ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનેઈ શા માટે ફરીથી 'અંડરગ્રાઉન્ડ' થયા? – ન્યૂઝ અપડેટ

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સાત મહિનામાં બીજી વખત 'અંડરગ્રાઉન્ડ' થઈ ગયા છે.

બીબીસીની ફારસી સેવાના વિશેષ પ્રતિનિધિ કિસરા નાઝીના જણાવ્યા પ્રમાણે, ખામેનેઈને એ બાબતની મજબૂત શંકા છે કે તેમને વ્યક્તિગત રીતે નિશાન બનાવવામાં આવી શકે છે.

અમેરિકાએ ઈરાનના પ્રદર્શનકારીઓને સમર્થન જાહેર કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરતી વેળાએ ઈરાનના સૈન્ય વ્યૂહરચનાકાર કાસિમ સુલેમાની તથા અબુ બક્ર અલ-બગદાદીના દાખલા ટાંક્યા હતા.

સુલેમાની (જાન્યુઆરી-2020) અને અલ-બગદાદી (ઑક્ટોબર-2019) અમેરિકાના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. આ સિવાય હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ સપ્ટેમ્બર-2024માં એક રહેણાક મકાનમાં નજીકના લોકો સાથે બેઠક કરી રહ્યા હતા, ત્યારે ઇઝરાયલી હવાઇ હુમલામાં મૃત્યુ પામ્યા હતા.

આ સિવાય જાન્યુઆરી મહિનામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તથા તેમનાં પત્નીને દેશના પાટનગર કારાકાસમાંથી 'પકડી' લેવામાં આવ્યા હતા, તે વાત પણ ખામેનેઈના મગજમાં હશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે ખામેનેઈ ઉપર કોઈ પણ પ્રકારના હુમલાને ઈરાન રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ માનવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આઠ યુરોપિયન દેશો ઉપર ટેરિફ મોકૂફ કર્યા, ગ્રીનલૅન્ડ વિશે કહી આ વાત

ગ્રીનલૅન્ડ મુદ્દે અમેરિકાની યોજનાઓ અને ધમકીઓનો વિરોધ કરી રહેલા આઠ યુરોપિયન દેશોમાંથી (ડેનમાર્ક, નૉર્વે, જર્મની, ફિનલૅન્ડ, સ્વીડન, ફ્રાન્સ, બ્રિટન અને નૅધરલૅન્ડ્સ) આયાત થતા સામાન ઉપર ટેરિફ લાદવાનો નિર્ણય ટ્રમ્પ સરકારે મોકૂફ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ ઉપર લખ્યું કે નાટોના વડા સાથે "ખૂબ જ ફળદાયી મિટિંગ" થઈ. જે અમેરિકા તથા નાટો રાષ્ટ્રો માટે લાભકારક હશે. હવે ગ્રીનલૅન્ડ અને સમગ્ર આર્કટિક વિસ્તારમાં સંભવિત કરારનું માળખું ઘડવા તરફ આગળ વધી શકાશે. આ સિવાય તેમણે ખાસ કોઈ વિગતો આપી ન હતી.

નાટોએ પણ આ બેઠકને 'ખૂબ જ ફળદાયી' ગણાવી હતી અને કહ્યું હતું કે ટ્રમ્પ દ્વારા જે ફ્રેમવર્ક વિશે વાત કરવામાં આવી છે, તે આર્કટિકની સુરક્ષા ઉપર કેન્દ્રિત છે.

આ પહેલાં દાઓસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ગ્રીનલૅન્ડને હાંસલ કરવા માટે સૈન્ય શક્તિનો ઉપયોગ નહીં કરે, પરંતુ તેઓ આર્કટિક વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.

ડેનમાર્કના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, "દિવસ જે રીતે શરૂ થયો હતો, તેના કરતાં વધુ સારી સ્થિતિમાં પૂરો થયો છે. ડેનમાર્કની લાલ લીટીને પાર કર્યા વગર, અમેરિકાની સુરક્ષા સંબંધિત ચિંતાઓને કેવી રીતે દૂર કરી શકાય, તેના વિશે બેસીને ચર્ચા કરવાની જરૂર છે."

ગ્રીનલૅન્ડ વિવાદ: યુરોપિયન સંઘે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અટકાવી

ગ્રીનલૅન્ડને મેળવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે પ્રયાસો હાથ ધર્યા છે અને યુરોપિયન દેશો ઉપર ટેરિફ લાદવાની ધમકીઓનો સતત વિરોધ વધી રહ્યો છે.

ત્યારે ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ, યુરોપની સંસદે બુધવારે યુરોપિયન સંઘ સાથેની અમેરિકાની વેપારસંધિને અટકાવવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાએ ગ્રીનલૅન્ડ મેળવવાના પ્રયાસોનો વિરોધ કરી રહેલા આઠ યુરોપિયન દેશો નૉર્વે, ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, ફિનલૅન્ડ, બ્રિટન, સ્વીડન અને નૅધરલૅન્ડ્સથી આયાત થતા સામાન ઉપર દસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જે પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવનારા હતા.

જોકે, બુધવારે તેમણે ટેરિફ લાદવાના નિર્ણય પરથી પીછેહઠ કરી હતી.

યુરોપિયન સંસદમાં અમેરિકા સાથેના વેપાર પરથી ટેરિફ હઠાવવા સંબંધે પ્રસ્તાવો પર ચર્ચા યોજાઈ રહી હતી.

જુલાઈ-2025ના અંત ભાગમાં સ્કૉટલૅન્ડના ટર્નબેરી ખાતે આ સમજૂતી થઈ હતી. જે હેઠળ અમેરિકાથી આયાત થતા સામાન ઉપર જકાત ઘટાડવા તથા અમેરિકાના લૉબ્સ્ટર ઉપર ઇમ્પૉર્ટ ડ્યૂટી નહીં લાદવાનો પ્રસ્તાવ હતો.

પહેલી વખત વર્ષ 2020માં આના અંગે સંમતિ સધાઈ હતી. આ પ્રસ્તાવોને યુરોપિયન સંસદ તથા યુરોપિયન સંઘની સરકારોએ મંજૂરીની મહોર મારી હતી.

તા. 26 અને 27 જાન્યુઆરીના રોજ યુરોપિયન સંસદની વ્યાપાર સમિતિએ મતદાન દ્વારા પોતાની સ્થિતિ સાર્વજનિક સ્પષ્ટ કરવાની હતી, પરંતુ હવે તેને મોકૂફ કરી દેવામાં આવી છે.

સમિતિના વડા બર્ન્ડ લાંગેએ બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે નવા ટેરિફની ધમકીઓએ ટર્નબરી સમજૂતિને તોડી નાખી છે અને તેને આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવશે.

પહેલી ટી20 મૅચમાં ભારતનો ન્યૂઝીલૅન્ડ સામે વિજય

પ્રથમ ટી20 મૅચમાં ભારતે મહેમાન ન્યૂઝીલૅન્ડની ટીમને 48 રને પરાજય આપ્યો છે. આ સાથે જ પાંચ મૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ થઈ ગયું છે.

35 બૉલમાં ધુંઆધાર 83 રન ફટકારનારા અભિષેક શર્માને 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યા છે.

નાગપુરના વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમ ખાતે આયોજિત મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 238 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેમાં અભિષેક શર્મા ઉપરાંત રિંકુ સિંહે 20 બૉલમાં 44 રનનો ફાળો આપ્યો હતો.

આ સિવાય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 32 તથા હાર્દિક પંડ્યાએ 25 રન બનાવ્યા હતા.

239 રન બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમ સાત વિકેટના ભોગે 190 રન જ બનાવી શકી હતી.

ન્યૂઝીલૅન્ડની શરૂઆત નબળી રહી હતી અને કેટલીક વિકેટો પડી હતી. એ પછી ગ્લેન ફિલિપ્સ તથા માર્ક ચૅપમૅનની જોડીએ ભારતને પડકાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પોતાની ટીમને વિજયની નજીક નહોતા પહોંચાડી શક્યા.

ફિલિપ્સે (78), ચૅપમૅને (39), ડૅરેલ મિચેલે (28), ટિમ રૉબિન્સને (21) તથા કૅપ્ટન મિચેલ સૅન્ટનરે (20) રન બનાવ્યા હતા.

ભારત તરફથી વરૂણ ચક્રવર્તી અને શિવમ્ દુબેએ બબ્બે, જ્યારે હાર્દિક પંડ્યા, અર્શદીપસિંહ અને અક્ષર પટેલે એકેક વિકેટ ખેરવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન