દલિતોના અધિકારોનું સુપ્રીમ કોર્ટે રક્ષણ તો કર્યું છે પરંતુ તેમના સિમાચિહ્નરૂપ ચુકાદાઓની ભાષા 'પક્ષપાતી' કેમ છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય સુપ્રીમ કોર્ટ, ઐતિહાસિક રીતે દેશમાં સૌથી વધુ કચડાયેલા નાગરિક દલિતોના અધિકારોનું રક્ષણ કરવા બાબતે ગર્વાન્વિત છે.

જોકે, એક નવા અભ્યાસમાં એવી દલીલ કરવામાં આવી છે કે કોર્ટની ભાષામાં, એ જેને ખતમ કરવા ઇચ્છે છે તે ઊંચી-નીચી જ્ઞાતિનો ભાવ વારંવાર પ્રતિબિંબિત થાય છે.

ભારતમાં લગભગ 16 કરોડ દલિતો છે. એ દલિતોને ક્યારેક 'અસ્પૃશ્ય' કહેવામાં આવતા હતા. એ પૈકીના અનેક દલિતો નાનાં-મોટાં કામોમાં ફસાયેલા છે અને સામાજિક તથા આર્થિક તકોથી દૂર છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસના મોટાભાગના સમયમાં દેશના ટોચના ન્યાયાધીશોએ, દલિતોને બદનામીથી બચાવી શકાય એવી રીતે નહીં, પરંતુ તેમના ગૌરવને ઓળખી શકાય તેવી રીતે બોલવામાં સંઘર્ષ કરવો પડ્યો છે.

પ્રગતિશીલ કાયદાકીય પરિણામ અને પ્રતિગામી ભાષા વચ્ચેનો આ તણાવ ટોચની અદાલતનાં 75 વર્ષના ચુકાદાઓની વ્યાપક સમીક્ષામાં દસ્તાવેજીકૃત થયેલો મુખ્ય વિરોધાભાસ છે.

આ અભ્યાસ સુપ્રીમ કોર્ટ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવ્યો હતો અને તે માટેનું ભંડોળ મૅલબર્ન યુનિવર્સિટીએ પૂરું પાડ્યું હતું. આ અભ્યાસ વિશ્વનાં સૌથી શક્તિશાળી ન્યાયતંત્રો પૈકીના એકનો દુર્લભ આંતરિક હિસાબ-કિતાબ પ્રસ્તુત કરે છે.

આ અભ્યાસમાં 1950થી 2025 સુધીના એવી "બંધારણીય ખંડપીઠ"ના ચુકાદાઓની તપાસ કરવામાં આવી છે, જેનો ફેંસલો પાંચ કે તેનાથી વધુ ન્યાયમૂર્તિઓએ આપ્યો હતો. આ ચુકાદાઓ મહત્ત્વના છે, કારણ કે તે લૉ સ્કૂલ્સમાં ભણાવવામાં આવે છે, તે દાખલારૂપ છે, કોર્ટરૂમમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પછીની ખંડપીઠો દ્વારા પણ તેને ટાંકવામાં આવે છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ઐતિહાસિક ચુકાદાઓમાં દલિતોના અધિકારોનું મોટાભાગે સમર્થન કરવામાં આવ્યું છે, પરંતુ તેની ભાષા "અપમાનજનક અથવા અસંવેદનશીલ" હોઈ શકે છે, એવું અભ્યાસના સહ-લેખક તથા મૅલબર્ન લૉ સ્કૂલનાં પ્રોફેસર ફરાહ અહમદે નોંધ્યું છે.

કેટલાક ચુકાદામાં જાતિના દમનને પંગુતા સાથે સરખાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દલિત અથવા અપંગ લોકો સ્વાભાવિક રીતે અન્યોની સરખામણીએ ઉતરતા હોય છે.

પુરાવાથી વિપરીત કેટલાક લોકો એવું માને છે કે માત્ર શિક્ષણ જ જ્ઞાતિભેદને ખતમ કરી શકે છે. સમાજનો બોજ દલિતો પરથી ખસેડવા માટે તેમણે સમાનતા માટે શિક્ષણ પ્રાપ્ત કરવું જ જોઈએ. અન્ય લોકો જાતિના એ અવરોધોને અવગણે છે, જે નોકરીઓ, ધિરાણ અને માર્કેટ સુધીની પહોંચમાં અવરોધક છે, ગરીબી વધારે છે.

'રેસના ઘોડા' અને 'સામાન્ય ઘોડા'

કેટલાક ન્યાયાધીશોએ ઉચ્ચ વર્ગના લોકોને "પ્રથમ વર્ગના રેસના અશ્વો" ગણાવીને દલિતોને "સામાન્ય અશ્વો" સાથે સરખાવ્યા હતા. અન્યોએ હકારાત્મક પગલાંઓને એવી "કાખઘોડી" ગણાવ્યાં હતાં, જેના પર દલિતોએ લાંબા સમય સુધી આધાર રાખવો જોઈએ નહીં.

કેટલાક ન્યાયમૂર્તિઓએ જાતિના મૂળને "સૌમ્ય"- માત્ર શ્રમ વિભાજનની એક વ્યવસ્થા – તરીકે પણ વર્ણવ્યું હતું. સંશોધકો કહે છે કે આ બાબત "એક અત્યંત અન્યાયી યથાસ્થિતિને સમર્થન આપે છે, જેના કારણે દલિત જાતિઓ અપમાનિત અને ઓછા વેતનવાળા કામ સુધી મર્યાદિત રહે છે."

આ અભ્યાસમાં ટાંકવામાં આવેલો 2020નો એક ચુકાદો જણાવે છે કે "(અનુસૂચિત જનજાતિ અથવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા આદિજાતિના અન્ય લોકોની) આદિમ જીવનશૈલી તેમને મુખ્યધારા સાથે રહેવા અને સામાન્ય કાયદાઓ દ્વારા તેમના પર શાસન માટે અયોગ્ય" ગણાવે છે. "તેમના ઉત્થાન માટે અને રાષ્ટ્રીય વિકાસમાં તેઓ ફાળો આપે એ માટે તેમજ તેઓ આદિમ સંસ્કૃતિનો હિસ્સો ન બની રહે એટલા માટે તેમને મદદ કરવી જરૂરી હોવાનું" પણ આ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.

અભ્યાસ સૂચવે છે કે આવી ભાષા હાનિકારક રૂઢિપ્રયોગોને મજબૂત કરવા માટેના નબળા શબ્દસમૂહોથી આગળ વધેલી જોવા મળી હતી.

પ્રોફેસર ફરાહ અહમદ કહે છે, "ભલે તે પ્રાણીઓ હોય કે અપંગ લોકો, આ સરખામણી બંને જૂથો માટે અપમાનજનક છે. વાસ્તવિક સમસ્યા કોઈ કથિત આંતરિક મર્યાદા નથી, પરંતુ તેમની આસપાસનો સમાજ છે, જે તેઓ ખીલી શકે એટલો ટેકો આપવામાં નિષ્ફળ રહ્યો છે."

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દલિત અધિકારોને સમર્થન આપતા ચુકાદાઓમાં પણ આવા "કલંકિત વિચારો" જોવા મળ્યા હતા.

પ્રોફેસર ફરાહ અહમદ કહે છે, "મને લાગે છે કે ન્યાયમૂર્તિઓ, તેઓ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેના સૂચિતાર્થો અને તેના પેધી ગયેલા વલણ વિશે શું પ્રગટ થશે તેનાથી અજાણ હોવા જોઈએ. આ પૈકીના એકેય કેસમાં દલિતોનું અપમાન કરવાનો અથવા નીચાજોણું કરવાનો ઈરાદો હોય, એવું મને નથી લાગતું."

જજની ભાષા શા માટે મહત્ત્વની?

સવાલ એ છે કે આ ભાષાકીય પૂર્વગ્રહ કોર્ટનાં તર્ક અથવા પરિણામને પ્રભાવિત કરે છે કે પછી તે પ્રગતિશીલ નિર્ણયો સાથે સહઅસ્તિત્વ ધરાવતી અજાણ બાબત હતી?

પ્રોફેસર ફરાહ અહમદ બીબીસીને કહે છે, "અપમાનજનક ભાષા અથવા જાતિ વ્યવસ્થાની હાનિકારકતાને નબળી દર્શાવતી ભાષા સહિતની જે ન્યાયિક ભાષાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તેની કોઈ અસર ન્યાયમૂર્તિઓના નિર્ણયમાં નહીં થતી હોય તો મને આશ્ચર્ય થશે."

વ્યક્તિગત ચુકાદાઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ભારતીય સમાજ તથા રાજકારણને પણ વ્યાપક રીતે પ્રભાવિત કરે છે ત્યારે તેમની ભાષા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનું વ્યાપક રિપોર્ટિંગ થાય છે, ચર્ચા થાય છે અને તે જાહેર ચર્ચાને આકાર આપે છે.

છતાં અદાલતે જાતિ પૂર્વગ્રહની વાત સક્રિયપણે કરી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં એક તપાસ અહેવાલના પ્રતિભાવમાં અદાલતે જાતિ આધારિત ભેદભાવના નિરાકરણ માટે જેલ મૅન્યુઅલ્સમાં સુધારા કરવાનો આદેશ કેન્દ્ર સરકાર અને રાજ્યોને આપ્યો હતો. એ પૂર્વગ્રહ શારીરિક શ્રમ વિભાજન, જેલ કોટડીઓના વિભાગીકરણ અને સદીઓથી હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોને અન્યાયી રીતે નિશાન બનાવતા નિયમોમાં સ્પષ્ટ હતો.

એ ઉપરાંત ઘણા ન્યાયાધીશો ભારપૂર્વક જણાવે છે કે કોઈપણ જૂની અથવા સમસ્યારૂપ ભાષા ઇરાદાપૂર્વકની હોતી નથી.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન લોકુરે બીબીસીને કહ્યું હતું, "ભાષાના વિકાસની ઝડપ સાથે અદાલતો સંપૂર્ણપણે તાલ મિલાવી ન શકે તે શક્ય છે, પરંતુ અહીં તે હેતુપૂર્વક કરવામાં આવતું નથી."

પ્રયાસોની વાસ્તવિક અસર

સુપ્રીમ કોર્ટે ઑગસ્ટ 2023માં 'હૅન્ડબુક ઑન કૉમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ' બહાર પાડી હતી. તેની વાત કરીએ. તેમાં એવા "અન્યાયી" શબ્દોની યાદી આપવામાં આવી છે, જેનો ઉપયોગ ન્યાયાધીશો તથા વકીલોને કાનૂની લેખમાં ટાળવાની સલાહ આપવામાં આવી છે.

તેનો હેતુ ખાસ કરીને મહિલાઓ, બાળકો, અપંગ લોકો અને જાતીય ગુનાઓ સંબંધી કેસોમાં અપમાનજનક, ભેદભાવપૂર્ણ અથવા રૂઢિગત ભાષાને દૂર કરવાનો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જાતિ વિશે જે રીતે લખે છે તેના પર આવા સમાન પ્રયાસોની વાસ્તવિક અસર થઈ શકે?

પ્રોફેસર ફરાહ અહમદ કહે છે, "પ્રસ્તુત રિપોર્ટ, ન્યાયાધીશો જાતિ વિશે કેવી રીતે લખે છે તેને બદલવા તરફનું પહેલું પગલું છે. અમે એવા તબક્કાથી શરૂઆત કરી છે, જ્યાં અગાઉ આ સમસ્યા બાબતે બહુ ઓછી સમજ હતી."

આ રિપોર્ટ જેવી વધુ આંતરિક સમીક્ષાઓ જરૂરી છે, એમ જણાવતાં તેઓ ઉમેરે છે, સૌથી મહત્ત્વનું એ છે કે "વકીલો, કાનૂની શિક્ષણવિદો અને ન્યાયતંત્રને ખાસ પ્રકારની સમજની જરૂર છે, જે માત્ર દલિત જાતિના સભ્યોના સંપૂર્ણ સમાવેશથી જ મળી શકે છે."

ભારતીય સુપ્રીમ કોર્ટમાં દલિત પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું રહ્યું છે.

સંશોધકો નોંધે છે, "અમારા અંદાજ મુજબ, સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ફક્ત આઠ દલિતો ન્યાયાધીશ બન્યા છે."

છેલ્લા છ મહિનાથી વડા ન્યાયમૂર્તિ બી. આર. ગવઈએ, તેઓ ગયા અઠવાડિયે નિવૃત્ત થયા ત્યાં સુધી તેનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ અદાલતનું નેતૃત્વ કરનારા બીજા દલિત હતા.

કોર્ટના પ્રથમ દલિત વડા ન્યાયમૂર્તિ કે. જી. બાલકૃષ્ણને આ અભ્યાસમાં આવરી લેવાયેલા બે કેસની ખંડપીઠમાં સામેલ હતા અને તેમના મંતવ્યો આ રિપોર્ટમાં વારંવાર ટાંકવામાં આવ્યા છે.

રિપોર્ટ જણાવે છે કે ન્યાયમૂર્તિ બાલકૃષ્ણનનું લખાણ જાતિને એક એવા "અતૂટ બંધન" તરીકે વર્ણવે છે, જે લોકોને "અશુદ્ધ" વ્યવસાયમાં ધકેલે છે, એક એવી સ્થિતિ છે જેમાંથી "મોત પછી પણ છટકી શકાતું નથી," કારણ કે કબ્રસ્તાનો અને સ્મશાનોમાં પણ 'સતત ભેદભાવ' રાખવામાં આવે છે.

સંશોધકો દલીલ કરે છે કે આ બાબત, જાતિગત અન્યાયને ઓછો આંકતા ચુકાદાઓ સંદર્ભે તીવ્ર વિરોધાભાસી છે. પુરાવા જણાવે છે કે ટોચની ભારતીય અદાલતને "ખાસ કરીને દલિત જાતિઓ તરફથી, વધુ વૈવિધ્યસભર આંતરદૃષ્ટિ અને દૃષ્ટિકોણની તાતી જરૂર છે."

રાજકારણથી ઉપરની એક સંસ્થા ગણવામાં આવતી અદાલત માટે આ અહેવાલ આત્મનિરિક્ષણની એક અસામાન્ય ક્ષણ છે.

અહેવાલ સૂચવે છે કે જાતિ સમાનતા માટેની લડાઈ ફક્ત ચુકાદાઓ અને કાયદાઓમાં જ નહીં, પરંતુ રૂપકો, સામ્યતાઓ અને રોજિંદી ભાષાની પસંદગીમાં પણ લડવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન