You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફોન કે કમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચવાની ટેવથી આપણા મગજ પર કેવી અસર થાય છે?
- લેેખક, અંજલિ દાસ
- પદ, બીબીસી માટે
ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહેલું કે વાંચનને કારણે તેમણે જાણ્યું કે તેઓ કોણ છે અને શામાં વિશ્વાસ કરે છે.
વાંચવાની આદત તાણ ઘટાડે છે, મગજને સક્રિય રાખે છે અને તમારી સંવેદનાના સ્તરને સુધારે છે. સાથે જ પુસ્તકોમાં નોંધાયેલ તમામ નવી જાણકારીઓ તો તમને મળે છે જ.
ન્યૂયૉર્કની ધ ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચ પ્રમાણે પુસ્તકો વાંચવાથી વ્યક્તિના સિદ્ધાંતોમાંય બદલાવ આવી શકે છે.
પરંતુ આજકાલ વાંચવાનીની આ પ્રક્રિયા કાગળ કે પુસ્તક પરથી ધીમે-ધીમે કમ્પ્યૂટર, ટૅબ્લૅટ, મોબાઇલ જેવાં ઉપકરણો તરફ આગળ વધતી જઈ રહી છે. ખાસ કરીને કોવિડ મહામારી બાદ તેમાં ભારે વધારો જોવા મળ્યો છે.
ઑન સ્ક્રીન વાંચનના ફાયદા
આમ તો ડિજિટલ માધ્યમ થકી વાંચવાના કેટલાક સ્પષ્ટ લાભ પણ છે, જેમ કે ઓછી કિંમતે વધુ ભાવવાળું હાર્ડ કવર કૉપીવાળું પુસ્તક વાંચવા મળે છે. પરંતુ ઘણાં સંશોધનો અનુસાર તેમાં નુકસાન પણ થાય છે.
બીબીસી રીલ પર પ્રકાશિત કહાણી – ‘વ્હૉટ ડઝ રીડિંગ ઑન સ્ક્રીન ડુ ટુ અવર બ્રેન’ પ્રમાણે ડિજિટલીકરણની અસર પર શોધ માટે 30 કરતાં વધુ દેશોના સ્કૉલર અને વૈજ્ઞાનિકોને એક સાથે લવાયા.
આ સંશોધનનાં પરિણામો અંગે જણાવતાં નૉર્વેની સ્ટવાન્ગર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને લેખિકા એની મેંગેને કહ્યું કે, "અમને જાણવા મળ્યું કે ઘણી એવી વસ્તુઓ છે જે આપણે સ્માર્ટફોન પર વાંચી શકીએ છીએ, જેમાં નાની ન્યૂઝ અપડેટ જેવી વસ્તુઓ પણ સામેલ છે. પરંતુ આ સંશોધનમાં અમને જાણવા મળ્યું કે કાગળ પર વાંચવાની સરખામણીએ સ્ક્રીન પર વંચાતા કન્ટેન્ટને એટલી સરળતાથી સમજી શકાતું નથી."
અમેરિકન બિનસરકારી સંસ્થા ‘સેપિયન લૅબ્સ’ના એક નવા રિપોર્ટ પ્રમાણે ઓછી ઉંમરનાં બાળકોને સ્માર્ટફોન આપવાની વિપરીત અસર તેમની યુવાનીમાં દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાયન્ટિફિક અમેરિકાના પ્રમાણે કાગળની સરખામણીએ જ્યારે આપણે સ્ક્રીન પર વાંચીએ ત્યારે આપણું મગજ વધુ સંસાધનોનો ઉપયોગ કરે છે, સાથે જ જે કાંઈ પણ સ્ક્રીન પર વાંચીએ છીએ, તેને લાંબા ગાળા સુધી યાદ રાખવાનું કામ મુશ્કેલ હોય છે.
તો આપણે શું અને કેટલું વાંચીએ છીએ, તેનાથી વધુ જરૂરી એ છે કે આપણે કયા માધ્યમ થકી વાંચનની પ્રવૃત્તિ કરીએ છીએ. કારણ કે માનવમગજ પર વાંચનની અસર પડતી હોય છે. એ તમારા વિઝુઅલ રિજન, લૅંગ્વેજ રિજન, વિચાર અને લાગણીના રિજનને એક નવા સંબંધ સાથે જોડે છે.
‘બાળકો એ ઇલેક્ટ્રોનિક ગૅજેટના ઉપયોગથી બચવું’
અશ્વિકા ભટ્ટાચાર્ય નવમાનાં વિદ્યાર્થિની છે. તેમના વર્ગમાં હંમેશાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતાં અશ્વિકા જ્યાં એક તરફ પુસ્તકો વાંચે છે, ત્યાં જ તેમનું સ્ક્રીન પર વાંચનનું વલણ પણ વધતું જઈ રહ્યું છે.
આમ તો તેમનાં માતાપિતાએ તેમને વાંચવા માટે કિંડલ ટૅબ્લેટ આપી છે, પરંતુ હવે તેઓ તેમને ફરીથી સંપૂર્ણપણે પુસ્તકો તરફ વાળવા માગે છે.
અશ્વિકાનાં માતા અસીમા કહે છે કે, “અમે સતત એવું વાંચતા રહીએ છીએ કે ગૅજેટ્સનો વધુ ઉપયોગ કરવાથી આંખ પર અવળી અસર થાય છે, તેથી હું મારી દીકરીને ફરી પુસ્તકો તરફ વાળવા માગું છું.”
તેમજ અશ્વિકાનાં જ સહેલી આદ્યા કહે છે કે તમે દરરોજ થોડું-થોડું વાંચન કરી શકો.
તેઓ સલાહ આપતાં કહે છે કે, "તમે તમારા મિત્રો કે શિક્ષકને સારાં પુસ્તક વિશે પૂછો અને તમારા રસ પ્રમાણેનાં પુસ્તકો વાંચો."
લાઇબ્રેરીમાંથીય પુસ્તકો લઈ શકો
બ્રિટિશ કાઉન્સિલની લાઇબ્રેરીનાં સભ્ય આદ્યા કહે છે કે, "એવું જરૂરી નથી કે દરેક પુસ્તક ખરીદીને જ વાંચવું. તમે સ્કૂલ કે તમારી આસપાસની લાઇબ્રેરીનાં સભ્ય પણ બની શકો."
ઇન્ફોસિસ સમૂહનાં ડાયરેક્ટર અને લેખિકા સુધા મૂર્તિ કહે છે કે બાળકોને પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરવાં જોઈએ.
તેઓ કહે છે કે, "આજે બાળકો સામે ધ્યાન ભટકાવવા માટેની ઘણી વસ્તુઓ મોજૂદ છે, જેમ કે ઇલેક્ટ્રોનિક ગૅજેટ. હું ઇચ્છું છું કે બાળકો ઇલેક્ટ્રોનિક ગૅજેટથી આંખને થતા નુકસાનથી બચે."
પદ્મશ્રી સુધા મૂર્તિએ જયપુર સાહિત્ય મહોત્સવ દરમિયાન કહેલું કે, "બાળકો ઓછામાં ઓછું 14 વર્ષની ઉંમર સુધી વાંચે એ વાતે ભાર આપો. આ દરમિયાન માતાપિતાએ પોતાનાં બાળકોને ઇલેક્ટ્રોનિક ગૅજેટ્સથી સંપૂર્ણપણે દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે બાળકો 16 વર્ષનાં થઈ જાય ત્યારે તેઓ આગળ પુસ્તકો વાંચવાનું ચાલુ રાખવા માગે છે કે કેમ એ વાતનો નિર્ણય તેમના પર જ છોડી દો."
વાંચનના ત્રણ ચમત્કારિક ફાયદા
બીબીસીના સહયોગી ડેનિયલ નિલ્સ રૉબર્ટ્સના રીલ ‘વ્હૉટ ડઝ રીડિંગ ઑન સ્ક્રીન ડુ ટુ અવર બ્રેન’માં બ્રિટિશ લેખક અને ઇલસ્ટ્રેટર ક્રેસિડા કૉવેલ જણાવે છે કે વાંચવાથી ત્રણ ચમત્કારિક ગુણો વિકસે છે – સર્જનાત્મકતા, જ્ઞાન અને સહાનુભૂતિ.
તેઓ કહે છે કે, "જો અમુક બાળકને વાંચવું ગમતું હોય તો તેના બે લાભ થાય છે. એક એ કે તેના જ્ઞાનનો વ્યાપ વધે છે અને બીજો એ કે એ આર્થિક રીતેય સફળ થઈ શકે છે."
વાંચવાના ચમત્કારિક ગુણ
- સર્જનાત્મકતા, જ્ઞાન અને સહાનુભૂતિમાં વધારો થાય છે
- મગજમાં વિઝુઅલ, લૅંગ્વેજ, ઇમોશન રિજનમાં નવા સંબંધ બને છે
- વાંચવાથી જ્ઞાન અને આર્થિક વ્યાપ વધે છે
- પુસ્તકો વાંચવાથી મગજ શાંત થાય છે, તણાવ ઘટે છે
- સ્ક્રીન પર વંચાયેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રાખવાનું કામ અઘરું હોય છે
વાંચનની શરૂઆત ક્યારે થઈ?
‘વ્હૉટ ડઝ રીડિંગ ઑન સ્ક્રીન ડુ ટુ અવર બ્રેન’ નામની આ બીબીસી રીલમાં આ અંગે રિસર્ચ સ્કોલર મેરિએન વુલ્ફ જણાવે છે કે વાંચન એક કળા છે, જેની શરૂઆત લગભગ છ હજાર વર્ષ પહેલાં થઈ હતી.
તેઓ જણાવે છે કે, "આની શરૂઆત આપણી પાસે દારૂનાં કેટલાં વાસણ કે ઘેટાં છે, એ પ્રકારની ગણતરીથી થઈ હતી. જ્યારે વર્ણમાલા બનાવાઈ ત્યારે તેના થકી માણસે અમુક વસ્તુઓને વાંચીને યાદ રાખવાની અને જાણકારીઓ હાંસલ કરવાની કળા શીખી."
પુસ્તકો કેમ વાંચવાં જોઈએ?
આર્ટ્સ અને હ્યુમેનિટીના ઍસોસિએટ ડાયરેક્ટર એકૅડેમિક સલાહકાર ડૉ. એમિલિ બુલૉક અને ક્રિઍટિવ રાઇટિંગના લેક્ચરર ડૉ. જોઆન રિયરડન સાથે મળીને બનાવાયેલ બીબીસી રીલ ‘વ્હૉટ ડઝ રીડિંગ ઑન સ્ક્રીન ડુ ટુ અવર બ્રેન’માં બ્લૅક ગર્લ્સ બુક ક્લબનાં ફાઉન્ડર નતાલી કાર્ટર કહે છે કે દરેકે પુસ્તક વાંચવાં જોઈએ.
તેઓ કહે છે કે, "પુસ્તકો આપણા જીવનને અનુભવોથી ભરી દે છે. એ જાણકારીઓથી ભરપૂર હોય છે. એ આપણા સમાજ વિશે જણાવે છે."
નતાલી કહે છે કે, "મને લાગે છે કે ભવિષ્યમાં આપણને નાની કહાણીના સંગ્રહો વધુ જોવા મળશે, સાથે જ પુસ્તકોનો આકાર વધુ નાનો થતો જશે. જો પુસ્તકો નહીં હોય તો આપણે મરી જઈશું, જીવન અત્યંત કંટાળાજનક બની જશે."
બિબ્લિયોથૅરપિસ્ટ એલા બર્થોડ કહે છે કે, "પુસ્તકો ન હોય તો આજે આપણે જે પ્રકારના માણસ છીએ એવા ન હોત. માનવીય જીવનમાં ‘અગ્નિ પેદા કરવાની તાકત’ અને ‘વાંચનનો હુન્નર’ વિકસવાને કારણે સૌથી મોટો બદલાવ થયો."
બિબ્લિયોથૅરપી દ્વારા એક વ્યક્તિની મન:સ્થિતિનો ઉપચાર કરાય છે. તેમાં અન્ય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ સાથે પુસ્તકો વાંચવાનુંય સામેલ હોય છે.
એલા બર્થોડ કહે છે કે, "એક શાનદાર કહાણી વાંચવું એક મનોરંજન કરતાંય વધુ સારું છે. વાંચવાનો એક પ્રકારે ચિકિત્સકીય ઉપચાર જેવો લાભ છે."
એલા ઉદાહરણ આપે છે કે, "કોઈ બંધિયાર જગ્યામાં ગૂંગળામણ જેવું અનુભવાય ત્યારે, થાક અને ક્રોધ જેવી વસ્તુઓ માટે ‘ઝોરબા ધ ગ્રીક’ વાંચવાની સલાહ અપાય છે."
તેઓ કહે છે કે, "તેમાં તમારું મગજ ધ્યાનની સ્થિતિમાં જતું રહે છે. એ એક એવી પ્રક્રિયા છે જે હૃદયના ધબકારાને સંતુલિત કરે છે, આનાથી તમે શાંત થઈ જાઓ છો."