You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોગો પેપર : ગુજરાત સરકારે જેના પર પ્રતિબંધ મૂક્યો તે આ પેપર શું છે, કઈ રીતે જોખમી છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધ્યો હોવાની ચિંતા વચ્ચે સરકારે એક જાહેરનામું બહાર પાડીને નશો કરવા માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન કે પરફેક્ટ રોલનાં વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂક્યો છે.
સરકારના જાહેરનામા મુજબ "સોશિયલ મીડિયા અને અખબારો, ટીવી ચૅનલોના માધ્યમથી તેમના ધ્યાને આવ્યું છે કે યુવાનો નશો કરવા માટે આ પેપરનો ઉપયોગ કરે છે."
રાજ્યમાં ચાની દુકાન, પાન પાર્લર તેમજ કરિયાણાની દુકાનો પર આ પેપર છૂટથી મળી રહ્યાં હતાં જેની કિંમત લગભગ 15 રૂપિયાની આસપાસ છે, પરંતુ હવે તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
જાહેરનામા બાદ પોલીસે રાજ્યના વિવિધ ભાગોમાં દરોડા પાડીને રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કૉન કે પરફેક્ટ રોલનો જથ્થો પકડ્યો છે. આવી કાર્યવાહી મોટા ભાગે પાનના ગલ્લા પર થાય છે.
પોલીસ અને સામાજિક કાર્યકરો કહે છે કે 'ગોગો પેપર' તરીકે ઓળખાતા આ બધા રોલ પેપરનો ઉપયોગ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન માટે થાય છે.
બીજી તરફ પાનના ગલ્લા ચલાવનારાઓ કહે છે કે 'સિગારેટ મોંઘી પડતી હોવાથી લોકો અલગથી તમાકુ અને પેપર લઈને પોતાની જાતે સિગારેટ બનાવતા હતા'. પરંતુ હવે તેનો ઉપયોગ નશીલા પદાર્થોના સેવન માટે પણ થાય છે.
'ગોગો પેપર' કઈ રીતે ખતરનાક છે?
ગોગો પેપર પર પ્રતિબંધની જાહેરાત કરતી પ્રેસ રિલીઝ પ્રમાણે "આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કૉનમાં ટાઇટેનિયમ ઑક્સાઇડ, પોટૅશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કૅલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે."
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કૉન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનાં સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં જણાવાયું છે કે, "આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ એ જામીનપાત્ર ગુનો છે અને તેમાં દંડ તેમજ એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે."
અનેક જગ્યાએ દરોડા, લાખોનો માલ પકડાયો
સુરત પોલીસ દ્વારા ગોગો પેપર અંગે જાહેરનામું આવ્યું તે અગાઉથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમાં પોલીસે પાનનાં ગલ્લા અને કરિયાણાની દુકાનોમાંથી આવો માલ પકડ્યો હતો.
સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "જાહેરનામું આવ્યું તે અગાઉ જ અમે ગોગો પેપર સામે ઝુંબેશ શરૂ કરી હતી. જે ગોગો પેપર મળ્યાં તેનો નાશ કરાયો છે. જાહેરનામા પછી અમને અભિયાનમાં હુક્કા મળી રહ્યા છે, પણ ગોગો પેપર નથી મળતાં."
તેમણે જણાવ્યું કે, "અમુક ક્વિક કૉમર્સ વેબસાઇટ્સ પર આ ગોગો પેપર ઑનલાઇન મળે છે તેવું ધ્યાનમાં આવતા અમે ઑર્ડર કરીને ગોગો પેપર મગાવ્યાં હતાં. ત્યાર પછી તેમનાં ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા. આજે પણ રૅડ દરમિયાન 68 હુક્કા મળ્યા છે, પરંતુ ગોગો પેપર મળ્યાં નથી."
ગોગો પેપરના ઉપયોગ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યુ કે "આ પેપરનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો પીવા માટે થતો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે."
જાહેરનામા બાદ અમદાવાદમાં પણ કાર્યવાહી થઈ છે અને બુધવારે ઍરપૉર્ટ પોલીસ દ્વારા સરદારનગર વિસ્તારમાંથી 72 લાખનાં ગોગો પેપર જપ્ત કરવામાં આવ્યાં હતાં.
પોલીસે જણાવ્યા મુજબ તેમણે રોલિંગ પેપર, બર્નિંગ ડિઝાયર મેગ્નેટિક રિપર પેપર સહિતનો માલ પકડ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં એક વેપારી પાસેથી ગોગો પેપરનાં 15 પૅકેટ પકડાયાં હતાં.
પાનના ગલ્લા ચલાવનારાઓ શું માને છે?
ગોગો પેપર સામેની કાર્યવાહીમાં પાનના ગલ્લા પર ખાસ તપાસ કરવામાં આવે છે.
સુરતમાં પાનનો ગલ્લો ચલાવતા પંકજભાઈ કાસોદરિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "વિદેશમાં લોકોને સિગારેટ મોંઘી પડે ત્યારે પેપર અને તમાકુ અલગથી ખરીદીને જાતે સિગારેટ બનાવતા હોય છે. પરંતુ અહીં લોકો ગાંજો અને બીજા નશીલા પદાર્થોના સેવન માટે ગોગો પેપરનો ઉપયોગ કરે છે."
તેમણે ગોગો પેપર પરના પ્રતિબંધને આવકારતા કહ્યું કે, "અત્યાર સુધી તેના પર પ્રતિબંધ ન હોવાથી અમે આ પેપર રાખતાં હતાં. કારણ કે તમે પેપર ન વેચો તો ગ્રાહક બીજી દુકાને જતો રહે. ગ્રાહકો અમારી પાસેથી તો તમાકુ ભરીને સિગારેટ બનાવવાના નામે પેપર લઈ જતાં હતાં, પરંતુ પછી તેનો કઈ રીતે ઉપયોગ કરતા હોય તે કેવી રીતે ખબર પડે?"
'નશો કરનારાઓ બીજા રસ્તા શોધી લેશે'
ગુજરાતમાં ગોગો પેપર પર પ્રતિબંધ મૂકાવાથી નશીલા પદાર્થોના સેવનને કેટલું ઘટાડી શકાશે તે એક સવાલ છે.
નશામુક્તિ પર કામ કરતાં સામાજિક કાર્યકર સાગર બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ગોગો પેપર પરનો પ્રતિબંધ સરાહનિય છે, પરંતુ માત્ર આ પેપર સામે કાર્યવાહી કરવાથી નશાને રોકી શકાશે નહીં.
તેઓ કહે છે, "નશો કરનારાઓ બીજા રસ્તા પણ શોધી લેશે. ગોગો પેપર સામાન્ય રીતે ગાંજાના નશા માટે ઉપયોગમાં લેવાય છે."
તેમણે કહ્યું કે, "સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે નશામુક્તિ માટે કામ કરતી સંસ્થાઓ સાથે ચર્ચા કરીને યોગ્ય ઍક્શન પ્લાન બનાવવો જોઈએ. ખાસ કરીને યુવાનોમાં તેના વિશે જાગૃતિ આવે તે વધારે જરૂરી છે."
ડ્રગ્સના સેવન પર સંશોધન કરનારા એજાઝુદ્દીન શેખે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ગોગો પેપર અથવા સ્મોકિંગ પેપર પર સરકારે બહુ વહેલો પ્રતિબંધ લાવવાની જરૂર હતી. ગાંજા પર પણ પ્રતિબંધ છે, છતાં તે મળી રહ્યો છે. પોલીસે આની સામે લાંબા ગાળાની કાર્યવાહી કરવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન