બીબીસી વિશેષ : વડા પ્રધાનના નવા નિવાસનો ખર્ચ પૂછતાં સરકારે આ જવાબ આપ્યો

    • લેેખક, જુગલ પુરોહિત અને અર્જુન પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં નવી દિલ્હીની મધ્યમાં આવેલા, રાષ્ટ્રપતિ ભવન પાસે બનેલા નવા કાર્યાલયમાંથી કામ કરશે.

આ પરિસરનું નામ 'સેવા તીર્થ' રાખવામાં આવશે. પાસે જ વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન પણ બાંધવામાં આવી રહ્યું છે.

આ બંને સ્થાન કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે, જેનું કામ ચાલી રહ્યું છે.

કહેવામાં આવ્યું કે વર્ષ 2026માં સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના પૂર્ણ થશે. સરકારે સમગ્ર યોજના માટે 'અંદાજે' રૂ. 20 હજારનો ખર્ચ થશે એમ જણાવ્યું છે, છતાં સરકારે માહિતી અધિકાર (આરટીઆઇ) હેઠળ વાસ્તવિક ખર્ચ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

ચાલુ વર્ષે સંસદમાં સરકારે સ્વીકાર્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનો વાસ્તવિક ખર્ચ વધી ગયો છે, એટલે પણ આ સવાલ મહત્ત્વપૂર્ણ છે.

સરકારનું કહેવું છે કે જીએસટીના દર વધવા, સ્ટીલના ભાવોમાં ઉછાળો તથા વધારાની સુરક્ષાવ્યવસ્થાને કારણે ખર્ચ વધ્યો છે અને કહેવું છે કે નવા સંસદભવન તથા ઉપરાષ્ટ્રપતિ ભવનના ઍન્ક્લેવમાં ખર્ચ વધ્યો છે, પરંતુ વડા પ્રધાનના નવા નિવાસસ્થાન વિશે બહુ ઓછી માહિતી છે.

સરકારે ખર્ચ વધવાની વાત તો કરી છે, પરંતુ અગાઉ રૂ. 20 હજાર કરોડ કરતાં ખર્ચ કેટલો વધ્યો છે, તેના વિશે માહિતી આપતા આંકડા સ્પષ્ટપણે નથી આપ્યા.

તાજેતરની અને વાસ્તવિક માહિતી મેળવવા માટે બીબીસીએ માહિતીના અધિકાર (આરટીઆઇ) કાયદા 2005 હેઠળ અરજી આપી હતી.

બીબીસીએ કઈ-કઈ માહિતી માગી?

આરટીઆઇ હેઠળ કરવામાં આવેલી અરજીને ત્રણ ખંડમાં વહેંચી શકાય.

પહેલા ખંડમાં સેન્ટ્રલ વિસ્ટા પાછળ થનારો અપડેટેડ અનુમાનિત ખર્ચ, 30 સપ્ટેમ્બર 2025 સુધી થયેલો કુલ ખર્ચ, આપવામાં આવેલાં ટેન્ડરોની યાદી, કામનાં નામ, કૉન્ટ્રાક્ટર/એજન્સીઓનાં નામ અને દરેક કામ પાછળ થનારા ખર્ચ વિશેની વિગતો માગવામાં આવી હતી. સાથે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પૂરો થવાની સંભવિત તારીખ વિશે પૂછવામાં આવ્યું હતું.

અરજીનો બીજો ભાગ વડા પ્રધાનના નવા નિવાસસ્થાન વિશે હતો. જેમાં કામના વ્યાપ તથા સુવિધાઓ વિશે માહિતી માગવામાં આવી હતી.

ત્રીજો ભાગ ઉપરાષ્ટ્રપતિના ઍન્ક્લેવ સંબંધિત હતો, જેના માટે પણ સમાન પ્રકારની માહિતી માગવામાં આવી હતી.

અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વડા પ્રધાન કે ઉપરાષ્ટ્રપતિની સુરક્ષા પર જોખમ ઊભું ન થાય, તેવી માહિતી જ આપવામાં આવે.

સરકારે કઈ માહિતી આપી?

શરૂઆતમાં સીપડબ્લ્યુડીએ સંબંધિત તમામ જાહેર માહિતી અધિકારીઓને આ અરજી વિશે જણાવ્યું તથા તેમને જરૂરી માહિતી આપવા અને જો તેમની પાસે જરૂરી માહિતી ન હોય, તો અરજીને સંબંધિત કાર્યાલયને મોકલી આપવા કહ્યું.

24 ઑક્ટોબર, 2025ના પોતાની પહેલી પ્રતિક્રિયામાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે (સીપીડબલ્યુડી) કહ્યું કે આ પરિયોજનાનો ખર્ચ, પૂર્ણ થવાની તારીખ તથા ટેન્ડર આપવા સંબંધિત સવાલ "આ કાર્યાલય સાથે સંબંધિત" નથી. સીપીડબલ્યુડી કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના ભાગરૂપ છે.

ત્રણ સવાલ વડા પ્રધાનના નવા નિવાસસ્થાન સંબંધે હતા, સીપીડબ્લ્યુએ જવાબ આપ્યો કે "જે માહિતી આપવામાં આવે છે, તે 'ગોપનીય શ્રેણી' હેઠળ આવે છે, એટલે તેના વિશે માહિતી ન આપી શકાય."

આ જવાબ મળ્યાના અમુક દિવસો બાદ અમે આરટીઆઇના કાયદા હેઠળ અપીલ દાખલ કરી. અપીલના જવાબમાં સીપીડબલ્યુડીના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સુધીરકુમાર તિવારીએ બીજી ડિસેમ્બરના કહ્યું કે સમગ્ર પ્રોજેક્ટ વિશે જે માહિતી માગવામાં આવી, તે "અસ્પષ્ટ" છે.

વડા પ્રધાનના નિવાસ અંગે તેમણે લખ્યું, "તમારી અરજી કાયદાની કલમ 8(1)(અ) હેઠળ છૂટની શ્રેણીમાં આવે છે. એટલે તેના વિશે માહિતી ન આપી શકાય. તમારી અરજી મુજબ, આ માહિતીને કારણે ભારતની સંપ્રભુતા, અખંડિતતા તથા સુરક્ષાને અસર પડશે. સાથે જ તેનાથી દેશનાં વ્યૂહાત્મક હિત તથા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ટકરાવ ઊભો થવાનું જોખમ છે."

ઉપરાષ્ટ્રપતિના ઍન્ક્લેવ સંબંધિત સવાલોનો સરકાર તરફથી કોઈ જવાબ ન મળ્યો.

પ્રોજેક્ટ અંગે અત્યાર સુધીમાં શું માહિતી છે?

પરિયોજનાની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, "વડા પ્રધાનનું વર્તમાન નિવાસસ્થાન લોકકલ્યાણ માર્ગ પર આવેલું છે, જે સેન્ટ્રલ વિસ્ટાની બહાર છે. નવું નિવાસસ્થાન સાઉથ બ્લૉકની પાછળ બ્લૉક એ અને બી પર બનેલી ઝૂંપડપટ્ટીને હઠાવીને બનાવવાનો પ્રસ્તાવ છે."

"આ નવું નિવાસસ્થાન આધુનિક તથા તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે. આ સિવાય, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) માટે પ્લૉટ નંબર 30 પર અલગથી સુવિધા ઊભી કરવામાં આવશે. તમામ અધિકારીઓના નિવાસસ્થાન તથા નિવાસ એક જ સ્થાને હોવાને કારણે સંશાધનોની જરૂરિયાત બેવડાશે નહીં અને શહેરના ટ્રાફિક નિયમનમાં પણ સુધારો થશે."

જોકે સરકારી નિવેદનો મુજબ, ઉપરાષ્ટ્રપતિના ઍન્ક્લેવનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વડા પ્રધાનના નિવાસસ્થાન અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) અંગે સરકાર કહે છે કે "કૅબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને વિદેશ મંત્રાલયની હૈદરાબાદ હાઉસમાં કૉન્ફરન્સિંગ જેવી સવલતો પીએમઓની સાથે એક જ સ્થાને હશે. આ બધું મળીને 'એક્ઝિક્યુટિવ ઍન્ક્લેવ' કહેવાશે."

સત્તાવાર વેબસાઇટ પર તેને 'પ્રોજેક્ટ ચાલુ' તરીકે નોંધાયેલો છે એટલે કે તેના પર હજુ પણ કામ ચાલી રહ્યું છે.

આ યોજનામાં "તમામ આયોજનબદ્ધ વિકાસ તથા પુનર્વિકાસનાં કામો સામેલ છે, જેમાં નવું સંસદભવન, સંસદસભ્યો માટે કક્ષ, સેન્ટ્રલ વિસ્ટા ઍવેન્યૂ, કૉમન સેન્ટ્રલ સચિવાલયની 10 ઇમારતો, સેન્ટ્રલ કૉન્ફરન્સ સેન્ટર..." જેવી ઇમારતો સામેલ છે.

સરકારનું કહેવું છે કે સેન્ટ્રલ વિસ્ટા યોજના 'પેઢીઓ માટે મૂળભૂત માળખામાં રોકાણ પરિયોજના' છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન