને પણ વધુ નુકસાન નહીં પહોંચે."
જોકે, સાથે જ વિલ્કિન્સન નોંધે છે કે, જો કોઈ વ્યક્તિ જીમમાં વર્કઆઉટ કરતી હોય, તો તેણે ઓછી સક્રિય હોય, તેવી વ્યક્તિની તુલનામાં વધુ નિયમિતપણે પગ ધોવા જોઈએ. પગ ધોવાની અને તેને કોરા કરવાની પદ્ધતિની પણ આરોગ્ય પર અસર પડતી હોય છે.
વિલ્કિન્સન કહે છે, "ઘણા લોકો માને છે કે, શાવર લેતી વખતે પગ પર પાણી વહેવાથી પગ ધોવાઈ જાય છે, પણ એ સાચું નથી. પગને સાબુના પાણી વડે ધોવા જોઈએ."
જોકે, બ્રિટનની યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલ ખાતે ન્યૂરોસાયન્સ અને ફિઝિયોલૉજીના લેક્ચરર તથા જીપી ડેન બોમગાર્ટના જણાવ્યા મુજબ, તેઓ તેમના દર્દીઓને પગ વ્યવસ્થિત રીતે કોરા કરવાનું ખાસ સમજાવે છે. તેમના જણાવ્યા અનુસાર, "જો પગની આંગળીઓ વચ્ચે ભીનાશ રહી જાય, તો એથ્લિટ્સ ફૂટ અને અન્ય ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતા રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન