You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૉન્ડી બીચ હુમલો : હુમલાખોર અસલમાં હૈદરાબાદનો વતની નીકળ્યો, તેલંગાણા પોલીસે તેના વિશે શું કહ્યું?
સિડનીના વિખ્યાત બૉન્ડી બીચ પર એક યહૂદી કાર્યક્રમ દરમિયાન કટ્ટરપંથી હુમલાને ત્રણ દિવસ વીતી ગયા છે અને હુમલાખોરના સંબંધ તેલંગાણાના હૈદરાબાદ સાથે હોવાનું બહાર આવ્યું છે.
તેલંગાણાના ડીજીપી કાર્યાલયે ઑસ્ટ્રેલિયામાં થયેલા ગોળીબાર અંગે એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરી છે.
તેમાં પોલીસે જણાવ્યું છે કે સાજિદ અકરમ નામનો શંકાસ્પદ હુમલાખોર અસલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો વતની હતો.
બીબીસીની તેલુગુ સર્વિસ પ્રમાણે હૈદરાબાદસ્થિત તમામ મીડિયા સંસ્થાનોને પોલીસે આ વિજ્ઞપ્તિ મોકલી છે.
બીબીસી તેલુગુના બલ્લા સતીશ મુજબ, તેલંગાણા પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે "ભારતમાં તેમનાં સગાંસંબંધીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સાજિદ અકરમ છેલ્લાં 27 વર્ષથી હૈદરાબાદમાં પોતાના પરિવાર સાથે મર્યાદિત સંપર્ક ધરાવતો હતો. ઑસ્ટ્રેલિયા ગયા પછી તે છ વખત મિલ્કતના મામલે અને વયોવૃદ્ધ માતાપિતાને મળવા માટે આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે પોતાના પિતાના નિધન વખતે તે ભારત આવ્યો ન હતો."
પોલીસના કહેવા પ્રમાણે "1998માં અકરમ રોજગારની શોધમાં ઑસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાર પછી ત્યાં તેમણે લગ્ન કરી લીધાં અને ત્યાં જ સ્થાયી થયો.
તેલંગાણા પોલીસે કહ્યું કે, પરિવારના સભ્યોએ તેમના 'કટ્ટરવાદી વિચારો અથવા ગતિવિધિઓ કે પછી કટ્ટરવાદી બનવાનાં કારણો' વિશે કોઈ માહિતી હોવાનો ઇન્કાર કર્યો છે."
તેમનું કહેવું છે કે 1998માં ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં તેલંગાણા પોલીસ પાસે સાજિદ અકરમ વિરુદ્ધ કોઈ વાંધાજનક રેકૉર્ડ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયન પોલીસે પુષ્ટિ કરી છે કે રવિવારના હુમલાના ઘટનાસ્થળે અકરમ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
બીજા હુમલાખોર (સાજિદનો 24 વર્ષીય પુત્ર નવીદ અકરમ) વિશે જાણવા મળ્યું છે કે હૉસ્પિટલમાં કોમામાંથી બહાર આવ્યા પછી તેમને હોશ આવી ગયો છે.
હુમલાખોર ભારતીય પાસપૉર્ટ પર ફિલિપાઇન્સ ગયો
દરમિયાન ફિલિપાઇન્સના ઇમિગ્રેશન બ્યૂરોએ કહ્યું છે કે બંને શંકાસ્પદ હુમલાખોરો નવેમ્બરમાં ફિલિપાઇન્સ આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની પોલીસ હવે આ દાવાની તપાસ કરી રહી છે.
ફિલિપાઇન્સના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે બેમાંથી એક હુમલાખોર સાજિદ અકરમે ભારતીય પાસપૉર્ટ પર તેમના દેશનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેમનો પુત્ર નવીદ ઑસ્ટ્રેલિયન પાસપૉર્ટ સાથે ફિલિપાઇન્સ આવ્યો હતો.
ઇમિગ્રેશન બ્યૂરોનાં પ્રવક્તા ડાના સેંડોવાલ મુજબ 50 વર્ષીય સાજિદ અકરમે ભારતીય પાસપૉર્ટ પર પ્રવાસ કર્યો હતો, જ્યારે તેમના 24 વર્ષીય પુત્ર નવીદે ઑસ્ટ્રેલિયન પાસપૉર્ટનો ઉપયોગ કર્યો હતો.
સેંડોવાલે જણાવ્યું કે પિતાપુત્રે જણાવ્યું હતું કે ફિલિપાઇન્સમાં ડવાઓ એ તેમનું અંતિમ સ્થળ હશે, ત્યાર પછી તેઓ ઑસ્ટ્રેલિયાના સિડની પાછા જતા રહેશે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની આલ્બનીઝે કહ્યું છે કે રવિવારે સિડનીના બૉન્ડી બીચ પર થયેલો હુમલો "ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત" હોય તેમ જણાય છે.
'હુમલો ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત'
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કાર્યાલયે ઍન્થની આલ્બનીઝના એક રેડિયો ઇન્ટરવ્યૂનો એક અંશ શૅર કર્યો છે, જે ઇન્ટરવ્યૂ એબીસી સિડનીને આપ્યો હતો.
આ ઇન્ટરવ્યૂમાં ઍન્થની આલ્બનીઝે કહ્યું કે, "એવું લાગે છે કે આ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતું."
આલ્બનીઝે આગળ કહ્યું કે "આ એ જ વિચારધારા છે, જે એક દાયકા કરતા વધુ સમયથી છે. તેણે નફરતના વિચારોને જન્મ આપ્યો અને આ મામલે મોટા પ્રમાણમાં હત્યાઓ કરવાની તૈયારી પણ કરી."
તેમણે આ હુમલાને "સચોટ, આયોજનબદ્ધ અને ઘાતકી" ગણાવ્યો હતો.
કથિત ઇસ્લામિક સ્ટેટ પર ઑસ્ટ્રેલિયાએ 2014માં કટ્ટરવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂક્યો હતો.
પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું કે "ષડયંત્રકારીઓનાં વાહનોમાંથી કથિત ઇસ્લામિક સ્ટેટના ઝંડા પણ મળી આવ્યા છે."
"નફરતી ભાષણોને રોકવા માટે સરકાર શું કરી રહી છે", તેવા સવાલના જવાબમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે સરકાર સૌથી પહેલાં તેને ગેરકાયદે ઠરાવવા માટે સંસદમાં કાયદો લાવશે.
આલ્બનીઝે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં મળેલી માહિતી દર્શાવે છે કે બંને હુમલાખોરોએ એકલા જ આ હુમલાને અંજામ આપ્યો હતો.
સિડનીના બૉન્ડી બીચ પર રવિવારે યહૂદી સમુદાયના લોકો પર થયેલા હુમલામાં 15 લોકો માર્યા ગયા છે.
પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા કહ્યું કે બંને હુમલાખોરો તાજેતરમાં જ ફિલિપાઇન્સ ગયા હતા.
તેમણે કહ્યું કે, "તેઓ શા માટે ગયા હતા, તેમનો હેતુ શું હતો અને તેઓ કઈ કઈ જગ્યાએ ગયા હતા તેની હાલમાં તપાસ ચાલુ છે."
'હથિયારોનું લાઇસન્સ હતું'
ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોલીસ કમિશનર માલ લેન્યોને સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે સાજિદ અકરમ પાસે શિકાર કરવા માટેનું ફાયર આર્મ્સ લાઇસન્સ હતું. તેઓ એક ગન ક્લબના સભ્ય હતા.
ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટર એબીસી ન્યૂઝના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બૉન્ડી બીચમાં ગોળીબાર કરનારા હુમલાખોરોની કારમાંથી ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બે ઝંડા મળ્યા છે.
ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટૉની બર્કે મુજબ સાજિદ અકરમ 1998માં સ્ટુડન્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા આવ્યો હતો. વર્ષ 2001માં તેમના વિઝા પાર્ટનર વિઝામાં રૂપાંતરિત થયા અને પછી તેમને રેસિડન્ટ રિટર્ન વિઝા મળી ગયા.
બૉન્ડી બીચ હુમલા વિશે શું જાણવા મળ્યું?
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે પુષ્ટિ કરી છે કે હુમલામાં 10 વર્ષની એક છોકરી સહિત 15 લોકોનાં મોત થયાં છે અને એક હુમલાખોરનું પણ મૃત્યુ થયું છે.
પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું કે બંને બંદુકધારીઓ 50 વર્ષીય પિતા અને તેમનો 24 વર્ષીય પુત્ર હતો.
50 વર્ષના હુમલાખોરને પોલીસની ગોળી વાગવાથી તેમનું મોત થયું હતું, જ્યારે 24 વર્ષીય હુમલાખોરની હાલત ગંભીર છે.
કુલ 42 લોકોને હૉસ્પિટલે લઈ જવાયા છે જેમાં ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ સામેલ છે.
પોલીસનું કહેવું છે કે 50 વર્ષીય હુમલાખોર પાસે હથિયાર રાખવાનું લાઇસન્સ હતું. તેમના નામે છ હથિયારો રજિસ્ટર્ડ હતાં અને બૉન્ડી બીચ પરથી છ હથિયારો કબ્જે કરવામાં આવ્યાં છે.
ઘટનાસ્થળેથી બે સક્રિય વિસ્ફોટકો પણ મળી આવ્યા જેને પોલીસે હસ્તગત કર્યા છે.
પશ્ચિમી સિડનીના કેપ્સી અને બૉનીરિગ વિસ્તારમાં આવેલી બે પ્રોપર્ટીમાં અધિકારીઓએ આખી રાત તપાસ કરી હતી.
પોલીસે એમ પણ કહ્યું કે સિડનીમાં યહૂદી સમુદાયને વધારાની સુરક્ષા અને સહયોગ આપવા 328 પોલીસકર્મી ગોઠવવામાં આવ્યા છે.
વડા પ્રધાન ઍન્થની આલ્બનીઝે કહ્યું કે હુમલાનો જવાબ આપવા માટે તમામ સંસાધનનો ઉપયોગ કરાશે. તેમણે ઑસ્ટ્રેલિયન સમાજમાં યહૂદી વિરોધી લાગણીને 'જડમૂળથી હટાવવાનો' સંકલ્પ પણ લીધો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન