બાળકોના યોગ્ય ઉછેર માટે માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તમે તમારાં બાળકોથી ક્યારેય કંટાળો અનુભવો છો? નાનાં બાળકોનાં માતા-પિતાને આ સવાલ પૂછશો તો જવાબ હંમેશાં “હા” જ મળશે.

ઘરમાં ભલે ગમે તેટલું સારું અને શાંતિપૂર્ણ વાતાવરણ હોય, પરંતુ કોઈક દિવસ બાળકો વધુ પડતા તોફાન કે ઝઘડા કરતાં હોય ત્યારે માતા-પિતા કંટાળી જતાં હોય તે નક્કી છે.

આ બધું સામાન્ય લાગે છે, પરંતુ એ તમારા વ્યક્તિત્વની વિશેષતાને છતી કરે છે. તમારા જીવનને અસર કરે છે.

2018ના એક સંશોધનના તારણ મુજબ, 20થી 30 ટકા લોકો અતિ સંવેદનશીલ (હાઈપર સેન્સિટિવ) હોય છે.

ઘણા લોકો ગંધ, પ્રકાશ અથવા અવાજ પ્રત્યે સેન્સિટિવ હોય છે. એવા લોકોએ આંખોને આંજી નાખે તેવા પ્રકાશની અથવા તો કાન ફાડી નાખે તેવા અવાજની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

તમે કેટલા સેન્સિટિવ છો?

વિવિધ યુનિવર્સિટીઓના વિજ્ઞાનીઓએ સાથે મળીને સેન્સિટિવિટીને માપવા માટે એક નિઃશુલ્ક ઑનલાઇન ટેસ્ટ વિકસાવી છે. તેઓ માને છે કે હાઈલી સેન્સિટિવ હોવું તે કોઈ રોગ નથી, પરંતુ માણસના વ્યક્તિત્વનો એક હિસ્સો છે.

સરળ શબ્દોમાં કહીએ તો તમારી સેન્સિટિવિટીનો આધાર, તમારી આસપાસ જે બને છે તેના વિશેની તમારી પ્રતિક્રિયા પર હોય છે.

સામાન્ય લોકો માટે એ બહુ સામાન્ય બાબત છે, પરંતુ નાનાં બાળકોનાં માતા-પિતા માટે વધુ પડતું સંવેદનશીલ હોવું તે એક મોટો પડકાર છે.

બીબીસીના સંવાદદાતા ફાતિમા ફરહીને આ બાબતે દિલ્હીસ્થિત વરિષ્ઠ મનોવિજ્ઞાની ડૉ. શેખ અબ્દુલ બશીર સાથે વાત કરી હતી.

ડૉ. બશીરે જણાવ્યું હતું કે લક્ષણ અને વિકાર વચ્ચે ફરક હોય છે અને બધાં લક્ષણ વિકાર નથી હોતાં.

તેમણે કહ્યું હતું, “તમારી કેટલીક આદતોની અસર તમારા જીવનને થતી હોય છે. તે વિકાર બની શકે છે.”

ઑનલાઇન ટેસ્ટના વિકાસકર્તાઓ પૈકીના એક, લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના મનોવિજ્ઞાની માઈકલ પ્લુઈસે કહ્યું હતું, “અત્યંત સંવેદનશીલ માતા-પિતા તણાવપૂર્ણ સ્થિતિમાં હોય તો તેની નકારાત્મક અસર તેમના સંતાનના ઉછેર પર થઈ શકે છે.”

સંશોધન દર્શાવે છે કે અત્યંત સંવેદનશીલ માતા-પિતા માટે બાળકના ઉછેરનો પ્રારંભિક તબક્કો ખૂબ જ તણાવપૂર્ણ હોઈ શકે છે. જોકે, બાળક નવ માસનું થાય પછી તેમાં સુધારો થાય છે.

અત્યંત સંવેદનશીલ હોવાના કેટલાક ફાયદા હોવાનું પણ સંશોધનમાં જાણવા મળ્યું છે.

ભારતમાં અત્યાર સુધી આવું બન્યું નથી

માઈકલ પ્લુઈસ માને છે કે અત્યંત સંવેદનશીલ માતા-પિતા તેમનાં સંતાનોની જરૂરિયાતોને સમજવામાં, તેનો ઝડપી પ્રતિસાદ આપવામાં અને જરૂરિયાતોને પહોંચી વળવામાં અગ્રેસર હોય છે.

આ બાબતે ભારતમાં હાલ ચર્ચા થઈ રહી છે, પરંતુ દેશમાં કેટલા લોકો અત્યંત સંવેદનશીલ છે તેના કોઈ સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા નથી.

ડૉ. અબ્દુલ બશીરે જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રકારનું સંશોધન હજુ સુધી થયું નથી. અત્યંત સંવેદનશીલ માતા-પિતાની સંખ્યા મોટી હોવાનું માનવામાં આવે છે.

પેરન્ટિંગ કોચ રિદ્ધિ દેવરાના કહેવા મુજબ, પેરન્ટ્સને ઓછા સેન્સિટિવ કે વધુ સેન્સિટિવ એમ બે ભાગમાં વહેંચી શકાય નહીં. તેનો મોટા ભાગનો આધાર આપણી આજુબાજુના વાતાવરણ અથવા આપણા મૂડ પર હોય છે.

તેમણે ઉમેર્યું હતું કે સેન્સિટિવ હોવું એ ખરાબ બાબત નથી, પરંતુ વધારે પડતું કંઈ પણ અર્થહીન હોય છે.

પેરન્ટિંગ બે પ્રકારનું હોય છે. એક, કાળજીપૂર્વકનો બાળઉછેર અને બે, બાળકનો નિયંત્રણ સાથે ઉછેર. તમે બાળક પર વધારે પડતું ધ્યાન આપો અને કોઈ મર્યાદા નક્કી ન કરો તો તે બાળક માટે નુકસાનકારક બની જાય છે. “વધુ પડતા પ્રેમથી પણ બાળકને નુકસાન થાય છે,” એમ રિદ્ધિએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું, “પરમિસિવ એટલે કે વધારે પડતી છૂટછાટવાળું પેરન્ટિંગ પણ સારું નથી. પરમિસીવ પેરન્ટિંગ એ બાળકોની નાની સમસ્યાઓને જાણવાની નિષ્ફળતા છે. તેનાથી બાળકને ઘણું નુકસાન થાય છે, કારણ કે બાળકો ઘર છોડીને બહાર જાય છે ત્યારે નવા વાતાવરણમાં ઝડપથી એડજસ્ટ થઈ શકતા નથી.”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે છોડના વિકાસ માટે પાણી અને સૂર્યપ્રકાશ મહત્ત્વના છે તેમ બાળકોના ઉછેર માટે કાળજી અને નિયંત્રણ જરૂરી છે. તમારું બાળક ઇલેક્ટ્રિક બોર્ડને સ્પર્શ કરતું હોય તો તેને રોકવાની જવાબદારી તમારી હોય છે.

બાળકો વધારે પડતા સેન્સિટિવ હોય તો?

માતા-પિતાની માફક બાળકો પણ હાઈપર-સેન્સિટિવ હોય તો શું થાય?

રિદ્ધિએ જણાવ્યું હતું કે મોટાં ભાગનાં બાળકો સેન્સિટિવ હોય છે. બાળકોના કિસ્સામાં ચાર બાબત નક્કી હોય છેઃ “એક, મને ગમે તે બધું જ મળવું જોઈએ. બે, હું ગમે તે કરું કોઈ મને રોકી શકે નહીં. ત્રણ, હું કોઈ સ્પર્ધામાં હોઉં તો મને પહેલું સ્થાન જ મળવું જોઈએ. ચાર, મારી પાસે બીજા બધા કરતાં ઉત્તમ હોવું જોઈએ.”

રિદ્ધિના કહેવા મુજબ, માતા-પિતા તેમનાં સંતાનોને જે જોઈતું હોય તે બધું જ આપે અથવા કશું ન આપે તો બાળકો બહુ સેન્સિટિવ બની જાય છે.

પોતાની લાગણી પર નિયંત્રણ કેવી રીતે રાખવું તે સંતાનને શીખવવાની જવાબદારી માતા-પિતાની છે.

વધુ સેન્સિટિવ લોકો ઓર્કિડના ફૂલ જેવા હોય છે, જ્યારે ઓછા સંવેદનશીલ લોકો ડેન્ડેલિયન નામના જંગલી પ્રજાતિના ફૂલ જેવા હોય છે.

આસપાસની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ઓર્કિડનાં ફૂલ ખીલી શકતાં નથી. જેઓ ઓછા સેન્સિટિવ હોય તેઓ ડેન્ડેલિયન ફૂલની માફક કોઈ પણ પરિસ્થિતિમાં સરળતાથી અનુકૂલન સાધી શકે છે.

અતિસંવેદનશીલ હોવાથી સર્વાઇવલનો પ્રશ્ન સર્જાય છે?

રિદ્ધિએ કહ્યું હતું, “બાળકો માટે આપણે દુનિયા બદલી શકતા નથી. તેથી સંતાનોનો ઉછેર તેમની આજુબાજુની દુનિયા સાથેની સંવાદિતામાં કરવો જોઈએ. બાળકો ઘરની બહાર હોય ત્યારે અન્ય લોકો સાથે પ્રેમાળ વર્તન કરવાનું શીખવવું જોઈએ. તેની સાથે આત્મરક્ષણના પાઠ પણ તેમને ભણાવવા જોઈએ.”

પોતાના રક્ષણ માટે તમારામાં ડેન્ડેલિયનના ગુણ પણ હોવા જોઈએ અને અન્ય લોકો સાથે કનેક્શન વિકસાવવા માટે ઓર્કિડના ગુણ પણ હોવા જોઈએ, એમ રિદ્ધિએ ઉમેર્યું હતું.

માતા-પિતા તરીકે તમારાં સંતાનોને પરિસ્થિતિ સાથે કામ પાર પાડવાનું શીખવવું મહત્ત્વનું છે.

રિદ્ધિને કહેવા મુજબ, “તમે તમારા બાળક પ્રત્યે કાયમ કડકાઈ દાખવો તો તેઓ બળવો કરી શકે. નહીં તો તમારે બાળક જે કંઈ કહે તેની સાથે સહમત થવું પડશે. તેની અસર તમારા વ્યક્તિત્વ પર થશે. બાળકોને પ્રતિકાર માટે મજબૂર કરવા કે સતત તમારા નિયંત્રણમાં રાખવા એ પણ સારું નથી.”

માતા-પિતામાં ઓર્કિડ અને ડેન્ડેલિયન બન્નેના ગુણ હોવા જોઈએ, એમ રિદ્ધિએ જણાવ્યું હતું.