You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની 'મનરેગાને નહીં હઠાવું'થી લઈને નવું નામ 'વીબી - જી રામ જી' સુધી
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
'મનરેગા તમારી નિષ્ફળતાઓનું જીવતુંજાગતું સ્મારક છે. સ્વતંત્રતાનાં 60 વર્ષ બાદ તમારે લોકોને ખાડા ખોદવા માટે મોકલવા પડ્યા. એ તમારી નિષ્ફળતાઓનું સ્મારક છે અને હું આ સ્મારકનો ઢોલ પીટતો રહીશ. દુનિયાને જણાવીશ કે તમે આ જે ખાડા ખોદી રહ્યા છો, તે 60 વર્ષનાં પાપોનું પરિણામ છે. મનરેગા રહેશે અને આન-બાન-શાન સાથે રહેશે અને દુનિયાને ગાઈ વગાડીને કહેવામાં આવશે.'
ફેબ્રુઆરી-2015માં લોકસભામાં એક ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા આ વાત કહી હતી. સાથે જ મોદીએ કહ્યું હતું કે જો તેમાં કોઈ ઉમેરા કે ફેરફાર કરવાની જરૂર પડશે તો 'ગરીબ અને દેશહિત' ખાતર એ પણ કરીશું.
એ ભાષણનાં લગભગ 10 વર્ષ અને 10 મહિના બાદ મોદી સરકારે મનરેગા કાયદામાં ફેરફાર કર્યો છે. મોદી સરકારે મનરેગા કાયદાનું સ્થાન લેતું નવું બિલ 'વીબી - જી રામ જી' સંસદમાં પસાર કરાવ્યું છે.
વિપક્ષના વિરોધની વચ્ચે ગુરુવારે આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયું હતું. હવે રાષ્ટ્રપતિની સહી અને જાહેરનામા બાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
નવા ખરડામાં સુનિશ્ચિત રોજગારના દિવસોની સંખ્યા વધારીને વાર્ષિક 100થી વધારીને 125 દિવસ કરવાની જોગવાઈ છે.
જોકે, વિપક્ષનું કહેવું છે કે આ બિલની રાજ્ય સરકારો પરનું ભારણ વધશે. જ્યારે સરકારનું કહેવું છે કે તેનાથી પારદર્શકતા અને કાર્યદક્ષતા વધશે.
ત્યારે સવાલ એ છે કે શા માટે કોઈ સરકારને રોજગારની ખાતરી આપતી યોજના ચલાવવી પડે? શું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તે તર્કસંગત છે? ભારતમાં આવા પ્રયાસ ક્યારે-ક્યારે થયા છે?
દેશમાં રોજગાર કાર્યક્રમોની પૃષ્ઠભૂમિ
દુષ્કાળના સમયમાં રૈયતને રાહત મળી રહે તે માટે ગુજરાત સહિત ભારતભરમાં કેટલાક રાજવીઓ દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવતી. જનતાને અનાજ કે રોકડ રકમ આપવામાં આવતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રજાનો દાણ માફ કરવામાં આવતો અથવા તો તેમની પાસે કશું નિર્માણકાર્ય કરાવવામાં આવતું, જેથી ખર્ચ અલેખે ન જાય તથા કશું નિર્માણ પામે.
જો આમ કરવામાં ન આવે, તો પ્રજામાં અસંતોષ ફેલાઈ તથા અસામાજિક પ્રવૃત્તિઓ વકરે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થાય, તેવી ગણતરી રહેતી.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આવી યોજનાઓ છૂટીછવાઈ અને તત્કાલીન રાજવીઓની મનસ્વિતા પર આધારિત રહેતી.
વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેઇન્સનું કહેવું હતું કે, 'ખાડો ખોદાવો અને પુરાવો, પરંતુ રોજગારનું સર્જન કરો.' સરકારને આ સલાહ આપવા પાછળનો હેતુ એવો હતો કે જો જનતા પાસે નાણાં આવશે, તો તે ખર્ચ કરશે, જેના કારણે બજારમાં નાણાં ફરતાં રહેશે તથા અર્થતંત્રમાં ગતિ આવશે.'
સ્વતંત્રતા બાદ ભૂદાન આંદોલન અને સર્વોદય જેવી યોજનાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ લાવવા તથા ગરીબી નિર્મૂલન માટે પ્રયાસ થયા.
સરકાર દ્વારા નવા પસાર થયેલા કાયદા સંબંધિત પ્રેસ રિલીઝમાં દેશવ્યાપી યોજનાઓની પૃષ્ઠભૂમિ આપવામાં આવી છે. જે મુજબ રૂરલ મૅનપાવર પ્રોગ્રામ (RMP,1960ના દાયકા) લાગુ કરવામાં આવ્યો હતો.
એ પછી ક્રૅશ સ્કીમ ફૉર રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ (CSRE, 1971) યોજનાઓ લાગુ કરવામાં આવી.
વર્લ્ડ બૅન્કના રિપોર્ટમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે, વર્ષ 1972માં મહારાષ્ટ્ર ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી સ્કીમ રજૂ કરવામાં આવી હતી. વારંવાર દુષ્કાળને કારણે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા 'પાર્ટીને વફાદાર' મરાઠા મતદારો ખસી રહ્યા હતા.
તેથી ઇંદિરા ગાંધીએ જ તત્કાલીન મુખ્ય મંત્રી વાયબી ચૌહાણને આ યોજના લાગુ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સરકારની પ્રેસ રિલીઝમાં ઉલ્લેખ પ્રમાણે, 1977- '78 દરમિયાન ફૂડ-ફૉર-વર્ક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે 'કામ સાટે અનાજ ' તરીકે ઓળખવામાં આવતી. આ કાર્યક્રમ મહદંશે દુષ્કાળ સમયે રોજગાર અને અનાજ આપવા માટે હતો.
એ પછી 1980ના દાયકામાં નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ પ્રોગ્રામ (NREP), તથા રૂરલ લૅન્ડલેસ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી પ્રોગ્રામ (RLEGP) લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ યોજનાઓમાં મર્યાદિત તાલુકામાં 90થી 120 દિવસના રોજગારની જોગવાઈ હતી.
એપ્રિલ-1989માં રાજીવ ગાંધીના સમયમાં બંનેને ભેળવીને જવાહર રોજગાર યોજના હેઠળ લાગુ થઈ.
રાજીવ ગાંધી પછી વીપી સિંહ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે દેશના કુલ બજેટનો 60 ટકા હિસ્સો ગ્રામ્ય વિસ્તારને ફાળવવાની વાત કરી હતી. તેઓ પણ આ પ્રકારની યોજના લાવવા વિચારી રહ્યા હતા, પણ તેમાં સફળતા નહોતી મળી.
1993માં ઍમ્પ્લૉયમેન્ટ ઍસ્યોરન્સ સ્કીમ રજૂ કરવામાં આવી. 1999માં જવાહર રોજગાર યોજનાએ સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનું સ્વરૂપ ધારણ કર્યું.
વર્ષ 2004માં નૅશનલ ફૂડ ફૉર વર્ક કાર્યક્રમ તરીકે ઓળખાયો. જે હેઠળ પછાત વિસ્તારોને જાહેરકામો કરાવવામાં આવે તો રોજગાર મળે અને ખાદ્યાન્ન સુરક્ષા પણ મળે.
મનરેગાનો પાયો
મે, 2004માં તત્કાલીન યુપીએ સરકારે તેના કૉમન મિનિમમ પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારો માટે એક રોજગાર યોજના સામેલ કરી હતી.
કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન 'બહેતર' બનાવવાના ઉદ્દેશ વર્ષ 2005માં નરેગાનો કાયદો લાવી હતી.
જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના પરિવારોને લઘુતમ મજૂરીદરથી વાર્ષિક 100 દિવસના રોજગારની ગૅરંટી અપાઈ હતી.
વરિષ્ઠ પત્રકાર અરવિંદસિંહ જણાવે છે, 'નૅશનલ રૂરલ ગૅરંટી સ્કીમ (નરેગા - રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના) બિલ ડિસેમ્બર-2004માં રજૂ કરવામાં આવ્યું હતું. સદનમાં બિલ પસાર થઈ ગયા બાદ સપ્ટેમ્બર-2005માં આ કાયદાનો અમલ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.'
ફેબ્રુઆરી-2006ના રોજ તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ અને યુપીએનાં ચૅરપર્સન સોનિયા ગાંધી દ્વારા આંધ્ર પ્રદેશના બંગલાપલ્લી ગામથી આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં આ યોજનાનો દેશના 200 જિલ્લામાં અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને એપ્રિલ-2008માં દેશભરમાં તે અમલી બની હતી.
શરૂઆતમાં નરેગાનું બજેટ અંદાજે 15,000 કરોડ રૂપિયાનું હતું, આગળ જતાં વધીને આશરે 86,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
વર્ષ 2010માં આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ, અર્થાત્ મનરેગા કરવામાં આવ્યું.
આ પાછળનો તર્ક એ હતો કે, આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોનું સશક્તીકરણ કરવામાં આવ્યું હતું અને મહાત્મા ગાંધી દેશનાં ગામડાંને મજબૂત બનતાં જોવા ઇચ્છતા હતા, આથી સ્કીમ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું.
અરવિંદસિંહ જણાવે છે, "2015માં, વિશ્વ બૅન્કે તેને વિશ્વનો સૌથી વિશાળ રોજગાર કાર્યક્રમ ગણાવ્યો હતો."
મનરેગાની જોગવાઈ અને લાભો
જાણીતા સામાજિક કાર્યકર્તા અરુણા રૉયે આ પહેલાં બીબીસીને માટે લખેલા લેખમાં નોંધ્યું હતું, "આર્થિક અસમાનતા અને બેરોજગારીને કારણે ગરીબી જન્મે છે. ગ્રામીણ બેકારીનો કોઈ ચહેરો નથી. તે કાગળોમાં સંખ્યા અને વિકાસના પૃષ્ઠ પર ફૂટનોટ માત્ર છે."
"ભારતના અર્થતંત્રમાં અકુશળ શ્રમિકોના પ્રદાનને અપ્રાસંગિક કહીને નકારી કાઢવામાં આવતું હતું. મનરેગાએ આ માનવીય શ્રમને ઓળખ્યો તથા રાજકીય વ્યવસ્થામાં તેને સ્થાન અપાવ્યું."
અરુણા રૉય આગળ લખે છે, "અગાઉ ગ્રામીણ પલાયનને કારણે જે સંકટ ઊભું થયું હતું, તેનો કોઈ ઉકેલ ન હતો. જેઆરવાય, કામ સાટે અનાજ વગેરે યોજનાઓ માત્ર કાગળ પર હતી અને દુષ્કાળ સમયે લાગુ થતી."
"પરંતુ મનરેગાએ અધિકારની ગૅરંટી, પારદર્શકતા તથા જવાબદારી સુનિશ્ચિત કર્યાં."
મનરેગાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અસ્કયામતોનું નિર્માણ કરવાનો છે. આ યોજનાને ગ્રામપંચાયત લાગુ કરે છે.
હાલ આ યોજના દેશના તમામ જિલ્લામાં લાગુ છે. આ યોજના ગ્રામીણ પ્રદેશોમાં 18 વર્ષ કરતાં વધુ વયનાં પુરુષો તથા મહિલાઓને તેના રહેણાકથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં રોજગારીની બાંહેધરી પૂરી પાડે છે.
આ યોજના હેઠળ મશીનથી કામ નથી કરાવી શકાતું તથા કૉન્ટ્રાક્ટર નથી હોતા.
મનરેગા હેઠળ કામ કરનારા લોકોને સમયસર ચુકવણી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. યોજનાના યોજનાના સામાજિક પ્રભાવ માટે સમયાંતરે સ્વતંત્ર એજન્સી મારફત આકારણીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મનરેગાની જોગવાઈ હેઠળ મજૂરીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવતો, જ્યારે સામાન અને વિતરણ સહિતનો ખર્ચ રાજ્ય સરકાર ચોક્કસ પ્રમાણમાં ભોગવતી.
મનરેગાની જોગવાઈ હેઠળ જોબકાર્ડધારકને જો 15 દિવસની અંદર વિશેષ કૌશલ્યની જરૂર ન હોય એવું કામ (પાવડો-કોદાળી ચલાવવા, માટી ઉઠાવવી વગેરે) ન મળે, તો દૈનિક બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે. નવા ખરડામાં પણ આવી જ જોગવાઈ કરવામાં આવી છે.
મનરેગાની હેઠળ 262 પ્રકારનાં કાર્યોને હાથ ધરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી 164 કાર્યો કૃષિ સાથે જોડાયેલાં છે. મનરેગા હેઠળ, નાના તથા સીમાંત ખેડૂતોને તેમની ખાનગી જમીન પર મદદ મળી શકે છે.
આ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા અને તેની ચર્ચા થતી.
સામાજિક કાર્યકર નિખિલ ડે કહે છે, "અગાઉ એવું બનતું કે, સ્કીમ હેઠળ ગણ્યા-ગાંઠ્યા લોકો જ કામ કરતા, પણ કાગળ પર વધુ લોકો બતાવવામાં આવતા. સ્કીમ માટેનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવતો હતો."
"પણ આરટીઆઇ અને જાગૃતિને કારણે સ્થિતિમાં સુધારો થયો છે. હવે, આરટીઆઇ ફાઇલ કરીને તમે પણ જાણી શકો છો કે, સ્કીમ હેઠળ કેટલા લોકોએ કયા વિસ્તારમાં કામ કર્યું અને કયું કામ થયું છે."
વર્તમાન સમયમાં 12 કરોડ કરતાં વધુ સક્રિય વર્કર્સ મનરેગા હેઠળ રજિસ્ટર્ડ છે અને આથી, રોજગારી પૂરી પાડવાની દૃષ્ટિએ આ એક ઘણી મોટી યોજના છે.
અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા જોસેફ સ્ટિગ્લિટ્ઝે 2016માં જણાવ્યું હતું, "મનરેગા ભારતનો એકમાત્ર સૌથી મોટો મૂળભૂત કાર્યક્રમ છે અને સમગ્ર વિશ્વએ તેમાંથી શીખ મેળવવી જોઈએ."
વીબી જી રામ જી, મનરેગા કરતાં કેટલું અલગ?
'વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' (વીબી - જી રામ જી) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં જળસુરક્ષા પૂરી પાડવામાં આવશે. નવી યોજના હેઠળ જળસંશાધન, માર્ગનિર્માણ અને ટકાઉ સંશાધનો ઊભા કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે નવા કાયદાથી પારદર્શકતા અને જવાબદારી વધશે, તેનાથી ખેડૂતોને લાભ થશે.
નવા ખરડાની જોગવાઈ પ્રમાણે કુલ ખર્ચનો 60 ટકા ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર આ અંતર્ગત થતા ખર્ચનો 90 ટકા ખર્ચો ઉઠાવશે.
વિપક્ષનો આરોપ છે કે આ યોજનામાં કેન્દ્ર સરકારને રાજ્યોની સરખામણીએ 'વધુ અધિકાર' છે, જ્યારે રાજ્ય સરકારોએ અગાઉની સરખામણીએ 'વધુ પૈસા' ખર્ચ કરવા પડશે.
સાથે જ વિપક્ષનો આરોપ છે કે મનરેગા જેવા કાયદા જેમાં મહાત્મા ગાંધીનું નામ પણ સામેલ છે, તેને હઠાવીને, સરકારે મહાત્મા ગાંધીનું 'અપમાન' કરી રહી છે.
અરવિંદસિંહ કહે છે, "નવો પ્રસ્તાવ યોજનાને જળ સંસાધનો, માર્ગો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ આવાસ સાથે સાંકળે છે, જે માટે અગાઉથી જ મંત્રાલયો મોજૂદ છે. સરકાર મનરેગાના બજેટને ડાઇવર્ટ કરવા માગતી હોય, એમ જણાઈ રહ્યું છે. તેનાથી આ યોજનામાં ભારે વિક્ષેપ ઊભો થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન