You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બહેનોનાં લગ્ન માટે બે મિત્રોએ ખોદી કાઢ્યો લાખોનો હીરો, 20 દિવસમાં નસીબ કેવી રીતે ઊઘડી ગયાં
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
એક ભાઈ પોતાની બહેન માટે શું શું કરી શકે? મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં રહેતા બે મિત્રોની કહાણી આ સવાલની સાથે શરૂ થાય છે.
નવ ડિસેમ્બરની ઠંડી સવાર હતી. પન્નાના હીરા કાર્યાલય બહાર બહુ ચહલપહલ ન હતી.
પરંતુ કાગળની અંદર વીંટાળીને એક નાનકડું પૅકેટ લઈને ઊભેલા સાજિદ મોહમ્મદ અને સતીશ ખટીક માટે આ કોઈ સામાન્ય દિવસ ન હતો.
આ પૅકેટની અંદર 15.34 કૅરેટનો એક હીરો હતો. તેમને એક સપનું હતું જે પન્નામાં ઘણા લોકોને હોય છે, પરંતુ બહુ ઓછા લોકોનું સપનું સાકાર થાય છે.
સાજિદની એક ફળની નાનકડી દુકાન છે. સાજિદ અને સતીશ બંને તે દુકાન પર બેઠા છે.
બીબીસી સાથે વાતચીતમાં સાજિદ કહે છે, હીરો જ્યારે મળે છે ત્યારે આપોઆપ સમજાય જાય છે. એકદમ લાઇટ મારે છે. શરીરમાં ઝણઝણાટી આવી જાય છે કે હા, આ હીરો છે.
પન્નાના હીરાના કાર્યાલયમાં કામ કરતા સરકારી હીરા પારખુ અનુપમસિંહે બીબીસીને જણાવ્યું, "સતીશ ખટીક અને સાજિદ મોહમ્મદને મળેલો હીરો 15.34 કૅરેટનો છે. ખાણ સતીશના નામે હતી અને બંનેએ સાથે મળીને આ હીરો શોધ્યો છે."
હીરો મળ્યો તે પળને યાદ કરતા સતીશ કહે છે, "અમે આટલી ઝડપથી આટલી મોટી રકમના માલિક બનીશું તેની આશા ન હતી. હવે બહેનોનાં લગ્ન ધામધૂમથી કરી શકીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ડાયમંડ સિટી' પાછળની કહાણી
બુંદેલખંડમાં આવેલું પન્ના દેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે.
પરંતુ તેની પાછળ ગરીબી, પાણીની અછત અને રોજગારીની અછત જેવી લાંબી કહાણી પણ જોડાયેલી છે.
અહીં જમીન ખોદવું એ માત્ર રોજગાર નથી, પરંતુ આશા અને અનિશ્ચિતતા વચ્ચે લેવામાં આવેલો એક નિર્ણય છે.
સાજિદ અને સતીશે હીરો મળવાની આશા સાથે આ રસ્તો અપનાવ્યો હતો.
પન્નામાં હીરા શોધતા ઘણા લોકોની જિંદગી વીતી જાય છે, પરંતુ આ બંને મિત્રોને માત્ર 20 દિવસમાં આ સફળતા મળી ગઈ.
સાજિદ અને સતીશ બાળપણના મિત્રો છે. બંનેની જિંદગી પણ લગભગ એક સરખી છે.
પન્નાના રાણીગંજમાં બંનેનાં ઘર છે. બંનેની પાછલી ઘણી પેઢીઓનું જીવન હીરાની શોધમાં વીતી ચૂક્યું છે.
પન્નામાં સતીશ મીટની નાનકડી દુકાન ચલાવે છે. જ્યારે સાજિદનો પરિવાર ફળ વેચીને ગુજારો કરે છે.
બંનેના પરિવારોમાં બહેનનાં લગ્નનો ખર્ચ લાંબા સમયથી ચિંતાનો વિષય હતો. મર્યાદિત આવક ધરાવતા પરિવારોમાં આ જવાબદારી ઘણી વખત એક મોટો પડકાર બની જાય છે.
સાજિદ કહે છે કે, અમારા પિતા અને દાદાએ વર્ષો સુધી જમીન ખોદી, પરંતુ ક્યારેય હીરો ન મળ્યો.
સતીશના પરિવારની કહાણી પણ આવી જ છે. દરેક વખતે પાવડો ઉઠાવતી વખતે લોકો વિચારે છે કે કદાચ આ વખતે કિસ્મત બદલાઈ જશે.
ઘરના વધતા ખર્ચ અને બહેનના લગ્નની ચિંતાના કારણે બંને મિત્રોને નવેમ્બર મહિનામાં નિર્ણય લીધો કે હવે હીરાની શોધ કરવી છે.
પન્નાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ કોઈ ચોંકાવનારો નિર્ણય ન હતો.
જે વિસ્તારમાં સેંકડો પરિવાર કેટલીય પેઢીઓથી હીરા શોધવા મહેનત કરતા હતા ત્યાં આ બે મિત્રોનો નિર્ણય જરાય આશ્ચર્યજનક ન હતો. પરંતુ 20 દિવસની અંદર તેમના વિશે બધે ચર્ચા થવા લાગી.
પન્નામાં હીરા કેવી રીતે શોધવામાં આવે છે?
પન્નામાં આવેલી મઝગવાં હીરા ખાણને નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએમડીસી) દ્વારા સંચાલન કરવામાં આવે છે. તે દેશમાં એકમાત્ર સંગઠિત હીરા ઉત્પાદન કેન્દ્ર છે.
આ ઉપરાંત પન્નામાં કોઈ પણ વ્યક્તિ સરકાર પાસેથી આઠ બાય આઠ મીટરની જમીન લીઝ પર લઈને કાયદેસર રીતે એક વર્ષ સુધી હીરાનું ખોદકામ કરી શકાય છે. તેના માટે વાર્ષિક 800 રૂપિયા શૂલ્ક લાગે છે.
જોકે, ખોદકામ કરવાથી હીરા મળશે તે વાતની કોઈ ગેરંટી નથી.
સાજિદ અને સતીશે પણ આવો એક પટ્ટો લીધો અને ખોદકામ શરૂ કર્યું. લગભગ વીસ દિવસની મહેનત પછી 8 ડિસેમ્બરે તેમને એક પથ્થર મળ્યો, જે તેમના જીવનની દિશા બદલવાની તાકાત રાખે છે.
બીજા દિવસે આ હીરો પન્નાની ડાયમંડ ઑફિસે પહોંચ્યો, ત્યારે તપાસમાં તેનું વજન 15.34 કૅરેટ હોવાનું બહાર આવ્યું. આ જેમ ક્વૉલિટીનો હીરો છે.
હીરાની કિંમત વિશે અનુપમસિંહ કહે છે, "હીરાની સચોટ કિંમત જણાવવી મુશ્કેલ છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય બજારભાવ પર આધારિત છે. હાલના અંદાજ પ્રમાણે આ હીરાની કિંમત 50થી 60 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે."
તેમના કહેવા મુજબ પન્નામાં અત્યાર સુધીમાં સૌથી મોંઘો હીરો વર્ષ 2017-18માં મોતીલાલ પ્રજાપતિને મળ્યો હતો.
તે હીરાનું વજન 42.58 કૅરેટ હતું અને હરાજી વખતે પ્રતિ કૅરેટ છ લાખ રૂપિયાની બોલી લગાવાઈ હતી. આ રીતે તે હીરાની કુલ કિંમત અઢી કરોડ રૂપિયા કરતા વધુ રહી હતી.
હરાજીમાં ન વેચાય તેવા હીરા વિશે પૂછવામાં આવતા અનુપમસિંહે કહ્યું કે મોટા ભાગના હીરા પાંચ હરાજીમાં વેચાઈ જાય છે.
જો કોઈ હીરો ન વેચાય તો હીરો શોધનાર વ્યક્તિ સરકારને નિશ્ચિત રૉયલ્ટી ભરીને તે હીરો પાછો મેળવી શકે છે અને પોતાની જાતે ખાનગી બજારમાં વેચી શકે છે.
હરાજીમાંથી જે રકમ મળે તેમાંથી 12 ટકા રકમ સરકાર પોતાની પાસે રાખે છે, જ્યારે બાકીની રકમ હીરો શોધનારને મળે છે.
સાજિદ અને સતીશની બહેનોનું કહેવું છે કે તેમને પહેલી વાર એવું લાગે છે કે તેમની જિંદગી બદલાઈ જવાની છે.
સાજિદ અને સતીશનું કહેવું છે કે આ રકમ કલ્પનાથી વધુ છે કારણ કે તેઓ દર મહિને અમુક હજાર રૂપિયાથી વધારે કમાણી કરતા નથી.
સાજિદનાં બહેન સબા બાનોએ કહ્યું કે હીરાની ખબર પડવાથી ઘરમાં પહેલી વખત નવી આશા જાગી છે. તેઓ કહે છે, "મારા પિતા અને દાદાને કદી આ સફળતા નહોતી મળી. મારા ભાઈ અને સતીશભાઈએ કહ્યું કે તેઓ અમારાં લગ્ન કરાવશે. અમારો આખો પરિવાર ખુશ છે."
સાજિદ અને સતીશ કહે છે કે "હીરો મળ્યો તે રાતે ઊંઘ નહોતી આવી. સપનામાં પૈસા કરતા પણ વધુ એક સુરક્ષિત ભવિષ્ય હતું, બહેનોનાં લગ્ન, ઘર અને થોડી સ્થિરતા."
સતીશ કહે છે, "અહીં શિક્ષણથી લઈને રોજગારના બીજા રસ્તા મોટા ભાગે બંધ છે, તેથી પેઢીઓથી આ જુગાર જ બધાનો સહારો છે."
પન્નામાં હીરા શોધવા એ આશા અને હતાશા વચ્ચેની સફર છે.
મોટા ભાગના લોકોને કંઈ મળતું નથી, પરંતુ જ્યારે કોઈને હીરો મળે છે, ત્યારે તેની ચમક માત્ર એક પરિવાર પૂરતી સીમિત નથી રહેતી.
તે આખા વિસ્તારમાં એવી આશા જગાવે છે કે કદાચ ફરી કોઈનો વારો આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન